મારું પ્રતિબિંબ મારી ડાયરી
મારું પ્રતિબિંબ મારી ડાયરી
મારી આત્મીય ડાયરી,
મારો શ્વાસ, વિશ્વાસ અને મુજ હૃદયની ધડકન એટલે મારી અંગત એવી મારી ડાયરી. તું છે સાવ અનોખી અને અનેરી, અંતર્યામી એવી જગમાં સૌથી ન્યારી. જ્યાં ગુંજી ઊઠે મારા શબ્દો તણો રણકાર, પ્રીતમથી પ્યારી એવી મારી અંગત ડાયરી.
ડાયરી એ આપણી સૌથી અંગત હોય છે. આપણી અસલીયત આપણી ડાયરીમાં કેદ હોય છે. જેમ બધા માટે મોબાઈલ રાઝ છુપાવી રાખે. કોઈ વ્યક્તિની સાચી ઓળખ મેળવવી હોય, તો તેનો મોબાઈલ તેની ગેરહાજરીમાં જુઓ એટલે જાણવા મળે. એમ મારા જીવનની આખી કહાની ડાયરી સંઘરીને બેઠી છે.
મારી હમદર્દ ડાયરી તું જ મારી સાચી જીવનસંગિની છે. તું મારા સુખદુઃખની સાથી. ગુસ્સો, ક્રોધ, નિરાશા, મજબૂરી, ખુશી, શોખ, મારી દીવાનગી મારું બધુ જ અંગત મારી ડાયરી તું જ એકમાત્ર જાણે. તું મારી અંગત મિત્ર જ નહિ, ક્યારેક તો મારી શ્રેષ્ઠ શિક્ષક અને સલાહકાર પણ બની છો. ડાયરી તને તો ખબર જ છે કે આ દંભભરી દુનિયામાં કેટલા બધા ચેહરાઓ સાથે મારે જીવવું પડે છે. જીવનનું સત્ય એટલું ધારદાર હોય છે ને કદાચ હું પણ સહન ના કરી શકું.
મારી અંદરની ખોવાયેલી મારી નવ્યાને હું માત્ર અને માત્ર તારી અંદર જ પામી શકું છું. મને તું એવી સાચવી રાખે છે. અને સગી જનેતાની જેમ જ મારી ખુબ કાળજી લે છે.
ક્યારેક તો વર્ષો જૂની ડાયરી આવે ને એનું લખાણ વાંચવાની એવી મજા આવે ને ! કયારેય હું ઉદાસીના વાદળમાં ઉલઝેલી અને નિરાશાના ઘોર મહાસાગરમાં ડૂબતી જતી હોઉં ને ત્યારે તું જ મને એમાંથી ઉગારે છે. મારી તારણહાર મારી ડાયરી, તું હંમેશા મારી અંદરનો ખોવાયેલો આત્મવિશ્વાસ મને પાછો આપે છે. મારા ખુશીઓના ખજાનાની ચાવી તું શોધી આપે છે. ખુદને જ વાંચવાની એક અલગ જ મજા હોય છે.
પરિવર્તન એ જ જીવનનું સત્ય છે. અને મારી અંદર પણ સમયાંતરે બદલાવ આવતો જ રહ્યો છે. ઉંમર પ્રમાણે ક્યારેક પરિસ્થિતિ કે જવાબદારીને કારણે મારો સ્વભાવ અને મૂડ બદલાય પણ આત્મા તો અમર અને અવિનાશી છે. તે કયારેય બદલાતો નથી. તેની સાબિતી એટલે કે મારી આ અંગત ડાયરી. સમયના કાંટે ભાગતી, દોડતી, હાંફી જતી જીંદગીને સવારમાં તાજા ખીલેલા ગુલાબની જેમ સદાય મહેંકતી રાખનાર મારી ડાયરી તારો ખુબ ખુબ આભાર.
'કોઈએ અમસ્તું પૂછ્યું, કેમ છે ? એને આખી કહાની સુણાવી દીધી.'
ઉપરોક્ત પંક્તિ મુજબ મારી પ્રિય સહેલી એવી ડાયરી, હું તને જોઉં છું કે તારી સાથે વાતો કર્યા વગર રહી જ શકતી નથી. તારી જેવી શ્રોતા કોઈ નથી.
છે તારો સંગાથ વહાલી ડાયરી,
તો જીવન અતિ પ્યારું લાગે.
તારા વગર મારા શબ્દો પણ
જાણે નિર્જીવ અને નીરવ લાગે.
જીંદગીના અનેક રહસ્યોને સાચવીને રાખનાર મારી ડાયરી, તારો અને મારો તો જાણે જન્મોજન્મનો નાતો છે. બધાય દંભ અને ખોટા દેખાવ દૂર કરી અને જેવા છીએ તેવા જ રજુ થવાનો ય અદ્દભુત આનંદ હોય છે. વહાલી ડાયરી, ભારેખમ જવાબદારીના બોજ નીચે કચડાતી જીંદગીને તારે ખોળે પરમ શાંતિ મળે છે. ભવિષ્યના તોફાનો સામે ઝઝૂમવા દ્રઢમનોબળ અને આત્મવિશ્વાસનું સિંચન કરનાર મારી ડાયરી તારી માટે તો આભાર શબ્દ પણ ઓછો પડે.
તે મને હંમેશા આત્મચિંતન કરવાની ટેવ પાડી છે. સાથે સાથે આયોજનપૂર્વક જીવન જીવવાની ટેવ પણ મળી. નિયમિતતા અને શિસ્ત જેવા ગુણો આપોઆપ વિકસ્યા છે. બસ આમ જ સદાય એકબીજાને સાથે રહીએ.
લિ.
તારી આત્મીય નવ્યા
