Megha Kapadia

Abstract Drama Thriller

3  

Megha Kapadia

Abstract Drama Thriller

માન્યાની મંઝિલ - 29

માન્યાની મંઝિલ - 29

5 mins
14.8K


માઇકમાં અંશુમનનું નામ સાંભળીને માન્યાની આંખો ચોંકીને સ્ટેજ તરફ મંડાઈ અને અંશુમનને જોવા માટે તે ઝડપથી ચાલતી-ચાલતી સ્ટેજ તરફ ગઈ. સ્ટેજ ભલે ઉંચો હતો પણ ભીડ એટલી હતી કે ભીડમાં તેને અંશુમનનો ચહેરો નહીં પણ હવામાં હલી રહેલા માત્ર તેનાં હાથ દેખાયાં. માન્યા ધક્કો મારીને આગળ વધતી ગઈ અને ધીમે-ધીમે માન્યાની સામે અંશુમનનો ચહેરો સ્પષ્ટ થતો ગયો. રેડ કલરનું ટી-શર્ટ, જીન્સ, આંખો પર ગોગ્લસ અને તેના ટીશર્ટની સ્લીવ્સમાંથી બહાર નીકળતાં તેના બાઈ શેપ્સ જોઈને માન્યા પણ એક મિનિટ માટે આવાક્ થઈ ગઈ.

અંશુમન તો ફેસબુક અકાઉન્ટમાં તેના ફોટા કરતાં પણ વાસ્તવમાં વધારે ડેશિંગ અને સ્માર્ટ લાગતો હતો. કોઈ પણ છોકરી તેને જોઈને એક વાર તો ભાન ભૂલી જાય તેમ હતું. ‘સો બોય્ઝ એન્ડ ગર્લ્સ...ફીલ કમ્ફર્ટેબલ ઈન માય કોલેજ એન્ડ ઈફ યુ હેવ એની પ્રોબ્લેમ રીગાર્ડિંગ એની ઈશ્યુ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી.' અંશુમન જાણે કોલેજનો માલિક હોય તે પ્રકારનાં એટિટ્યુડ સાથે વાત કરી રહ્યો હતો. જેવું તેણે માઇક મુક્યું કે ફરી તેની સામે ઊભેલી ભીડમાં ચિચિયારીઓ સંભ‌ળાવવાં લાગી. આ ચિચિયારીઓમાં છોકરીઓનો અવાજ વધારે હતો. માન્યા પણ અંશુમનનાં ચહેરામાં ખોવાયેલી તંદ્રામાંથી બહાર આવી. એક મિનિટ માટે તો તેને પણ લાગ્યું કે અંશુમનનાં અવાજમાં કોઈ જાદૂ છે. જે તેની તરફ લોકોને ખેંચી રહ્યું છે.

‘ફોકસ માન્યા...ફોકસ!!!' માન્યા પોતાની જાત સાથે વાત કરતા બોલી. ‘તને ખબર છે ને કે તારે શું કરવાનું છે. પિયોની સાથે જે કંઈ પણ અંશુમને કર્યું તેનો બદલો લેવાનો છે.' માન્યા જુસ્સો વધારતાં પોતાની જાત સાથે વાત કરી રહી હતી. એટલામાં તો કોલેજમાં બેલ વાગ્યો અને ભીડ વેરવિખેર થઈ ગઈ. કોલેજમાં આવેલાં ફ્રેશર્સ અને સિનિયર્સ પોતાનાં ક્લાસ તરફ જવા મંડાયા. માન્યા પણ ભીડમાં પોતાનાં ક્લાસ તરફ દોરાઈ. પહેલો લેક્ચર શરૂ થયો અને માન્યાને તેમાં રસ પડ્યો. બીજી બાજૂ પિયોનીની હાલત તદ્દન ઉંધી હતી. છેલ્લા અડધો કલાકથી તે ક્લાસમાં બેઠી હતી અને પ્રોફેસરનાં લેક્ચરથી બોર થઈ રહી હતી. મોઢામાં પેન ચાવતાં-ચાવતાં તે લેક્ચર પૂરો થવાની રાહ જોઈ રહી હતી. એવામાં તેની બેન્ચની આગળ બેઠેલી બે છોકરીઓ પણ અંદરોઅંદર ગુસપુસ કરી રહી હતી. બંનેમાંથી એક બોલી, ‘કેટલો બોરિંગ લેકચર છે યાર, કોલેજનો પહેલો લેક્ચર જ આટલો બોરિંગ છે તો આગળ શું થશે!!!' બીજી છોકરીએ પણ તેની વાતમાં માથું હલાવ્યું. પિયોની આ બંનેની વાતચીત સાંભળી રહી હતી. તેને લાગ્યુ કે આ બંને તેના જેવી જ લાગે છે. તો બંને સાથે ફ્રેન્ડશિપ કરવાનો ટ્રાય કરવો જોઈએ. આ વિચાર સાથે જ તેણે લેક્ચર પત્યા પછી બંને સાથે વાત કરવાનું વિચાર્યું.

તો આ બાજૂ માન્યાએ પહેલાં લેક્ચરથી જ ભણવામાં ફોકસ કરી લીધું હતું. સર જે કંઈ પણ બોલતાં હતાં તે દરેક વસ્તુઓ તે પોતાની નોટમાં લખતી જતી હતી. કોલેજનાં નવા વાતાવરણમાં તે બહુ જલ્દી સેટ થઈ રહી હતી. જોકે, વચ્ચે એકવાર તેને અંશુમન પણ યાદ આવી ગયો. અંશુમનની એ પહેલી ઝલક તે ભૂલી શકી નહોતી અને એટલે જ માન્યા પ્લાન વિચારી રહી હતી કે અંશુમન સાથે કેવી રીતે અને કયા બહાને વાત કરવી? પણ પછી તે ફરી ભણવાં પર ફોકસ કરવાં લાગી. આ બાજૂ પિયોનીનો લેક્ચર પૂરો થતા તેણે ફટાફટ આગળ બેઠેલી બંને છોકરીઓને પાછળથી પિંચ કર્યું, ‘હાઇ ગર્લ્સ...આઈ એમ પિયોની.' ‘હેલ્લો, આઈ એમ વૃષિકા એન્ડ શી ઈઝ માય બેસ્ટફ્રેન્ડ તારા.' વૃષિકાએ જ બંનેનું ઈન્ટ્રોડક્શન આપ્યું. આ બંનેને જોઈને પિયોનીને માન્યા યાદ આવી ગઈ. ‘કાશ માન્યા પણ અહીંયા હોત તો અમે પણ આ રીતે જ ગોસિપ કરતાં હોત.' પિયોની સ્વગત બોલી.

વૃષિકા અને તારા પણ બહુ જલ્દી પિયોની સાથે મિક્સ થઈ ગયાં અને પહેલાં જ દિવસે પિયોનીનું નવું ગ્રુપ બની ગયું. જ્યારે માન્યા સાથે કંઈક અલગ જ બની રહ્યું હતું. તેના શાંત અને રિઝર્વ સ્વભાવનાં કારણે તે કોઈની જોડે સામેથી બોલવા ના ગઈ અને જે જગ્યાએ બેઠી હતી તે જ જગ્યાએ બેસીને તેણે પહેલા દિવસે ત્રણેય લેક્ચર ભર્યા. છેલ્લો લેક્ચર પૂરો થવાનો બેલ વાગ્યો અને ક્લાસમાંથી બધાં નીકળવા લાગ્યા. માન્યા પણ બધાની સાથે બહાર કેમ્પસમાં ગઈ. તે ફરી એ જ જગ્યાએ આવીને ઊભી રહી ગઈ જ્યાં તેણે અંશુમનને જોયો હતો પણ અત્યારે અંશુમન ત્યાં નહોતો. 12:30 થઈ ગયાં હતાં અને તેને યાદ આવ્યું કે 1 વાગ્યે પિયોનીને મળવા જવાનું છે પણ સાથે માન્યાને એ પણ ઉતાવળ હતી કે તે એવું તો શું કરે કે પોતે અંશુમનની નજરમાં આવે. ‘પણ એ ગયો ક્યાં હશે? કદાચ તેનાં લેક્ચર હજી ચાલુ હોય. મને થોડી ખબર છે કે તેના કોલેજનું શિડ્યુલ શું છે. સૌથી પહેલાં તો મારે એ જાણવું પડશે કે તેનું કોલેજનું શિડ્યુલ શું હોય છે. એ પછી હું મારા પ્લાનને પહેલા ગિયરમાં લાવી શકીશ.' આ વિચાર સાથે માન્યા અત્યારે પિયોનીને મળવા નીકળી.

એક્ટિવા લેવા માટે તે જેવી પાર્કિંગમાં ગઈ કે પાછળથી તેને મોટેમોટેથી હસવાનો અવાજ સંભળાયો. પાર્કિંગમાં બેઠેલા એક ગ્રુપમાંથી જોરજોરથી હસવાનાં અવાજો આવી રહ્યા હતાં. જે બાજૂથી અવાજો આવી રહ્યા હતાં તે બાજૂ અજાણતાથી માન્યાની નજર ગઈ અને ત્યાં જ તેની આંખો સ્થિર થઈ ગઈ. બુલેટ ઉપર અંશુમન બેઠો હતો અને આજુબાજુ તેની ફેન ક્લબ ટોળે વળેલી હતી. બધાં એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતાં. અંશુમનને પાર્કિંગ એરિયામાં બેઠેલો જોઈને માન્યા તેને ટગર-ટગર જોઈ રહી. કોલેજનાં પહેલાં જ દિવસે અંશુમન સાથે 2 વાર તેનો સામનો થઈ ચૂક્યો હતો. માન્યાનું મગજ ફટાફટ કામે લાગી ગયું. તે આ ચાન્સ મિસ કરવાં નહોતી માંગતી. તેણે વિચારી લીધું કે અત્યારે જ કંઈક તો એવું કરવું પડશે કે જેનાથી તે અંશુમનની નજરમાં આવી જાય. ત્યારબાદ તેની સાથે વાત આગળ વધારવી સરળ બની જશે. ઈન્ટ્રોવર્ડ માન્યાએ અત્યાર સુધી ક્યારેય કોઈ છોકરા સાથે વાત નહોતી કરી અને એટલે જ તે બહારથી ભલે મક્કમ દેખાતી હોય પણ અંદરથી તે અંશુમન સાથે વાત કરવા માટે ડરી રહી હતી.

‘માન્યા, ગમે તે કરીને તારે તારો આ ડર ભગાડવો પડશે. જો તારે તારી બેસ્ટ ફ્રેન્ડ સાથે થયેલો બદલો લેવો હશે તો તારે સામે ચાલીને જ અંશુમન સાથે વાત કરવી પડશે. તારો આત્મવિશ્વાસ ડગી જશે તો તું કંઈ નહીં કરી શકે.' માન્યાની અંદરનો અવાજ બોલ્યો. દિલનો અવાજ સાંભળીને માન્યા ફરી ટટ્ટાર બની. આંખમાં આત્મવિશ્વાસ સાથે એક્ટિવા ઉપર બેસી અને આગળ શું કરવું તેના વિચાર સાથે તેણે જેવો એક્ટિવાનો સેલ માર્યો કે એક્ટિવામાંથી કોઈ અવાજ જ ના આવ્યો. તેણે સ્ટાર્ટ બટનથી 2..3..4 વાર સેલ આપ્યો પણ એક્ટિવા સ્ટાર્ટ થવાનું નામ જ નહોતું લઈ રહ્યું. માન્યા અકળાઈ રહી હતી અને બીજી બાજૂ બન્યું એવું કે એક્ટિવાનાં સેલ વાગવાનાં કોન્સટન્ટ અવાજથી અંશુમનની નજર તે બાજૂ ગઈ. તેણે જોયું કે કોઈ છોકરી એક્ટિવા ચાલુ કરવાનો ટ્રાય કરી રહી છે પણ થઈ નથી રહ્યું. તે બાઈકની સીટ પરથી ઊભો થયો અને માન્યાની નજીક જઈને બોલ્યો, ‘મે આઈ હેલ્પ યુ?' બાજુમાંથી આવેલા અચાનક અવાજથી માન્યા ચમકી ગઈ અને તેણે નજર ફેરવીને જોયું તો તેની સામે અંશુમન ઊભો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે હમણાં સુધી તે જે વાતને લઈને આટલી કન્ફ્યુઝ હતી કે અંશુમન સાથે વાત કેવી રીતે કરવી? તેને બદલે સીધો અંશુમન જાતે જ તેની સામે આવીને ઊભો રહી ગયો હતો.

(માન્યા અને અંશુમનનું આ પહેલું કન્વર્ઝેશન કેવું હશે? શું આ વાતચીત પછી માન્યા અંશુમનને ફ્રેન્ડ બનાવવામાં સફળ થશે? માન્યાએ વિચારેલો બદલો લેવામાં તે કેટલી સફળ થાય છે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Abstract