માન્યાની મંઝિલ ચેપ્ટર - 31
માન્યાની મંઝિલ ચેપ્ટર - 31


માન્યા સાંજે 6 વાગ્યે તો પિયોનીનાં ઘરમાં હતી. મોબાઈલની એ ટુ ઝેડ એબીસીડી જાણીને અને સમજીને તે પૂરા બે કલાક પછી પોતાનાં ઘરે જવાં રવાનાં થઈ. રાત્રે પથારીમાં સુતાં-સુતાં તે વિચારી રહી હતી કે કોલેજનાં પહેલા દિવસે કેટકેટલું બની ગયું.
પહેલાં કોલેજ કેમ્પસમાં અંશુમનની કમાલ અને પછી અંશુમન સાથેની અણધારી મુલાકાતે માન્યાને વિચારમગ્ન કરી નાંખી હતી. તેનાં પ્લાનની ગાડી ગિયરમાં તો આવી ગઈ હતી પણ હવે આ ગાડીને પહેલા ગિયરમાં કેવી રીતે લાવવી એટલે કે અંશુમન સાથે આગળ ફ્રેન્ડશિપ વધારવાં શું કરવું તે વિશે માન્યાએ પોતાનાં મગજને કામે લગાડી દીધું. માન્યાનાં હાથમાં મોબાઈલ રમતો હતો, જેને જોઈને માન્યાને એક આઈડિયા આવ્યો. માન્યાને લાગ્યું કે આ મોબાઈલ જ છે જે તેને અંશુમન સુધી પહોંચાડી શકે છે. એટલે મોબાઈલ ફોનને ગાડીનું પહેલું ગિયર બનાવીને તેણે કાલે ગાડી પાટા પર લઈ જવાનું વિચારી લીધું.
ગઈકાલની જેમ આજે પણ માન્યા અને પિયોની પોતપોતાની કોલેજમાં સાથે જવાં નીકળ્યા. બંને પાસે હવે તો મોબાઈલ ફોન હતાં એટલે કોલેજ પત્યા પછી ક્યાં મળવું ક્યારે મળવું તેની આપલે હવે મેસેજથી કરવાનું બંનેએ નક્કી કર્યું. માન્યા જેવી કોલેજનાં પાર્કિંગમાં ગઈ તેણે આમતેમ નજર ફેરવી પણ તેને આજે પાર્કિંગમાં ક્યાંય અંશુમન ન દેખાયો. ‘કિસે ઢુંઢ રહી હો? અગર મુઝે!! તો હમ આપકી સેવા મેં હાઝિર હૈ!' અચાનક આવીને અંશુમને માન્યા સામે ચપટી વગાડી. પોતાની ચોરી પકડાઈ જવાથી માન્યાનાં ચહેરા પરનાં હાવભાવ બદલાઈ ગયાં અને તે અંશુમને બરાબર નોંધ્યું. ‘ના હું શું કામ તમને શોધું? આજે તો મારું એક્ટિવા બરાબર ચાલે છે.' ‘ઓહ...ચાલો એક્ટિવા ખાતર જ, પણ તમે અમને યાદ તો કર્યા.' અંશુમન પોતાનાં બેઝિક સ્વભાવ એટલે કે ફ્લર્ટિંગ પર ઉતરી આવ્યો. જેની માન્યાને કોઈ નવાઈ ન લાગી કારણ કે, તે પહેલેથી અંશુમનની આ ફિતરત ઓળખતી હતી.
આગળ ટાઇમ વેસ્ટ કરવાં બદલ માન્યાએ પોકેટમાંથી ફોન કાઢ્યો અને કોઈની સાથે ફોન ઉપર વાત કરવાનો ઢોંગ કર્યો જેથી અંશુમન એ વાતની પણ નોંધ લે કે તેની પાસે મોબાઈલ ફોન છે. એટલામાં કોલેજમાં લેક્ચર શરૂ થવાનો બેલ વાગ્યો. ‘ઓકે, આઈ હેવ ટુ ગો નાઉ.' અંશુમનને બહુ ભાવ ના આપતાં માન્યા સ્માઇલ કરીને તેની બાજુમાંથી નીકળી ગઈ. અંશુમનને થોડું ઈન્સલ્ટ ફીલ થયું. એક તો તે સામે ચાલીને આ છોકરી સાથે વાત કરવાં આવ્યો અને સામે તેને આવો રિસ્પોન્સ મળતાં તે અંદરથી થોડો ગુસ્સે થઈ ગયો હતો. ‘તારી ચોઈસ આટલી ખરાબ ક્યારથી થઈ ગઈ. તું શું જોઈને આ છોકરીની પાછળ પડ્યો છે મને તો ખબર જ નથી પડી રહી.' પાછળથી આવીને પરિમલ અંશુમનનાં વિચારો ભંગ કરતા બોલ્યો. ‘ઈટ્સ નોટ લાઈક ધેટ, તું કંઈક વધારે જ વિચારી રહ્યો છે.' ‘બડી...આઈ નો યુ. તું કોઈ ફાલ્તુ છોકરી પાછળ તારાં આટલાં એફર્ટ્સ બતાવે તેમ છે નહીં બટ આઈ થિંક એને તારામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી.' પરિમલનાં વાક્યો અંશુમનના દિલને ઘાયલ કરી ગયા. કોઈ છોકરી માટે નહીં પણ આજે અંશુમનને આ છોકરી માટે કોઈ કંઈ કહી જાય તે ગમ્યું નહીં.
‘ભલે તે એટલી ફેશનેબલ નથી, મારા ટાઈપની નથી કે પછી મને ભાવ નથી આપી રહી પણ કંઈક તો એવું છે જે મને તેની તરફ આકર્ષી રહ્યું છે. 'અંશુમન પોતાની જાત સાથે વાત કરતાં બોલ્યો. હજી પણ તે જતી પિયોનીને તાકી રહ્યો હતો. બીજી બાજૂ મનમાં માન્યા એ વિચારી રહી હતી કે શું અંશુમન સામે ચાલીને તેનો નંબર માંગશે કે નહીં? તેને લાગ્યું કે કદાચ તેનાથી થોડું રુડ બિહેવ તો નથી થઈ ગયું ને? પણ હવે તેની પાસે કોલેજ પત્યા પછી જ અંશુમન સાથે વાત કરવાનો ઓપ્શન બચ્યો હતો એટલે તે ફટાફટ ક્લાસરૂમમાં જતી રહી. તે અંશુમન સાથે બદલો લેવા તો માંગતી હતી પણ ભણવાનાં ભોગે નહીં. બપોરે 1 વાગ્યે કોલેજ પૂરી કરીને તે જેવી કેમ્પસમાં આવી કે તેની સામે જ અંશુમન ઊભો હતો. માન્યા સામે ચાલીને અંશુમન સાથે વાત કરવાં ગઈ. ‘હાય, સોરી એ વખતે મોડું થતું હતું એટલે તમારી સાથે વધારે વાત કરવા ઊભી ના રહી.'
‘કોલેજમાં તો કંઈ આટલું બધું ભણાતું હોય. કોલેજમાં તો બસ એન્જોય કરવાનું હોય, મસ્તી કરવાની હોય અને રખડવાનું હોય.' અંશુમન આગળ વાતચીત વધારતાં બોલ્યો. ‘યસ યુ આર રાઈટ, બટ મસ્તી કરવાં માટે ફ્રેન્ડ્સ પણ તો હોવાં જોઈએ ને.' માન્યાને ખબર હતી કે અંશુમને આગળ વધારેલી વાતને કયો વળાંક આપવાનો છે. ‘યુ કેન કોલ મી યોર ફર્સ્ટ ફ્રેન્ડ.' કહીને અંશુમને પિયોની સામે હાથ લંબાવ્યો. જાણે આ જ પળની રાહ જોતી માન્યાએ તરત જ અંશુમનના હાથમાં પોતાનો હાથ પરોવી દીધો.
‘ચાલ, હું તને મારી ગેંગ સાથે ઓળખાણ કરાવું.' માન્યા અંશુમનની પાછળ દોરાઈ. ‘હેલો ફ્રેન્ડ્સ, મીટ ન્યુ મેમ્બર ઓફ અવર ગ્રુપ. ધિસ ઈઝ પિયોની એન્ડ પિયોની ધિસ ઈઝ માય ક્રેઝી ગેંગ.' છોકરા છોકરીઓથી ભરેલાં ગ્રુપે માન્યાનું બૂમો પાડીને સ્વાગત કર્યું. કોલેજનાં બીજા જ દિવસે માન્યા આ કોલેજનાં ટોપ મોસ્ટ ગ્રુપની મેમબર બની ગઈ. ‘સો ફાઈનલી તું એને આપણાં ગ્રુપમાં લઈ જ આવ્યો. ઈરાદો શું છે ભાઈ તારો?' પરિમલ અંશુમન સામે આંખ મીંચકારતાં બોલ્યો. ‘તું જેવું વિચારે છે તેવું કંઈ જ નથી, આઈ થોટ શી ઈઝ અલોન એટલે હું એને આપણાં ગ્રુપમાં લઈ આવ્યો.' ‘તારા મોઢેથી આવી વાણી શોભતી નથી અંશુમન મહારાજ.' કહીને પરિમલ ખડખડાટ હસવા લાગ્યો અને તેની આ વાત અંશુમનને બીજી રીતે વિચારવાં પર મજબૂર કરી ગઈ. અડધો કલાકમાં તો માન્યા પૂરી રીતે અંશુમનના ગ્રુપમાં ભળી ગઈ હતી.
સંકોચાયેલી રહેતી માન્યામાં અચાનક ગજબનું પરિવર્તન આવી ગયું. કારણ કે, તેને ખબર હતી કે જો અંશુમન સાથે બદલો લેવો હશે તો તેણે પોતાનો મૂળ સ્વભાવ બદલવો પડશે અને એટલે જ બહુ જલ્દી તે ઈન્ટ્રોવર્ડમાંથી એક્સ્ટોવર્ડ બની રહી હતી. ‘સો કેવું લાગ્યું મારું ગ્રુપ? આર યુ કમ્ફર્ટેબલ વિથ ઓલ?' અંશુમનનાં દિલમાં અચાનક પિયોની માટે કેરિંગ નેચરનાં ભાવ પ્રગટી રહ્યા હતાં. આવું પૂછીને તેને પોતાને પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે તે પિયોની માટે આટલો કેરિંગ કેમ બની રહ્યો છે. ‘યસ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ, થેન્ક યુ સો મચ અંશુમન. આઈ એમ રિયલી હેપી ટુ મીટ યુ ઓલ.' ગ્રુપને બાય બાય કહીને માન્યા જવા લાગી અને તેની સાથે-સાથે અંશુમન પણ દોરાયો. આ વાત ગ્રુપનાં દરેક મેમ્બરે નોટિસ કરી. ‘બસ જાય છે?' ‘હા મારા બીજા ફ્રેન્ડ્સ જેમણે બીજી કોલેજમાં એડ્મિશન લીધું છે તે મારી રાહ જોઈ રહ્યા છે.' ‘ઓકે, તો અમારાં વગર જ ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવાનો પ્લાન છે.' અંશુમનને હતું કે કદાચ પિયોની તેને પોતાની સાથે આવવાનું કહેશે અને અંશુમનની આ વાત પાછળનો હેતુ માન્યા પણ બરાબર સમજી ગઈ હતી પણ તેના માટે અંશુમનને જોડે લઈ જવું અશક્ય હતું કારણ કે, તે પિયોનીને મળવા જઈ રહી હતી.
‘ક્યારેક મારા ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ તમને મળાવીશ.' કહીને માન્યા એક્ટિવા ઉપર બેસી ગઈ પણ અંશુમન હજી પણ ઈચ્છતો હતો કે પિયોની ના જાય પણ તેને જતી રોકવા માટે અંશુમન પાસે કોઈ કારણ નહોતું. ‘કાલે આવવાની ને કોલેજ?' અંશુમનની ઉત્સુકતા તેનાં ચહેરા પર દેખાઈ આવતી હતી. ‘અફકોર્સ.' માન્યાએ વાત ટૂંકમાં પતાવી. ‘હા પણ, એ પહેલાં મારે તારો કોન્ટેક્ટ કરવો હોય તો? ઈફ યુ ડોન્ટ માઇન્ડ તારો નંબર તું આપી શકે તો...' અને માન્યા જે ક્ષણની રાહ જોઈ રહી હતી તે આવી ગઈ. અંશુમનને સામે કંઈ જવાબ આપવાને બદલે તે ફટાફટ પોતાનો મોબાઇલ નંબર બોલી ગઈ અને તેની ડબલ ઝડપથી અંશુમને તે નંબર મોબાઇલમાં સેવ કરી લીધો. બાય-બાય કહીને તેણે પિયોનીને અલવિદા કહ્યું. એક્ટિવા ચલાવતા માન્યા મનોમન ખુશ થઈ રહી હતી. કોલેજનાં બીજા દિવસે તેનો બીજો પ્લાન પણ સક્સેસફુલ થઈ ગયો હતો અને બસ હવે તે રાહ જોઈ રહી હતી અંશુમનનાં પહેલાં મેસેજની.
(શું પિયોની ઉર્ફ માન્યા માટે અંશુમનના દિલમાં ખરેખર પ્રેમનાં ભાવ જાગશે કે પછી આ પિયોનીની જેમ માન્યા પણ અંશુમનની ટાઇમપાસ ગર્લ બનશે? અંશુમનનાં પહેલાં મેસેજની રાહ જોતી માન્યાનાં દિલમાં નફરતની ભાવના આગળ કયા નવા રૂપ લે છે તે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)