કાળો ઘોડો
કાળો ઘોડો


ઘોડાઓ રેવાલ ચાલમાં ચાલી રહ્યા છે, એમની એક્ધારી ચાલના લીધે ધૂળની ડમરીઓ ઊંચે આકાશમાં ચડી રહી છે, આ ઉડતી ધૂળ રાજવીરના દેખાવ અને નાકને હેરાન ન કરે એટલા માટે એણે રેશમી રૂમાલ એના ચહેરા પર કસીને બાંધી રાખ્યો છે. રાજવીરના મનમાં આજે એક અજબ પ્રકારનો ઉત્સાહ છે,એને એ વાતનો આનંદ છે કે હવે અડધા દિવસની મુસાફરી પછી એના છ ઘોડા સાથે મહોબતગઢ માં પહોંચી જશે.
રાજવીરની ત્રીસ વર્ષ ની ઉંમરમાં મહોબતગઢમાં જવાનો આ પહેલો પ્રસંગ હતો. એના બાપદાદોનો વ્યવસાય ઘોડા ઉછેરીને વેચવાનો હતો. એ જ રીતે આજે રાજવીર ઘોડાઓ વેચવા માટે ઘેરથી નીકળી ગયો હતો. એની પાસે આજે છ ઘોડા હતા, બધા જ ઘોડા જાતવાન અને સુંદર હતા.
રાજવીર જ્યારે ઘોડાની ઘોડારમાં ગયો ત્યારે ત્યાં એના પિતા મહાવીર પણ હાજર હતા,રાજવીરે જ્યારે નક્કી કર્યું કે તે છ ઘોડા લઇ જાશે, ત્યારે એના પિતાજીએ કહ્યું કે “બેટા જે લઇ જવા હોય લઈ જા પણ આ કાળો ઘોડો ન લઇ જતો, હું બે મહિના પહેલાં લઇ ગયો હતો તો પણ વેચ્યા વગર પાછો લઈને આવ્યો હતો.” રાજવીર કાળા ઘોડાની કેશવાલીને હાથથી પંપાળતા-પંપાળતા બોલ્યો “ બા જી મારો વિચાર જરાક અલગ હતો.” રાજવીર હમેશાં એના પિતાને બા જી કહીને બોલાવતો. એમની બન્ને ની વાતો ચાલુ હતી અને રાજવીર ઘોડાનાં પલાણ સરખાં કરીને બોલ્યો કે “ બા જી આ કાળાને જ પહેલો વેચવો છે.”
એક કાળો ઘોડો અને પાંચ આછા બદામી રંગના ઘોડા લઈને રાજવીર મહોબતગઢ ના રસ્તે હતો. રાજવીરની ધારણા હતી કે આથમતા દિવસે એ મહોબતગઢ પહોંચી જાશે. પણ એની ધારણા ખોટી પડી એકાદ ગાઉ દૂર રહ્યો અને સુરજ નારાયણ ધરતીની બીજી બાજુ ઢળી ગયા. રાજ્વીરને ખ્યાલ હતો કે સાંજ પડે એ જ સમયે કિલ્લાનું મુખ્ય દ્વાર બંધ થઇ જાય, માટે અહી સૂઈ જાઓ કે કિલ્લાના કમાડ આગળ સૂઈ જાઓ એ બન્ને વાત સરખી જ હતી. બધાજ ઘોડા એની આસપાસ બાંધીએ એ વચ્ચેના ભાગે સૂઈ ગયો.
વહેલી સવારે ઉઠીને કાળા ઘોડા પર બેસીને પ્રયાણ કર્યું મહોબતગઢ તરફ. આગળ એનો કાળો ઘોડો પાછળ આછા બદામી રંગના પાંચ ઘોડા એક બીજાને બાંધેલા છે, પવનથી ઘોડાની કેશવાળીઓની સાથે રાજવીરના કપડાં પણ ફરફરી રહ્યાં છે. દોડતાં ઘોડા અને આગળના ઘોડાનો સૌથી અલગ રંગ કિલ્લાની રાંગ પરથી આ દ્રશ્ય અદ્ભુત લાગતું હતું.
રાજવીર કિલ્લાની નજીક ગયો એટલે તરત જ મોટું કમાડ ખુલ્યું. કિલ્લાની અંદરનું દ્રશ્ય જોઇને રાજવીરની આંખો ચાર થઇ ગઈ. ઘણા બધા લોકો હાથમાં રંગતાજાં ફૂલ લઈને ઊભા હતા. કેટલાક લોકોના હાથમાં વાજિંત્રો હતાં. શસ્ત્ર સજ્જ હારબંધ ઉભેલા સૈનિકો આ બધું જોઇને રાજવીર તો અવાચક બની ગયો. એ અનેક રજવાડામાં ગયો હતો પણ એનું આવી રીતે કોઈએ ક્યારેય સ્વાગત કર્યું ન હતું. એ અંદર પ્રવેશ્યો પણ સ્વાગત માટે ઉભેલા લોકો બિલકુલ હાલ્યા પણ નહિ હવે રાજ્વીરને ખ્યાલ આવ્યો કે આ લોકો એના સ્વાગત માટે નથી ઊભા પણ કોઈક બીજાં કામ માટે ઊભા લાગે છે.
થોડો આગળ જઈને રાજવીર એના ઘોડાઓ સાથે ઊભો રહી ગયો અને આગળ ચાલ્યા પછી એક નગરજન એને સામે મળ્યો એની પાસેથી મહામંત્રીના નિવાસની માહિતી મેળવીને સડસડાટ નીકળી ગયો. ત્યાં પહોચ્યા પછી સમાચાર મળ્યા કે મહામંત્રી હાજર નથી એ કિલ્લાના મુખ્ય દ્વાર પર ગયા છે, પણ સેનાનો એક અધિકારી આવીને ઘોડા જોઇને ચાલ્યો ગયો. થોડીવારમાં એક માણસ આવીને પાંચ ઘોડાની રકમ એને આપી ગયો.
રાજવીર બોલ્યો કેમ પાંચ ? સામેથી જવાબ આવ્યો કે અમારી રાજકુમારીને કાળો ઘોડો બિલકુલ પસંદ નથી. તમે સવારે આવ્યા ત્યારે જો કાળા ઘોડા પર બેઠા ન હોત તો એ તમારી સાથે લગ્ન પણ કદાચ કરી લીધાં હોત. સવારે જયારે તમે મુખ્ય દરવાજે આવ્યા ત્યારે રાજ્કુમારીજી પણ આતમને જોઈ રહ્યાં હતાં. આ કાળા ઘોડાના કારણે એની આખી બાજી બગડી ગઈ છે એ વાત જાણ્યા પછી એના મન પર નિરાશાના ઓછાયા ઉતરી ગયા.
નિરાશ વદને રાજવીર એના કાળા ઘોડા સાથે મહોબતગઢમાંથી બહાર આવ્યો અને ઘોડાને કહેવા લાગ્યો “ અલ્યા તું તો એકલો રહી ગયો મને પણ એકલો જ રાખ્યો” આવું બોલીને એના કાળા ઘોડાને દોડાવી મૂક્યો એના ગામ તરફ.