Vandana Patel

Tragedy Fantasy Inspirational

3  

Vandana Patel

Tragedy Fantasy Inspirational

પપ્પાનો પુત્રીને પત્ર

પપ્પાનો પુત્રીને પત્ર

2 mins
206


રિસાયેલ પપ્પાનો પુત્રીને લખેલ પત્ર.

કાયમી સરનામું : તારું હૃદય.

રસ્તો : અમારા હૃદયથી થઈને.

તારીખ : તું વાંચે ત્યારની જ.

વિષય : નવી શરૂઆતની વાત કરવા બાબત.

મારી લાડલી દીકરી,

સંબોધન વાંચીને તારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા હશે ખરું ને ? એક દિવસ પણ એવો નથી ગયો કે તને યાદ ન કરી હોય. તારા મમ્મીએ તો તારો મીઠો સ્વર જ મોબાઈલમાં એલાર્મ તરીકે રાખ્યો છે. આટલો બધો પ્રેમ કરીએ પણ બતાવવાનો નહી આ કેવી સંસ્કૃતિ! આપણે આપણી રીતે જીવી ન શકીએ. સમાજે મને એટલી હદે કાયર કરી નાખ્યો કે દીકરી પાણી માગે તો દૂધ આપતો ને મનપસંદ

સાથી સાથે જિંદગી જીવવા માગી તો ગુસ્સો આપી બેઠો. હું તારાથી રિસાઈ ગયો ! પણ કેમ ! સમાજના ડર સાથે મને મારો અહંકાર પણ થોડો નડ્યો. બધું સારું હું જ આપુ એ જીદે આપણને જુદા કરી નાખ્યા. હજી પણ કંઈ બગડ્યુ નથી. તું નાની હતી ત્યારે રિસાઈ જતી ત્યારે અમે તને મનાવી લેતા. દીકરી, આજે તું અમને મનાવી લે. આવી જા, દોડીને આવી જા. હું ને તારા મમ્મી તારી રાહ જોઈએ છીએ.

મારે મારા જમાઈને ભલામણ કરવી છે કે મારા કાળજાના કટકાને હંમેશા હસતો રાખજો. મારી દીકરી એનું પિયર પારકુ કરીને તમારી ઘરે આવી છે, એને સતત હુંફ ને પ્રેમ આપજો. તમને સફળ દામ્પત્યજીવનના આશીર્વાદ આપવા છે. મારા હૃદયનો ધબકાર તું, તારા કથ્થક કલાસીસે ખુબ સરસ નામના મેળવી છે. તે અમારી શિક્ષા સાર્થક કરી. તારા થકી ઉતમ નૃત્યાગંનાની ભેટ સમાજને મળે છે. અમારે એક નવી શરૂઆત કરવી છે. મારે તારા સસરાના મિત્ર બનવું છે. તું બધાને સાથે લઈ સપરિવાર આવજે. ત્રણ દિવસ પછી અમારી લગ્નતિથિ આવે છે, તને યાદ જ હશે. દીકરી, અમને મનાવવા તું આવી જા. તારા પ્રેમમાં ભીંજાવું છે. મારા નિવૃતિકાળને તમારા બધાની ખુશીઓથી છલકાવવો છે, અમારે પણ અમારો પ્રેમ, વાત્સલ્ય તમારા બધા પર ઢોળવો છે. ખાલી થઈ જવું છે. સાચા અર્થમાં નિર્મળ ને શુધ્ધ બની વૈકુંઠધામ સીધાવવું છે. મારા વ્હાલનું અમૃત પામવા ચોક્કસ આવજે. અમે તારી કાગડોળે રાહ જોઈશું.

 જલ્દી આવજે, દોડી આવજે, મારી પ્યારી પરી રે,

 તારી વાટ જોતા, હરખે બેઠા, હિંચકે મમ્મી-પપ્પા રે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy