મદદ
મદદ


લોકડાઉનનો આજે ૭૦મો દિવસ હતો અને રોજ કમાઈ ને રોજ ખાવાવાળાની હાલાત દિવસે ને દિવસે કફોડી થતી જતી હતી. આજ સુધી દુનિયામાં ઘણા વાઈરસનો કહર આવ્યો હશે પણ કદાચ પહેલીવાર પૂરેપૂરી દુનિયા કોવીદ૧૯ના સંક્જાના પંજામાં ખરાબ રીતે દબાઈ ગઈ છે. કોરોના અને લોકડાઉને પૂરી દુનિયાનાં પરિમાણ તથા પરિણામ બદલાવી નાખ્યા છે. લોકોને જિંદગીની સચ્ચાઈ અને કુદરતની તાકત વિષે વિચારતા કરી નાંખ્યા છે.
સવારનો પહોર હતો અને ભીડ બજારમાં મજૂરો પોતપોતાની હાથલારીઓ લઈને ગ્રાહકોની રાહ જોતો ઊભા હતાં. મનીષભાઈએ આવીને મજબૂત દેખાતા રસીકને કહ્યું કે ભાઈ મારું એર ક્ન્ડીશનર ઘેરથી લઈને સાર્થક સેલ્સ એન્ડ સર્વીસમાં પંહોચાળવાનું છે. બોલ, કેટલા થશે? સાહેબ, તમને ઠીક લાગે તેટલા આપજોને. મનીષભાઈ બોલ્યાઃ એમ નહીં, પછી માથાકૂટ થાય એના કરતા પહેલેથી નક્કી હોય તો સારૂં. સારૂં, સાહેબ ૨૦૦ રૂપિયા આલજો. શું વાત કરે છે? આ તો રહી દુકાન. એટલાનાં કાંઈ ૨૦૦ રૂપિયા થોડી હોય ? હું ૧૫૦ રૂપિયા હાલીશ મનીષભાઈએ દાણો દાબી જોયો. ચાલો સાહેબ, કાંઈ વાંધો નહીં તમારા હાથે બોણી કરવાની છે. ૧૫૦ રૂપિયા આલજો કહીને રસીકે હાથલારી લઈને મનીષભાઈ સાથે મજૂરી નક્કી કરી લીધી.
હાથલારી લઈને રસીક આગળ વધ્યો તો રમજુ, જે એની સાથે ઊભો હતો એ મોઢું વકાસીને રહી ગયો કે આ ગ્રાહક તો રસીક લઈ ગયો.
રસીક થોડે આગળ ગયોને પછી હાથલારી લઈને પાછો આવ્યો. અરે ! રમજુ યાર આ ફેરો તું જ કરી આવને. મને બીજું કામ યાદ આવી ગયું છે. અને હા, આ ફેરા માટે તું મારી જ હાથલારી લઈ જા. તારી હાથલારી પણ, તારા જેમ થોડી નબળી થઈ ગઈ છે.
રમજુ સમજી ગયો કે બીજા કામના બહાને, રસીક એને મદદ કરવા માંગે છે. રમજુ અને રસીક જ્યારે વાતચીત કરતા રહેતા એના પરથી રસીકને સુપેરે ખ્યાલ આવી ગયો હતો કે રમજુને ઘેર હાંડલા કુસ્તી કરે છે. પણ રમજુ ખૂદાર હતો અને એણે આજ સુધી મદદ માટે ક્યાંય હાથ લાંબા ન હતાં કર્યા.
રસીકના સાલસ સ્વભાવ વિષે વિચારતા વિચારતા ક્યારે દુકાન આવી ગઈ તેનો રમજુને ખ્યાલ પણ ન રહ્યો. મનીષભાઈ કહ્યું અરે ! ભાઈ બસ એ દુકાન આવી ગઈ. આ સાલું એસીને પણ લોકડાઉનમાં જ ડાઉન થવું હતું. રમજુએ એસી ઉતારીને દુકાનમાં ગોઠવી દીધું.
લે ભઈલા, આ તારી મજૂરી એમ કરીને મનીષભાઈએ ૨૦૦ રૂપિયાની નોટ રમજુને આપી. રમજુએ કહ્યું સાહેબ છુટ્ટા નથી. અરે ! યાર તને કોણે કહ્યું પૈસા પાછા આપવાનું. રાખી લે.
પણ, સાહેબ તમે તો ૧૫૦ રૂપિયા મજૂરી ઠેરવી હતી તે? રમજુએ આશ્ચર્ય વ્યકત કરતા કહ્યું. અરે ઈ તો હું ખાલી ચેક કરતો હતો. સવારની તારી બોણી છે, રાખી લે ને ભાઈ ! મનીષભાઈએ જવાબ આપ્યો.
રમજુએ ૨૦૦ની નોટ પોતાના આંખ અને કપાળ પર અડાળીને, મનીષભાઈ ને એક સરસ મજાનું સ્મિત આપ્યું. મનીષભાઈએ મનોમન કહ્યં કે એસીની ઠંડક સાથે દિલને પણ ઠંડક મળતી રહે તેવું કાંઈક ને કાંઈક તો કરતા જ રહેવાનું.
એક ટ્ર્ક ત્યાં આવી અને તેની પાછળ લખેલી પંક્તિઓ રમજુની સંવેદનાને, ભાવનાને વ્યક્ત કરી રહી હતીઃ
“ ઓશીયાળું લાગવા ન દે, એવી રીતે પણ કરી જાતા હોય છે મદદ,
અરે ! માલિક, દુનિયા એટલી પણ ખરાબ નથી, છે ઘણાય છૂપા હમદર્દ !“