Vandana Patel

Romance

3  

Vandana Patel

Romance

ચિંતા

ચિંતા

2 mins
160


સવારે છ વાગ્યે એનો કોલ આવ્યો, અને.......હું હોસ્પિટલ જવા નીકળી ગયો. એક જ વાક્ય એ બોલી હતી કે "આવી જાઓ."

રસ્તામાં આખું જીવન કેસેટની જેમ નજર સામે ગોળ- ગોળ ફરીને સીધી પટીમાં ગોઠવાઈને સ્પષ્ટ થતું ગયું. મારુ હૃદય ભરાઈ આવ્યું. મને મારી પત્ની પ્રત્યે અપાર પ્રેમ હોવા છતાં, હું પ્રદર્શિત કરી શકતો ન હતો. મને સામાન્ય ઝઘડામાં પણ અહમ આવી જતો હતો. હરહંમેશની જેમ આજે પણ મારી પત્નીએ જ નમતું મૂકી દીધું હતું. મારી પત્ની ખૂબ મજબૂત મનોબળ ધરાવતી હોવાથી ભાગ્યે જ બીમાર પડી હશે. મારી પત્નીને મેં ન કહેવાનું કહી દીધા પછી, હું શાંતિથી મારા સ્ટડીરુમમાં ભરાઈ ગયો હતો.

અમારી દીકરીનો ફોન આવ્યો, તોપણ મેં કહી દીધું કે "એના ફોન પર ફોન કરી લે." 

અમારી દીકરીએ કહ્યુ પણ ખરું કે શું પપ્પા, તમે પણ.....આટલા વરસો પછી પણ મમ્મીને ઓળખી ન શક્યા હો, એવું વર્તન કરો છો." મારી પાસે કોઈ જવાબ ન હોવાથી મેં ફોન મૂકી દીધો હતો.

મારી પત્નીને રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડવાથી, મારી ઊંઘ ન બગડે એટલે એકસો આઠ બોલાવીને હોસ્પિટલ જતી રહી હતી.

હવે .....હે ભગવાન ! બચાવી લેજે....હું એના વગર અધૂરો છું.

હું મારી પત્નીને જીવતાં જ કહી શકું, મને સમયસર હોસ્પિટલ પહોંચાડી દે.

મેં સિગ્નલ મળતા જ કાર હોસ્પિટલ તરફ ભગાડી.

હોસ્પિટલ પહોંચતા જ, રુમ નંબર તેરમાં પ્રવેશતા જ, મારી પત્નીને આરામથી સુતેલી જોઈ. મેં નિરાંતનો શ્વાસ લીધો. મારી પત્નીએ આંખો ખોલી. મારા પગલાંનો અવાજ એ ભરનીંદરમાં પણ ઓળખી જાય.

મેં તરત જ ખીજાવવાની ચાલું કર્યુ કે આ તેર નંબરનો રુમ લેવાય ? આંકડો જ અપશુકનિયાળ......

ત્યાં જ ડૉક્ટર આવ્યા. ડૉક્ટરે મને કહ્યુ કે " તમારા પત્નીનો ઈસીજી અને કાર્ડિયોગ્રામ સામાન્ય છે."

" રાત્રે આ જ રુમ અપશુકનિયાળ અંકના કારણે ખાલી હતો, જે તમારા પત્નીને મળી ગયો". જેથી તમે પણ ઘરે શાંતિપૂર્ણ ઊંઘ લઈ શક્યા."

હું મારી પ્રેમાળ પત્નીને લઈને ઘરે આવ્યો. મેં ઘરમાં પ્રવેશી તરત બારણું બંધ કરી દીધું. હું મારી પત્નીને ભેટી પડ્યો. હું એક નાનકડા બાળકની જેમ રડી પડ્યો.

આજે મને સમજાઈ ગયુ કે જુદા પડવું એટલે શું.......

અમારી દીકરીનો વિડિયોકોલ આવતાં મેં ફોન ઉપાડ્યો. મારું રડેલું મોં જોઈ, એ ખૂબ રાજી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance