પ્રિય વિદ્યાર્થીને પત્ર
પ્રિય વિદ્યાર્થીને પત્ર
પ્રિય વિદ્યાર્થી અર્પણ,
તું ખુબ મજામાં હોઈશ. તારો પત્ર મને મળ્યો. તું સી. એસ. બની ગયો. અને KPMG કંપનીમાં નોકરીએ લાગી ગયો. તે જાણીને ખુબ ખુબ આનંદ થયો.
તારા જેવા સદાચારી, સત્યપ્રિય, નિષ્ઠાવાન અને ખુબ મહેનતું વિદ્યાર્થીના શિક્ષક હોવાનું મને ખુબ ગૌરવ છે. અને સદાય રહેશે. મને હજુ યે યાદ છે, તું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ત્યારે તને 2000 રૂપિયાની નોટ મળેલ, તે નોટ તરત જ તે આચાર્યને ઓફિસમાં જમા કરાવી દીધી. અને આચાર્યશ્રીએ નોટ મૂળ માલિક શોધી પરત આપી.
બીજે દિવસે પ્રાર્થનાસભામાં તારું સન્માન કરવા આચાર્ય તારું નામ બોલે છે. અને તે પ્રેરક પ્રસંગ સૌને કહીને તારા વખાણ કરે છે. મારા માટે ખુબ આનંદની ઘડી, પણ તું ગેરહાજર હતો. તારા વિશે પૂછતાં તું ઘરે જ છો, અને બીજા બાળકોએ તને કરિયાણાની દુકાને ઉભેલો પણ જોયો હતો. એવું જાણવા મળ્યું. તારા જેવો ડાહ્યો અને હોશિયાર છોકરો જે એક દિવસ પણ શાળામાં ગેરહાજર ના રહે તે આજે કારણ વગર ગેરહાજર રહે, તે મને માન્યામાં ના આવ્યું.
રીશેષમાં મે ટીફીન ખોલ્યું,પણ કંઈક વિચારીને ટીફીન તરત બંધ કરી દીધું. આચાર્ય પાસેથી તારું સરનામું મેળવી તારા ઘરે આવી. તને પણ યાદ હશે એ દિવસ, તું અચાનક મને તારા ઘરે જોઈને મૂંઝવણમાં મુકાઈ ગયો. તરત તારી મમ્મીએ મને બેસવા માટે ખાટલો ઢાળ્યો. અને તને ચા માટે દૂધ લેવા કહ્યું. પણ મે પ્રેમથી ના પાડી.પછી આપણે બંને સાથે ટીફીનમાંથી જમ્યા હતાં.
તારી મમ્મી પાસેથી મને ખબર પડી કે તારા પપ્પાને અકસ્માત થયો છે. કારખાને કામ કરવા જઈ શકે તેમ નથી, તારા પપ્પાનો પગાર હવે ઘરમાં નહિ આવે અને તારે પપ્પાની દવાના ખર્ચ માટે તું પણ મમ્મી સાથે પારકા કામ કરવા જઈશ, નિશાળમાંથી નામ પણ તારું કમી કરવાના છે.
પહેલા તો મને શું બોલવું કે શું કરવું તે સમજાયું નહિ, પછી તારા મમ્મી -પપ્પાને તારો અભ્યાસ ચાલુ રાખવા સમજાવ્યા. હું તને અભ્યાસમાં ના સમજાય, તો ત્યાં એક કલાક તારા ઘરે આવીને ભણાવીશ. માંડ માંડ બધાને સમજાવ્યા. પછી તારા મમ્મીને 5000 રૂપિયાઆપતી વખતે કહ્યું કે આ અર્પણ તારી નિબંધ સ્પર્ધાનું રાજ્યકક્ષાએ તને મળેલ ઇનામ છે. એ સમયે તારી આંખો હું વાંચી શકતી હતી. અર્પણ, હું તને મદદ કરવા માંગતી હતી. પણ તારા માતા પિતાના આત્મસન્માનને ઠેસ પહોંચાડીને નહિ. અને ગઈકાલે આવી આર્થિક તંગી હોવા છતાંય પ્રામાણિકતા બતાવીને રસ્તા પર મળેલી 2000 રૂપિયા.ની નોટ તે આચાર્યને આપી, તો એ માટે આ ઇનામ ઓછું જ છે.
અને સાચી મહેનત તો તારી અર્પણ કે તારી સેવાથી તારા પપ્પા જલ્દી સાજા થઈ ફરી પાછા નોકરીએ લાગી ગયા. અને તું પણ હવે નિયમિત શાળાએ આવવા લાગ્યો. તે પારકા કામ કરવાનું ચાલુ રાખેલ, કારણ કે તારે આગળ ભણવું હતું. તું સ્વમહેનત તથા શિષ્યવૃતિ થકી સી. એસ. બની ગયો. એટલું જ નહિ ઉમદા નાગરિક અને દેશભક્ત પણ તું છે.
તને આ પત્ર ખુબ ખુબ શુભકામનાઓ આપવા જ લખ્યો. યાદ રાખજે અર્પણ, સત્યનો જ હંમેશા વિજય થાય છે.
લિ.
તારા પ્રિય શિક્ષક,
ચિન્મયીબેનના શુભાશિષ .
