માન્યાની મંઝિલ - 32
માન્યાની મંઝિલ - 32
પિયોનીને બહાર મળીને ઘરે આવ્યા બાદ માન્યા પથારીમાં આડી પડીને વિચારી રહી હતી કે શું અંશુમન તેને સામેથી મેસેજ કરશે કે નહીં? જો નહીં કરે તો શું તેણે સામેથી મેસેજ કરવો જોઈએ? જાતજાતનાં વિચારો માન્યાનાં મગજમાં ચાલી રહ્યા હતાં. બીજી બાજૂ રૂમમાં આંટા મારતો અંશુમન પણ પિયોની વિશે વિચારી રહ્યો હતો. અંશુમનનાં દિલમાં પિયોની માટે અલગ ફિલીંગ આવી રહી હતી. પિયોનીનું છમછમ કરતું હાસ્ય અને તેનું સેન્સ ઓફ હ્યુમર અંશુમનનું મન મોહી ગયું હતું પણ પહેલીવાર અંશુમન કોઈ છોકરીને સામેથી મેસેજ કરવાં માટે અચકાઈ રહ્યો હતો.
મેસેજ કરવો કે ના કરવો? કરવો કે ના કરવો? ના જાપ સાથે અંશુમન હાથમાં મોબાઇલ રમાડતો રહ્યો. વાત તો શરૂ કરવી જ પડશે અને વાત શરૂ કરવાની પહેલ કેવી રીતે કરવી તે વાતમાં તો અંશુમન પહેલેથી માસ્ટર હતો પણ તેને અંદરોઅંદર લાગતું હતું કે પિયોની બીજી છોકરીઓ જેવી નથી લાગતી અને જો તે મને ભાવ નહીં આપે તો? એ વિચાર સાથે અંશુમને એકવાર તો ફોન બાજુ પર મૂકી દીધો પણ તેનાથી રહેવાયું નહીં એટલે આગળ બહુ વિચાર્યા વગર પિયોની નામથી સેવ કરેલા નંબર પર તેણે પહેલો મેસેજ કરી દીધો. સામે અંશુમનનાં જ મેસેજની રાહ જોઈ રહેલી માન્યાનાં ફોનમાં મેસેજની રિંગટોન વાગી. તેણે જોયું તો અંશુમનનો મેસેજ હતો. ‘હાઈ પિયોની...ધિસ ઈઝ અંશુમન.' માન્યાએ સામે રિપ્લાય કરતા લખ્યું, ‘હેલો...હાઉ આર યુ?' અંશુમનને આઈડિયા નહોતો કે પિયોનીનો આટલો જલ્દી રિપ્લાય આવશે. ‘આઈ એમ ફાઇન. કેવું રહ્યું તારા ફ્રેન્ડ્સ સાથે હેન્ગાઉટ?' ‘ઈટ વોઝ ગુડ...મજા આવી.' અંશુમન અને માન્યા વચ્ચેની ચેટ વધતી ગઈ. ફ્રેન્ડ્સ સાથે શું કર્યુંથી લઈને મારું ગ્રુપ કેવું લાગ્યું, કોલેજ કેવી લાગી, કોલેજનું એટ્મોસ્ફિયર કેવું લાગ્યું એ બધી જ વાતો થઈ ગઈ.
જોકે, અચંબો પમાડે તેવી વાત તો એ હતી કે અડધો પોણો કલાકની ચેટમાં અંશુમને માન્યા સાથે કોઈ ફ્લર્ટિંગ નહોતું કર્યું. જેની નવાઈ માન્યાને પણ લાગી રહી હતી. એક ગુડ ફ્રેન્ડનાં દાયરામાં રહીને અંશુમન તેની સાથે વાત કરી રહ્યો હતો. માન્યાને લાગ્યું કે કદાચ અંશુમન પહેલાં બધી છોકરીઓને ફસાવવાં આવી રીતે ગુડ બોયની ઈમેજ ક્રિએટ કરતો હશે. ‘ઓકે ચાલ તો કાલે કોલેજમાં મળીએ. નાઉ આઈ હેવ ટુ ગો.' કહીને માન્યાએ અંશુમન સાથે વાત પતાવી. બીજી બાજુ પિયોનીનો મેસેજ આવ્યો અને રાત્રે 9 વાગ્યે બહાર મળવાનો પ્લાન બન્યો. રાતની આ મીટિંગમાં તારા અને વૃષિકા પણ હાજર હતાં.
મીટિંગમાં કાલે સવારે કોલેજ બંક કરીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં નવું પિક્ચર જોવાં જવાનો પ્લાન બન્યો. ‘ના હું નહીં આવું. હું કોલેજ બંક નહીં કરું.' માન્યાએ આ પ્લાન સામે વાંધો ઉઠાવ્યો. ‘યાર શું તું પણ માન્યા, આપણે હવે સ્કૂલમાં નથી રહ્યા. જો કોલેજમાં બંક નહીં મારીએ તો ક્યારે મારીશું? ચાલને પ્લીઝ, આપણો આવો પહેલો પ્લાન બન્યો છે. કોલેજ બંક કરીને રખડવાની મજા જ કંઈક અલગ છે.' પિયોનીએ માન્યાને સમજાવવાનો બહુ ટ્રાય કર્યો. માન્યાને એકવાર અંશુમન યાદ આવી ગયો અને તેને કહેલી વાત પણ કે કાલે તે કોલેજ આવવાની છે. ‘પણ હું શું કામ અંશુમન વિશે વિચારું છું. કાલે હું અંશુમનને મળવા નહીં પણ કોલેજ ભણવાં માટે જવાની છું.' માન્યા મનોમન બોલી. પિયોનીએ માન્યાને મૂવી જોવાં આવવાં માટે બહુ ફોર્સ કર્યો પણ માન્યા પોતાની જીદ પર અડગ રહી. આખરે માન્યાને પડતી મૂકીને તારા, વૃષિકા અને પિયોનીનું મૂવી જોવા જવાનું નક્
કી થયું.
બીજા દિવસે સવારે માન્યા ફટાફટ કોલેજ પહોંચી ગઈ. જોકે, તેને આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે અંશુમનને શોધવામાં ટાઇમ વેસ્ટ કર્યા વગર તે સીધી પોતાનાં ક્લાસરૂમમાં ચાલી ગઈ. બધા જ લેક્ચર ભર્યા પછી તે બહાર નીકળી ત્યારે અંશુમન ઓલરેડી પિયોનીની રાહમાં તેની કોલેજની બહાર સીડીઓ ઉપર ઊભો-ઊભો રાહ જોતો હતો. ‘થેન્ક ગોડ મેડમ, તમે બહાર તો આવ્યા. મને તો લાગ્યું કે આજે કોલેજને તાળું ના વાગે ત્યાં સુધી તારો અંદર બેસીને ભણવાનો જ ઈરાદો છે.' અંશુમનનાં આ જોક ઉપર માન્યા ખડખડાટ હસી પડી. ‘ચાલ હવે ફટાફટ મારી સાથે આપણે પિક્ચર જોવા જઈએ છીએ.' અંશુમનની આ ઓફર સાંભળીને માન્યા ડઘાઈ ગઈ.
‘ના..ના..ચિંતા ના કર. ખાલી હું અને તું નહીં..આપણું આખું ગ્રુપ. બધાએ આજે નવું પિક્ચર પડ્યું એ જોવા જવાનો પ્લાન બનાવ્યો છે. એ લોકો તો ઓલરેડી થિયેટર પહોંચી પણ ગયા છે અને તારી ટીકિટ પણ લઈ લીધી છે. હું બસ તને લેવા માટે જ અહીંયા તારી રાહ જોતો હતો.' હજી માન્યા કંઈ આનાકાની કરે તે પહેલાં તો અંશુમન માન્યાનો હાથ ખેંચીને પાર્કિંગમાં લઈ ગયો. તું મારી સાથે બાઈક ઉપર આવીશ કે તારું એક્ટિવા લઈને?' અંશુમને પિયોનીનો પ્રેફરન્સ જાણવાનો ટ્રાય કર્યો. માન્યાને ખબર નહોતી પડતી કે તે કેવી રીતે અંશુમનને ના પાડે. ‘અંશુમન હું નહીં આવી શકું.' ‘કેેમ???' અંશુમને તો વિચાર્યું જ નહોતું કે પિયોની ના પાડશે. પિયોની વિચારમાં પડી ગઈ કે શું કહેવું? ‘એક બાજુ મેં કાલે રાત્રે પિયોની સાથે મૂવી જોવાં જવાની ના પાડી અને આજે અંશુમન સાથે મૂવી જોવાં જવાનો પ્લાન બન્યો છે. હું કેવી રીતે જઉં?' માન્યા મનોમન અંશુમનને ના પાડવાનો કોઈ વિકલ્પ શોધી રહી હતી. ‘ના હું હવે તારી કોઈ વાત નહી સાંભળું. 2 વાગ્યા છે, 2:30 વાગ્યાનો શો છે. પેલા લોકોએ ઓલરેડી તારી ટીકિટ પણ લઈ લીધી છે. તારે આવવું જ પડશે પિયોની.'
‘પણ...' ‘પણ..બણ..કંઈ નહીં. હા, તારી પાસે જો કોઈ વેલિડ રીઝન હોય તો બોલ આપણે એનું સોલ્યુશન લાવી દઈએ. નહીં તો તારે આવવું જ પડશે. જો પરિમલનો મારા પર ફોન પણ આવી રહ્યો છે.' કહીને અંશુમને ફોન ઉપાડ્યો અને પરિમલને કહ્યું કે બસ પહોંચીએ જ છીએ. માન્યાને કંઈ હા-ના કરવાનો મોકો જ ના મળ્યો. ના છૂટકે તેને અંશુમન સાથે પિક્ચર જોવા જવું પડ્યું. પોતપોતાનાં એક્ટિવા અને બાઇક ઉપર માન્યા અને અંશુમન થિયેટર પહોંચ્યા. થિયેટરનાં ગેટ પર જ ફ્રેન્ડ્સ ઊભા-ઊભા બંનેની રાહ જોઈ રહ્યા હતાં.
‘સોરી...સોરી...ગાય્ઝ...ટ્રાફિક નડ્યો એટલે આવવામાં મોડું થઈ ગયું.' અંશુમને માફી માંગી. શો શરૂ થવામાં 2 જ મિનિટની વાર હતી એટલે પોતપોતાની ટિકિટી લઈને બધા અંદર દોડ્યા. એટલામાં માન્યાને સામેથી પિયોની આવતી દેખાઈ. પિયોની, તારા અને વૃષિકા પિક્ચર જોઈને બહાર નીકળી રહ્યા હતાં અને આ બાજૂ માન્યા અને અંશુમન ફ્રેન્ડ્સ સાથે અંદર જઈ રહ્યા હતાં. પિયોનીને જોઈને માન્યાનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. અંશુમન અને પિયોની લગભગ સામસામે આવી ગયા હતા. તેને લાગ્યું કે અત્યારે અહીંયા જ તેનાં આખાં ય પ્લાન પર પથારી ફરી જશે અને તે પકડાઈ જશે.
(શું થિયેટરનાં ફ્લોર પર માન્યા, અંશુમન અને પિયોનીનો એકસાથે આમનો-સામનો થશે? જો પિયોનીએ માન્યાને અંશુમન સાથે જોઈ લીધી તો તે શું કરશે? માન્યા અને અંશુમનનું આ પહેલું પિક્ચર તેમની લાઇફમાં કેવા થ્રીલર સીન્સ લઈને આવશે તે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)