પ્રેમની પરાકાષ્ઠા ભાગ - 9
પ્રેમની પરાકાષ્ઠા ભાગ - 9
[અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે સ્વરા દર્શનને અનહદ ચાહતી હોય છે. દર્શન કાવ્યાને ચાહે છે તે જાણીને દુઃખી થવાને બદલે દર્શનની ખુશીઓ માટે સ્વરા ભગવાનને દિલથી પ્રાર્થના કરે છે. દર્શનને આંખો નથી એટલે તે કાવ્યાને દુલ્હન સ્વરૂપે ના જોઈ શકવાનો અફસોસ વ્યક્ત કરે છે, એટલે સ્વરા પોતાની આંખ દર્શનને આપવા ઈચ્છે છે.]
ટૂંક સમયમાં જ શહેરની બહાર એક રિસોર્ટમાં કાવ્યા અને દર્શનના લગ્ન નક્કી થઈ જાય છે. દર્શન અને કાવ્યા વધારે ને વધારે એકબીજા સાથે સમય વિતાવવા લાગે છે. તેમના લગ્ન હવે સમાજમાં ચર્ચાનો વિષય બની જાય છે. કાવ્યાને ખૂબ પ્રસિદ્ધિ મળે છે. તેને દર્શન સાથે ફિલ્મ ગાવાની વધારે ને વધારે તક મળવા લાગે છે.
દર્શન ખૂબ જ લાગણીશીલ યુવાન છે. કાવ્યાને અંતરના ઊંડાણથી ચાહે છે. તેને અફસોસ છે કે તે કાવ્યાને દુલ્હન સ્વરૂપે નહીં જોઈ શકે, એ પોતાની પ્રિયતમાના ચહેરાના ભાવ કે લાગણીઓ તે ક્યારેય નહિ જોઈ શકે. છતાં પણ બંને ખૂબ ખુશ હોય છે. અને લગ્નની તૈયારીમાં એકબીજા સાથે વ્યસ્ત રહે છે. કાવ્યાના ઘરેથી આ લગ્ન માટે ખૂબ વિરોધ થાય છે. છતાં કાવ્યા મક્કમ રહી પરિવારની વિરોધમાં જઈને દર્શન સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
લગ્નના આગલા દિવસે કાવ્યા ખૂબ ડરી ગયેલી સ્થિતિમાં દર્શનના ઘરે આવે છે. દર્શનની મમ્મી પાસે પોતે આજે રાત્રે અહીં જ રોકાઈ જવાની પરવાનગી માંગે છે.
"અરે બેટા... આ તારું જ ઘર છે. તું અહીં રોકાઈ જા એમાં અમને શું વાંધો હોય ?"
'હું આજે તમારી સાથે તમારા જ રૂમમાં સૂઈ શકું? હું આજે માનસિક ખૂબ થાકી ગઈ છું."
દર્શનની મમ્મીને કાવ્યાનું વર્તન ખુબ અજીબ લાગે છે. પણ પરિવારની યાદ આવતી હશે, તેમ વિચારીને મન મનાવે છે. તે રાત્રે કાવ્યાને પોતાની બાજુમાં વહાલથી માથે હાથ ફેરવીને સુવડાવે છે. કાવ્યા દર્શનની મમ્મીનો હાથ પકડીને નાના બાળકની જેમ ઘસઘસાટ સુઈ જાય છે.
બીજા દિવસે પાર્લરવાળાને ઘરે બોલાવીને કાવ્યાને તૈયાર કરાવડાવે છે. કાવ્યા અને દર્શન સાથે જ ગાડીમાં લગ્નના સ્થળે પહોંચવા નીકળે છે. પાંચેક મિનિટ પછી દર્શનની મમ્મી અને સ્વરા બીજી ગાડીમાં રિસોર્ટ પર જવા નીકળે છે. હજુ થોડીકવાર થઈ, ત્યાં જ સમાચાર આવે છે કે જે ગાડીમાં દર્શન અને કાવ્યા જઈ રહ્યા હોય છે. તે ગાડીમાં બૉમ્બ બ્લાસ્ટ થવાથી ગાડી સંપૂર્ણ સળગી રહી છે.
તરત જ પાછળ સ્વરાની ગાડી આવતી હોય છે. સ્વરા દૂરથી આ દ્રશ્ય જુવે છે. ગાડીમાંથી દોડીને સ્વરા તે સળગતી ગાડીની નજીક જાય છે. બધાના રોકવા છતાંયે સ્વરા રોકાતી નથી. દર્શનની સળગતી ગાડીની સાતેક ફૂટ જ સ્વરા હોય છે. ત્યાં દોડતી સ્વરાને કોઈક જોરથી મજબૂત હાથથી પકડી લે છે. સ્વરા ખૂબ ધમપછાડા કરે છે, પણ તે મજબુત હાથો તેને આગળ વધતા અટકાવી દે છે. દર્શનના મોતના દર્દથી સ્વરાથી ચીસ પડી જાય છે,
"દર્શન....દર્શન...હું તને ચાહું છું. હું તને ખુબ ખુબ ખુબ જ ચાહું છું. તારા વગર હું નહિ જીવી શકું."
આટલું બોલીને સ્વરા બેભાન થઈ જાય છે.
ક્રમશ:

