પારેવા ધોધ
પારેવા ધોધ


આનંદ અને ખુશીઓની ધમાચકડી બે-ચાર મીનીટમાં તો રોક્કળ અને ડરની કીકીયારીઓમાં ફેરવાઈ ગઈ. કોણ કઈ દિશામાં દોડી રહ્યું છે એનું કોઈને ભાન ન હતું. મધમાખીઓના ઝેરી ડંખથી બચવા માટે કોઈ નીચે બેસી ગયું હતું તો કોઈ હાથરૂમાલ કે ટોપીથી પોતાના શરીરને બચાવવાની કોશિશ કરતુ હતું. આ બધા અવાજમાં ઉષા અને આશાની કીકીયારીઓ સૌથી વધારે સંભળાતી હતી, કોણ કોને બચાવે ? બધા પર અચાનક મધમાખીઓએ હુમલો કરી દીધો હતો.
ભાવિક પોતાના બુશર્ટથી મોઢું ઢાંકીને દોડતો હતો અને અચાનક પથ્થર સાથે અથડાઈ ગયો અને પડી ગયો. મધમાખીઓ કરડતી ન હોત તો ભાવિકને ઉભો કરવા માટે બાકીના છયે છ મિત્ર એને બચાવવા કે ઉભો કરવા આવી ગયા હોત પણ અહી તો દરેક મિત્રો મુસીબત હતા એટલે કોઈ કોઈનું દર્દ સમજી શકે એવી સ્થિતિમાં હતા નહી. દરેકને પોતાનું દર્દ જ ઘણું થઈ પડ્યું હતું માટે બીજાના દર્દ વિષે વિચારવાનો કોઈ પણ પાસે જરાય સમય હતો નહી.
ખુશીઓ શોધવા માટે નીકળેલી આ સખા ટોળીને મધમાખીઓ રૂપી ટોળાએ અકથ્ય દર્દમાં જકડી લીધું હતું. આ મિત્ર સમૂહ લગભગ દર રવિવારે પાલનપુરની આસપાસ આવેલાં જોવાલાયક સ્થળોએ પોતપોતાની સાઈકલ લઈને ફરવા માટે નીકળી પડતું. પાલનપુરની આ પ્રસિદ્ધ રખડું ટોળીમાં કોઈ કેપ્ટન ન હતું બધા જ લોકો લીડર હતા. મિત્રોમાંથી જે કોઈ પહેલો અને સારો નિર્ણય લે એને બધા જ ફોલો કરતા. ઉષા અને આશા આ મિત્ર વર્તુળની સાહસિક કન્યાઓ હતી. એ લોકો ગમેતે સિઝનમાં માથા પર ટોપી પહેરીનેજ બહાર નીકળતી. એમની બહુરંગી સાઈકલો દરેક પ્રવાસમાં આગળ જ હોય. ભાવિક હમેશાં એમની આસપાસ માં જ રહેતો કારણકે એને ભૂખ વધારે લાગી જતી અને નાસ્તો આ સાહસિક કન્યાઓ પાસેજ સૌથી વધારે હાજર સ્ટોકમાં મળી રહેતો.
નવમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી આ ટોળી એક સ્કુલમાં હતી. કોઈ એક રીશેષમાં જોવા મળે એટલે બીજી કે ત્રીજી મીનીટે તો બાકીના છ પણ એની નજીક જ હોય. નાસ્તો લાવવાવાળા લાવે અને સૌથી પહેલો ન્યાય આપવાવાળો કોઈ ઓર જ હોય. રિશેષ તો ક્યારે પૂરી થઇ જાય કઈ ખબર જ ન પડે સાતમાંથી અમુકને તો પોતાની વાત કહેવાનો મોકો પણ ન મળે. ઘણીવાર તો એવું થાય કે વાતો બધાજ કરતા હોય કોણ કોની વાત સાંભળી રહ્યું છે એ તમે નક્કી જ ન કરી શકો.
આવી જ એક રીશેષમાં શનિવારે રાજેશે પ્રસ્તાવ મુક્યો કે રવિવારના દિવસે આપણે પ્રસ્થાન કરીશું “પારેવા ધોધ” હજી તો વાત ચાલુ હતી ને અનીલ વચ્ચે બોલી ઉઠતો, ‘એ ભાઈ ધોધ અને એ વળી’ આપણા બનાસકાંઠામાં ? મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે મેં હજી સુધી કોઈ “ધોધ” જોયો પણ નથી અને એના કોઈ નામ વિષે હું જાણતો નથી. રાજેશ સિવાયના બધા મિત્રોની હાલત અનિલના જેવી જ હતી. કોઈ મિત્ર પારેવા ધોધ વિષે બિલકુલ જાણતો ન હતો કે આવો કોઈ ધોધ જોયો પણ ન હતો.એમના અભ્યાસમાં આવતા ‘નાયગરા ધોધ’ અને જોગના ધોધનાં નામ સાંભળ્યાં હતાં પણ પારેવા ધોધનું નામ તો એમના કાને પહેલી વાર પડ્યું.
અનેક જીજ્ઞાશાઓ સાથે લઈને રવિવારે સવારે નવ વાગ્યા આસપાસ પાલનપુરની હનુમાન ટેકરીએ સાત સાઈકલો આવીને ઉભી રહી.સૌથી આગળ ઉષા અને આશાની સાઈકલો ચાલતી હતી, એમની નજીક પાછળ થેલો ભરાવીને સાઈકલ ચલાવતો હતો ભાવિક. મિહિરે આજે નવા બુટ પહેર્યા હતાં એટલે એની સાઈકલ પણ જોરમાં ચાલતી હતી. રાજેશ પારેવા ધોધનો જાણકાર હતો પણ એ બાલારામ પછી આગેવાની લેવાનો હતો. બાલારામ સુધી જેની જેટલી તાકાત હોય એટલી સાઈકલ ચલાવીને આગળ ચાલવાની છૂટ હતી. અનીલ અને વિજય બન્ને નજીક-નજીક સાઈકલો ચલાવતા હતા અને વાતો પણ કરતાં જતા હતા.
એકાદ કલાકમાં આરામથી સાઈકલો ચલાવીને સખા વર્તુળ બાલારામ નદીના સુકા રેતમાં બેસીને નાસ્તો કર્યો. બાલારામ નદીમાં વહેતા પાણીમાં અનીલ અને ભાવિકને ધુબાકા મારવાની ઈચ્છા હતી પણ એમની મંઝીલ દુર હતી એટલે એમણે મનના વિચાર મનમાં જ રાખ્યા. ઊંચાં-ઊંચાં વ્રુક્ષોની ઉપર બેઠેલાં મધ જોયાં. ઉડતાં પક્ષીઓની હારમાળા અને ભગવાન શંકરને નમન કરીને બાલારામ પેલેસ પાસે સાઈકલો હારબંધ ઉભી રાખીને મોબાઈલમાં વારાફરતી ફોટા પાડયા.
બાલારામમાં બધા સારી રીતે ખાઈ-પીને રીચાર્જ થઇ ગયા હતાં એટલે હવે પછીની બ્રેક છેક સેમ્બલપાણી જઈને લાગશે, એ વાત બધા એ નક્કી કરીને રેસરની સ્ટાઈલથી પોતપોતાની સાઈકલો દોડાવી મૂકી. રસ્તાની બંને બાજુ આવેલાં વ્રુક્ષો અને એની વચ્ચે ક્યાંક-ક્યાંક ડોકા કરતા નાના પહાડો, અહીના પહાડો ટાલ પડી ગયેલા માણસ જેવા લાગતા હતા.કારણકે એમના ઉપર એક પણ વ્રુક્ષ ઉગતું ન હતું.
કેસુડાના ઝાડ પર આવેલાં રંગીન ફૂલ તો આખા જંગલની શોભા વધારી દેતાં હતાં. વનસ્પતિની વિવિધતા અને ગીચતા એટલી બધી હતી કે કોઈ એમાં ખોવાઈ જાય તો કદાચ મળે પણ નહી. અહીના જંગલમાં ઘણાં પ્રાણીઓ જોવા મળતાં હતાં જેમાં હિંસક રીંછ પણ જોવા મળતાં હતાં. વાંકા ચુંકા રસ્તા પાર કરીને સાઈકલો ‘લોકનિકેતન રતનપુર’ સંચાલિત આશ્રમશાળામાં આવીને ઉભી રહી.
આશ્રમશાળાનું વાતાવરણ જુના ઋષિઓનો કોઈ આશ્રમ હોય એવું લાગતું હતું. હારબંધ વાવેલાં વ્રુક્ષો, બાજુમાં આવેલું ખેતર, એમાં લહેરાતો મકાઈનો પાક , થોડા ભાગમાં વાવેલી લીલી શાકભાજી. પાણીથી છલોછલ હોઝ.એની બાજુમાં બાળકોનાં સુકાતા રંગબેરંગી વસ્ત્રો. સેમ્બલપાણીની આ આશ્રમશાળામાં સાઈકલો મુકીને રાજેશની રાહબરી નીચે ‘બચા પાર્ટી’ પગપાળા “પારેવા ધોધ” તરફ ચાલી નીકળી.
રસ્તામાં પુષ્કળ પ્રમાણમાં ઉગેલી ખજુર પાસે એમણે ફોટા પડાવ્યા. દરેકે એમની પાણીની બોટલ અને નાસ્તો લઇ લીધો હતો. રાજેશનો અંદાજ હતો કે ધીમે ચાલીશું તો પારેવા ધોધ પહોચતાં દોઢ કલાક લાગશે. રાજેશે એવી જાહેરાત પણ કરેલી કે આવું કુદરતી સૌંદર્ય તમે ક્યારેય માણ્યું નહી હોય, રસ્તાની વચ્ચે આવતાં વનવાસીઓનાં ખેતરોમાં કામ કરતાં લોકો આ અજાણી ટોળીને જોઇને આશ્ચર્ય અનુભવવા લાગ્યાં. કુદરતી વાતાવરણની મજા લૂંટીને સાંજે સાડા પાંચ પહેલાં સેમ્બલપાણી આશ્રમશાળામાં પરત આવી જવું એવું બધાય નક્કી કરીને પારેવા ધોધ પહોચ્યા. પારેવા ધોધનું કુદરતી સૌંદર્ય અદભુત હતું. એની આસપાસ ઉગેલી વિવિધ વનસ્પતિ એના રૂપમાં વધારી કરી રહી હતી. માનવ વસ્તીથી દુર પહાડોની હારમાળાની વચ્ચે પારેવા ધોધ આવેલો હતો.
ધોધને જોવાનો અને એના ફોટા પડવાના ચાલુ હતા એવા સમયેજ એક જંગલી ઝેરી મધમાખી ઓનું આખું ઝુંડ આ પ્રવાસી ટોળી પર હુમલો કરી બેઠું. એક ઉપર સો-સો કરતાં વધારે મધમાખી ઓ તૂટી પડી હતી એટલે એમની કરુણ કીકીયારીઓથી પહાડો ગુંજી ઉઠ્યા. આ બધા લોકો માનવ વસ્તીથી એટલા દુર હતાં કે એમને કોઈ મદદ કરી શકે એમ પણ ન હતું.
જેને જેમ લાગ્યું કે એ બચી જાશે એ રીતે અલગ- અલગ દિશામાં ભાગી ગયા, આ મિત્રોને એ પણ ખબર ન રહી કે કોણ દુર છે અને કોણ નજીક છે. કલાક દોઢ કલાક પછી મધમાખીઓનો મારો ઓછો થયો ત્યારે એક બીજાઓને શોધવા લાગ્યાં. રાજેશની જમણી આંખ સુઝાઈ ગઈ હતી એટલે એણે ફક્ત ડાબી આંખે જોઇને ભાવિકને નજીક બોલાવ્યો. ભાવિક અને રાજેશે ઘણી બુમો મારી પણ બાકીના કોઈ મિત્રોએ એમને કોઈ પણ પ્રકારનો રીપ્લાય આપ્યો નહી. અંધારાના ઓળા પણ ઉતરી આવ્યાં , જંગલમાં બે મિત્રો એકલાં ઉભા હતા. બાકીના પાંચનો કોઈ પત્તો હતો નહી. જેટલી જોરથી બુમ પાડે એટલો વળતો પહાડનો પડધો પડતો હતો પણ ઉષા, આશા, વિજય, અનીલ કે મિહિર નો કોઈ જવાબ આવતો ન હતો.
અંધારાના લીધે રાજેશને પણ રસ્તો કે પારેવા ધોધ ક્યાં છે એનો કોઈ અંદાજ આવતો ન હતો. અનેક ખરાબ-ખરાબ વિચાર આવવા લાગ્યા. જંગલી પ્રાણીઓ કે રીંછ ફાડી ખાશે તો ? ઘેર પાલનપુર જઈને મિત્રોના મા-બાપને શું જવાબ આપીશું? બે જ કેમ આવ્યા ?
રાજેશે ભાવિકને કહ્યું કે ફોન લગાવ. ભાવિકના પેન્ટ અને શર્ટના બધા જ ખિસ્સાં તપાસી જોય એનો ફોન ક્યાંય પડી ગયો હતો. રાજેશે એનો ફોન જોયો તો ખ્યાલ આવ્યો કે અહી કોઈ પણ જાતનું નેટવર્ક આવતું ન હતું. રાજેશને એ પણ ખબર પડી ગઈ કે હવે કોઈના ફોનમાં નેટવર્ક હશે નહી. નેટવર્ક ન હોવાના લીધે બહારથી પણ કોઈ મદદ મળવાની હતી નહી. દુઃખ, નિરાશા અને થાક બન્ને મિત્રોને ઘેરી વળ્યો. રાજેશને રંજ એ વાતનો હતો કે પારેવા ધોધ લાવવાનો નિર્ણય એનો હતો, એના લીધેલા નિર્ણયમાં આવી દુર્ઘટના સર્જાય એટલે અસલી દોષી તો એ એકલો જ કહેવાયને ?
વિજય, મિહિર અને અનીલ કરતાં આ બન્ને મિત્રોને ઉષા અને આશાની ખુબ ચિંતા થતી હતી.ક્યાં હશે ? કેવી હાલતમાં હશે ? એકાદ કલાક પથ્થરોમાં કુટાણા પછી વિજય અને મિહિર તો કણસતી હાલતમાં મળી ગયા પણ ઉષા, આશા અને અનિલ ની કોઈ ભાળ મળી નહી.
વિજય અને મિહિરને હોઠ ઉપર માખીઓ કરડી હોવાથી એ બન્ને યોગ્ય ઉચ્ચારણ કરી શકતા ન હતા એટલે એમને પડેલી મુશ્કેલીઓ એ સારી રીતે વર્ણવી શકતા ન હતા. વિજય, મિહિર, ભાવિક અને રાજેશે એક જગ્યા એ બેસી ગયા, એ લોકો મોટા પથ્થર પર જીને બેઠા હતા જેથી કરીને કોઈ હલચલ થાય તો એમને ખ્યાલ આવી જાય. કોઈ હિંસક પ્રાણી આવી જાય તો ચારેય મિત્રોએ સાથે અવાજ જેના લીધે એ દુર ભાગી જાય. ઊંઘ તો એકેય ને આવવાની હતી જ નહી એટલે રાજેશે એના જીવનની વાત ચાલુ કરી.
રાજેશ જ્યારે છ વર્ષનો હતો ત્યારે એ એના માતા પિતા સાથે ઢીમાના મેળે ગયો હતો, પુનમનો મેળો હતો ,લોકોનો કોઈ પાર નહી. ફાટેલી ચડ્ડી વાળો રાજેશ મેળામાં ખોવાઈ ગયો. ભાવિક વચ્ચે બોલ્યો કે એ દિવસોમાં તો તને કોઈ દર લાગ્યો નહિ હોય પણ આજે આપણે ચાર બેઠા છીએ ને તો પણ તને ડર ઘેરી વળ્યો છે. એને બિલકુલ ડર નથી લાગ્યો એવો દેખાવ કરીને રાજેશે એની વાત આગળ વધારી, “મને તો એક માણસ માઈક આગળ લઇ ગયો” થોડીવારમાં મારાં બે ભાઈ બહેનને લઈને મારા મમ્મી –પપ્પા આવ્યાં. મેળાના માઈકવાળાઓએ તેમને ખખડાવી નાખ્યાં. છોકરાં સાચવી શકતાં નથી તો જાણો [જન્મ] કેમ આપો છો ?
આ માઈક્વાળાના જેવા પ્રશ્નો પાલનપુર ગયા પછી થવાના છે એવો વીચાર ચારેય મિત્રો ને સાથે જ આવી ગયો. વાતોઆ ને વાતોમાં સવાર પડ્યું, ઉગમણી દિશામાં આછા લાલ કલર દેખાવા લાગ્યા.આ લાલ રંગ ચારેય મિત્રો માટે એક ઉમીદનું કિરણ લઈને આવતા હતા. એકાએક ચારેય મિત્રોની નજર એક સાથે એમના બાકીના ત્રણ મિત્રો પર પડી. આ ચારેય બેઠા હતા એમનાથી બસો મીટર ઊંચાણ વાળા ભાગ પર એક ગુફામાંથી ઉષા, આશા અને અનીલ આવી રહ્યાં હતા, એમને જોતા જ આ ચારેય એમની બધી જ તાકાત ભેગી કરીને દોટ મૂકી.
સાતેય મિત્રો પહાડ પર પહોચીને ઉગતા સૂરજને એકીટશે જોઈ રહ્યાં. આભાર માનવા માટે એમના બન્ને હાથ ઊંચા કરીને સુરજ નારાયણને નમન કરવા લાગ્યા.ઉગતો સુરજ, પહાડની ટોચ,અને સાતેય મિત્રો એક સાથે, એમની ખુશીઓનો કોઈ પાર ન હતો.
હજી પણ કોઈ રવિવાર આ સાત સાઈકલ તમે જોવા મળે તો આ સાહસિક ટોળી જ હશે, એમ જાણવું.