કાગડા ઈ કાગડા
કાગડા ઈ કાગડા
સવારમાં જ માયા એનો ફોન લઈને લાંબી વાતો કરવા માટે બારી પાસે પગ મુકીને બેસી ગઈ હતી. માયા એના નામ પ્રમાણેનું માયાવી વ્યક્તિત્વ ધરાવતી હતી. એના બાપની એકને એક દીકરી અને પાછી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી તેજસ્વી યૌવના હતી. દેખાવમાં પણ તેજ તરાર. આવી માયા પોતાની માયા ઝાળ ફોનમાં ફેલાવી રહી હતી. રામદેવપીરની માયાવી ગોદડીનો કદાચ પાર આવી શકે પણ આજના યુગનાં યુવાન માણસોનો ફોન પર અંત આવેજ નહિ, જો બેટરી બેસી જાય એમ હોય તો ચાર્જરનું દોરડું લગાવીને એને અનુરૂપ પોતાની બેઠક લઇલે પણ વાત ને કપાવા ન દે !
માયાની વાતોથી ઘર પરિવારનાં માણસો પરિચિત થઇ ગયાં હતા એટલે એ લોકો કોઈ વિક્ષેપ પડે એવું કામ કરતાં નહી. આજે બપોરના સમયે એનાં દાદીમા એના પાસે બેસવા માટે આવ્યાં. ઇસારાથી એમ સમજાવ્યું કે મારે તારી સાથે વાતો કરવી છે. એટલે માયા એની કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવી. બાકી જ્યારે માયા તો શું પણ કોઈ પણ માયા લગાવી બેઠું હોય એવું માણસ ફોનની દુનિયામાં ખોવાય એટલે પૂરું !! આસપાસ વિષે કઈ જ વિચારે નહિ અને સમજે પણ નહિ.
માયા દાદીમા સાથે વાતો કરવા લાગી ત્યારે બિચારા ફોનને અને કાનને આરામ મળ્યો. એનો કાનનો ઉપરનો ભાગ ગરમ થઇ ગયો હતો એની ખબર માયાને ફોન મુક્યા પછી પડી. દાદીમાએ એમના જમાનાનો યાદોનો મોટો પટારો ખોલ્યો. ઇતિહાસની રસીક માયાને દાદીમાની વાતોમાં રસ પડી ગયો. બધી વાતોની વચ્ચે માયાએ દાદીમાને “બિલિયન ડોલર” નો પ્રશ્ન પૂછયો ,હે ! મા તારા જમાનામાં ફોનની માયા ઝાળ કેવી હતી ? બોખા દાંતમાં મજાનું હાસ્ય લાવીને દાદીમાએ કહ્યું બેટા એ વાતો તો યાદ ન કરાવે તો સારું. . !
દાદીમાએ ખાલી-ખાલી ના પાડયો એ માયાને ગમ્યો. એને એ વાતનો પણ ખ્યાલ આવી ગયો કે દાદીમાની વાતમાં જરૂર મસાલો મળી રહેશે ! દાદી માએ વાતની શરૂઆત કરતાં કહ્યું કે
'મારા પિયરમાં સત્તર ઘરની વચ્ચે એક અને માત્ર એકજ ફોન હતો.'
માયા વચ્ચે બોલી ‘આવું કઈ રીતે હોઈ શકે ?
'એ સમય જ એવો હતો. દોય્ડા વાળા ફોન હતા. સત્તર ઘરમાંથી સોળ ઘરવાળા એના સબંધીઓને એ નમ્બર આપતા અને કૌંસમાં પી. પી. એવું લખીને આપતાં. એટલે સબંધીઓ પણ સમજી જતા કે બે વાર ફોન કરવો પડશે. પહેલીવાર એને બોલાવીને ફોન સુધી લાવવા માટેનો અને બીજીવાર વાત થતી. ઘણી વાર તો કોઈને કહેવાની વાત કોઈ બીજુંજ સાંભળીને ચાલ્યું જાતું. પાછો એનો પણ સુધારાનો ફોન આવતો.'
દાદીએ કપડાં સરખાં કરીને આગળની પોતાના અનુભવની વાત કરી. 'પાડોશી ખુબ હોશિયાર હતો. યુવાન છોકરીઓની વાત ખાનગીમાં સાંભળવા માટે એક વધારાનું ડબલું ઘરના અંદરના ભાગમાં રાખતો. પછી મારા જેવી છોકરી જેટલી વાર એના ઘરની આગળથી નીકળતી એટલી વાર એજ શાયરીઓ અને જોક્સ બોલતો. મને જયારે ખબર પડી કે આ પી. પી ફોનમાં જરાય ખાનગી વાત રહેતી નથી ત્યારથી મેં તારા દાદા સાથે એ પી.પી ફોન પર વાત કરવાની બંધ કરી દીધી.
જ્યારે મારા પોતાનાં ઘેર પોતાનો ફોન આવ્યો ત્યારે મનભરીને વાતો કરી. એ લાલ રંગના ડબલા પર ઘેરા અવાજમાં ઘંટડી વાગતી એ મને બહુ ગમતી. હે છોડી ! તે તમારી આ ગલગલીયા વાળી વાતો વચ્ચે કોઈ સાંભળી શકે ? માયાએ ધાર્યો ન હતો એવા પ્રશ્નનો એને દાદીમાં તરફથી સામનો કરવો પડયો.
'અરે માં ! એવું હોતું હશે. જો મારી આંગળી અડે નહીને ત્યાં સુધી તો મારો ફોન ખુલે પણ નહિ. સાંભળવાની તો વાત છોડમાં અંદરનો એક ફોટો પણ મારી મરજી સિવાય કોઈ જોઈ ન શકે. . !
આ વાતને ચારેક દિવસ થયાને દાદીમાને પાકા સમાચાર મળ્યા કે માયાનો ફોન હેક થઈ ગયો હતો. એની વાતો, ફોટા અને વીડીયા તો કોઈ હેકર અદૃશ્યતાથી લઈને જતો રહ્યો હતો, એના સિવાય બેન્કમાં પડેલા પૈસા મોબાઈલ દ્વારા લઇ લીધા હતા.
દાદીમાં એ માયાને શિખામણ આપી કે બેટા તમે કેતાતા કે અમે ખુબ આગળ પડતાં લ્યો ! કેટલાં આગળ નીકળી ગયા નહી ? બટીયા કાગડા તે’દિ પણ હતાં ને આજે પણ છે. કાગડા ઈ કાગડા શખે જીવવા દે ની. . . માયા અનિમેષ નયને દાદી સામે જોઈ રહી.