Megha Kapadia

Drama Fantasy Thriller

3  

Megha Kapadia

Drama Fantasy Thriller

માન્યાની મંઝિલ 37

માન્યાની મંઝિલ 37

6 mins
14.4K


ચેપ્ટર - 37

વરસાદ પણ જાણે આ પ્રેમી પંખીડાને એક બનાવવા ઉતાવળો બન્યો હતો. વરસાદે માહોલ જ કંઈક એવો બનાવી દીધો હતો કે માન્યા પણ અંશુમનની આંખોમાં ખોવાઈ ગઈ. અંશુમનને લાગ્યું કે બસ આ જ સાચો સમય છે પિયોનીને દિલની વાત કહેવા માટે પણ અંશુમને જેવું મોઢું ખોલ્યું કે તેના હોઠ ધ્રુજવા લાગ્યા.

નર્વસનેસના કારણે તે કંઈ બોલી જ નહોતો શકતો. તેના દિલમાંથી આવી રહેલા અવાજો હોઠ ઉપર નહોતા આવી રહ્યા. અંશુમને બહુ પ્રયત્નો કર્યા પણ તે દિલની ફીલિંગ રજૂ ના કરી શક્યો. એક ઝાટકા સાથે પિયોનીને અંશુમને છોડી દીધી અને તે ઉંધી તરફ મોઢું રાખીને ઊભો રહી ગયો. માન્યા પણ ખોવાયેલી તંદ્રામાંથી બહાર આવી.

તેને લાગ્યું કે કદાચ અંશુમન તેને અત્યારે જ પ્રપોઝ કરવા માંગતો હતો પણ માન્યા ફિલહાલ આ વસ્તુ નહોતી ઈચ્છતી કારણ કે, તે અત્યારે તેના ફાઇનલ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે તૈયાર નહોતી. તેણે વાતાવરણ હળવું કરવા ફટાફટ મકાઈવાળા પાસેથી દેશી ચૂલા પર શેકાયેલી ગરમાગરમ લીબુ-મરચું નાંખેલી બે મકાઈ લઈ લીધી. અંશુમન અને માન્યા બંને ગાડીમાં બેસીને મકાઈ ખાવા લાગ્યા. ગરમાગરમ મકાઈ ખાવાથી અંશુમનની ઠંડી તો ઉડી ગઈ હતી પણ મનોમન તેને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે તેણે બહુ મોટો ચાન્સ મિસ કરી દીધો. પોતાના નસીબ ઉપર પસ્તાવો કરીને અંશુમન ગાડીમાં ચુપચાપ બેસી રહ્યો. અચાનક માન્યાએ અંશુમનનો હાથ પોતાના હાથમાં લીધો, ‘થેન્ક યુ અંશુમન ફોર ધિસ વન્ડરફુલ ઈવનિંગ. મેં ક્યારેય મારી લાઇફમાં આવો અનુભવ નથી કર્યો. તારી સાથે વરસાદની મજા માણીને હું અત્યારે એકદમ ફ્રેશ ફીલ કરી રહી છું. થેન્ક યુ સો મચ.' માન્યાના ચહેરા પર એક્સપ્રેશન્સ કંઈક અલગ હતા અને તેના મનમાં વિચારો કંઈક બીજા ચાલી રહ્યા હતા. માન્યાના હાથનો પ્રથમ સ્પર્શ અંશુમનના દિલને સ્પાર્ક આપી ગયો.

અંશુમનનો ચહેરો ખીલી ઉઠ્યો. તેને લાગ્યું કે બસ આ પળ અહીંયા જ રોકાઈ જાય અને પિયોની મારી સાથે જીદંગીભર આવી રીતે રહે. ‘કંઈ વાંધો નહીં અત્યારે ભલે હું મારી વાત કહેવામાં પાછો પડ્યો પણ મને એ વાતનો સંતોષ છે કે મારા લીધે પિયોની ખુશ છે.' આમ મન મનાવીને અંશુમને ગાડી સ્ટાર્ટ કરી. ‘કાલે સવારે હું તને લેવા આવું? એમ પણ તારું એક્ટિવા કોલેજમાં પડ્યું છે. તો હું તને તારા ઘરેથી પિકઅપ કરી લઈશ અને આપણે કોલેજ સાથે જઈશું. વોટ સે..?' અંશુમને પોતાનો વિચાર રજૂ કર્યો. ‘નો ઈટ્સ ઓકે આઈ વિલ મેનેજ. તું એમ પણ અલગ રસ્તાથી કોલેજ આવે છે. તારે ખોટો ધક્કો ખાવો પડશે.' ‘ઓહ...આટલી બધી ચિંતા છે તને મારી? ગાંડી તારા માટે તો આવા કેટલાંય ધક્કા ખાવા હું તૈયાર છું.' અંશુમન ફરી મસ્તીના મૂડમાં આવી ગયો. ‘કાલે સવારે 8 વાગ્યે તૈયાર રહેજે હું તારી સોસાયટીની બહાર ઊભો હોઈશ, ઓકે. નાઉ આઈ ડોન્ટ વોન્ટ એની એક્સક્યુઝ.' અંશુમન જાણે પિયોની પર હક જમાવી રહ્યો હતો. માન્યાએ હકારમાં માથું હલાવીને અંશુમનની વાત માની લીધી. માન્યાની સોસાયટીથી થોડે દૂર અંશુમને ગાડી ઊભી રાખી. વરસાદ પણ હવે બંધ થઈ ગયો હતો પણ માન્યા જ્યાં સુધી પોતાની સોસાયટીમાં એન્ટર ના થઈ ત્યાં સુધી અંશુમન ઊભો રહ્યો. યુ ટર્ન વાળીને અંશુમને ગાડી ફેરવી અને સીધી ઘર તરફ દોટ મૂકી.

ઘરે આવીને ફ્રેશ થઈને માન્યાએ ફોન કરીને પિયોનીને ઘરે બોલાવી. પિયોનીના આવ્યા બાદ માન્યાએ આજના દિવસની આખી કહાની રજૂ કરી. થોડીવાર માટે તો આ બધું સાંભળીને પિયોનીને પોતાના દિવસો યાદ આવી ગયા અને તે ઉદાસ થઈ ગઈ. ‘પિયુ, તું આવી રીતે અપસેટ થઈશ તો કેવી રીતે ચાલશે? વી હેવ ટુ ફોકસ ઓન અવર ટાર્ગેટ અને હવે એ દિવસ બહુ દૂર નથી જ્યારે અંશુમનને પોતાની ભૂલ સમજાશે. બસ ત્યાં સુધી આપણાં બેમાંથી કોઈએ ઢીલા નથી પડવાનું.' આમ કહીને માન્યાએ પિયોનીની હિમ્મત વધારી. થોડીવારમાં બંને જણાં છુટાં પડ્યા.

બીજી બાજૂ પોતાના રૂમમાં બિન બેગ ઉપર બેસીને અંશુમન આંખો બંધ કરીને આજના દિવસના ફ્લેશબેકમાં સરી પડ્યો અને ફ્લેશબેકનું બટન ત્યાં આવીને અટકી ગયું જ્યારે પિયોનીએ તેનો હાથ પકડ્યો હતો. પિયોનીના હાથનો પહેલો એ પ્રેમાળ સ્પર્શ અંશુમન હજી પણ અનુભવી રહ્યો હતો. પિયોનીના આ વલણથી અંશુમનને લાગ્યું હતું કે કદાચ તેની તરફથી આ એક સંકેત જ છે તેનો પ્રેમ રજૂ કરવા માટે. ‘શું પિયોની પણ ખરેખર મને પ્રેમ કરવા લાગી હશે? શું તે પણ તેના દિલની ફીલિંગ્સ મારી સામે રજૂ કરવાથી ડરતી હશે?' અંશુમન હવે પિયોનીને લઈને વધારે પોઝિટિવ થઈ ગયો. ‘હવે હું કોઈ ચાન્સ મિસ નહીં થવા દઉં. મારા અને પિયોનીના જીવનની આ બેસ્ટ ક્ષણોને યાદગાર બનાવવા હું શાનદાર તૈયારી કરાવીશ.'

અંશુમને ફટાફટ ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને પરિમલને ફોન કરીને આખો પ્લાન સમજાવી દીધો કે કાલે શું કરવાનું છે. બધી જ તૈયારીઓ કેવી રીતે થઈ રહી છે તેની અંશુમન થોડી-થોડી વારે ફોન કરીને અપડેટ લઈ રહ્યો હતો. કાલ માટે હવે અંશુમન નર્વસ નહીં પણ એક્સાઇટેડ હતો. પિયોનીને દિલની વાત કહેવા માટે આજે તેણે કોઈ રિહર્સલ પણ ના કર્યા. રાત્રે પિયોનીને ગુડનાઇટ કહીને તે વહેલો સુઈ ગયો કારણ કે, સવારે તેને વહેલા ઉઠવાનું હતું. માન્યા પણ મમ્મીને કહીને સુઈ ગઈ કે એક્ટિવા કોલેજમાં છે એટલે સવારે તેની ફ્રેન્ડ લેવા આવાની હોવાથી તેની સાથે જશે. સવારે 8 વાગ્યે તૈયાર થઈને બેગ લઈને માન્યા જેવી સોસાયટીની બહાર નીકળી કે તેને અંશુમન દેખાયો.

ગાડીનો દરવાજો અંશુમને પહેલેથી ખોલીને રાખ્યો હતો. ‘આઈ એમ સરપ્રાઈઝ્ડ. યુ આર ઓન ટાઇમ.' માન્યાએ હળવી મજાક કરી. ‘હજી તો આ પહેલું સરપ્રાઇઝ છે આગળ તને હજી બહુ સરપ્રાઇઝ મળશે. સો ગેટ રેડી.' અંશુમન મનમાં બબડ્યો. ‘શું? તે કંઈ કીધું?' ‘નથિંગ, લેટ્સ ગો.' કહીને અંશુમને યુ ટર્ન લીધો. મેઇન રોડ પર ગાડી લઈને અંશુમન બોલ્યો, ‘પિયોની યાદ છે તે મને પેલા દિવસે પ્રોમિસ કર્યું હતું કે તું મારી સાથે લોન્ગ ડ્રાઇવ પર આવીશ.' ‘હા, મને યાદ છે.' માન્યા ગુંચવાઈને બોલી. ‘તો શું આજે, અત્યારે જ આપણે જઈએ?' ‘અરે પણ અત્યારે તો આપણે કોલેજ જઈએ છીએ ને. યુ નો આઈ કાન્ટ બંક કોલેજ.' માન્યાએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. ‘ધિસ ઈઝ નોટ ફેર. તે મને પ્રોમિસ કર્યું હતું કે તું લોન્ગ ડ્રાઇવ પર આવીશ અને તું વાતાવરણ તો જો. આવા ઠંડકવાળા વાતાવરણમાં તું બોરિંગ લેક્ચર ભરીશ? લેટ હેવ સમ ફન.' અંશુમનને ખબર હતી કે સીધી રીતે પિયોની માનશે નહીં એટલે તેણે ઈમોશનલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. ‘પણ, તને ખબર છે કે મેં અત્યાર સુધી ક્યારેય લેક્ચર મિસ નથી કર્યો.' ‘હા તો હવે કરી દે. તને ખબર છે પિયોની, જીવનમાં બધી વસ્તુઓનો એકવાર તો એક્સપિરિયન્સ કરવો જ જોઈએ. ભલે પછી તે સારી હોય કે ખરાબ. જીંદગી જીવવાની મજા જ આમાં છે.'

‘ઓકે...ઓકે...માય ફિલોસોફર બડી. મને લોન્ગ ડ્રાઇવમાં તો આવા ફિલોસોફીના લેક્ચર નહીં આપે ને?' ‘યુ મીન ટુ સેય આર યુ રેડી ફોર લોન્ગ ડ્રાઇવ?' અંશુમન ઉત્સાહમાં આવી ગયો. માથું હલાવીને માન્યાએ હા તો પાડી દીધી પણ તેના દિલમાં હલચલ શરૂ થઈ ગઈ. માન્યાને યાદ હતું કે આવી જ રીતે અંશુમન પિયોનીને લોન્ગ ડ્રાઇવ ઉપર પેલા ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને પછી તેણે ત્યાં જે કંઈ પણ થયું હતું તે વિચારીને માન્યાને પરસેવો છુટી ગયો પણ એટલીવારમાં અંશુમને ગાડી મારી મૂકી હતી. સવારના ઓછા ટ્રાફિકના કારણે બહુ જલ્દી તેઓ હાઇવે ઉપર આવી ગયા. અંશુમનને વાતોમાં ભેળવીને માન્યાએ ફટાફટ પિયોનીને મેસેજ કરી દીધો કે અંશુમન તેને લોન્ગ ડ્રાઇવ પર લઈ જઈ રહ્યો છે. આપણા પ્લાન માટે તું રેડી થઈ જા અને જેવી તું નીકળે એવો મને મેસેજ કરી દેજે. લોકેશન તો તને ખબર જ છે. કોલેજ જવા નીકળેલી પિયોનીએ માન્યાનો મેસેજ વાંચ્યો અને તેને ‘ઓકે'નો રિપ્લાય કરીને એક્ટિવા કોલેજના રસ્તે નહીં પણ અંશુમનના ફાર્મ હાઉસ તરફ દોડાવ્યું. માન્યા અને પિયોનીએ વિચાર્યું હતું કે અંશુમન જેમ લોન્ગ ડ્રાઇવના બહાને પિયોનીને જે ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો તે જ જગ્યાએ માન્યાને પણ લઈ જશે પણ અંશુમન તો કોઈ નવા જ રસ્તે તે ગાડી દોડાવી રહ્યો હતો. જે વાતથી માન્યા તદ્દન અજાણ હતી.

(શું માન્યા અને પિયોનીએ ઘડેલો તેમનો માસ્ટરપ્લાન ફ્લોપ થઈ જશે? અંશુમન કઈ જગ્યાએ માન્યાને લઈ જઈ રહ્યો છે? શું પિયોનીને પ્રપોઝ કરવાનો અંશુમનનો માસ્ટરપ્લાન સફળ થશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama