મઝધારે મળ્યા
મઝધારે મળ્યા
એક ડર ! ઉંમરના એક પડાવ પછી, એટલે કે જીવનની મઝધારે ! દરેક પતિ-પત્નીના મનમાં એક ડર બેસી જાય છે. ડર એકબીજાથી જુદા પડવાનો.! ડર એ કે એકને કંઈક થઈ ગયું તો બીજાનું શું ? દુનિયામાં કહેવાય છે ને ? કે ભીંત ને કરો સાથે નથી પડતા. એવી જ રીતે પતિ-પત્ની પણ કોઈ કોઈની સાથે મરી નથી શકાતું. કોઈ એકના આયુષ્યના અસ્ત સાથે જ બીજાના ભાગે એકલતાનો અંધકાર આવે જ છે. એમાં પણ જિંદગીની મઝધારે અચાનક એકની વિદાય..!
વાત કરું કિશોરભાઈની।
કિશોરભાઈની ખૂબ સરસ ચાલતી રેડીમેડ ગારમેન્ટની દુકાન હતી. રેણુકા એમની પત્ની દેખાવે સુંદર અને સ્વભાવે સરળ હતી. લગ્નના સાત વર્ષે એમને ત્યાં પારણું બંધાયું, સુંદર મજાની પૂનમના ચાંદ જેવી દીકરીનું આગમન થયું. હસતા રમતા દિવસો જતા હતા. દીકરી પાંચ વર્ષની થઈને રેણુકાને આ વખતે દેવ જેવો મજાનો દીકરો આવ્યો.દિવસો, મહીનાઓ, અને વર્ષો વીતવા લાગ્યા..દીકરા દીકરીને ભણાવ્યા, પરણાવ્યાં, અને બન્ને પોતપોતાની જિંદગીમાં સુખી સંપન્ન હતા. બેમાંથી કોઈની ચિંતા ન હતી. જીવનના અનેક ચડાવ-ઉતાર, તડકા છાયા, અને સુખ-દુઃખ રેણુકા અને કિશોરભાઈએ સાથે મળીને જોયા, સહ્યા, ને અનુભવ્યા.
૨૯ વર્ષની લાંબી જીવન સફરની દડમજલ સાથે કર્યા બાદ અચાનક જ રેણુકા કિશોરભાઈને અલવિદા કહી ગઈ. રેણુકાના ગયા પછી કિશોરભાઈમાં એના સ્વભાવમાં ઘણો ફરક પડી ગયો હતો. દીકરો દીકરી તો અઠવાડિયામાં જ ચાલ્યા ગયા હતા. પોતાની સાથે થોડા દિવસ આવવાનું પણ કોઈએ ન કહ્યું. એમના માટે ટિફિનની સગવડ પણ કામવાળી બહેને કરી આપી. એ વર્ષો જૂની કામવાળી બહેન રેણુકાને પણ બીમારી વખતે ઘણી મદદરૂપ થતી, બહુ લાગણીવાળી બાઈ હતી. એણે સવારે ઘરનું કામ કિશોરભાઈના ચા પાણીની વ્યવસ્થા એવું બધું કહ્યા વિના જ સંભાળી લીધું હતું.
આખો દિવસ તો દુકાનમાં પસાર થઈ જાય પણ રાતે એકલા ઘરમાં રેણુકાને યાદ કરતા ઊંઘ જ ન આવતી. ક્યારેક કોઈ ખૂણામાં હસતી રેણુકાનું હાસ્ય ગુંજતું, તો ક્યારેક બાળકોની બાળપણની કિલકારીઓ, ક્યારેક કોઈ વાતે રિસાયેલી રેણુકા મોં મચકોડતી દેખાય, તો ક્યારેક કોઈ ગીત ગનગણતાં ઘરકામ કરતી રેણુકા.! કિશોરભાઈને તો એની યાદો જ જીવનનો સહારો હતી.
એક દિવસ પાડોશના એક મકાનમાં કોઈ વિધવા બાઈ પોતાની દીકરી સાથે રહેવા આવી. સવાર સવારમાં જ એ કામવાળી માટે પૂછપરછ કરવા આવી અને કિશોરભાઈને સાથે ઓળખાણ થઈ. એમનુંનામ સ્મિતા હતું જેવુંનામ એવોજ સસ્મિત ચહેરો હતો. જે એકવાર જુએ એને યાદ રહી જાય એવા સુંદર હતાં સ્મિતા બહેન ! એ આવ્યા ત્યારે કામવાળી હાજર જ હતી એટલે એમના વચ્ચે જ બધી વાત થઈ ગઈ, અને કામવાળીએ એમનું કામ પણ બાંધ્યું. રહી રહીને કિશોરભાઈને મનમાં એક જ વિચાર આવતો હતો કે આ સ્મિતાને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. પણ એ તો અહીંની નથી તો પછી ક્યાં જોઈ હોય ? એવું વિચાર્યા કરે છે.
થોડા જ દિવસોમાં સ્મિતાની સાથે એવો વહેવાર થઈ ગયો કે હવે તો, અવારનવાર કંઈ નવું બનાવ્યુ હોય તો પહેલા કિશોરભાઈને ઘેર મોકલાવે. અને કિશોરભાઈ બહારથી શકપાન કે ઘરની બીજી બધી ચીજવસ્તુઓ પણ લાવી આપે. સ્મિતાની દીકરી શ્યામા કોલેજમાં હતી એટલે સત્તર અઢારની તો હશે જ !
આમતો કિશોરભાઈ ફીટ ઍન્ડ ફાઇન હતા કોઈ દિવસ નખમાંયે રોગ નહિ. પણ એક દિવસ સવારમાં અચાનક છાતીમાં ગભરામણ અને દુખાવો અનુભવાયો. એમણે તરત જ સ્મિતાને ફોન કર્યો એ જ ઘડીએ સ્મિતા અને શ્યામા આવી પહોંચી. કિશોરભાઈને હોસ્પિટલ લઈ ગયા. એમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક સારવાર મળી જવાથી ચોવીસ કલાકમાં તો તબિયત સુધરી રહી હતી. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા ત્યાં દીકરો દીકરી બન્ને આવ્યા.અને એમના ઘરે આવ્યા પછી તરત બે દિવસમાં ચાલ્યા પણ ગયા.
કિશોરભાઈની સાર સંભાળ લેવા સ્મિતા જ એક માત્ર સહારો હતી. ઘણા દિવસથી કિશોરભાઈના મનમાં કંઈક જૂની સ્મૃતિ ઉપસતી હતી, પણ દિલ એ વાત માનવા તૈયાર નહોતું. વાત જાણે એમ હતી કે કીશોરભાઈને બીમારી દરમિયાન, સહારો આપતી સ્મિતાનો સ્પર્શ પરિચિત લાગ્યો હતો. પણ નાના! એ છોકરી અને આ સ્મિતામાં ઘણો ફરક હતો. ક્યાં એ અલ્લડ, ચંચળ ઝરણાં જેવી તરૂણા ! અને ક્યાં આ શાંત ને ઠરેલ જાજરમાન સ્મિતા ! તો પછી આ એ જ પરિચિત સ્પર્શ વર્ષો પછી પણ કેમ મારા મનને ઝકઝોરે છે ? કિશોરભાઈના મનમાં સવાલો ઘણા બધા હતા પણ જવાબ એક પણ નહતો.
આખરે એક દિવસ કિશોરભાઈએ સ્મિતાને અચાનક જ પૂછી લીધું કે 'તું તરૂણા છો ને ?
'કોણ તરૂણા?., સ્મિતાએ સામું પૂછ્યું.
કિશોરભાઈએ કહ્યુ, 'કંઈ નહીં ! જવા દો!, પણ એ જ સમયે સ્મિતાની આંખોમાં આંસું આવેલા જોઈને કિશોરભાઈને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે આ જ તરૂણા છે.
કિશોરભાઈએ સ્મિતાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, 'તરૂણા! તું મારો વિશ્વાસ કર હું પાછો મામાને ઘેર આવ્યો હતો ! મેં મામીને અને તારા ભાભીને બન્નેને તારા વિશે ઘણું પૂછ્યું પણ ગામમાં બધાએ એકજ વાત કરી કે તેં.. આત્મહત્યા ! ઓહ ! હું ત્યારે પણ માની નહતો શક્યો કે તું તરૂ !..મારી તરૂ.. આવું પગલું ભરી શકે ! તું મને કહે તરૂ, કે મારા ગયા પછી એવું તે શું બન્યું ?.
સ્મિતા હવે ભાંગી પડી. એ કિશોરભાઈને ભેટીને ખૂબ રડી. કિશોરભાઈએ, થોડીવાર એને રડવા દઈ એના માથા પર હાથ ફેરવે છે અને એને શાંત પાડી, પાણી પાયું. ત્યારબાદ સ્મિતા બધી વાત કરે છે...
"તમે અવારનવાર તમારા મોસાળ આવતા. અને એકજ પાડોશ હોવાથી આપણો પરિચય થયો. નજર મળતાં જ આપણે પ્રેમના બંધને બંધાયા. પણ આપણી આ ખુશી ના તો ઈશ્વરને મંજુર હતીના દુનિયાને ! મારા ભાઈઓને ઊંચા ખોરડાનું અભિમાન હતું તે પોતાના અહંમમાં અંધ બની મને કહ્યું, કે એ લોકો કહે ત્યાં નહિ પરણું તો તમને મારી નાખવાની ધમકી આપી હતી ! હું શું કરી શ કું ? તમે પરીક્ષા દેવા શહેરમાં ગયા પછી મને પરાણે મારી ફોઈના વિધુર જેઠ સાથે પરણાવી દીધી. મને માફ કરો કિશોર! આપણે બન્ને પ્રેમની એકજ નાવમાં હોંશથી સવાર થયા હતાં, ને હું અભાગણી તમને મઝધારે છોડીને આગળ વધી ગઈ !"
"ના તરૂ! તું તો મારા જીવનની મઝધારે મને ઉગારવા આવી છે ! હવે જે થયું તે. એ બધી ગઈ ગુજરી ભૂલી જા તરૂ ! મારી તરૂ !"..કહી કિશોરભાઈએ સ્મિતાને પોતાની બાહોમાં ભરી લીધી. સ્મિતાએ વર્ષોથી ભરેલું હૃદય આજે ઠાલવી દીધું. શ્યામા ક્યારનીયે બારણે આવીને ઉભી હતી એણે પોતાની આંખો લૂછતાં.બારણું ખખડાવ્યું !

