Rupal Sanghavi "ઋજુ"

Comedy Drama

4.5  

Rupal Sanghavi "ઋજુ"

Comedy Drama

પપ્પુનો સ્વયંવર

પપ્પુનો સ્વયંવર

7 mins
464


"અરે દીકરા પપ્પુ ! હવે તો પચાસને આરે પહોંચ્યો કહું છું હવે પરણી જા તો સારૂ." સોનુ મમ્માએ રોજનો આલાપ શરૂ કર્યો.

પપ્પુ કંટાળીને : "ક્યા યાર મમ્મા ! પરણવા માટે છોકરી તો જોઈએ ને, તમે પહેલા છોકરી પસંદ કરો, પછી વાત કરો."

સોનુ મમ્માએ તો વિચારી જ રાખ્યું હતું કે પપ્પુને માટે લાયક છોકરી શોધવા માટે શું કરવું. એમણે સેક્રેટરીને બોલાવીને હુકમ આપ્યો કે "પપ્પુના સ્વયંવરની તૈયારી કરો ! બીજી એક વાત બજેટનું ખાસ ધ્યાન રાખજો, સસ્તામાં સારૂ આયોજન કરવાનું છે સમજ્યા !"

સેક્રેટરી 'જી મેમ' કહીને ચાલતો થયો.

બીજા દિવસે સવારે કજરી સાવેણો લઈને શેરી વાળવા આવી, અને જોયું તો સોનુબાઈના ઘરમાં ઘણી ધાંધલધમાલ જોઈ. તરત બારણું ખખડાવી પૂછ્યું "એ.. સોનુભાભી આ બધી શેની તૈયારીઓ ચાલે છે ?" અંદરથી બારણું ખોલ્યા વિના જ સોનુ "એ કજરી પેલા બધે કામ કરી આવ પછી નિરાંતે વાત કરૂં, અત્યારે તો ન્હાવા બેઠી છું." કજરી: "ભાભી એમ મને હવે કામ ઉકલે નહીં તમે વાત તો કરો કે આ બધું શું છે ?" સોનુ અંદરથી જ: અરે મારા પપ્પુનો સ્વયંવર કરવો છે, એની તૈયારીઓ ચાલી રહી છે."

કજરી: "અરે.. રે ભાભી ! નાહી નાખો તમ તારે... આ તમારો પપ્પુડો પચાસે પોંચ્યો હવે તો ઘરઘૈણું થાય સ્વયંવર કરશો તો એમાં આવશે કોણ ?"

સોનુ અંદરથી ગુસ્સામાં "તારી ભલી થાય કજરી ! મારા પપ્પુનો સ્વયંવર હું કરીને જ રહીશ અને એના નોતરા દેવા તને જ મોકલીશ ! સમજી ?"

કજરી : ભલે ભાભી મને તો કંઈ વાંધો નથી નોતરા દેવામાં પણ તમે મને ભૂલતા નહિ. અમારા જેવાનુંય ધ્યાન રાખજો પાછા. જમવાનું કયો કે ના કયો પણ પીવડાવજો તો ખરા જ.. ચા વળી બીજું શું !

સોનુ : "કજરી તારા ચાપાણી પાક્કા બસ ! તું નોતરા દેવા જા એટલે મારે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા ! તારે બીજું કાંઈ નથી કરવાનું બસ શેરીયું વાળવા જા એટલે શેરીએ શેરીએ સાદ પાડી દેજે કે 'સોનુબાઈના પપ્પુનો સ્વયંવર છે' તે બધાં હાગમટે આવજો !"

કજરી : "ભલે ભાભી હું શેરીયુંમાં કેતી આવું"

સોનુબાઈ નાહીને તૈયાર થયા ત્યાં જ સેક્રેટરી આવ્યો અને કહ્યું "મેડમ, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. આપણે બે દિવસમાં ઉત્તરાયણ છે તે એ જ થીમ રાખીશું, સવારે નાસ્તામાં અમુડાની ચોરાફળી ને ચટણી રાખીશું, ને ચીકી, રેવડી, તલની લાડુડી બોર, જીંજરા ને ખજૂર ઇ બધુંય તો તમારા પિયરિયા લાવશેને ? પપ્પુભાઈના મામા ખારેક લાવતા.. હેં.. હેં.. હે (કરીને હસે છે.)

સોનુ : "પણ બીજું તો ઠીક ચાનું શું કર્યું ચા વગર નહિ ચાલે"

"જી મેમ નરીનકાકાની સ્પેશિયલ આદુ એલચી મસાલા વારી વાઘબકરી ચા નું નક્કી જ છે. ચાપાણી અગાશીમાં જ રાખીએ સાથે ડીજે પાર્ટી વાળાને કહી દીધું છે એટલે પછી પતંગ પણ ચગાવવાની, મેં'માનું ને હેય જલસો. બપોરે પતુબેનને રસોડું સોંપી દેવાનું ઊંધિયું, પુરી, ખીચડો બધું હાઇક્લાસ ટેસ્ફુલ બનાવે હોં મેડમ !"

સોનુબાઈ : એલા ! ખાધોડકા તને ખાવા સિવાય કંઈ સુજે ખરૂ ? આ આખીય વ્યવસ્થા તે કરી, એમાં છોકરીયું ક્યાં ? પપ્પુને જે છોકરીયુંને મળવાનું છે એ બધી ક્યાં ? એનો ઉતારો રહેવા જમવાની સગવડ એ બધું કંઈ કર્યું કે નહીં ?"

સેક્રેટરી : "હા મેડમ એ પણ વ્યવસ્થા કરી છે. આપણા બનેવીલાલ તો હાલ અન્ડરગ્રાઉન્ડ છે તે એમનો એક બંગલો ખાલી છે ત્યાં જ બધી વ્યવસ્થા કરી છે. આપણે ખોટા ભાડા ભરવા નહીંને !"

સોનુ : "સારૂ પણ મિષ્ટાન્ન શું બનાવવું પપ્પુને પૂછ્યું ?"

"જી મેડમ શિયાળો છે તે અડદિયા, કાટલું ને ગુંદરપાક બનાવીએ તો ?

સોનુ : "ઠીક છે પણ બજેટનું ધ્યાન રાખજો."

સેક્રેટરી : "જી મેડમ ! એના માટે પણ વ્યવસ્થા છે, સ્વયંવરમાં અવનારાઓએ એક ટિકિટ લેવાની રહેશે. જેમાં દરેક ખાવાપીવાની વસ્તુઓનો ચાર્જ લઈ લેવાશે. બધા અલગ અલગ વસ્તુઓના સ્ટોલ નાંખી દીધાં છે જેથી એક ફૂડ ફેસ્ટિવલ જેવો માહોલ થઈ જશે. મેડમ ! આપણા પિયાબેન ક્યારે આવશે ? એમને ખબર તો આપ્યાને ?"

સોનુ : "હા પણ એ તો મોસાળ ગઈ છે તે એ બધા સાથે જ આવશે."

બીજે દિવસે સ્વયંવરમાં ભાગ લેવા પરદેશી પરીઓનો જમાવડો ભેગો થઈ ગયો. બધાને બનેવીલાલના બંગલે ઉતારો દીધો. સવારે સૌ તૈયાર થઈને અગાશીમાં પહોંચ્યા. અમુડાના સ્ટોલ પરથી ચોરાફરીને ચટણી લઈ બધાએ નાસ્તો કર્યો. ચા પીવા નરીનકાકાના સ્ટોલ પર ગયા. ચા એટલી સરસ હતી કે બધા ત્યાં બેસી બીજી ત્રીજી ચા પીવા લાગ્યા. ચા પીતા પીતા ચર્ચા ચાલી કે આ પપ્પુના વિવાહ થાશે કે નહીં. બેચાર જણાએ તો જોશમાને જોશમાં શરતું મારી.. લાગી પાનસો પાનસોની ! 

એટલામાં અમુડો પોતાનો ચોરાફરીનો સ્ટોલ છોડીને, આવીને નરીનકાકાને કહે "કાકા હમણાંજ મારી પાસે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે કે પપ્પુએ ઊંધીયાના મુઠીયામાં કોહિનૂર હીરા વાળી વીંટી મૂકી છે જે કન્યા પપ્પુને પસંદ કરશે એને મળશે."

નરીનકાકા : "અરે અમુ ! વાત તો પાક્કી છે ને ! એમ અમથી અફવા નથીને ?"

અમુડો : "અરે કાકા ! આ જુઓ ફોટો એમાં પપ્પુ મુઠીયામાં વીંટી મુકતો દેખાય છે કે નહીં ?.. જુઓ ભાઈઓ સાચું કે નહીં ? (બધાને ફોટો બતાવે છે)"

કેટલાંક માથાભારે ઈસમોએ સામસામે આંખ મીંચકારી ઇશારામાં જ કંઈક નકકી કરી લીધું. એક વ્યક્તિએ દૂર જઈને કોઈકને ફોન લગાવી માહિતી આપી અને તરતજ લોકેશન મોકલ્યું. 

કંઈક ષડયંત્ર રચાઈ રહ્યાનો નરીનકાકાને પણ અંદાજ આવી ગયો એમણે 100 નંબર પર ફોન કરી પોલીસને માહિતી આપી. પણ પોલીસને વારંવાર આવા ખોટા ફોન આવતા હોવાથી કંઈ ધ્યાન ન આપ્યું. અમુએ બુદ્ધિ વાપરીને ફરી ફોન લગાવ્યો પીલીસને કહ્યું "થોડીવારમાં આ જગ્યાએ ચોરી, લૂંટફાટ, કે મારામારી થશે. આવવું ન આવવું તમારી મરજી." વીંટી ઊંધીયામાં છે એ વાત છાની રાખતાં છાપરે ચડી એવો ઘાટ થયો.. 

 વાત વાયુવેગે ફેલાઈ ગઈ અને બધી છોકરીઓને ખબર પડી. બીજી બાજુ પપ્પુ તો અગાશીમાં ભોળા ભાવે પતંગ ઉડાડતો હતો એને કંઈ ખબર ન હતી. જ્યાં પતંગ ઊંચે ચડ્યો અને વાદળ સાથે વાતો કરે એવો ઉડવા લાગ્યો.

ત્યાંજ એક જોશીલો રૂઆબદાર સ્ત્રી અવાજ સંભળાયો "બંધ કરો ! હું કહું છું કે બંધ કરો આ બધું." બધા એકાએક સ્ટ્રેચ્યુ બનીને જેમ હતા એમ જ ઉભા રહી ગયા. પપ્પુએ પાછળ ફરીને જોયું તો મેના કાકી હતાં એ દોરને પતંગ છોડીને મેનાકાકીને પગે લાગી જેસી કૃષ્ણ કર્યા. મેનાકાકીએ કહ્યું "આ પતંગ કાચા દોરાથી ઉડાડવા જોઈએ. આપણી ઘડીકની ખુશી માટે માસૂમ પંખીઓ ઘાયલ થાય, કોઈની પાંખો કપાય, કોઈ પંખી મરી જાય.. આપણે માનવ થઈને માનવતા ન બતાવી શકીએ !"

પપ્પુને ખબર હતી કે મેનાકાકીને સામે ન બોલાય એટલે એણે 'ન બોલવામાં નવ ગુણ' માની માત્ર હકારમાં ડોક હલાવી.

 આ બધું ચાલતું હતું ત્યાં જ અચાનક ઊંધીયાના સ્ટોલ પર ભીડ જમા થવા લાગી. જોતજોતામાં તો ધક્કામુક્કીએ જબરું સ્વરૂપ ધારણ કર્યું. પતુબેનને થયું કે ઊંધિયું બહુ સરસ બન્યું છે એટલે બધાને બહુ ભાવ્યું હશે. 'આ જ સમય છે કમાણી કરી લેવાનો, એમ વિચારી પતુબેને ઊંધીયાનો ભાવ પ્લેટ દીઠ પચાસ વાળો દોઢસો કરી નાંખ્યો.

 લાઇન તોડીને બધી કન્યાઓ પતુબેનના સ્ટોલમાં ઘુસી ગઈ અને ઊંધિયું પ્લેટમાં લઈ લઈને મુઠીયા ભાંગી ભાંગીને જોવા લાગી. ત્યાંજ પેલા માથાભારે ઈસમો આવી ચડ્યા અને ઊંધિયું પ્લેટમાં લઈને ફેંદવા લાગ્યા. પતુબેન તો ડરના માર્યા ટેબલ કલોથની ઝાલર નીચે છુપાઈ ગયાં. બધી કન્યાઓ પેલા માથાભારે ઈસમોને માથે ઊંધીયાની પ્લેટો ફેંકવા લાગી. એ લોકો પણ સામે ઊંધિયું ફેંકવા લાગ્યા. બધાએ ફેંદી ફેંદીને ઊંધીયા માંથી રગડો કરી નાખ્યો હતો. કન્યાઓના રેશમી વાળમાં આજે ઊંધીયા શેમ્પુ લાગી ગયું હતું ને બીજા બધાને કોઈને આંખે કોઈને કાન નાકમાં, પણ ઊંધિયું ઘુસી ગયું હતું. પપ્પુ ત્યાં પહોંચ્યો તો એના પર ઊંધીયાની પ્લેટ ઊડતી આવી સીધો એના મોં પર ફેસપેક લાગી ગયો અચાનક આંખો બંધ થઈ ગઈ પણ જરાક મોંમાં ગયું. પપ્પુને તો ઊંધીયાનો સ્વાદ દાઢે લાગ્યો એ તો જીભ કાઢીને મોંની આસપાસ ફેરવવા લાગ્યો.

 "આ બધું શું ચાલી રહ્યું છે !" કહેતાં સોનુ અને મેના પણ ઊંધીયાના સ્ટોલ તરફ આવ્યાં ત્યાં જ એક પ્લેટ મેના તરફ આવી, પણ મેનાએ સમય સૂચકતા વાપરી હવામાંથી જ હાથ ઉછાળી પ્લેટને બીજી બાજુ ફંગોળી. પ્લેટ સીધી સોનું જે ખરશીમાં બેસવા જતી હતી, એ જ ખુરશીમાં સોનુની પહેલા ગોઠવાઈ ગઈ નીચે ઊંધિયું ને ઉપર સોનુ. મેના આ જોઈ હસવા લાગી. સોનુને ગુસ્સો આવ્યો એણે આખું ઊંધીયાનું બાઉલ પડ્યું હતું એ ટેબલ પરનો ટેબલકલોથ ખેંચ્યો અને બાઉલ લઈને મેના પર ફેંક્યું. મેનાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે તરતજ સ્ટોલની બધી સામગ્રી ધક્કા મારીને પછાડવા માંડી.

 ત્યાંજ ટેબલની નીચેથી પતુબેન બહાર આવ્યા અને દોડતા સ્ટોલની બહાર નીકળી ગયા. એમણે જોયું તો બાજુમાં જ અમુ અને નરીનકાકા ચા પીતા હતા. પતુબેને પૂછ્યું "એલા અમુ ! આ બધું શું છે ? આ કેટલી મહેનતથી મેં આવું સરસ ઊંધિયું બનાવ્યું, ને આ બધું ધૂળધાણી કરી નાખ્યું. મને તો કંઈ ખબર નથી પડતી કે આવું કેમ થયું !"

અમુ હજી કંઈ જવાબ આપે એ પહેલાં તો પોલીસની સાયરન સંભળાઈ એકાએક બધા સ્ટ્રેચ્યુ બની ગયા. ઇન્સ્પેક્ટરે આવીને બધાને ત્યાં જ પૂછપરછ શરૂ કરી.

અમુએ આગળ આવી ફોટો બતાવ્યો કે ઊંધીયામાં કોહિનૂર હીરાની વીંટી છે જેના લીધે આ બધી ભાંજગડ થઈ.

ઇન્સ્પેકટરે કહ્યું હીરાની વીટીની તપાસ માટે આ ઊંધિયું લેબમાં મોકલી આપવામાં આવશે અને આપ સૌએ બયાન આપવા માટે પોલીસ થાણે આવવું પડશે.

 ત્યાંજ પતુબેન બોલ્યા "થોભો સાહેબ ઊંધિયું લઈ જવાની કોઈ જરૂર નથી એ વીંટી મારી પાસે છે."

આ સાંભળીને બધી કન્યાઓ નિરાશ થઈને ત્યાંથી ચાલી ગઈ.

વધુમાં પતુબેને કહ્યું "સાહેબ આ કોઈ કોહીનુંરની વીંટી નથી આ તો મારા લગ્નની મારા પતિએ આપેલી મારી પોતાની જ વીંટી છે. જે મુઠીયા બનાવતી વખતે ખોવાઈ ગઈ હતી અને પપ્પુ બાબાએ બધા મુઠીયા ભાંગીને વીંટી શોધવામાં મને મદદ કરી હતી એમને વીંટી મળી ત્યારે કોઈએ ફોટો પાડી લીધો હશે. એમાં આ બધી ધમાલ થઈ."

 પોલીસ આજની તારીખે પણ અમુડાને શોધી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy