We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

Kantilal Hemani

Inspirational


4.5  

Kantilal Hemani

Inspirational


ભાર

ભાર

4 mins 23.6K 4 mins 23.6K

અઢાર વર્ષના ઉંબરે ઉભેલી મધુલિકાને મનમાં આજે ખુબ જ ખોટું લાગી ગયું હતું. એ નિરાશ વદને બેઠી હતી. શારીરિક રીતે બેઠી હતી પણ મનના ઘોડા તો બહુ આગળ દોડતા હતા. સાવ સામન્ય હતી પણ એની જરાક ઓછી શક્તિને લોકો નબળાઈ સમજી બેઠા હતા. લોકો પાછાં કોઈ બહારના હોય તો કદાચ ખોટું પણ એ ન લગાડોત,પણ જેમના લીધે ખોટું લાગ્યું હતું અને મન આળું લાગતું હતું, એ બધા જ લોકો એના પરિવારના હતા.

નામ તો એનું મધુલિકા જ હતું એને પણ આ નામ બહુ વ્હાલું લાગતું હતું, ઘરના સભ્યો વધારે વ્હાલ કરવા માટે એને હમેશાં મધુ કહેતાં કેટલીક વાર તો મધુડી કહીને પણ બોલાવતાં, એની મમ્મી કોઈ કામની ખુબ ઉતાવળમાં હોય તો એમ પણ બોલે કે “ ક્યાં મરી ગઈ મધુડી” જો કે મધુ પણ સમજાતી હતી કે એ જીવે છે એટલે જ લોકો કહે છે કે કયાં મરી ગઈ ? મધુને આજનું અપમાન મરી જવા જેવું લાગતું હતું.

હજી તો ગઈકાલે મધુ હોસ્ટેલમાંથી ઘેર આવી હતી. એના વતનથી એકસો વીસ કિમી દૂર આવેલા જીલ્લા મથક પાલનપુરની એક કન્યા હોસ્ટેલમાં રહીને એ અભ્યાસ કરતી હતી. એનો ધોરણ બાર નો અભ્યાસ પૂરો થઇ ગયો હતો અને ઉનાળુ વેકેશનમાં એ ઘેર આવી હતી.

મધુનું ઘર ખેતરમાં જ આવેલું હતું. આજે ઘેર બે મહેમાન પણ આવેલા હતા, ભેંસો બાંધેલા આંબાની નીચે એ લોકો ખાટલા પર બેઠા હતા. એના પપ્પા વિરસંગભાઇ એને મોટોભાઈ મહેમાનોની આગતા-સગતામાં હતા. આ આંબાથી વીસેક મીટર દૂર એક મજૂર લીલું ઘાસ કાપી રહ્યો હતો. એણે ઘાસ કાપીને એનો એક ભારો બાંધ્યો, આ ભારાને એ એકલો માથા પર ઊંચકી શકે એમ ન હતો એટલે એણે ઘર તરફ જોઇને બૂમ પાડી, “ એ ભારો ઉપડાવવા આવજો”

 મજૂરનો અવાજ સાંભળીને  મધુની મમ્મીએ કહ્યું “બેટા ભારો જરાક ઊંચો કરાવતી આવ તો” મહેમાનોના ખાટલા પાસેથી પોતાનો પંજાબી ડ્રેસ જરા સરખો કરીને ભારો ઉપડાવવા મધુ ચાલી. લીલા ઘાસનો ભારો મધુની ધારણા કરતાં ઘણો વજનદાર નીકળ્યો. ખાસી બધી તાકાત કરી પણ મધુ અને મજૂરથી આ ભારો ઊંચો થયો નહિ. મહેમાનોની સાથે ઘરનાં બધાં હસવા લાગ્યાં કે સિટીના ભાત ખાનારાં છોકરાં ભારા ઊંચા ન કરી શકે. આ અટ્ટહાસ્ય મધુના કાનોમાં અળવાણા પગમાં લગતા કાંકરાની જેમ લાગી ગયું. થોડીવાર પછી વિરસંગભાઇ એ જઈને ભારો મજૂરને ઉપડાવી દીધો પણ મધુના મન પર આ ભારો બહુમોતું ભાર મુકતો ગયો.

 મધુ સમસમીને પાછી ઘેર આવી ગઈ પણ ક્યાંય સુધી સુનમુન બેસી રહી. આના કરતાં તો વધારે નિરાશ થવાનો સમય તો એના પછીના દિવસે આવ્યો. જ્યારે મધુને સમાચાર મળ્યા કે જે મહેમાનો આવ્યા હતાં તે એની સગાઇ માટે એટલેકે એને જોવા માટે આવ્યા હતા. જ્યારે મહેમાનોને એમ લાગ્ય કે - કન્યા ભારો ઉપડાવી શકતી નથી એ પરિવારનો ભાર કઈ રીતે ઉપાડી શકશે ? આ ભારાએ એની સગાઈ થવા દીધી નથી એ વાતની જાણ જયારે મધુને થઇ ત્યારે તો એનું અડધું લોહી સૂકાઈ ગયું.

ઉનાળુ વેકેશન પૂરું થતાં જ મધુ બિસ્તરા-પોટલાં સાથે કોલેજનો અભ્યાસ કરવા માટે પાલનપુર આવી ગઈ. આ વખતે મધુ ઘેરથી નીકળી ત્યારે મનને ખુબ સમજાવીને નીકળી હતી કે ભાત ખાઈને બપોરે આરામ કરવો નથી પણ શરીરને પણ મજબૂત બનાવવું છે.

 કોલેજના બુલેટીન બોર્ડ પર પહેલા જ અઠવાડિયે એક જાહેરાત મધુએ વાંચી. આ જાહેરાત પર એ બે દિવસ સુધી વિચાર કરતી રહી કે મારે કયો રસ્તો પસંદ કરવો. જાહેરાત એવી હતી કે આંતર-કોલેજ રમતોત્સવ યોજાવોનો હતો એના માટે ગમતી રમતમાં નામ નોધાવવાનાં હતાં. કબડ્ડી,ખો-ખો,બેડમિન્ટન, વેઇટ લીફટીંગ, ચેસ આ રમતો માટે અલગ-અલગ જગ્યા એ નામ નોધાવવાનાં હતાં.

 મધુલિકા એ નામ નોધાવતાં પહેલાં કોલેજના ‘બેઝમેન્ટ’ માં આવેલા વિશાલ સ્પોર્ટસ હોલની મુલાકાત લીધી. અહી મધુએ બધીજ રમતોની ઝીણીઝીણી માહિતી લીધી. એ પછી એના મન-મગજને સમજાવીને “વેઇટ લીફટીંગ” ના કોચ રાજેશ સર આગળ હસતા ચહેરે જઈને ઉભી રહી. “સર મારે વેઇટ લીફટીંગ માં ભાગ લેવો છે” રાજેશ સરના ‘વેલ કમ દિકરા’ એવા પ્રેમાળ વાક્ય સાથે શરુ થઇ ટ્રેનીગ.

યુવાન છોકરીઓને પણ પ્રેમથી ‘દિકરા’ કહીને બોલાવતા રાજેશ સર આ રમતમાં છેક નેશનલ સુધી રમીને આવેલા. એમની પણ ઈચ્છા હતી કે દર સાલ એમનો એકાદ શિષ્ય તો સ્ટેટ કે નેશનલ સુધી જાય. “ જો શિષ્યની તૈયારી હોય તો આ ગુરુ એમનાથી થઈ શકે એટલી બધી જ મહેનત કરશે” એવું તેઓ હમેશાં કહેતા. રાજેશ સર ની ટ્રેનીગ આપવાની રીત સારી હતી જેના લીધે આ રમતમાં દિવસે દિવસે કોલેજની નામના વધતી જતી હતી.

યોગ્ય કસરત,ખાન-પાન અને વિધિવત તાલીમના લીધે મધુલીકાએ એના ગુરુ અને કોલેજ્નું નામ ઝળહળતું કરી દીધું હતું. આંતર-કોલેજ રમતોની સ્પર્ધા પૂરી થઇ એના બીજાં દિવસના સમાચારપત્રો માં ફોટા સહીત વિશેષ રમતગમત વિભાગમાં મધુલીકાનું નામ સ્ટારની જેમ ચમકતું થઇ ગયું હતું.

 બે વર્ષમાં રાજ્ય લેવલે અવ્વલ આવવાના લીધે મધુલિકા ટીવી પર દેખાતી થઈ ગઈ હતી. એના ગામ અને ઘરના લોકોએ જ્યારે એને ટીવી પર જોઈ ત્યારે બધા કહેવા લાગ્યા કે ‘એતો મારા ગામની છોડી હો’ હવે તો એના નામ પર બધા જ ગામ લોકો ગર્વ લેવા લાગ્યા.

 મધુલિકાનાં પરિવારવાળાં વિચારતાં હતાં કે હજી તો હમણાં સુધી જે એક ભારો પણ ઉપાડી શકતી ન હતી એ આખા રાજ્યમાં સૌથી વધારે ભાર ઉપાડવાવાળી વ્યક્તિ બની ગઈ હતી. એક વર્ષ પછી પોસ્ટ વિભાગે સ્પેશીયલ રીતે મધુલિકાની પસંદગી કરીને એને નોકરીમાં રાખી લીધી. આવી રીતે આર્થિક રીતે સધ્ધર થઈને મધુલિકા એ એના પિતા વિરસંગભાઇનો ભાર પણ ઓછો કરી દીધો હતો.


Rate this content
Log in

More gujarati story from Kantilal Hemani

Similar gujarati story from Inspirational