Vandana Patel

Fantasy Inspirational Thriller

4.7  

Vandana Patel

Fantasy Inspirational Thriller

રાચરચીલું

રાચરચીલું

2 mins
436


એક મોટા બંગલામાં બગીચાની લોનમાં સરસ મજાનાં બે ભૂલકાંઓ રમી રહ્યા છે. શાંતામાસી આ બંને બાળકોને વારાફરતી દાડમનાં દાણાં ખવડાવી રહ્યાં હતાં. બંને બાળકોની વાડકી અને ચમચી અલગ-અલગ હતી. મને આ જોઈને આશ્ચર્ય થયું. મને જોઈને શાંતામાસી ઊભા થવા લાગ્યા. મેં આંખના ઈશારાથી ના પાડી. 

હું બંગલામાં અંદર પ્રવેશી. હું પહેલીવાર બંગલામાં પ્રવેશતી હોય, એવું અનુભવ્યું. મારી સહેલી મીરાં મને જોઈને તરત મારો હાથ પકડીને અંદર લઈ ગઈ. મને સમજાયું નહીં કે સોફામાં બેસાડવાની બદલે સીધી બેડરૂમમાં કેમ લઈ ગઈ !

હું ચા- નાસ્તો કરતાં કરતાં મીરાંની અસ્ખલિત વાણી સાંભળી રહી. મીરાંએ ઝુમ્મર, બેડરૂમમાં રાખેલ સોફા, ફૂલદાની, જાજમ, બેઠકખંડમાં સોફા, આરસનું ડાઈનીંગ ટેબલ, પલંગ, બાળકોના રૂમનું રાચરચીલું વગેરે વગેરે વસ્તુઓનું વર્ણન કર્યું. એ બધી વસ્તુઓ ક્યાંથી લીધી, એ કિંમત સાથે અક્ષરશઃ કહી દીધું. હું પણ મોંઘું રાચરચીલું જોઈને ભાવવિભોર થઈ ગઈ. 

મીરાંને કોઈનો ફોન આવતાં એ વાતોએ વળગી. હું મારી રીતે બંગલામાં આંટા મારવા લાગી. મીરાંનો બંગલો એ જ હતો પરંતુ તેણીએ રાચરચીલું બદલ્યું હતું, જેના કારણે નવો જ લાગી રહ્યો હતો. મીરાંએ બૂમ પાડી "આયા..." મને થયું કે પૈસા આવતાં સંસ્કાર કેમ ભાગી જતા હશે ? શાંતામાસી ઉંમરમાં અમારાથી મોટા હોવાથી આયા સંબોધન કેવું લાગે ! હું કંઈ ન બોલી. 

હું આખો બંગલો જોઈ છેલ્લે બેઠકખંડમાં આવીને સોફાના કાપડ પર હાથ ફેરવવા લાગી. મેં ઉપર ઝુમ્મર, ફૂલદાની, દિવાલ પર લગાડેલું તૈલીચિત્ર તથા બારીના પડદાં વગેરે શાંતિથી જોયું. મને સોફાના ખૂણે બે આકૃતિ બેઠેલી દેખાઈ. એકદમ શાંત બે પ્રતિમાઓ- જાણે હમણાં જ બોલી ઉઠશે. મને વૃધ્ધત્વને વરેલી આ પ્રતિમાઓ ખૂબ ગમી ગઈ. એક પુરુષ અને એક સ્ત્રી, એમ બે પ્રતિમાઓ બેઠેલી મુદ્રામાં શાંત બેઠી હતી. મને આ સ્થિર પ્રતિમાઓની આંખો જીવંત લાગી !

હું મનોમન કશુંક વિચારતી હતી. મેં મનોમન ત્રાજવું ઉપાડયું. મેં એક પલડામાં મોંઘુદાટ રાચરચીલું મૂક્યું ને બીજા પલડામાં આ શાંત, સ્થિર, બોલકી અને પરાણે વ્હાલી લાગતી બે પ્રતિમાઓ મૂકી. 

મને પ્રતિમાઓને સ્પર્શવાનું મન થયું. પુરુષ પ્રતિમાનો હાથ સ્ત્રી પ્રતિમાના હાથ પર હતો, એના પર હું મારો હાથ ફેરવવા લાગી. મીરાંએ મને બૂમ પાડીને બોલાવી એટલે હું ત્યાંથી પાછી ફરી. મારા હાથના પોચા પર કશુંક ભીનું લાગ્યું.

ઓહ ! એ હતાં રડતાં યુગલ પ્રતિમાનાં જીવંત અશ્રુબિંદુઓ !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy