Rupal Sanghavi "ઋજુ"

Classics Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Classics Inspirational Others

મારા પપ્પા સુપર હીરો

મારા પપ્પા સુપર હીરો

3 mins
281


આપણા માટે ગૌરવની વાત છે. કે આપણે આજના દિવસે, આપણાં પપ્પા માટે કંઈક લખીએ કે કહીએ. વાત છે પપ્પાની..! તો મારા હોય કે તમારા! આપણા માટે પપ્પા એટલે સુપર હીરો જ હોય હંમેશા.

એક કિસ્સો મને યાદ છે, બાળપણનો. હું સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. શાળાનો સમય સવારનો હતો. સાડાબારે છૂટીને પોણા એક વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવાનું. ઘરમાંથી ક્યારેય ક્યાંય બહાર જવું હોય તો કોઈ દિવસ કહ્યા વગર નહિં જવાનું. એવો નિયમ હતો અમારા ઘરમાં. એ દિવસે દોઢ વાગ્યા સુધી હું શાળાએથી ઘેર ન પહોંચી. મમ્મી ચિંતા કરવા લાગી કે અત્યાર સુધી ક્યાં ગઈ હશે ?

એ વખતે ફોન નહોતા ! કોઈ કોઈ મોટા ઘરમાં જ ટેલિફોન હોય. આ બાજુ પપ્પા દુકાનેથી આવ્યા કે તરત જ, મમ્મીએ વાત કરી કે રૂપા હજી નિશાળેથી નથી આવી ! તરત જ પપ્પા સાયકલ લઈને મારી શાળાએ શોધવા ગયા. શાળાએ પૂછતા ખબર પડી કે આજે રીસેસ પછી બધી વિદ્યાર્થીનીઓ શિક્ષકો સાથે વિજ્ઞાનમેળો જોવા ગઈ છે. જ્યાં વિજ્ઞાનમેળો હતો એ શાળા શહેરની બહાર દૂર હતી. એટલે ચાલીને જતા આવતા બહુ વાર લાગે.

હું તો ક્યારેય એકસાથે એટલું ચાલી જ નહોતી. જ્યારે ક્યાંય ફરવા કે કોઈ પણ જગ્યાએ જવું હોય, તો પપ્પા સાયકલમાં બેસાડે. અથવા ઘરના બધા સાથે જઈએ, તો રીક્ષા કે ઘોડાગાડીમાં જ જવાનું હોય. એટલે મનેતો બહુ તકલીફ પડી ચાલવામાં, પણ હું અને મારી એક બહેનપણી પ્રીતિ, એના મામાનું ઘર જે પેલી શાળાની પાસેજ હતું ત્યાં ગયા. એના મામીએ ખુબજ આગ્રહ કરીને જમવા બેસાડી દીધાં. અમને બેય બહેનપણીઓને ભૂખ પણ લાગી હતી, તે ના ન કહી શક્યા. જમ્યા પછી મામીએ કહ્યું "છોકરીઓ હવે બહુ મોડું થઈ ગયું છે ! તો તમે રિક્ષામાં ઘરે જજો," એમ કહી ને ત્રણ રૂપિયા આપ્યા અને બેયને આઠ આની ભાગ લેવા સારું આપી.

અમે રીક્ષામાં ઘરે આવ્યા. અને પપ્પા બન્ને શાળાએ તપાસ કરી, મારી ચિંતામાં સાઇકલ ચલાવતા વિચારે છે ! કે આ છોકરીને એકેય રસ્તાની ખબર નથી ! કોઈ દિવસ શહેરમાં ક્યાંય દૂર એકલી ગઈ નથી ! હવે ક્યાં શોધું ? આમ વિચારમાં સામેથી આવતા ઘોડાગાડીવાળા સાથે અથડાતાં સહેજમાં બચ્યા. એક હાથમાં કોણીથી કાંડા સુધી ઘોડાગાડી ઘસરકો કરતી ગઈ. એક મોટો ઉઝરડો થઈ ગયો. પણ એની પરવા કર્યા વગર મારતી સાયકલે ઘરે પહોંચ્યા. અને મને સલામત જોઈને ખુશ થયા.

પણ આંખોમાં ખૂબ ગુસ્સો હતો. એ જોઈને જ હું ડરી રહી હતી. ત્યાં જ મમ્મી બોલી "મારતા નહીં છોકરી થાકી ગઈ છે. આટલે આઘે ચાલીને ગઈ હતી." એ વાત મમ્મી પુરી કરે ! એ પહેલાં તો એક જોરદાર તમતમાટી કાનમાં થાય ! એવો તમાચો ગાલ પર પડી ગયો હતો, પપ્પાના હાથમાં વાગ્યાનો ઉઝરડો અને મારા ગાલ પર પાંચ આંગળીઓ છપાઈ ગઈ હતી. અમારા બન્નેની આંખો ભીની હતી. હું મમ્મીના સાડલામાં સંતાઈ ગઈ. ત્યારે તો મને કંઈ ખબર ન પડી પણ આજે ! મારા છોકરાઓને ઘરે આવતા વહેલા મોડું થાય, ત્યારે આ વાત યાદ આવે, અને સમજાય કે મારા મા બાપને કેવી અને કેટલી ચિંતા હશે મારી !.

હવે એક હમણાંની જ વાત કહું ! મારા પપ્પા અને અમે બન્ને દીકરી જમાઈઓ બધા, અમદાવાદ એક લગ્ન પ્રસંગે ટ્રેનમાં ગયા હતા. ત્યારે અમદાવાદ સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતી વખતે, લોકો સામેથી ચડવા માટે ધક્કામુક્કી કરતા હતા. બધા ઉતરી ગયા, મને મારા વજનને લીધે ઉતરવામાં વાર લાગતી હતી. એક માણસ સામેથી ચડવા માટે મારી સામે આવીને મને ઉતરવા જ ન દે ! ત્યાંજ નીચે ઉભેલા મારા પપ્પા એ પેલા ભાઈને બાવડું ઝાલીને ખેંચ્યા,અને એને એકબાજુ ખસેડયા. એ ભાઈને કહેવા લાગ્યા તમને ખબર નથી પડતી આ બેન ઉતરે કેવી રીતે, તમે સામે થાવ તો. પેલાભાઈએ માફી માંગી અને ઝગડો શાંત થયો.

પાંચ વર્ષ પહેલાંની આ વાત આ સમયે મારા પપ્પાની ઉંમર 75 વર્ષ અને મારી 45 વર્ષ છતાંય હજુપણ અમારી વાત આવે! એટલે એમનો જુસ્સો અને ગુસ્સો દેખાઈ આવે. પછી તો અમદાવાદમાં જ્યાં પણ ગયા, ચાલવાનું આવે ! એટલે તરત જ મારો હાથ ઝાલે. હજી પણ એવા છે મારા પપ્પા ! આજેય મારા પપ્પા જ મારા સુપર હીરો છે.લવ યુ પપ્પા, હેપી ફાધર્સ ડે.


Rate this content
Log in

Similar gujarati story from Classics