અતીત
અતીત


સાઈઠ વર્ષીય શૈલજાને આજે અતીત વાગોળવાનો ભરપુર સમય મળી ગયો હતો. આમેય નિવૃત્તિ પછી સ્મરણોને તાજાં કરવા સિવાયનો બીજો કોઈ કામધંધો એની પાસે હતો નહી. યાદોનું ઘોડાપુર એને કહ્યા વગર જ એના મન-મસ્તિષ્ક નો કબજો લઇ લેતું હતું. ઘણીવાર એ એની સાડીના પાલવથી નકામી અને ન ગમતી યાદોથી પીછો છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી. એની યાદો સાવ સહજ ન હતી કે પાલવના જાટકેથી એનો કેડો મૂકી દે..!!
ગુલાબી સાડી પહેરીને બેઠેલી શૈલજા બેન્કમાં નોકરી કરતી હતી. આખી ઉંમર કિંમતી નોટો જ ગણી હતી, પણ અમુલ્ય સમય ક્યારે પસાર થઇ ગયો એનું કઈ ધ્યાન જ ન રહ્યું. બેન્કમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ લઇ લીધી પણ ગઈ યાદોના વિચારોમાંથી નિવૃત્તિ લેવી અશક્ય હતી, એ વાત એને સમજાઈ ગઈ હતી.
માથેરાનના એક સરકારી બગીચામાં બેસીને એ વિચારોને વાગોળી રહી હતી. એના માટે આ બગીચો પ્રિય સ્થાન હતું. આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં એના મિત્ર કોનાર્ક સાથે અહીં એ બે વખત આવેલી.એના પછી બન્ને રાજીખુશીથી દૂર જ રહ્યાં કે હમણાં સમય મળશે અને સાથે રંગીન પળ ખુશીયાના ગીત સાથે વિતાવશું, એવો વિચાર બન્ને જણે કરેલો., પણ જ્યારે શૈલજાને સમય મળ્યો ત્યારે કોનાર્કને ફુરસદ ન હતી અને જયારે કોનાર્કે આગ્રહ કર્યો ત્યારે કદાચ શૈલજાનો અહમ નડી ગયો. આવા નાના-નાના મુદાઓમાં જીવનનો છેક કિનારો આવી ગયો. કિનારે આવ્યા પછી ખબર પડી કે જે તરવાનો લુફ્ત ઉઠાવવાનો હતો એ તો રહી ગયો. હવે આ બગીચામાં બેઠી –બેઠી શૈલજા રંગીન ફૂલોને એકલી જોઈ રહી છે ત્યારે એને કોનાર્ક ખુબ યાદ આવતો હતો.
શૈલજા ઘર તરફ જવાનો વિચાર કરે છે એ એની બાજુમાં મોબાઈલમાં મોં રાખીને બેઠેલા એના નવ વર્ષીય પૌત્ર રોનક ને કહે છે કે “બેટા તું આખો દિવસ મોબાઈલની ગેમ કેમ રમે છે” મોબાઈલમાંથી થોડીવાર નજર હટાવીને રોનક બોલ્યો : શું કરું મા સમય જ પસાર થતો નથી ને ?
શૈલજા મનમાં ને મનમાં બોલી : બેટા આ તો મારો પ્રશ્ન છે.