STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Children

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Children

સૂરજદાદા

સૂરજદાદા

3 mins
159

મારા વહાલા વહાલા સૂરજદાદા,

            સૂરજદાદા, તમે તો મને દરરોજ મળવા આવો છો. તમારી સાથે દરરોજની મુલાકાત, છતાંયે સૂરજદાદા આજે હું તમને પત્ર લખવા બેઠી.

સૂરજદાદા સોનાની થાળી !

ચાંદામામા રૂપાની થાળી !

ચાંદો સૂરજ રમતા'તા...

કેટલા બધા બાળગીતો તમારા, સૂરજદાદા ! દાદા, તમારી વાર્તાઓ તો મેં ઘોડિયામાં સૂતા - સૂતા સાંભળેલી. મને મારી મમ્મી હું નાનકડી હતી, ત્યારથી જ મને રોજ સવારે તમારા દર્શન કરાવતી. અને હું માત્ર દાદા.. મા.. બા એવા બે - ત્રણ શબ્દો બોલતા માંડ શીખી હોઈશ, ત્યારથી તમારી વાતો સાંભળેલી.

"જો, જો પોયણી સૂરજદાદા." એમ આંગળી ચીંધી મને સૂરજદાદા બતાવે અને હું દરરોજ વહેલી સવારે તમને બતાવે એટલે હું તમને જોઈ બે હાથ જોડતી. અને હરખથી કાલીઘેલી ભાષામાં બોલતી, " જે જે.. દાદા... દાદા.. "

થોડા મહિના પછી એકવાર હું બોલેલી મારા દાદા... સૂરજ દાદા.. દાદા... દાદા... તરત જ મમ્મી બોલી ગઈ કે પોયણી આ દાદો તો આપણો સૌનો છે. સૂરજ દાદા મારા કે તારા નહિ, આપણા સૌના સૂરજદાદા. ધીમે ધીમે મોટી થતી ગઈ અને સમજણ આવતા મમ્મીની સાથે ભુવનભાસ્કરની આરાધના કરતા શીખી ગઈ. સૂર્ય નારાયણને અર્ધ્ય અર્પણ કરવું, જળ ચડાવવું. સૂર્યનમસ્કાર કરવા. બધું શીખી ગઈ.આજેય હું સૂરજદાદા ભલેને આદિત્યહૃદય સ્તોત્ર બોલું કે તમારી પૂજા આરાધના કરું, પણ મારા માટે તો હંમેશા તમે મારા દાદા છો અને દાદા જ રહેશો. 

એકવાર મને યાદ છે, હું ચારેક વર્ષની જ હોઈશ. મારા પપ્પા મને ટ્રેનમાં બેસાડી અલીયાબાડા લઈ ગયેલા. મને ટ્રેનમાં બેસવાની એવી મજા આવેલ. અને સૌથી વધુ શું મજા આવી, ખબર છે તમને? તમારી સાથે દોડવાની. મને હજુ ક્યારેક કોઈ એ પ્રસંગ યાદ કરાવે તો હસવું આવે. ટ્રેન જેવી પાટા ઉપર દોડવાની શરૂ થઈ કે તરત જ સૂરજદાદા તમેય જાણે દોડતા હો તેવું જ મને લાગ્યું. અને મેં પણ તરત જ બુમ પાડીને કહ્યું, "પપ્પા.. પપ્પા.... જુવો.... જુવો..... સૂરજદાદાએ હડી કાઢી. પકડો.. પકડો સૂરજદાદા ભાગી જશે અને પછી સંતાઈ જશે તો રાત પડી જશે. અને બધા એવા હસતા હતા કે હું પણ હસવા લાગેલી.

પછી પપ્પાએ મને સમજાવી કે પોયણી આતો  ટ્રેન દોડે છે, સૂરજદાદા નહિ. મને કયારેય ક્યાંય એકલા જતા ડર જ ના લાગે કારણ કે મારા સૂરજદાદા સદાય મારી સાથે જ હોય. સૂરજદાદા.. તમે હંમેશા મારું ધ્યાન રાખ્યું છે. આખી દુનિયાને તમે પ્રકાશ અને ઊર્જા આપો છો.ભલે બધા તમને ભગવાન કહે,પણ મારા તો દાદા છે મારા સૂરજદાદા મારી હિંમત અને મારી મારી તાકાત છે, મારા વહાલા સૂરજદાદા.

મારે ક્યાંય બહારગામ એકલા રહેવાનું થાય,પરિવારથી દૂર તો હૈયે ધરપત રહે કે મારા સૂરજદાદા મારી સાથે છે.લગ્ન પછી સાસરે આવવાનું થયું પણ અહીં એકલું ના લાગ્યું કારણ કે મારા સૂરજદાદા મારી સાથે જ હતાં. સૂરજદાદા તમે દરરોજ સવારે આવો છો , મારી માથે હાથ ફેરવીને મને ઉઠાડો છો. માબાપથી દૂર હોવા છતાંય મને તેમના આશીર્વાદ મળે છે.એ આશીર્વાદ તમે મને આપો છો. તમારા આશીર્વાદ અને કૃપાથી હું ખુબ સુખી છું. સદા અમારી સંગે રહેજો.

હે ! સૂરજદાદા ! માત્ર મારું જ નહિ, સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય તેવી મારી તમને નમ્ર વિનંતી છે.

લિ.

તમારી લાડકડી પૌત્રી

પોયણીના કોટિ કોટિ વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy