મારું ગામ
મારું ગામ
એક અતિ નાનુ પણ નહીં ને બહુ જ મોટું પણ નહીં એવું વીસેક હજારની વસ્તી ધરાવતું ગામ. આ ગામના છેવાડે એક અવાવરુ બંધ મકાન. કોણ જાણે કેટલા વરસથી બંધ પડયું હશે. ખંડેર થતા આ ઘરની ભીંત પર ઠેર ઠેર પોપડાં ઉખડી ગયા છે. ગામના છેવાડે આવેલું એકલું અટુલું ઘર પણ જાણે એકલવાયાથી ત્રાસી ગયું હોય એમ કોઈના આવવાની રાહ જોતું ઊભું છે. આશરે સાંજના પાંચ વાગ્યા છે.
અચાનક જ કોઈનો દાદર પર અવાજ થાય છે. ઘર સજાગ બની જાય છે. ઘર જાણે આવનારને તપાસતો હોય એમ પોતાના દરવાજાનો કીચુડ કીચુડનો કર્કશ અવાજ કરે છે. આવનાર ચંદ્રેશ દરવાજા પર પ્રેમથી હાથ ફેરવે છે. દરવાજાને પંપાળતો પંપાળતો પોતાના ભૂતકાળમાં સરી પડે છે.
ચંદ્રેશના પપ્પાએ આ મકાન વેચ્યુ ત્યારે પોતાની ઉંમર ખુબ નાની હતી. ખરીદનાર રમેશકાકા પોતાના મિત્ર સંજયના પપ્પા હતા. ચંદ્રેશને એમ જ હતુ કે પોતે ગમે ત્યારે પોતાના ઘરમાં આવ- જા કરી શકે. એક દિવસ અચાનક ચંદ્રેશને પાછળના દરવાજેથી અંદર આવતા ઘણો કર્કશ અવાજ સાંભળવા મળ્યો. એનો સાર
એ હતો કે ચંદ્રેશે આ ઘરમાં આવવું નહીં અને પોતાના મિત્રને પણ ભૂલી જવો. ચંદ્રેશ ઘણો સમય એમ જ સ્થિર જડવત્ થઈ ગયો. પોતે હવે આ પોતાના જ ઘરમાં અજાણ્યો બનીને રહી ગયો.
બાળકને રૂપિયા-પૈસામાં તો શું ખબર પડે ? એ પોતાના ઘર સાથે લાગણીથી જોડાયેલુ હોય છે. ખરીદ-વેચાણના સોદા મોટા વચ્ચે થાય અને બાળક એમાં રહેંસાઈ જાય એ ક્યાંનો ન્યાય ?
થોડા સમય પછી ચંદ્રેશ ગામડેથી પોતાના માતા- પિતા અને પરિવાર જોડે બીજે શહેર જતો રહ્યો. જો કે ચંદ્રેશ વાર્ષિક પરીક્ષાઓ બાકી હોવાથી પાછળથી શહેર ગયો હતો.
અહીં શહેરમાં આવ્યા પછી ભણવા-ગણવામાં સમય પસાર થતો હતો. ઘણીવાર પોતાનું ઘર યાદ આવતા રડી પડતો. પોતાની નાની બહેન સ્નાતક થઈ ત્યારે સૌથી વધારે ખુશી પોતાને થઈ હતી. પપ્પાએ હવે નાની બહેનના લગ્ન માટે મુરતિયો જોવાનું ચાલુ કર્યું હતું.
રમેશકાકાના ધાક-ધમકીભર્યો સ્વભાવે સંજયને સ્વતંત્ર નિર્ણય કયારેય લેવા ન દીધો. સંજયને હોસ્ટેલમાં ભણવા મુક્યો હતો. વેકેશન પુરતો જ ઘરે આવતો. રમેશકાકા સ્વતંત્ર રીતે મકાનના સોદા કરતા. એ નવા ઘરમાં થોડો સમય રહે પછી નવું ઘર લઈ લેતા. આ કાર્યમાં સંજયને શંકા ગઈ. પોતે પુરાવા વગર કંઈ બોલી શકે એમ નહોતો.
સંજયે વિચાર્યુ કે સૌથી પહેલા આ ગામમાં ચંદ્રેશનું મકાન વેચાયું હતું. પછી શિક્ષક અને છેલ્લે વકીલ. એકબીજા સાથે કેટલુંય ગોઠવી જોયુ પણ કંઈ તાળો મળતો ન હતો. છેલ્લે સંજયે એક પત્ર પોતાના મિત્ર ચંદ્રેશને લખ્યો.
પ્રિય મિત્ર ચંદ્રેશ,
કેમ છે તું ? હું તને ખુબ યાદ કરું છું. આપણે બંને ઉતરાયણ કરીને જુદા પડ્યા હતા તને યાદ છે ? તારે શહેર જવાનું હતું. તારા પપ્પાએ તને પરીક્ષા આપીને આવજે એવું કહ્યુ એટલે આપણે કેવા ખુશ-ખુશ થઈ ગયા હતા. જે બે-ત્રણ મહીના સાથે રહેવાના મળ્યા એ. આ વખતે મારા પપ્પાએ સામેથી તને રોકાવાનું
કહ્યું હતું. તારા પપ્પા થોડા નારાજ હતા. એ નારાજગી હું ત્યારે સમજી શક્યો ન હતો. આજે સમજાય છે.
હવે આગળ હિંમતભેર વાંચજે. હું મારા પપ્પાનો ખુલ્લો વિરોધ ક્યારેય નહીં કરી શકું. તારા પપ્પા ત્યારે પોલીસમાં હતા. હવે કમિશનર બની ગયા છે. તું તારા પપ્પાને અહીં મોકલજે. અહીં આ ગામમાં અમારા આવા ત્રણ મકાન એક તારું, એક શિક્ષક અને એક વકીલનું હતું. આ મકાનોની દિવાલ તથા નીચે ભોંયરુ શંકાસ્પદ છે. બોદી દિવાલમાં જરુર કંઈક છે.
મારા પપ્પાને મારા પર શંકા છે. મારા મમ્મી પણ એ શંકાનો ભોગ બની જીવ ગુમાવ્યો. તારા પપ્પાને જલ્દીથી મોકલજે. તું તારા મકાનની અગાશીએથી છુપાઈને જોવાનું કહેજે. કંઈક જરુર જાણવા મળશે.
લી. તારો પરમ મિત્ર સંજય.
પત્ર બંધ કરીને ચંદ્રેશ ગડી વાળીને મૂકે છે. હું તને હોસ્ટેલમાં મળવા આવતો ત્યારે જ કંઈક અંશે સમજી ગયો હતો. હું પણ પોલીસમાં જ ભરતી થયો છું. ઈન્સ્પેક્ટર ચંદ્રેશ આવી રહ્યો છે આપણાં ગામમાં. દોસ્ત, મને માફ કરજે કે મેં તારાથી હું ઈન્સ્પેક્ટર બન્યો એ વાત છુપાવી છે.
**
ભૂતકાળમાંથી બહાર આવતા ચંદ્રેશ દાદર ચડીને અગાશીમાં ગયો. ખુબ ખુબ ધૂળ, રેતી, જાળાં ને ચીરતો ઉપર આવ્યો હોવાથી ઉધરસ આવી ગઈ. ઉધરસને ઠીક કરવા પાણી પીવું જરુરી હતું. એ ફટાફટ પાછો નીચે આવ્યો. તે પાણી પીને થોડોક સામાન લઈને પાછો અગાશીમાં ગયો.
બધાં સાધનોથી ભરેલો થેલો મુકી દીધા પછી એક ચક્કર મારી નીચે આવ્યો. શું થશે ? સફળતા મળશે ? આવા કંઈ કેટલાય વિચારોને મનમાં ઘમરોળતો મોબાઈલમાં કંઈક જુએ છે.
ચંદ્રેશ રાતનું જમવાનું ઘરેથી જ લાવ્યો હોય છે. તે મમ્મીએ આપેલું ટિફિન ખોલે છે. થેપલા, સુકી ભાજી, દહી, છાશ, ચેવડો, સુખડી જોઈને ખુશ થઈ જાય છે ફટાફટ જમી લે છે પછી મોબાઈલ માં કંઈક જુએ છે જો બહાર જમવા જાય તો નાના ગામમાં ખબર પડી જાય કે કોઈ નવી વ્યક્તિ ગામમાં આવી છે.
ચંદ્રેશ બોદી દિવાલ શોધવાની કોશિશ કરે છે. બંને રૂમમાં વારાફરતી ગયો હતો, પણ કંઈ મળ્યું નહીં. જો ખોદવાનું કામ કરે તો અવાજ આવે અને અવાજ થાય તો નિરવ શાંતિમાં અવાજ બહાર જાય.....ના ના એ ન પોસાય. ભલે એક દિવસ વધારે થાય પણ ઉતાવળ કરવી નથી. તે સ્ટોરરુમમાં એમ જ ચક્કર લગાવે છે. તે કંઈ મેળવવાની આશાથી નહીં પણ બાળપણમાં મમ્મીએ નાસ્તાના ડબ્બા ની કરેલી લાઈન જોવા એમ જ અહીં આવી ગયો હતો. પાછો ફરતો હતો કે એક ચાવી ઉપર નજર પડી. શેની ચાવી હશે ? તે લઈને ખિસ્સામાં મૂકે છે. બેધ્યાન પણે રૂમમાં જવા પગ ઉપાડે છે કે પોતાનો ધક્કો લાગતા ત્યાં પડેલું બેરલ ખસી જાય છે. નીચે નજર કરે છે તો એક લાદી નીચે ધસેલી દેખાય છે. નીચે જોઈને ત્યાં જ બેસી જાય છે. ચારેક લાદી હટાડતાં કંઈક ભોંયરા જેવું દેખાય છે. એક વખત તો ભોંયરામાં જવાનું મન થઈ ગયું પણ સવારે ન પહોંચાય તો -- તે વિચાર આવતા જ ચંદ્રેશે ભોંયરા વાટે જવાનું માંડી વાળ્યું.
ચંદ્રેશને ભોંયરુ મળી જવાનો આનંદ હતો અને આશા હતી કે ખોદકામ કરવાથી બોદી દિવાલ પણ મળી જશે. જરુર કંઈક હાથ લાગી જ જશે. તે પોતાની સાથે લાવેલ સામાનમાંથી પથારી કરે છે.. તે પરાણે સુવાની કોશિશ કરતો સવાર પડવાની રાહ જોવે છે.
**
બીજે દિવસે ઉતરાયણ.....
ચંદ્રેશ ફ્રેશ થઈને અગાસીમાં આવે છે. તે જોવા માટે થોડો સમય સંતાઈ જાય છે. થોડે દૂર બધા મકાનની અગાશીમાં કાપ્યો છે..... ઢીલ દે ..દે..રે ભૈયા...એ લપેટ.......ના અવાજો આવી રહ્યા છે. ચંદ્રેશ પોતાના રાતના મુકેલ સામાનમાંથી દૂરબીન હાથમાં લે છે દૂર દૂર નજર કરે છે. પોતે સંતાઈને જોવાની કોશિશ કરે છે. દૂરબીનથી પહેલા શિક્ષકનું ઘર અને પછી વકીલનું ઘર જોવે છે પણ આ શું!! બંને મકાનની અગાસી ખાલી છે હવે ત્યાં પહોંચવું કેમ ? થોડી વાર આમ થી તેમ બધે નિરીક્ષણ કરે છે. બાળપણની ઉતરાયણ યાદ આવતા હૃદય ભરાઈ આવે છે પણ આજે પરિસ્થિતિ જુદી હોવાથી પોતે ખુબ મક્કમ બની જાય છે.
ચંદ્રેશ અગાશીમાંથી નીચે આવે છે અને પેલા ભોયરામાં પ્રવેશ કરે છે. અગાશીમાંથી પોતાની સાથે જ સામાન ભરેલો થેલો લઈ લીધો હોય છે. એમાંથી ટોર્ચ કાઢી એના પ્રકાશમાં આગળ ચાલતો રહે છે હવે કાપ્યો છે....ઢીલ દે...આ અવાજો માથા પર આવતા હોય એવું અનુભવાયુ. આ શુ ? રસ્તો બંધ ? હવે ? રસ્તો તો પૂરો થઈ ગયો ! ચંદ્રેશ આજુબાજુ જોતો હતો ઉપર નીચે નજર કરી ફરી ઉપરની બાજુ જોયું તો તાળા જેવું કંઈક ટોર્ચના પ્રકાશમાં ચમકતું હતું. આ તાળું ખોલવું કેમ એ વિચારતો ઊભો રહ્યો ત્યાં ખિસ્સામાં હાથ જતા ચાવી હાથમાં આવી. ચંદ્રેશે તરત જ એ ચાવીથી તાળુ ખોલવાની કોશિશ કરી કે તરત જ ખુલી ગયું બે હાથથી ધક્કો મારી ઉપરની બાજુ ખોલી નાખ્યું. ઊંચાઈ ખાસ હતી નહીં અને તાલીમના હિસાબે તરત ઉપર ચડી ગયો.
આ કદાચ શિક્ષકનું ઘર છે. હવે તે ગામમાં આવી ગયો હોવાથી સજાગ રહેવું પડે એમ છે. અવાજો ખૂબ નજીકથી આવતા હોવાથી પોતે ઘરમાં શોધખોળ કરી શકશે એવી આશા જન્મી. નાની હથોડી વડે પોપડાં પાડ્યા. દિવાલ તરત જ તુટી ને કોઈની કોહવાયેલી લાશ દેખાઈ.
*
આ બાજુ સંજયને એના પપ્પા ફોનમાં વારંવાર પૂછે છે કે તું ક્યાં છો ? સંજય એના પપ્પાને કહે છે કે હું અહીં મનાલી આવ્યો છું. તમે ચિંતા ન કરો. સંજયના પપ્પા રમેશભાઈ વિદેશ ગયા હોવાથી મનમાં ડરતા હતા કે પોતાની પોલ ખુલી ન જાય અને એમને ડર હતો કે ચંદ્રેશના પપ્પા જૂના ગામમાં ન જાય. રમેશભાઈ બે મહિનાથી વિદેશ હોવાથી તેમને ખબર જ નહોતી કે ચંદ્રેશ ઇન્સ્પેક્ટર બની ગયો છે એક જ મહિનાની નોકરીના અનુભવમાં એ કેવડું મોટું ષડયંત્ર પકડી પાડવાનો છે એની કલ્પના તો એમને ક્યાંથી કરી હોય ?
*
ચાર મહીના પછી.......
રમેશભાઈ વિદેશથી પરત ઘરે આવ્યા. શું જોયું ? પોતાના બંગલાની આજુબાજુ પોલીસનો પહેરો જોતા જ હોશકોશ ઊડી ગયા. રમેશભાઈનો ચહેરો ધોળી પુણી જેવો થઈ ગયો. ઈન્સ્પેક્ટર
ચંદ્રેશ રમેશભાઈને હથકડી પહેરાવી, જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવ્યા અને લોકઅપમાં પૂરી દીધા. નિયમ મુજબ એમના વકીલને ફોન પણ કરવા દીધો. મોટી વગ હોવાથી જમાનત પર છૂટ્યા. કેસ મોટો હોવાથી સીધી તારીખ જ આવી.
*
ન્યાયાલયમાં ચંદ્રેશ એક પછી એક પુરાવા રજૂ કરે છે. આરોપીના પીંજરામાં રમેશભાઈ ઊભા છે. એનો વકીલ દલીલ પણ કરે છે હવે જોવાનું છે કે રમેશભાઈને સજા થાય છે કે નહીં ?
જજસાહેબ પહેલાં ચંદ્રેશને પુછે છે કે શું થયું એ પહેલેથી કહો.
ચંદ્રેશ એ દિવસ યાદ કરતા કહે છે કે હા, તે દિવસે હું મારા ગામમાં આવેલાં જુનાં ઘરની અગાશીએથી શિક્ષકનું અને વકીલનું ઘર દુરબીનથી જોતો હતો. મળેલી વાત મુજબ ભાડે આપેલ બંને મકાનની અગાશી એ દિવસે ખાલી જોવા મળતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. જો મકાન ભાડે આપ્યું હોય તો ત્યાં રહેતા પરિવારજનો પતંગ ઉડાડતા હોત ને ! કેવી રીતે ભોયરૂ મળ્યું એ પણ કહ્યું. ભોયરા વાટે શિક્ષકના ઘરમાં પહોંચતા એક કોહવાયેલી લાશ મળી હતી, હવે રમેશકાકા જ કહેશે કે એ લાશ કોની છે ? હું ત્યાંથી વકીલના ઘરમાં ગયો. મને ત્યાંની બોદી દીવાલોમાંથી સોનાના બિસ્કિટો મળ્યા. આ બધું જોતા જ મેં મારો સ્ટાફ ત્યાં બોલાવી લીધો હતો. એ ત્યાં ગામમાં જ સિવિલ ડ્રેસમાં હતા. સોનાના બિસ્કિટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે. રમેશકાકા વિદેશથી આવે, તેમને તૈયારી કરવાનો સમય ન મળે એ રીતે પકડવામાં આવ્યા છે.
જજસાહેબ રમેશભાઈને કડકાઈથી પૂછે છે. એમના વકીલને ભૂતકાળની વાતો, એનું જુનું ગામ આ બધાથી અજાણ હોવાથી નિરુત્તર થઈ ગયો. હવે રમેશ ભાઈ ને ખબર પડી ગઈ છટકી શકાશે નહીં એટલે ધ્રૂસકે ધ્રુસકે રડવા માંડ્યા.
રમેશભાઈ કહેવાનું ચાલુ કર્યુ કે એ લાશ સંજયના મમ્મી અને મારા પત્ની લક્ષ્મીની છે. લક્ષ્મી મને આવા દાણચોરીના કામથી દૂર રાખવાની ખૂબ કોશિશ કરતી હતી, પણ મને એ આડખીલી, કાંટારુપ લાગતા હું ધનવાન બનવા માટે રાક્ષસ બની બેઠો. મેં જ એનું ગળું દબાવીને હત્યા કરી. દાણચોરીનો માલ સંતાડવા માટે ઇન્સ્પેક્ટરનું મકાન ખરીદ કર્યું. મેં એવું વિચાર્યું કે ગામની બહાર ઘર હોવાથી કોઈને કંઈ ખબર નહિ પડે. પરંતુ ઈન્સ્પેક્ટરને શંકા જતા મેં મકાન બદલવાનું નક્કી કર્યું. ત્યારબાદ મેં શિક્ષકનું મકાન વેચાતી લઈ લીધું અને એના પાસેનું વકીલનું મકાન પણ વેચાતું લીધું કે તે ઘટના શંકાસ્પદ ન લાગે. બધાને મિલ્કત ખરીદાતી હોય એવું જ પહેલી નજરે લાગે એવો દેખાવ ઊભો કર્યો હતો. એક ચાવી હું ત્યાં ભૂલી ગયો એનું આ પરિણામ આવ્યું.
તરત જ ઈન્સ્પેક્ટર ચંદ્રેશે કહ્યું કે ચાવી ન હોત તો મને હથોડીથી તાળું તોડતા આવડે છે.
આમ, સોનાના બિસ્કિટની દાણચોરી અને લક્ષ્મીના હત્યારા એવા રમેશભાઈને આજીવન કારાવાસની સજા મળી. દીકરો સંજય જ પોતાના પિતાની ધરપકડનું કારણ બન્યો. સંજય પોતાની મમ્મીને ન્યાય અપાવવા સત્યના પક્ષે ઊભો રહ્યો.
ચંદ્રેશના કમિશનર પપ્પા દીકરાની આટલી મોટી સફળતા બદલ ગૌરવ અનુભવવા લાગ્યા અને સંજયની સચ્ચાઈથી તેઓ ખુબ પ્રભાવિત થયા. ચંદ્રેશે પપ્પાને પોતાની નાની બહેન માટે સંજયની વાત કરી. ચંદ્રેશના મમ્મી પપ્પાએ
વાત વધાવી લીધી. આમ, એક સગાઈ પણ થઈ ગઈ.
મને મારું ગામ વ્હાલું તો છે જ, પણ મારી કારકિર્દીના પાયારૂપ પ્રથમ કેસને જોરદાર સફળતા મળી. આ સફળતા મારા ગામને આભારી છે.
