મારો યાદગાર પ્રવાસ
મારો યાદગાર પ્રવાસ
પ્રવાસ એટલે મન પ્રફુલ્લિત કરવા, હૃદયને પુલકિત કરવા વાર્તાઓમાં કે લેખમાં વાંચેલા વર્ણનને તાદ્રશ્ય માણવાની મજા, પ્રવાસમાં ગમવા જેવું ઘણું બધું હોય છે, આમ જુઓ તો કુદરતે રંગો વિખેરી દીધા હોય કે ક્યાંક રંગીન ચાદર જેવી હરિયાળી બિછાવી હોય.ખળખળ વહેતા ઝરણાં અને એમાંય પંખીઓનો કલરવ એટલે જાણે કુદરતે સંગીતના બધા વાદ્યો સજાવે સંગીત વહેતુ મૂક્યું હોય અને આમ પણ જેને સંગીત ગમતું હોય એને પ્રવાસમાં અમુક જગ્યા વિશેષ ગમી જાય છે અને એમ થાય છે કે ક્યારેક સપનામાં વિચાર્યું હતું કે ક્યાંક વાંચ્યું હતું એવી જ મજા આ પ્રવાસમાં આવી છે. પ્રવાસથી મળતો આનંદ જીવનભર યાદ રહે છે. એવો જ એક પ્રવાસ છે બદ્રીકેદારનો !
અમે ઉત્તર ભારતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ - યાત્રાએ ગયા હતા. એક સુપ્રસિદ્ધ સંતના માર્ગદર્શન હેઠળ અમે પંદરથી સોળ જેટલા મિત્રોએ સાથે મળીને આયોજન કર્યું હતું. અમદાવાદથી અમે રેલ્વે દ્વારા દિલ્હી પહોંચ્યા. ત્યાંથી બસ દ્વારા હૃષિકેશ પહોંચ્યા. એક દિવસ રોકાણ કર્યું. ગંગા સ્નાન કરીને થાક ઉતાર્યો. બીજે દિવસે બદરીનાથ જવા રવાના થયા આકાશ સાથે વાતો કરતા હોય એવા પર્વતોની વચ્ચેથી સર્પાકાર કેડીઓ જેવા રસ્તાઓ પર અમારી બસ પુરપાટ દોડતી જતી હતી અને એમ લાગ્યા કરતું હતું કે રસ્તા પરના વૃક્ષોની ડાળીઓ અમારું સ્વાગત કરવા જાણે ચૂમવા આવતી હોય, આમ જ કુદરતની મજા માણતા, અમે જોશીમઠ પહોંચ્યા. ત્યાં રાત્રી રોકાણ કર્યું.
બીજે દિવસે સવારે અમે બદરીનાથ પહોંચ્યા. ઊતારામાં પહોંચી ને સામાન મૂકી ભોજન લઇ અમે બપોરે બદરીનાથનાં મંદિરે દર્શન કરવા ગયા. મંદિરની બંને બાજુએ ગરમ પાણીનાં કુંડ હતા કહે છે કે એમાં ન્હાવાથી થાક ઉતરે છે. ત્યાં સ્નાન કરીને આગળ વધ્યા. દર્શન કરીને ધન્યતા અનુભવી. રાત્રિરોકાણ પણ ત્યાં જ કર્યું અને વહેલી સવારે જ્યારે આંખ ખુલી તો ચારે તરફ બરફ છવાયેલો અને આ જોઈને તો અમે ઝૂમી ઉઠ્યાં. બરફનાં ગોળા બનાવીને મસ્તી કરવાની બહુજ મજા આવી. બીજે દિવસે ત્યાંથી નીકળી ગૌરીકુંડ પહોંચ્યા. અહીં પણ ગરમ પાણીનો ઝરો સતત વહેતા જ રહેતા હતા એમાં સ્નાન કરીને તાજગી મેળવી. સવારે ટટ્ટુ પર સવારી કરીને અમે કેદારનાથ ગયા. ઘણા યાત્રીકો પગપાળા અને ઘણા ડોલીમાં જતાં હતાં. ચારેતરફ બરફથી આચ્છાદિત પર્વતોની મધ્યમાં આવેલાં મંદિરની રમણીયતા જોઈને હૈયું પુલકિત થયું. ત્યાંથી ગૌરીકુંડ પરત આવ્યા.
બદરીકેદારની યાત્રા ધાર્મિક તો હતી જ પણ સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરાવનારી હતી એટલે અનેરો આનંદ થયો. ત્યાંથી અમે હરદ્વાર જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વિચાર આવ્યો અને અમે મસુરી જવાનું નક્કી કર્યું. આમ તો મસુરી એટલે પહાડોની મહારાણી કહેવાય છે. એ મસુરીના રસ્તે જ્યારે અમે જતા હતા ત્યારે એમ થતું હતું કે ઝડપથી નથી જવું થોડું હળવે જાવું છે પહાડી રસ્તાની આસપાસ પાણીના ખળખળ વહેતા ઝરણાં પહાડો પરથી પાણીનાં નાના ધોધ વહેતા હોય અને એ નીચેના ઝરણામાં પડે એ માણતા જવું છે, આ પ્રવાસને સંગીતમય બનાવવો છે એમ વિચારી મારાથી તો ડ્રાઈવરને કહેવાઈ જ ગયું કે ધીરે ધીરે ચલાવોને આ સંગીત માણવું છે. પણ એણે કહ્યું કે પહાડીઓ ઉપર ચડતી કે ઊતરતી વખતે એ શક્ય ન બને. છતાં પણ ચાલતી બસમાંથી એ ઝરણાથી વહેતા ધોધને માણવાની અને એમાંથી વહેતા સંગીતને માણવાની મજા આવી. એ આનંદ ને વાગોળતા, હૈયામાં કંડારતા અમે ઉપર પહોંચ્યા ત્યાંતો તો દ્રશ્ય જોઈ અમે ભાવવિભોર થઇ ગયા. વાદળો જાણે વહાલ કરીને જ આગળ જતા હતા એવું અદભુત વાતાવરણ ! ખુશનુમા ઠંડી અને આસપાસ વાદળ, બોલીએ તો જાણે મોઢામાંથી નીકળે વાદળ ! નીચે નજર કરીએ તો તળેટીમાં પણ વાદળ ! બસ એમજ થાય કે બે કે ત્રણ દિવસ આ જ વાતાવરણમાં રહીએ તો કેવી મજા આવી જાય ! માત્ર શરીરનો જ નહીં પણ હૃદયનો થાક પણ ઉતરી જાય.
આમ પણ કુદરતની તો કમાલ હોય જ છે અને મન હૃદયને તરબતર કરી દે એવી મૌસમની ધમાલ પણ હોય છે. વહેતા ઝરણાં અને નાનીમોટી ઊંચાઈએથી પડતા ધોધમાં ગજબનું સંગીત ગુંજતું હોય છે. તો સાથે સાથે મંદમંદ હવામાં પંખીઓના કલરવમાં જાણે દુનિયાના સંગીતકાર ઈશ્વરનાં ગીતો ગુંજતા ના હોય ! કરુણતા તો એ છે કે કુદરતની લીલા જે માણી શકે એ જ માણી શકે.. અમે તો માણ્યું મન ભરીને.
હવે અમે હરદ્વાર ગયા. અહીં તો અનેક મંદિરો અને સાધુસંતોના દર્શન નો લાભ મળ્યો. હરકીપોઢીની સંધ્યા આરતીનો લાભ લીધો. ગંગાસ્નાન કર્યું રાત્રી રોકાણ કર્યું બીજે દિવસે પરત અમદાવાદ આવવા નીકળ્યા. આવતા આવતા આખા રસ્તે જાણે આપણે કોઈ ગમતું ફિલ્મ ફરીથી રિવાઇન્ડ કરીને જોતા હોઈએ એમ આખો પ્રવાસ આંખ બંધ કરી વાગોળ્યો.આમ બદ્રીકેદારનો આ પ્રવાસ મારા જીવનનું યાદગાર સંભારણું બની રહ્યું.
પ્રવાસ માત્ર ફરવા માટે જ ના કરાય પણ જાણવા અને માણવા માટે કરાય. કુદરતની લીલામાં ખોવાઈ જવા માટે કરાય. બસ કોઈપણ દવા વગર કુદરતનાં સાનિધ્યમાં દર્દની પીડા ભૂલવા અને રોગમુક્ત થવા માટે કરાય. વહેતા ઝરણાં, ધોધ, હવામાં ખળખળ થતાં વૃક્ષનાં પાંદડાં અને એ સાથે જ પંખીઓનો કલરવ માણો તો લાગે કે સંગીત કોઈ જુદા જ સૂરોમાં રેલાય છે. કદાચ આ પંખીઓ પણ એને માણતાં માણતાં જ કિલ્લોલ કરતાં હશે અને એટલે જ રચાતું હશે આવું મધુર સંગીત. આવો કુદરતનાં સાનિધ્યમાં કરેલો સુંદર પ્રવાસ એટલે જ મારો યાદગાર પ્રવાસ. આવા પ્રવાસ કરીએ ત્યારે એમ થાય કે કોઈએ સાચું જ કહ્યું છે કે સ્વર્ગ આકાશની ઉપર ક્યાંય નથી એ તો અહીં જ છે આપણી આસપાસ, બસ એ જોવા માટેની દ્રષ્ટિ જોઈએ અને માણવા માટેનું હૃદય જોઈએ.
