STORYMIRROR

Vandana Patel

Romance Tragedy Fantasy

3  

Vandana Patel

Romance Tragedy Fantasy

પ્રતીક્ષા

પ્રતીક્ષા

2 mins
213

ડો. રીના અને ડો. ઋષિ, કોલેજકાળનો સોનેરી સમય વાગોળતાં બગીચાના બાંકડે બેઠા હતાં. બંને એકબીજાની આંખોમાં એવી સરસ સ્વપ્નસૃષ્ટિ સર્જી રહ્યા હતાં કે કોઈ જરા અમથું પણ કંઈ પૂછે કે હલાવે તો જાણે સ્વપ્નનગરી ભસ્મીભૂત ન થઈ જવાની હોય ! બંનેએ મીઠો-મધૂરો વાર્તાલાપ પૂરો કર્યો,

અર્થપૂર્ણ મૌન પણ સમજી ગયા ને છૂટા પડવાની વેળા પણ આવી ગઈ.

રીતુએ કહ્યું "રાહમાં તારી સમય વીતે અહીં, હું અહીં જ તારી પ્રતીક્ષા કરીશ." 

બંને આવતા રવિવારે ફરી મળવાનું નક્કી કરી છૂટાં પડ્યાં.

ડો. રીના રોજિદા કાર્યોમાં ગુંથાયેલાં હતાં. આ બાજુ ડો. ઋષિના મમ્મી-પપ્પાને કેનેડામાં અકસ્માત નડ્યો. ડો. ઋષિ તાબડતોબ કેનેડા ગયા. બધી કાર્યવાહી પતાવતા પાંચેક દિવસ વીતી ગયાં. ડો. ઋષિ ભૂલી ગયા કે રવિવાર આવીને જતો રહ્યો છે.

ડો. રીના દર રવિવારે બગીચાના બાંકડે ડો. ઋષિની પ્રતીક્ષામાં બેસે છે, મોડાં મોડાં ઘરે ચાલ્યા જાય છે. એક દિવસ અચાનક રીનાને ઋષિનો ફોન આવે છે. ઋષિ કહે છે "રીના, તું અહીં આવી જા." રીનાએ ના પાડતાં કહ્યું "આપણું સપનું અહીં ભારતમાં રહીને લોકોની સેવા કરવાનું હતું ને ! તો પછી કેનેડામાં રહેવાથી શો ફાયદો ?"

ઋષિએ કહ્યું "મારા મમ્મી-પપ્પા બંને અકસ્માતમાં ગુજરી ગયાં. અહીંની હોસ્પિટલ અને ઘર મારે જ સંભાળવાનું છે."

રીનાએ ઊંડો શ્વાસ ભરીને કહ્યું " આજે રવિવાર છે, હું એ જ આપણાં મનગમતાં બાંકડે બેઠી છું. હવે તો રાહમાં તારી સમય વીતે અહીં. તું જયારે પણ આવીશ, હું તને અહીં જ પ્રતીક્ષા કરતી મળીશ."

પચ્ચીસ વર્ષ પછી...ભારતમાં.

ઋષિ બગીચાના એ જ મનગમતા બાંકડે બેઠો છે. આજે રીનાનું વાક્ય પોતે મનોમન દોહરાવે છે...હવે તો રાહમાં તારી સમય વીતે અહીં.

પણ અફસોસ...રીના હવે આ વાક્ય સાંભળવા જીવિત નથી. રીના ઋષિના વિરહની આગમાં લપેટાઈને, એકલતાનો ભોગ બની હતી. રીનાને પાંચ વર્ષ પહેલાં મગજનો એક હુમલો આવ્યો ને કાયમ માટે ચિરનિદ્રામાં પોઢી ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance