ઝંખના
ઝંખના
બિમલ અને ઝંખના માંડ માંડ ધબી ધબીને કાંઠે આવ્યા, ને હવે કંઈક બે પાંદડે થયાં હતાં. તેઓએ જીવનના ઘણાં ચડાવ ઉતાર જોયાં હતાં. સંજોગો કાયમ એક સરખા નથી રહેતા. બંને સમતાપૂર્વક વિપરીત સંજોગોમાં સંઘર્ષ કરીને જ આગળ આવ્યાં હતાં.
ઝંખનાની પ્રેગ્નન્સી દરમિયાન બિમલ એનું ખુબજ ધ્યાન રાખતો હતો. સમય થતાં ઝંખનાએ સુંદર દીકરાને જન્મ આપ્યો એનું નામ શશી રાખ્યું. ત્યારબાદ ચાર વર્ષે ઝંખનાએ બીજા દીકરાને જન્મ આપ્યો, જેનું નામ રવિ રાખ્યું. દીકરાઓ મોટા થયા અને સ્કૂલમાં પણ જવા લાગ્યા. હવે બિમલ બમણી મહેનત કરી આવક વધારવાની કોશિશમાં રહેતો. ઝંખના પણ કરકસરથી ઘર ચલાવતી.
ધીમે ધીમે શહેરથી દૂર જમીન પણ ખરીદી. ભાડાની એક રૂમમાં ઘણી અગવડ વચ્ચે પણ ઝંખનાએ બિમલનું ઘર, એના પિતાને પણ સંભાળ્યા હતા. ઘરમાં રાચરચીલાના નામે બસ એક જૂનો પલંગ, તૂટેલો કબાટ, પ્રાઇમસ, અને થોડાં વાસણો જ હતાં. પલંગની નીચે બીમલનો લેમીનેશનના કામકાજનો સમાન પડયો રહેતો, બીમલના પિતાજી રાતે ચાલીમાં સૂઈ રહેતા.
કપરી પરિસ્થિતિમાં બેઉ દીકરાનો ઉછેર સમજણપૂર્વક ઝંખનાએ કર્યો હતો. ક્યારેય છોકરાઓ ખોટી જિદ કે કોઈ વસ્તુની માંગણી ન કરતા. બાળપણથી જ બાળકોમાં પીઢાઈ આવી ગઈ હતી.
બાળકોની ઉંમર સાથે બીમલના કામકાજ અને શહેરનો પણ વિકાસ થતાં, હવે જે જગ્યા લીધેલી હતી, ત્યાં બે માળનું મકાન બનાવ્યું. શશી એન્જિનિયર અને રવિએ એન્જિનિયરીંગમાં માસ્ટર્સ પણ કર્યું. શશીએ કોમ્યુટર રીપેરીંગનું કામ શરૂ કર્યું. રવિ સારી કંપનીમાં મોટા પેકેજની નોકરી કરવા લાગ્યો.
દીકરાઓને પરણાવવાની તૈયારીઓ કરતી ઝંખનાએ હોંશેથી ઘરમાં નવું ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી બધું એકથી એક ચઢિયાતું રાચરચીલું વસાવ્યું.
જીવનભર અભાવમાં જ જીવતી ઝંખના એમ કહેતી કે "મેં બધું જે હતું એ સ્વીકાર્યું, ચલાવ્યું, પણ વહુઓને કોઈ વાતની કમી નહીં રહેવા દઉં !"
દીકરાઓને પરણાવ્યાં ઝંખનાને લાગ્યું કે હવે સુખનો આરો આવ્યો. પણ ચાર છ મહિનામાં જ એનો એ ભ્રમ વહુઓની વાતો સાંભળીને ભાંગી ગયો.
મોટી વહુ: "આ ઘંટી જ એવી છે મેં બરાબર જ ચલાવી હતી તોય બંધ પડી ગઈ !"
નાની વહુ: "સાચી વાત છે ભાભી, મારા પિયરમાં છે ને એ જ ઘંટી લેવાય આ લોકોને ચીજવસ્તુઓ ક્યાંથી લેવી, કેવી લેવી, એની કંઈ સમજ નથી."
મોટી : "બપોરે શશી આવે એટલે કહું કે આ ઘંટી બદલીને નવી લઈએ."
નાની : "ભાભી હું તો કહું છું કે આ ફ્રીઝ પણ બદલીએ ને ડબલ ડોરનું આવે એ લઈએ.. આ ટીવી પણ મોટી સ્ક્રીનવાળું નવું જ લેવું જોઈએ."
બંને વહુઓની વાતો સાંભળીને ઝંખના વિચારે ચડી ગઈ... કેટલી અગવડો સાથેનું પણ એનું સુખી લગ્નજીવન... 'શું જોઈશે કરતાં શેના વગર ચલાવી શકાય !' એ જ હંમેશા મનોમંથન ચાલતું...
હવે આ વહુઓને ઘરમાં જે છે એના સંતોષ કરતા, જે નથી એની જ ઝંખના.
ઝંખના વિચારી રહી જે રાચરચીલું મેં એક ઉંમર ખર્ચીને હોંશથી વસાવ્યું હતું એ જ આજે આ વહુઓને નકામું લાગે છે.
બદલાતા સમય સાથે ઘરમાં બધું બદલાયું નવું રાચરચીલું આવ્યું, સાથે નવી ખુશીઓ પણ આવી. બંને વહુઓ નવા મહેમાનના આવવાના એંધાણથી ખુશખુશાલ હતી. ઝંખના બહુ ખુશ હતી. એણે પણ કંઈક નવી શરૂઆત કરી હતી. એ મંદિરવાળા ઓરડામાં બેસીને માળા જપતી હતી.
