નવી દિશા
નવી દિશા
સુંદર સવારના સોનેરી કિરણોની લાલિમા ધરતીના લીલા પાલવમાં બાદલું ટાંકયું હોય એવી ઝળકી રહી હતી.
એમાંયે આખી રાત આભલે વરસાવેલું વહાલ ! ઝાકળની બૂંદોમાં દર્પણ થઈ સૂરજને શરમાવતું હતું. અને એ સૂરજના ગાલેથી ફૂટેલાં શરમના સોનેરી શેરડાં નદીના નીરમાં જાણે ઝીણી ઝરી છાંટતા હતા. એવી પોતાના સુવર્ણમય સૌંદર્યના કેફમાં ઝૂમતી સોહામણી સરિતાની મદમાતી ચાલ જાણે કોઈ મદિરાની સુડોળ સુરાહીમાંથી છલકતી પ્યાલી ન હોય ! એવી ઉતાવળી થઈને પિયુ સાગરમાં મળીને પોતાનો સઘળો સ્નેહ સમર્પિત કરી જીવન સાર્થક માની રહી. એનો પિયુ પણ એ સલૂણી સરિતાને સ્વમાં સમેટવા ઘૂઘવતો ને ઉમંગથી ઉછળતો ઊંચી ઊંચી લહેરોના રૂપમાં પોતાની બાહો ફેલાવીને સામો આવે છે. બન્નેના આ મિલનનો અદ્ભૂત નજારો ! નજરોમાં ભરી લેવો, અને કેટલીક વાર તો એ મિલનની ખુબસુરત ક્ષણોને કેમેરામાં કેદ કરી લેવી એ દાનીશનો શોખ હતો.
દાનીશ એક ફોટોગ્રાફર અને બ્લોગર છે. એને પ્રકૃતિનું સૌંદર્ય અને સાંનિધ્ય ખૂબ પસંદ છે. એથી જ તો એણે પોતાના બ્લોગ સ્પોટમાં પોતાના પેન નેઈમ તરીકે નેચર રાખ્યું હતું.
દાનીશ જીવનની ઘટમાળને પ્રકૃતિની સાથે સામ્યતા સાધીને કવિતાઓ અને બ્લોગ લખતો. એનું શ્રેષ્ઠ કલ્પન એના ઉત્કૃષ્ટ લેખનમાં સદાય ઝલકતું. દાનીશ એક દિવસ સાંજ સમયે આ જ રીતે સમુદ્ર કિનારે બેઠો પોતાની કલ્પનાઓમાં ખોવાયેલો હતો. અને ત્યાં જ અચાનક એણે જોયું કે દૂર આથમતા સૂરજની લાલિમા પથરાતી હતી, એમાં એક કાળો પડછાયો પણ સૂરજની સાથે સમુદ્રની અંદર ગરકાવ થઈ રહ્યો હતો. એ કેમેરો નીચે મૂકીને દોડ્યો એ ઊંડા વહેણ સુધી કંઈ વિચાર્યા વિના પહોંચી ગયો. એ પડછાયો એક યુવતીનો હતો. દાનીશ ખૂબ ત્વરાથી એને આંબી ગયો. અને એ ડૂબતી યુવતીને બચાવવા માટે બે હાથે જેવો પકડવા ગયો ત્યાં એ બોલી "મને મરવા દો ! મારે નથી જીવવું ! આમ પણ આ દુનિયા મને જીવવા નહિં દે, એના કરતાં તો હું ખુદ જ મોતને વહાલું કરી લઉં !"
દાનીશ : "અરે તમારે જે કહેવું હોય એ પછી કહેજો, પહેલા મને બચાવો ! પ્લીઝ.." એટલું કહેતા તો પોતે જ ડૂબવા લાગ્યો..બચવા માટે આમ તેમ હાથ ઉછાળતો બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો. પેલી યુવતી તો આ બધું જોઈને ડઘાઈ જ ગયેલી પણ તરતજ દાનીશને બચાવીને બહાર કિનારે લાવી. દાનીશ બેઠો થયો, એ યુવતીએ પૂછ્યું.."તમે ઠીક છો ?." દાનીશ : "હા હું ઠીક છું ! મહેરબાની આપની !" યુવતી : "તરતાં તો આવડતું નથી ને બીજાને ડૂબતા બચાવવા નીકળ્યા !" કહેતા જ બધુ ભૂલીને હસવા લાગી. દાનીશ : "હા પણ તમને ડૂબતા જોઈ ખબર નહિ કેમ ! પણ અચાનક દોડી જવાયું" યુવતી : "સારૂ થયું કે મને તરતાં આવડે છે." દાનીશ : "તમને પૂછી શકું કે તમારે આવું પગલું કેમ ભરવું પડ્યું ?..આત્મહત્યા એ ગુનો છે, પાપ છે ! એ વાત તમે જાણો છો ને ?."
યુવતી : "જાણું છું ! પણ શું કરું?...બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો."
દાનીશ : "જો મને કંઈક વાત કરો તો હું કંઈક મદદરૂપ થઈ શકું. ! જીવનમાં દુઃખ કેટલું પણ મોટું હોય, આત્મહત્યા એ કોઈ હલ નથી."
યુવતી : "મારૂં નામ યાજ્ઞિ છે, આ શહેરમાં સાતેક વર્ષ પહેલા નકુલની સાથે પરણીને આવી હતી. નકુલ મારા પતિ એક આર્મી ઓફિસર હતા. એટલે બહુ થોડો સમય સાથે રહ્યાં. અને મોટા ભાગે તેઓ પોતાની ડ્યુટી પર જ રહેતા. મને બહુ જ પ્રેમ કરતા હતા. એક વખત રજાઓમાં તેઓ ઘરે આવવાના હતા. હું તેઓની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. કે ક્યારે તેઓ આવે અને ક્યારે હું એમને સરપ્રાઈઝ આપું. એક વાત હતી જે ફોનમાં એમને નહોતી કહી હું એમના ચહેરા પર એ ખુશીના ભાવ જોવા માંગતી હતી. જે પોતે પિતા બનવાનો છે એ વાત જાણીને એને થવાની હતી.
પણ એમની રજાઓ કેન્સલ થઈ ગઈ અને સરહદ પર યુદ્ધ શરૂ થઈ ગયું. મારૂં મન બહુ જ અશાંત હતું. જાણે કંઈક અજુગતું બનવાના એંધાણ અંતરમાંથી ઊઠતાં હતા. યુદ્ધના ત્રીજા જ દિવસે નકુલના શહીદ થયાના ન્યુઝ આવ્યા.
પરિવારમાં હવે હું અને મારા સસરા બે જ રહ્યા. મુશ્કેલીના એ સમયમાં અમારી સાથે એક માત્ર સહારો હતો નકુલનો જીગરજાન મિત્ર કેશવ ! જેણે નિસ્વાર્થ ભાવે હંમેશા અમને સાથ આપ્યો.
મારી પ્રેગ્નન્સી દરમ્યાન અને મારી દીકરી રીતિના જન્મ સમયે પણ ખડેપગે રહ્યો હતો. ત્યાર બાદ મને એની જ કંપનીમાં જોબ પણ અપાવી અને એક મિત્ર તરીકે પહેલા જેમ નકુલને સાથ આપતો હતો એમજ મને પણ આપ્યો.
પણ ગામના મોંઢે ગળણા ન હોય. એક દિવસ મારા સસરાએ મને કેશવની બાઈક પર જતા જોઈ અને ઘેર પહોંચતા જ એમણે મને અમારા સંબંધો વિશે ખૂબ સંભળાવ્યું અને કહ્યું કે કાં તો હું કેશવ સાથે પરણી જાઉં અથવા એને રાખડી બાંધું. મને બેમાંથી એક પણ વાત મંજૂર નથી. શું સ્ત્રી અને પુરુષ મિત્ર ન હોઈ શકે ? હદ તો ત્યારે થઈ ગઈ કે મારા ખુદના માબાપ પણ મારા સસરા સાથે સહમત હતા. કેશવ પણ લોકોના આવા વર્તનથી કંટાળીને ક્યાંક ચાલ્યો ગયો છે. મારા સસરાએ રીતિને પોતાની પાસે રાખીને મને પિયર ચાલ્યા જવાનું કહી દીધું છે. અને મારા માબાપ મને એવું કહ્યું કે દીકરી તો સાસરે જ શોભે. મારા માટે ક્યાંય જગ્યા નથી તો હું જીવીને શું કરું !"
આટલું કહીને યાજ્ઞિએ આંસુ લૂછતાં નિશ્વાસ નાખ્યો.
દાનીશ : "યાજ્ઞિ ! તમે આજે મારા કહેવાથી ઘરે જાઓ ત્રણ ચાર દિવસ જુઓ જો કેશવ ન આવે તો પછી તમારી મરજી પડે તેમ કરજો પણ મરવું એ કોઈ હલ નથી."
યાજ્ઞિ ઘેર ગઈ પણ દાનીશ નવા આર્ટિકલ સાથે બ્લોગ પોસ્ટ કરવા માટે આખી રાત જાગીને સ્ત્રી અને પુરુષનો એક નામ વિનાનો સંબંધ પણ હોઈ શકે અને એ દોસ્તીનો પવિત્ર સંબંધ છેક કૃષ્ણ અને દ્રુપદકુમારીની મિત્રતાના દ્રષ્તાંત સાથે સરસ સંદેશ આપતી પોસ્ટ મૂકી.
બીજા દિવસે સોશ્યલ મીડિયા પર આ જ વાતની ચર્ચાએ જોર પકડ્યું. દાનીશનો આર્ટિકલ ખુબજ ટ્રેન્ડમાં હતો. પરિણામે કેશવ પાછો ફર્યો. યાજ્ઞિના ઘરના અને સમાજને પણ નવી વિચારસરણી મળી, નવી દિશા મળી. સૌએ કેશવ અને યાજ્ઞિની દોસ્તીનો સ્વીકાર કર્યો.
