માતૃહૃદય
માતૃહૃદય
“માજી તમે અહીં કેમ આવ્યા છો ? અહીં માત્ર કોરોનાના દર્દીઓને જ પ્રવેશ મળે છે.” હોસ્પિટલમાં દાખલ પછી જમનાબેન આ વાક્ય દસમી વાર સાંભળી ચૂક્યા હશે.
એમણે આજીજી કરતા કહ્યું, “દીકરા, મારો દેવુ અહીં છે અને મારે એને મળવું છે. મારી પાસે આ ત્રણ હજાર રૂપિયા છે ઈ મારે એને આપવા છે.”
“પણ માજી ત્યાં ના જવાય અને ત્રણ હજારમાં શું થશે ? અહીં તો ખર્ચ લાખોમાં આવશે બા. તમે ઘરે જતા રહો એ સાજા થશે એટલે તમારી જોડે આવી જશે.” કમ્પાઉન્ડરે એમને સમજાવતા કહ્યું.
પેલા માજી સાંજ થઈ તો પણ ત્યાં જ બેઠેલા હતા. પેલો કમ્પાઉન્ડર એક ડોકટરને કહીને માજીને એમના દીકરાને મળવા માટે લઈ ગયો. માજીને પીપીઈ કિટ પહેરાવી અને અંદર લઈ ગયા.
દેવુ પથારીમાં સૂતેલો હતો. માજીએ વ્હાલથી એના માથામાં હાથ ફેરવ્યો. દેવુ તરત જાગી ગયો પણ આ શું એ એની મા ને જોઈને ભડકી ગયો અને ચિડાઈને બોલ્યો, “તમે અહીં કેમ આવ્યા છો ? જાઓ પાછા જતા રહો.” માજી એ ધ્રુજતા હાથે ત્રણ હજાર રૂપિયાવાળી દેવુના હાથમાં મુક્યા અને ત્યાંથી જતા રહ્યા.
કમ્પાઉન્ડરને આ જોઈને થયું કે દીકરો એની માની કેટલી ચિંતા કરે છે. આ જમાનામાં આવો પ્રેમ જોઈને એની આંખોમાં પણ પાણી આવી ગયું.
કમ્પાઉન્ડરે બહાર આવીને હૃદય કંપાવી દે એવું દ્રશ્ય જોયું. એક બીજા વૃદ્ધ માજી દેવુની મા ને કહેતા હતા કે હવે તારો દેવુ ઠીક થઈ જશે ને ? તારી પાસે જેટલા પૈસા હતા એ તો બધા એને આપી દીધાં અને એ તો તને આશ્રમમાં કોઈ દિવસ જોવા પણ નથી આવતો.”
દેવુની માએ હસીને કહ્યું, “એને જોઈ લીધો એટલે હવે મારે બીજા કોઈની જરૂર નથી. દીકરો રાજી હોય એનાથી વધારે માવતરને શું જોવે ?”
કમ્પાઉન્ડર માજીને પગે લાગીને બોલ્યો, “ખરેખર મા તે મા બીજા બધા વગડાના વા.”
“ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે,
જનની જોડ સખી નહી જડે રે લોલ.”
