નિર્દોષ સવાલ
નિર્દોષ સવાલ
નમસ્કાર પંડિતજી,
ગુરુવર સોમસુંદર શર્માજી, નમસ્કાર. મારું નામ ભાષા. તમે મને નથી ઓળખતા. મારી નિશાળની સામે જ તમારું કાર્યાલય છે. અનેક લોકોને તમારે ત્યાં આવતા જતાં દરરોજ જોઉં છું.
મને પણ જ્યોતિષ જાણવામાં અને શીખવામાં રસ ખરો હો ! આ સૂર્ય અને ચન્દ્ર કયારેય વક્રી ના થાય. અને રાહુ કેતુ હંમેશા વક્રી જ ચાલે. એવું થોડું ઘણું તો હું ય જાણું. અને 6/4/21ના ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ એવી પણ જાણકારી રાખું. પણ મારે તમને એ પૂછવું છે મહારાજ કે તમે કોરોના કે તેના જેવા ભયંકર રોગો વિશે કે મહામારી વિશે જોશ જોયેલા ? તો તો તમને કોરોનાનું ભવિષ્ય ખબર જ હશેને ? માફ કરજો. આપ પરમ જ્ઞાની છો. પૂજનીય અને વંદનીય છો. પણ તમારા ગ્રહ પણ ક્યારેક વક્રી થયા હશેને ? તમારા જીવનમાં પણ સુખ દુઃખ આવ્યા હોય, તો કેવું અનુભવ્યું હશે ?
તમને તમારા પરિવારના કોઈ સદસ્યનું અમંગળ કે મૃત્યતુલ્ય કષ્ટ કે કોઈપણ પીડા જ્યોતિષ દ્વારા જાણી, ત્યારે તમને ય સહદેવની જેમ અસહ્ય પીડા થઈ હશેને ? ક્યારેક તો એવું પણ અનુભવ્યું હશે ને ? 'કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ,' સોક્રેટિસની જેમ આ ઝેરનો કટોરો પીવો અસહ્ય થઈ પડ્યો હશેને ? ના જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે ? મૃત્યુના દેવ મહાદેવની ઈચ્છા વગર એક પાંદડું યે હલી ના શકે. તેવી પરિસ્થિતિમાં તમે લોકોનું ભવિષ્ય કેવી રીતે જુવો છો ?
જ્યોતિષ એક સાધના છે, અધ્યાત્મ છે. અને ઈશ્વર સાથે જોડાયેલા રહીએ, પ્રભુ કૃપા પ્રાપ્ત થાય પછી જ જ્યોતિષજ્ઞાન મળે. પણ જો એકવાર ઈશ્વર સાથે તન્મય થઈ જવાય, પછી આવી જ્યોતિષ વિદ્યાની જરૂર ખરી ? ચાલો, જ્યોતિષ પણ પરમાત્મા સુધી પહોંચવાનો એક માર્ગ જ છે સ્વીકારી લીધું. પણ મારો તમને એક નિર્દોષ સવાલ કે માની લો મને ભવિષ્યની સફળતાનું જ્ઞાન અગાઉથી થાય, તો ખુશી કેવી રીતે થાય. તમે મને ગ્રહ જોઈ કહો, દીકરી તને 80% આવશે, તો પેપર લખવાનો, રિઝલ્ટની રાહ જોવી, ક્યારે પરિણામ આવશે, શું આવશે ? કાંઈ જિજ્ઞાસા ના રહે, રસવિહીન જીવન થાય. અચાનક પરિણામ મળે ને જે ખુશી થાય, તે તો ના અનુભવાય.
તેવી જ રીતે તમે કોઈને કહી દો, નાપાસ કે તમારો નંબર નથી, તો તો અગાઉથી રોજ દુઃખી થવાનું, પરિણામ આવ્યા પહેલા જ. જીવન તો રણસંગ્રામ છે, તેમાં હાર કે જીત મહત્વની નથી, અહીં તો આખરી શ્વાસ સુધી લડવાનું મહત્વ છે. અને આપણું અસલી કૌશલ્ય તો રણસંગ્રામમાં જ ખબર પડે, સુખના છાંયડામાં નહિ.
અત્યારે તો હું માની લઉં કે જ્યોતિષનું માર્ગદર્શન અને કર્મ બેઉનો સહારો લેવાનો. અને એ ય મારા મહાદેવજીની શરણમાં જવાનું. મને તો મારા ભોલેનાથ પર અતૂટ શ્રદ્ધા. અત્યારે તો મહાદેવ પર શ્રદ્ધા રાખી ધોરણ 10ની પરીક્ષા આપવાની છું. આશા રાખું છું કે તમે મારો પત્ર વાંચીને મને સમજાય એવી ભાષામાં જવાબ આપવાની કૃપા કરજો.
લિ.
એક વિદ્યાર્થીની ભાષાના પ્રણામ.
