STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

યાદોનું અનુસંધાન

યાદોનું અનુસંધાન

4 mins
436

 રોજિંદી ઘટમાળના એક પછી એક પાનાં ફેરવતી રચના પોતાનું જીવન વૃત્તાંત લખી રહી હતી.

 આમ તો પ્રૌઢ વયે પણ એના સૌંદર્યની લાલિમા આથમતી સંધ્યા જેવી સુંદર હતી. પણ એના અપ્રતિમ સૌંદર્યની ગરિમાનું પોતાના નિશ્ચલ, નિર્મળ પ્રેમથી જતન કરનાર પણ એટલો જ વિશાળ હૃદયનો હતો. જેમ સાગર પોતાની જળ સપાટી પર સંધ્યાના સૂરજને બિંબિત કરે છે એમ જ એણે રચનાની સુંદરતાને અંતરના આયનામાં અખંડ સજાવી હતી. રચનાની કલમ ઘડીભર રોકાઈ ગઈ..એ એમ જ અતિતના આયનામાં એકાદ આંટો ઊડતી નજરે ઊતરી તો ખરી, પણ વર્તમાનના ચહેરાઓ એને ઓળખી ન શક્યા..અને એ પોતાનું પહેલું પ્રતિબિંબ શોધતી રહી..રચના.

રચના એટલે કહેવાનું મન થાય, કે એ કુદરતની એક અનુપમ કૃતિ હતી.

કોલેજ કાળમાં દરેક યુવાન એના પર ફિદા હતો. પણ આપણી રચના તો કોલેજમાં માત્ર ભણવા માટે જ જતી હતી.અત્યંત સ્વરૂપવાન પણ સાવ સામાન્ય ઘરની એકની એક દીકરી, એવી રચના ભણી ગણીને પોતાના પિતાનું નામ રોશન કરવા માંગતી હતી. કોઈ સારી નોકરી કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા માંગતી હતી.

પણ કુદરતે કંઈક જુદું જ ધાર્યું હતુંં, ભાવિની ભીતર કંઈક ઓર જ છૂપાયું હતુંં, લેખમાં કંઈક બીજું જ લખાયું હતુંં. 

એક દિવસ કોલેજથી પાછા વળતી વખતે એની જ કોલેજનો નવો વિદ્યાર્થી એવો કવન મળ્યો. મળ્યો શું એ તો રચનાની સાયકલને રીતસર આંતરીને પોતાની બાઇક રોકીને ઊભો હતો. રચનાએ કહ્યું "આ શું મજાક છે" કવન: "મેરી જાન આ મજાક નથી મારે તને કંઈક કહેવું છે અને કોલેજમાં તુંં મારી સાથે વાત પણ નથી કરતી." રચના: "મારે તારી સાથે કોઈ વાત નથી કરવી જવાદે મને"

કવન: "યાર વાત તો સાંભળી લે પછી ચાલી જજે હું તને નહિ રોકુ પણ વાત સાંભળ્યા વિના જવા પણ નહીં દઉં સમજી ?." કહેતા જ એકદમ બાઇક પરથી ઊતરીને રચનાની નજીક આવીને ઊભો રહી ગયો.

રચના ડરથી ધ્રુજી રહી હતી પણ છતાંય હિંમત કરીને કવનને હડસેલો મારી થોડે દૂર જઈ કહ્યું "જલ્દી બોલ જે બોલવું હોય એ મારી પાસે સમય નથી ઘેર જવાનું મોડું થાય છે."

કવન હાથમાં રહેલી બુક ખોલીને બતાવતા કહ્યું "મેડમ આ લેશન મને જરા સમજાવશો ? આમાં મને કાંઈ ટપ નથી પડતી"

રચના ગુસ્સાથી કવનની સામે જોતા "તારે આ કામ હતુંં ?...આ કહેવું હતુંં ?."

કવન: "હા કેમ ?...તને શું લાગ્યું ? હું કવન સોઢા તારા જેવી બહેનજી ટાઈપની પાછળ પાગલ છું ?...હેં.. હેં.. હેં.." કરતો મોટેથી હસવા લાગ્યો.

રચના ચૂપચાપ પોતાની સાયકલ લઈને આગળ વધી ગઈ.

કવન બૂમો પાડતો રહ્યો "અરે અરે મેડમ આ મારું લેશન તો અધૂરું રાખ્યું"

સાંજ પડી ગઈ હતી અને અંધારૂં થવા આવ્યું હતુંં. સાયકલ પડી જવાથી એમાં નુકસાન થયું હતુંં એટલે રચના ચાલીને સાયકલ લઈ ઉતાવળે પગલે જતી હતી. કોલેજ ઘરથી ઘણી દૂર હતી આવતા જતા લગભગ અડધો કલાક સાયકલ પર થાય. રચના હજુ અડધે માંડ પહોંચી હશે ત્યાં તો.

રચના અતિતના વમળો ભેદીને અચાનક જ વર્તમાનમાં ફેંકાઈ ગઈ.

એ ભયાવહ દૃશ્યો હજુ પણ રચનાને ધ્રુજાવી રહ્યાં હતાં. એ પાનું હજી લખવાનું બાકી હતુંં કલમની જીભે શબ્દો ચડ્યાં નથી હજુ કાચા છે. રચનાને એ ખોફનાક પળોની દર્દનાક યાદો આજે પણ તાર તાર કરી રહી હતી.

રચનાએ કલમ છોડી ઊભી થઈ પાણી પીધું અને ફરી મક્કમતાથી કલમ ઝાલી.

એ પાનું લખવા બેઠી...એ ઘટના પછી ત્રણેક દિવસે રચના ભાનમાં આવી. ખૂબ અશક્તિ છતાં પથારીમાં બેઠી થઈ. પોતે હોસ્પિટલમાં હોવાનો અહેસાસ થયો એ સાથે જ એની સાથે બનેલા બનાવનો પણ..

બધાએ ઘણી પૂછપરછ કરવા છતાં રચનાએ કહ્યું કે એ માણસ અજાણ્યો હતો. એ સાથે જ સઘળું અકબંધ સમેટાઈ ગયું. રચનાએ કોલેજ છોડી દીધી અને પિતા સાથે બીજા શહેરમાં ચાલી ગઈ.

થોડાં દિવસો પછી સમાચાર મળ્યા, કે કોલેજના પ્રિન્સિપાલ સરે પોતાની ઓફિસમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. દેખીતી રીતે આત્મહત્યા લાગનારા આ કેસમાં પોલીસને શંકા હતી કે પ્રિન્સિપાલ સાહેબનું ખુન થયુ હોય એવુ પણ બને...પણ પુરાવાઓના અભાવે અને ઘટના સ્થળે મળેલી સ્યુસાઇડ નોટ પરથી આત્મહત્યા જાહેર કરીને, કેસ બંધ કરી દીધો.

આ સમાચાર મળ્યા બાદ એક દિવસ અચાનક રસ્તે જતાં રચનાને કવન મળી ગયો રચનાને જોતાવેંત બોલ્યો " અરે ઓ મેડમ મારૂં લેશન હજુ અધૂરું છે.. સમજાવશો ? આ જીવનનું લેશન મને લાગે છે કે હું ક્યારેય સમજી નહિ શકું.."

રચના હસી પડી અને પૂછ્યું "કવન એ દિવસે તુંં મારી પાછળ આવ્યો હતો ને ?.. કદાચ તું જ મને હોસ્પિટલ લઈ ગયો હોઈશને ?.. હા સરના ગયા પછી મેં તને દૂરથી આવતો જોયો હતો. ત્યારે મને લાગ્યું કે બેભાન અવસ્થામાં મારી તંદ્રામાં જ તુંં દેખાતો હોઈશ..પણ એ સાચ્ચે તું જ હતોને ?."

કવન: "એ દિવસને યાદ ન કર રચના એ વાત જેટલી જલ્દીથી ભૂલી શકીશ એટલું તારા, મારા આપણા માટે સારૂ છે."

રચનાની આંખોમાં આંસુ આવી ગયા. કવને બે હાથ લંબાવ્યા. રચના એ બાહોમાં સમાઈ ગઈ. જેમ સાંજનો સૂરજ સાગરમાં સમાય ને ઓસરી જાય. એમ રચના ઓસરતી હતી કવનની બાહોમાં..

યાદો તો અસીમ હતી..કલમ પણ આતુર હતી..હજુ કોરા પાનાંઓ પણ અનેક હતા..પણ, વિરામ પણ જરૂરી હતો..આ તો અતીત લખ્યું..

હજુ તો આજ, આવતી કાલ પણ લખવાની હજુ બાકી છે 

આજનું જીવન

એની ઘટમાળ 

જ્યારે પ્રત્યુષાની લાલિમા બનીને પોતાનું સૌંદર્ય વિખેરશે, ત્યારે ફરી હૃદયના સ્પંદનને નવું કવન મળશે. 

અને ત્યારે કલમ કોઈક રેશમી યાદોના સંધાને સુંદર રચના રચશે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract