કડવો ધુમાડો
કડવો ધુમાડો


સંધ્યા પોતાની પૂરી મસ્તીમાં ચાલી જતી હતી, એની ઊંમર જ એવી હતી કે મસ્તી અને ચાલ એક બીજામાં ભળી ગયાં હતાં. યુવાનીના દિવસો અને કોલેજમાં જવાનું એટલે મસ્તી અને ચાલમાં બાકી કઈ રહે ? આવા ગુલાબી દિવસોમાં સંધ્યા સવારે કોલેજમાં પ્રવેશી એટલે એની નજર એક છેલબટાઉ જવાનીયા પર પડી, એ પોતાની નવી નકોર બાઈક પર આડો બેસીને સિગરેટ પીવામાં મસ્ત હતો.
સંધ્યા સાથે વાત કરવાનો યુવાન કોલેજીયનો એક પણ મોકો જવા દેતા ન હતા, પણ મનમોજી સંધ્યા કોઈને ભાવ આપતી નહિ એ અને એની મસ્તી બીજી કોઈ વાત નહી, કોલેજમાં આવ્યાના ચાર મહિના પછી એણે કોઈ યુવાનને આંખના ખૂણામાંથી જોયો હતો. સંધ્યા માટે સીધી આંખે જોવું અને આંખના ખૂણેથી જોવું એ બે બાબતોમાં ઘણું બધું અંતર હતું. આ અંતરના લીધે સિગરેટના ધુમાડા ઉડાડતો યુવાન એનો આંખોંમાં વસી ગયો હતો એમ કહીએ તો ચાલે, હવે સંધ્યાએ એ નક્કી કરવાનું રહ્યું કે એ આંખોમાં જ રહે છે કે સપનામાં કે પછી વાસ્તવિક જીવનમાં. . !!!
સંધ્યાએ એની બહેનપણીઓ દ્વારા જાણી લીધું કે સિગરેટના ધુમાડા સાથે મસ્તી કરનારો એ યુવાન શહેરના ધનાઢ્ય પરિવાર સાથે તાલુક રાખતો હતો, પરિવારનો મુખ્ય વારસદાર અને રૂપિયાની રેલમછેલ વચ્ચે ઉછરેલ આકાશ સોહામણો અને સુંદર હતો, આ બે ગુણ ન હોય તો સંધ્યાની આંખમાં ક્યારેય પણ વસી ના શકાય. . !!
સંધ્યા એના વિષે વિચારવા લાગી કે એને તો તમાકુ અને ધુમાડાથી બિલકુલ લગાવ નથી તો આ ધુમાડાના ગોટેગોટા ઉડાડનાર સાથે દોસ્તી કઈ રીતે જામશે ? બીજે દિવસે આકાશ સાથે મધુર મુલાકાત એક રેસ્ટોરન્ટમાં થઇ, મુલાકાત સફળ રહી કારણકે હવેથી જ્યારે પણ કોલેજમાં આવીશું એટલે દરરોજ મળીશું એવા કોલ અને એક બીજાની વાતોની યાદો સાથે બંને છૂટાં પડયાં હતાં.
સંધ્યા અને આકાશની મુલાકાતો એ ક્યારે એક બીજાને જીવનસાથી બનાવી દીધા, એ વાતની એમને ખ્યાલ જ ન રહ્યો, સતત મુલાકતો પછી એવો સમય આવી ગયો કે બન્ને એક બીજાં વગર રહી શકતાં ન હતાં. પછી એમણે પરિવારના સભ્યોની અનુમતી લઈને ભવ સાગરમાં એક બીજાનાં સાથી બની ગયાં. આ મધુર સમય ક્યારે વહી ગયો એ વાતની એમને ખબર જ ન રહી, કારણકે સુખ નો સમય ખુબ જ ઝડપી પસાર થતો હોય છે એ વાતની એમને હવે ખબર પડી.
એક દિવસ સંધ્યા આકાશને સિગરેટ નાં ધુમાડા સાથે રમતી જોતી હતી અને એના ભૂતકાળમાં બનેલા એક બનાવને યાદ કરવા લાગી, એક વખત એ બસમાં મુસાફરી કરી રહી હતી અને કોઈ ગામડિયો ખાખી બીડી સળગાવીને પીવાની હજી તો શરૂઆત કરી એટલામાં તો એણે સખ્ત વિરોધ નોધાવીને એની કિંમતી અને ખુબ તલબ વાળી બીડી બસની બારીમાંથી બહાર ફેકાવી દીધી હતી.
હવે સંધ્યા આજના દિવસે વિચારી રહી હતી કે એ પણ આકાશની સાથે રહીને સિગરેટના અદ્રશ્ય ધુમાડાની બંધાણી થઇ ગઈ હતી. આ સફેદ ધુમાડામાં જ એને રંગીન સપનાં જોયાં અને સાકાર કર્યાનો આનંદ હતો, શરૂઆતમાં જે ધુમાડો કડવો લાગતો હતો એની સુગંધ આજે તો એને પણ મીઠી લાગવા માંડી હતી. ઘણીવાર તો આકાશને સિગરેટ પીવાની વાર થઇ ગઈ હોય તો એ જાતે બોક્ષ લાવી આપતી અને લાઈટર જલાવીને એની સિગરેટના મુખ આગળ રાખતી.
આજે તો સાંજના સમયે આકાશે સંધ્યાને સિગરેટ પીવાની ઓફર કરી અને એણે એ ઓફરનો સહર્ષ સ્વીકાર કરીને આકાશની સ્ટાઈલથી ધુમાડા કાઢીને એને જ બતાવી દીધા, આ દ્રશ્ય જોઇને આકાશ પણ અચંબામાં પડી ગયો.
આકાશ અને સંધ્યાના જીવનમાંથી ધુમાડાની જેમ ખુશીઓ એ દિવસે ઉડી ગઈ કે શહેરના એક નિષ્ણાત ડોકટરે આકાશને કેન્સરનો દર્દી જાહેર કર્યો. સાંજે ઘેર આવીને બન્ને એક બીજાને જોઈ રહ્યાં,હવે એમને એ વાતનો ખ્યાલ આવી રહ્યો હતો કે દરરોજ એ લોકો સિગરેટ જલાવતાં ન હતાં પણ સિગરેટ એમનું જીવન જલાવી રહી હતી, આ બ્રહ્મ જ્ઞાન એમને બહુ મોડું થયું, હવે તો આકાશ જીવનના એ કિનારે આવી ગયો હતો જ્યાંથી મૃત્યુ બહુ દુર ન હતું. સિગરેટ બન્ને ના જીવનનો રસ સૂકવી નાખ્યો હતો, હવે કેન્સર એ તબક્કામાં હતું કે આ વ્યસન છોડી દેવાનો પણ કોઈ અર્થ હતો નહિ, આકાશ સિગરેટ છોડે કે ન છોડે આ શરીર છોડવાનો સમય એના માટે આવી ગયો હતો.
એક દિવસ આકાશ સિગરેટના ધુમાડા કરતાં વધારે મોટા ધુમાડામાં વિલીન થઇ ગયો. સ્મશાનમાં ગયેલા ડાઘુઓ અંદરોઅંદર વાતો કરતા હતા કે “ આકાશ તો સળગી રહ્યો છે તો પણ એના શરીરમાંથી આવતો ધુમાડો બહુ કડવો છે”. બીજા એ જવાબ આપ્યો કે સંધ્યા એની સાથે હતી ત્યારે પણ એને કડવા ધુમાડાનો અનુભવ થાતો જ હશે, પણ આકાશ વગરનું જીવન સંધ્યા માટે પણ કડવા ધુમાડા જેવું થઇ ગયું હતું એની એમને ક્યાં ખબર હતી !!