રમણી
રમણી
લગ્નજીવનના ત્રીજા વર્ષે તો રમણી ને એનાં સપનાં ભાગીને ભૂક્કો થઈ જતાં હોય એવાં દેખાવા લાગ્યાં. જ્યારે રાજેન્દ્ર સાથે એની સગાઈ થઈ ત્યારે અને આજના દિવસ વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. ત્યારે રાજેશ ખન્ના જેવો દેખાતો રાજેદ્ર આજે અમરેન્દ્ર બાહુબલી જેવો દેખાતો થઈ ગયો હતો. જેટલાં સપનાં સગાઈ પહેલાં જોયાં હતાં એમાનું એક પણ સફળ થાય એવું રમણીને અત્યારે લાગતું ન હતું.
ઉગતા સૂર્યનાં કિરણો મસ્ત અને ગુલાબી લાગે એવાં થોડાંક સપનાં લગ્ન કર્યાં એ દિવસોમાં સારાં લાગતાં હતાં પણ રાજેન્દ્રના સ્વભાવના લીધે ધીરે-ધીરે લાલી કમ અને ક્રોધ વધારે દેખવા માંડયો હતો. નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જવું. વિચાર્યા વગર બોલવું. કારણ વગરની ધમકીઓ આપવી. એ તો કામ ઓછું કરે અને રમણી જે કઈ કામ કરતી એમાં હજાર ભૂલો શોધી કાઢવી એ રાજેન્દ્ર નો કાયમી સ્વભાવ થઈ ગયો હતો.
એક દિવસ રાજેન્દ્ર ઓફિસેથી સાંજે ઘેર આવ્યો તો એને રમણીના ચહેરા પર પીળા અને સફેદ રંગનું દ્રાવણ લગાવેલું જોયું. કાયમ તો રમણી બપોરના સમયે ચહેરા પર લેપ કરતી હતી પણ આજે જરા મોડું થઈ ગયું એટલે એના ચહેરા પર છેક સાંજ સુધી આ લેપ રહી ગયો. સામાન્ય પતિએ ચહેરા પર લેપ જોયો હોતા તો ખુબ ખુશ થઈ ગયો હોત કે મારી પત્ની મારા માટે વધારે ગોરી થવાનો પ્રયાસ કરે છે, પણ આ તો રાજેન્દ્ર એનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો અને રમણી ને ખુબ બોલ્યો, લગ્નના ત્રણ વર્ષ પછી પણ નખરાં છોડવાં નથી. આવાં અનેક અનાપ સનાપ વાક્યો જે રમણીના મન- મગજને ચોટ પહોચાડે એવાં રાજેન્દ્ર બોલ્યો.
એ રાત્રે બન્નેમાંથી એક પણ જમ્યું નહિ. અબોલા સાથે એ રાત્રી પસાર થઈ ગઈ. સવારે ઉઠીને બંને પોતપોતાનું કામપૂર્ણ કરવા લાગ્યાં. બન્ને ને ખુબ ગુસ્સો હતો એક પણ નમતું જોખવા તૈયાર ન હતું. સાડા નવ વાગ્યે રાજેન્દ્ર ચા-નાસ્તો કાર્ય વગર સ્કુટી ચાલુ કરીને એની ઓફીસ તરફ જવા માટે નીકળી ગયો. દરરોજ તો ખાસ કરીને ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં ખાસ પ્રકારે મળીને પછી બહાર પગ મુકતો. કોઈ વસ્તુ ભૂલ્યો ન હોય તો પણ એક વધારોનો આંટો ઘરમાં લગાવતો, આજે તો બંનેનાં નાક ફૂલેલાં હતાં એટલે મીઠી માધુરી વાત થવાનો કોઈ ચાન્સ મળ્યો નહી. ગુસ્સો પ્રેમને ખાઈ જાય છે એ વાક્ય યુગલ માટે આજના દિવસે તો સાચું પડતું લાગતું હતું.
ગુસ્સાથી લાલ ચહેરા સાથે રાજેન્દ્ર સ્કૂટીને વધારે પડતો રેસ આપીને સોસાયટીની બહાર નીકળી ગયો. આ બાજુ રમણી વિચારતી હતી કે મારી કોઈ ભૂલ હોતી નથી છતાં પણ મને ખોટી રીતે ટોર્ચર કરે છે તો આજે તો સાંજે પાછા આવે ત્યારે પણ મારે બોલાવવા નથી. એ મને મનાવે તો બરાબર બાકી મારે એને મનાવવો નથી, એવી પાકી ગાંઠ વાળીને રમણી એના કામમાં પરોવાઈ.
એના પલંગની રંગીન ચાદર ધોવા માટે ખેચતી હતી અને એને શરૂઆતી રાતોમાં અહી આ ચાદર પર કેટલી મસ્તી કરતાં એ યાદ આવી ગયું. એ એના વિચારોમાં હતી અને બારણા પર જોરથી ટકોરા પડયા. રમણી વિચારમાં પડી ગઈ કે અત્યારે આ સમયે કોણ હશે ? એ કામ પડતું મુકીને દરવાજા તરફ ચાલી.
કપડાં કરીને એ દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતાં જ એના પાડોશી શિવુભા સામે ઊભા હતા. એમની આંખો ચકળ-વકળ હતી. સોસાયટીના મુખ્ય રોડ પર એમની કાર ચાલુ હતી અને ડ્રાઈવિંગ સીટ પર એમનો પુત્ર બેઠો હતો. કાયમ મજાકિયા સ્વાભાવમાં બોલતા શિવુભાને આજે બોલવાના હોશ પણ ન હતા, રમણી આવી પરિસ્થિત જોઈને વિચારમાં પડી ગઈ કે કેમ શીવુભા કઈ બોલતા નથી.
થોડીવાર પછી શિવુભા બોલ્યા : “રમણી બેટા રાજેન્દ્ર સ્કુટી પરથી પડી ગયો છે, એને થોડુક લાગી ગયું છે, એ હોસ્પીટલમાં છે મને એની ઓફીસમાંથી ફોન આવ્યો ચાલ મારી ગાડીમાં હોસ્પિટલમાં જઈએ”. શિવુભાની વાઈફને ઘર બંધ કરવાની જવાબદારી સોંપીને ફટાફટ રમણી ગાડીમાં બેસી ગઈ. ગાડી ખુબ સ્પીડમાં જતી હતી પણ રમણી ને અનેક ખરાબ વિચાર આવતા હતા, કેટલું વાગ્યું હશે? ક્યાં વાગ્યું હશે? કોણ હોસ્પિટલમાં લઈ ગયું હશે?
હજી વધારે વિચારો કરે એના પહેલાં તો ગાડી છેક હોસ્પિટલ આગળ જઈને ઊભી રહી. રાજેન્દ્રની ઓફીસના પરિચિત બે મિત્રો બહાર જ ઊભા હતા તેઓ રમણીને સ્પેશીયલ વોર્ડમાં રાખેલા રાજેન્દ્ર પાસે લઈ ગયા. રમણી તો રાજેન્દ્ર જોતા જ રડવા લાગી ગઈ. રાજેન્દ્રના મિત્રો સમજાવવા લાગ્યા કે કઈ ઘણું લાગ્યું નથી. થોડું પગે અને પડતી વખતે હેલ્મેટ તૂટી ગયું એટલું જ બાકી કઈ ખાસ તકલીફ નથી. રાજેન્દ્ર એની આંખો આડા અવળી ફેરવતો હતો એના પરથી રમણી ને લાગ્યું કે સવારનો ઝગડો આ હજી ભૂલ્યો નથી એટલે સરખી રીતે મારી સામું જોતો પણ નથી.
એક અઠવાડીયાની હોસ્પિટલ યાત્રા પછી રાજેન્દ્રે ઘરમાં પગલાં પાડયા. રમણીએ કંકુ ચોખાથી એમનું સ્વાગત કર્યું. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતાં પહેલાં ડોકટરે રમણી ને સલાહ આપી હતી કે મગજને સામાન્ય ઈજા પહોચી છે એટલે આવતા એક સો દિવસ સુધી તમારે બહુ સાચવવું પડશે. સ્મૃતિ પણ ઓછી થઈ ગઈ હતી. બોલવાનું પણ કમ થઈ ગયું હતું.
રાજેન્દ્ર ઘરમાં જ રહીને આરામ કરતો હતો. રમણી આગળની બધી જ વાતો ભૂલી જઈને દિલ દઈ ને સેવામાં લાગી ગઈ હતી. ટાઈમસર દવા અને જમવાનું આપતી હતી, સાથે-સાથે આખા શરીરે માલીશ કરી દેતી હતી એટલે રાજેન્દ્રમાં ઝડપી અને સારા ફેરફાર થઈ રહ્યા હતા.
રાજેન્દ્રને માનસિક કસરતો કરવવા માટે ડોક્ટરની સલાહ અનુસાર રમણી કેટલાક ચિત્રો લેપટોપ પર બતાવી રહી હતી, જેમાં એક યુવાન છોકરી એના ચહેરા પર સફેદ કલરનો લેપ કરીને નાક પર એક લાલ મોટું દડા જેવું લગાવેલું હતું, આ ચિત્ર જોઈને રાજેન્દ્ર પહેલી વાર હસી પડયો, ત્રણ મહિના પછી એના ચહેરા પર હાસ્ય આવ્યું હતું.
આ વાત જ્યારે રમણી એ રાજેન્દ્રના ડોક્ટરને કહી ત્યારે ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા પણ આ ચિત્રના સંદર્ભમાં કોઈ દર્દી આવું વર્તન કરશે એવું એમણે ધાર્યું ન હતું. રાજેન્દ્રના ચહેરા પર જે ચિત્રે હાસ્ય લાવ્યું હતું માટે રમણી એ એના વિષે ગહન ચિંતન કરવાનું શરુ કરી દીધું. પહેલી વાત તો એ યાદ આવી કે એક્સિડન્ટ થાતાં પહેલાં બન્ને ને આ ચહેરા પરના લેપના લીધે ઝગડો થયો હતો, ગુસ્સાના લીધે સ્કુટી વધારે ચલાવી હશે અને કોઈકને ઠોકી દીધી જેના લીધે આ મુશ્કેલી ઊભી થઈ.
આવા ચિત્રની બાબતમાં ઓનલાઈન સર્ચિંગ કરતાં રમણી ને ખ્યાલ આવ્યો કે હૈદરાબાદમાં આવેલા રામોજીરાવ સ્ટુડીયોમાં આવા રંગબેરંગી ચહેરાવાળા લોકો એક શો કરે છે. બીજા મહીને રમણી અને રાજેન્દ્ર રામોજી રાવ ફિલ્મ સ્ટુડીયોમાં ફરી રહ્યાં હતાં. મજાના ફૂવારા, વિશાળ સ્ટેચ્યુ, બગીચાનાં મજાનાં ફૂલો અને આખા ભારતમાંથી આવતા પ્રવાસીઓ આ બધું જોવામાં બન્ને જણ લીન થઈ ગયાં. આછા ગુલાબી રંગની વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી બસમાં બેસીને રમણી અને રાજેન્દ્ર કોઈ બીજી જ દુનિયામાં ફરતાં હોય એવો અહેસાસ કરી રહ્યાં હતાં. વિશાલ રાક્ષસી ચહેરાની વચ્ચે ઊભાં રહીને બન્ને એ મસ્ત તસ્વીરો ખેંચાવી.
લાકડાના બનેલા મંચ પર અદલ એ ચિત્ર જેવી રૂપાળી કન્યાઓ નાચવા લાગી, જેના ચહેરા પર સફેદ અને આખા પીળા કલરના લેપ કરેલા હતા એન નાક પર લાલ કલરનું મોટું દડા જેવું કઈક લગાવેલું હતું, આવું જોયું એટલે રાજેન્દ્ર પણ ખુશ થઈને નાચવા લાગ્યો. એ અડધા કલાક ના શો પછી રાજેન્દ્રની માનસિક હાલતમાં ઘણો સુધારો થઈ ગયો. એનું વિશિષ્ટ હાસ્ય હવે નોર્મલ હાસ્યમાં ફેરવાઈ ગયું હતું.
હવે રમણી ને થતું હતું કે એનો હૈદરાબાદનો ફેરો સફળ થયો છે.