mariyam dhupli

Crime Thriller

4.6  

mariyam dhupli

Crime Thriller

મદદ

મદદ

4 mins
582


ધીમે રહી એણે મોબાઈલમાં કેટલાક આંકડા દબાવ્યા. સામે તરફથી કોલ ઉપાડવામાં આવ્યો. બે ત્રણ વાર 'હેલો' શબ્દનું પુનરાવર્તન થયું. ધીમે રહી એણે દબાયેલા અવાજમાં માહિતી આપી. 

" મારા પતિ મૃત્યુ પામ્યા છે. મારા અને મારા પતિના પરિવાર અન્ય શહેરમાં રહે છે. શું આપ મને મદદ કરી શકો...? "

સામે છેડેથી વાત વિસ્તારથી સાંભળવાની ધીરજ અને સમય ન હોય એમ ઉતાવળિયા શબ્દો પડઘાયા. 

" આપનું સરનામું ? "

થોડા સમય પછી બે આંખો ઘરની બારીમાંથી નીચે મદદ માટે આવી ઉભેલી ગાડીને શૂન્યમનસ્ક નિહાળી રહી હતી. બે પુરુષોએ શબને ગાડીની અંદર ગોઠવ્યું અને ગાડી સડસડાટ કરતી સૂના મહોલ્લામાંથી આગળ ધપી ગઈ. 

બારી બંધ કરી એ સ્નાન કરવા જતી રહી. નાહીને ધોયેલા વાળને એણે ડ્રાયર વડે સૂકા કર્યા. સાડી વ્યવસ્થિત કરી અરીસામાં પોતાનું પ્રતિબિંબ થોડી ક્ષણો સુધી જીણવટથી નિહાળ્યું. બંગડીના બહુ ન વપરાયેલા નવાને નવા સેટમાંથી કેટલીક બંગડીઓ હાથમાં નાખી. હાથને ઉપર તરફ ઉઠાવી થોડો હલાવ્યો કે સૂના ફ્લેટમાં બંગડીનો ખણ ખણ કરતો અવાજ ગૂંજી ઉઠ્યો. 

" કેટલીવાર કહ્યું છે તને આ બંગડી ના પહેર. એનો અવાજ મારાથી સહન નથી થતો અને આ ઝાંઝર...એ હમણાંજ ઉતાર...સાંભળ્યું નહીં....હમણાંજ..."

ભૂતકાળનો અવાજ કાનમાં ઊઠી મગજ સુધી પહોંચ્યો. ધીમે રહી એણે મહિનાઓથી ખાનામાં બંધ ઝાંઝરને બહાર કાઢી અને હળવેથી પગમાં ભેરવી. થોડાં ડગલાં ઓરડામાં અહીંથી ત્યાં માંડ્યાં અને ઝણઝણ કરતું મૃદુ સંગીત ઓરડામાં રણકી ઉઠ્યું. અલમારીના અંધારિયા ખૂણામાં છૂપાવીને રાખેલા કેટલાક પુસ્તકોમાંથી એક પુસ્તક સાથે લઈ રસોડામાં જઈ એણે ચા તૈયાર કરી. ચા અને પુસ્તક લઈ એ બાલ્કનીના હિંચકા ઉપર ગોઠવાય છે.

" આ રેડિયો બંધ કર. માથું ફાટે છે ને આ પુસ્તક ક્યાંથી લઈ આવી ? પુસ્તક વાંચવાથી કેવી પ્રોફેસર બનીશ ? એમ પણ તારી જગ્યા અહીં બાલ્કનીમાં નહીં રસોડામાં છે. ચાલ અંદર તરફ. ચા બનાવ..."

ભૂતકાળનો સંવાદ ફરી કાનમાં પડઘા પાડવા માંડ્યો. અત્યંત શાંત જીવે એણે ટેબલ ઉપરનો રેડિયો ઓન કર્યો. રેડિયોમાંથી સુમધુર ગિટારના અવાજ જોડે એટલોજ સુમધુર અવાજ ચહેકી ઉઠ્યો.

" સારી ઉમ્ર હમ મર મર કે જે લિયે, ઈક પલ તો અબ હમે જીને દો..જીને દો..."

અંદરના ઓરડામાં મોબાઈલની રિંગટોન વાગી. રેડિયો ઓફ કરી, ચાનો કપ અને પુસ્તક પાછળ છોડી ઝાંઝરમય ડગલાં અંદર તરફ પ્રવેશ્યા. 

" હેલો. મમ્મી. થોડા સમય પહેલાંજ લઈ ગયા."

" તું હિંમત રાખજે બેટા. વિધિનું વિધાન હતું. આપણું કશું ગજું નહીં. સવારેજ અક્ષતની મમ્મી જોડે વાત થઈ. મન તો ઘણું હતું કે એમના ઘરે...પણ...એ બિચારીના માથે તો આભ ફાટ્યું છે. એકનો એક દીકરો..ને અમને તો આમ અચાનક જાણ થઈ એટલે..પણ અક્ષતે તને કોઈને પણ કશું કહેવાની મનાઈ કરી હતી એટલે...ને એમ પણ..જો જાણ હોત તો પણ અમે ક્યાં કોઈ મદદ કરી શકવાના હતા ? અહીં આપણા શહેરમાં પણ પરિસ્થિતિ ઘણી વણસી છે. ન હોસ્પીટલમાં બેડ ઉપલબ્ધ છે, ન ઓક્સિજન...તું ચિંતા ન કરતી. જેવું લોકડાઉન પૂરું થશે અમે તને લેવા મુંબઈ આવી જઈશું. "

શાંત કાળજે કોલ કાપી ઝાંઝરમય ડગલાં બાલ્કનીમાં પહોંચ્યા. હિંચકા ઉપર શરીર ટેકવ્યું. પગની હળવી ઠેકથી હિંચકો ઝૂલવા માંડ્યો. એ સાથેજ ભૂતકાળના ઘણાં બધાં વાર્તાલાપ કાનમાં ગૂંજવા માંડ્યા. 

" મમ્મી, મને મદદ કર પ્લીઝ. અક્ષતનો સ્વભાવ..મને અહીં નથી રહેવું. એ હાથ ઉપાડે છે, વાતે વાતે શક કરે છે. મારી સાથે બળજબરી.."

" સ્ત્રી જાતને સમાધાન કરવું પડે બેટા. આટલું સારું કમાય છે અક્ષત. ઠાઠથી મુંબઈમાં રહેવાનું મળે છે. બીજું શું જોઈએ ? હજી બે બેન કુંવારી છે ઘરે..."

" મમ્મીજી, અક્ષતને બાળપણથી કોઈ માનસિક સમસ્યા ? મને લાગે છે એને મદદની જરૂર છે. "

" હું જાણું છું. આ લગ્ન તેં તારાં મમ્મી પપ્પાની પસંદગીથી કર્યા છે. જો કોઈ અન્યની જોડે લફરું હતું તો પહેલાથી કહી દીધું હોત. મારાં અક્ષત માટે તો છોકરીઓની કતાર લાગી હતી. મદદની જરૂર તને છે, મારાં દીકરાને નહીં. સમજી ? "

" અક્ષત છોડો મને. વાગી જશે મને. શું કરો છો ? બહુ થયું તમારું. હવે હું સહન ન કરીશ...જાનવર...." 

સંવાદો જોડે ભૂતકાળનું એક તાજું દ્રશ્ય આંખો આગળ ઊભું થઈ ગયું. ગળા ઉપર ધરાયેલી છરી સામે જાતબચાવ માટે કાચનું વાસણ અક્ષતના માથે અફળાયું. અક્ષતનું શરીર જમીન ઉપર ઢળી પડ્યું. 

થોડા સમય પછી એ શરીર માથાથી પગ સુધી ઢંકાઈ ગયું હતું. 

કોવીડથી ઘરે મૃત્યુ પામતાં લોકોના શબને સ્મશાન સુધી લઈ જતી એક સેવાભાવી સંસ્થાને એક કોલ થયો અને અક્ષતનું શરીર સ્મશાન સુધી ઉતાવળે પહોંચી ગયું. 

ભૂતકાળની ગંભીરતા ખંખેરી એણે ધીમે રહી રેડિયો ઓન કર્યો. રેડિયોમાંથી એક આધ્યાત્મિક ગીત ચહેકી ઉઠ્યું. 

" તું ન જાને આસપાસ હે ખુદા...."

એક દ્રષ્ટિ એણે આભ તરફ કરી. પછી ચાની ચુસ્કી લઈ પુસ્તક ખોલ્યું અને ઝૂલે ઝૂલતા ઘણાં લાંબા સમય પછી પોતાની ગમતી વાંચન પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Crime