ગામની પટલાઈ
ગામની પટલાઈ
આઘાત સાસુના ગુજરી જવાનો તો હતો જ ! પણ, ઈશાને આજે વઘુ એક આઘાત લાગ્યો હતો.
સાસુના બેસણામાં આવેલી સ્ત્રીઓ જે અંદરોઅંદર વાતો કરતી હતી એ સાંભળીને ઈશાને બહુ દુઃખ થયું.
આમતો બધા કહેવામાં પોતાના જ હતાં. પણ એ કેટલાં સગા હતાં ! એ આજે ખબર પડી.
ઈશાની સગી માસીજી અને ફઇજી જ અંદરોઅંદર બોલતી હતી કે : "બીચારી જિંદગીભર ઘરના ઢસરડાંમાંથી ઊંચી ન આવી. પારકા કામ કરીને છોકરાં ઉછેર્યાં, દીકરી પરણાવી ને વહુની આશા હતી. વહુ આવી તો એ પણ નોકરી કરતી મળી. વહુને શું ?..સવાર પડે ને આ ટાપટીપ કરીને હાલી નોકરીમાં.!
સાસુ બચ્ચારી ! ઘરમાં છે જ ને, નોકરાણી..!"
ઈશાને તો જાણે પોતે કોઈ ગુનેગાર હોય એવું લાગ્યું, જાણે સાસુના મોતનું કારણ હોય એવું લાગ્યું. એની આંખોમાં આંસુ સૂકાતા નથી. એ જવાબ આપે તો કેટકેટલાંને ? ઘણાખરા એવું જ વિચારતા હોય છે કે નોકરિયાત સ્ત્રી ઘરમાં કંઈ કામ નથી કરતી..! હવે ગામના મોઢે ગળણાં થોડાં બંધાય છે ?
ઈશાની નણંદ આવેલી આ બધું સાંભળતી હતી. એણે તરતજ કહ્યું : "ભાભી મને ને તને ખબર છે ! કે તું મારી જેમજ મારી માં ની દીકરી થઈને જ આ ઘરમાં આવી હતી. અને આજ સુધી સગી દીકરીની જેમજ તેં મારી મા ને સાચવી છે. તો ગામની પંચાતમાં શું કામ પડવું ? લોકોનું તો કામ જ છે બોલવું. એ લોકો સહાનુભૂતિના બે શબ્દો નહીં બોલી શકે પણ પોતાના ઘરની ઉપાધિ છોડીને ગામની પટલાઈમાં પહેલો નંબર હોય ! તું છોડ એવા લોકોને ! એમની વાતોને કંઈ મનમાં લેવાની જરૂર નથી. જો ! તું દુઃખી થઈશ તો માં પણ જ્યાં હશે ત્યાં દુઃખી થશે !"
ઈશાએ પોતાના આંસુ લૂંછ્યા ! અને રડી રહેલાં માસીજી તથા ફોઈજીને પાણીના પ્યાલાં ધર્યાં.!
