જીવનમાં રોજ પરીક્ષા
જીવનમાં રોજ પરીક્ષા
જીવનમાં મુશ્કેલ સમય જ પરીક્ષાની ઘડી છે. એવે વખતે જ તમારા જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ, તમારા ધૈર્ય અને સાહસિક નિર્ણય શક્તિથી જ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકાય.
જરૂરી નથી કે તમારી ડીગ્રી કે ભણતર જ કામ લાગે ! જ્યારે કોઈ કળા એટલે કે આવડત ટેલેન્ટ તમારી અંદર હોય, એ પણ મુશ્કેલ સમયમાં એટલું જ ઉપયોગી સાબિત થાય છે.
પરીક્ષાઓ તો જીવનભર ચાલતી જ રહે છે. દરેક વખતે એમાંથી પાસ થવાય કે નાપાસ ! પણ, પસાર તો થવું જ પડે છે.
વાત કરું રચનાની !
રચના !...એનું ભણતર કોઈ કારણે અધૂરું રહી ગયું હતું. પણ એ બીજી કળાઓ સુપેરે જાણતી હતી. રસોઈ, સીવણ, ભરતકામ, મોતીકામ, વગેરે ઘણી આવડત પોતાના શોખને લીધે એનામાં વિકસી હતી.
એ ઉપરાંત એને વાંચન, લેખન, અને ગાયનનો પણ શોખ હતો.
સાસરીમાં જ્યારે એક વખત એવું બન્યું કે પતિને ધંધામાં નુકસાની (ખોટ) જવાથી પરિસ્થિતિ સાવ નબળી થઈ ગઈ. અને રચનાના ઘરેણાં પણ વેચાઈ ગયા. સ્થિતિ દિવસે દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી હતી. પતિ બીમારીમાં પટકાયા અને કોઈ સહારો ન રહ્યો. આવી કઠિન પરીક્ષાની ઘડીએ મક્કમ મને રચનાએ એક નિર્ણય લીધો. બાળકોને નાતની બોર્ડિંગમાં બહારગામ ભણવા માટે મૂક્યા જેમાં સાધારણ પરિવાર માટે કોઈ ચાર્જ કે ફી ન આપવી પડે. અને પોતે નાસ્તા, ફરસાણ, મિષ્ટાન્ન એવું ઓર્ડરથી બનાવી આપતી. એવો નાનકડો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. શરૂઆતમાં તો એકલી જ બધુ કામ સંભાળતી. પણ પછી કામ ચાલી નીકળ્યું..અને એક સહાયક બહેન પણ રાખ્યા. પતિ પણ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ નવીન ઉમંગથી જોડાયા. બધું ધીમે ધીમે સરાણે ચડવા લાગ્યું. પરીક્ષાની ઘડીએ જરૂર હોય છે તો બસ ધૈર્ય, હિંમત, અને થોડા સાહસની સાથે સાથે મજબૂત મનના મક્કમ નિર્ધારની જેનાથી જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈ શકાય !
