ગિફ્ટ
ગિફ્ટ
આજે શ્રેયનો પહેલો જન્મદિન હતો. કુંજલ અને દીપેન એનાં મમ્મી પપ્પા ખુબજ ખુશ હતા. પોતાના આલીશાન બંગલાના વિશાળ પ્રાંગણમાં, પાર્ટીનું આયોજન થઈ ચૂક્યું હતું.
સાંજે સરસ માસ્ક થિમ પાર્ટી શરૂ થઈ ગઈ. બધા અવનવા માસ્ક પહેરી પહેરીને ડાન્સ કરતા હતા. કે ત્યારે જ અચાનક લાઈટ ચાલી ગઈ અને મ્યુઝિક બંધ થતાંજ બધાના કદમ રોકાઈ ગયા.
ઇનવર્ટરથી લાઈટ અને મ્યુઝિક ફરી શરૂ થયું. એ સમય દરમિયાન જ; એક અજાણ્યો શખ્સ કુંજલને મોં દબાવીને ત્યાંથી દૂર, એક તરફ લઈ ગયો. એનો ચહેરો માસ્કમાં અને અંધારામાં પણ ઓળખી ગયેલી કુંજલ એને જોઈને ચોંકી ગઈ અને પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી. એ શખ્સે મજબૂત રીતે કુંજલનો હાથ પકડેલો હતો. એણે કુંજલને પોતાની તરફ ખેંચી અને બાહોમાં ભીંસી દીધી. કુંજલ છૂટવા માટે ખૂબ કોશિશ કરી પણ એણે પકડ વધુ મજબૂત કરી કુંજલે કહ્યું "હું શોર મચાવીશ તું ચાલ્યો જા અહીંથી." કુંજલ વધુ કંઈ બોલે એ પહેલા તો એણે કુંજલના હોંઠો પર...
કુંજલની આંખોમાં આંસુ આવી ગયા.
લાઈટ ચાલુ થતાં જ એણે કુંજલને છોડી દીધી અને એક ગિફ્ટ બોક્સ આપીને કહ્યું, આ શ્રેય માટે છે. કુંજલે કહ્યું "શ્રેયને તારા જેવાની ગિફ્ટની કોઈ જરૂર નથી". એણે કહ્યું "કંઈ વાંધો નહિ શ્રેયને નહીં તો એના પપ્પાને આપજે. એના જેવાને તો આની જરૂર હશે જ ને !" એ ચાલ્યો ગયો, કુંજલે ગિફ્ટ ખોલીને જોયું તો એમાં રમકડું હતું ઘૂઘરો.
એ જ સમયે દીપેન; બંગલાની બહાર ઉભેલા કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવી, એક સૂટકેસ આપતા કહે છે "ફરી એકવાર આવવા માટે ધન્યવાદ ! અને આ લે તારી ગિફ્ટ."
