Megha Kapadia

Drama Thriller Tragedy

2.5  

Megha Kapadia

Drama Thriller Tragedy

માન્યાની મંઝિલ - 39

માન્યાની મંઝિલ - 39

6 mins
14.1K


અંશુમને નક્કી કરી લીધું કે આજે તો કંઈ પણ થાય તે પોતાનાં દિલની વાત કહી જ દેશે. આજનો મોસમ પણ અંશુમનનાં દિલોદિમાગમાં રોમાન્સની ખુશ્બુ જગાડે એવો હતો. ટેરેસનું ડેકોરેશન કોઈ ફાઇવ સ્ટાર હોટેલનાં ટેરેસને ટક્કર આપે એવું હતું. એકબાજુ ફ્લોર પર આર્ટિફિશિયલ લોન હતી અને બીજી બાજુ ટેરેસ પર નાનું કોટેજ જેવું બનાવેલું હતું. આખું કોટેજ રેડ એન્ડ વ્હાઇટ બલૂનથી સજાવાયું હતું. કોટેજની અંદર વચ્ચોવચ્ચ એક ડિનર ટેબલ મૂક્યું હતું. જેની ઉપર હાર્ટ શેપમાં રોઝ પેટલ્સ પથરાયેલાં હતા. તે હાર્ટની અંદર ગુલાબની પાંખડીઓથી અંશુમન લવ્સ પિયોની લખાયું હતું. બાજુમાં એક મ્યુઝિક પ્લેયર પડ્યું હતું. જેમાં પિયોનીનાં ફેવરિટ રોમેન્ટિક સોન્ગ્સનું પ્લેલિસ્ટ વાગી રહ્યું હતું. બહાર ઝીણો-ઝીણો વરસાદ વરસવાની પણ શક્યતા હતી. માહોલ રંગીન બની ગયો હતો. બધું જ અંશુમનનાં પ્લાન મુજબ તૈયાર હતું.

બસ હવે વાર હતી પિયોનીની ઉપર આવવાની. બીજી બાજૂ ટેરેસની સીડી ચઢતી પિયોનીનાં ધબકારા વધી રહ્યા હતાં. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે સામે ચાલીને અંશુમનનો સામનો કરશે. આ માટે પિયોનીનું દિલ તો હજુ પણ નબળું પડી રહ્યું હતું પણ તેનું મગજ તેની બીકને દુર કરીને તેનામાં અનોખી શક્તિનું સંચન કરી રહ્યું હતું. બીજીબાજૂ સીડી ઉપર ચઢવાનો અવાજ આવી રહ્યો હોઈ અંશુમન ઉંધો ફરીને હાથમાં ગુલાબનું ફુલ લઈને ઊભો રહ્યો.

સીડી ચઢીને પિયોની ટેરેસ પર આવી તો તેની આસપાસનું ડેકોરેશન જોઈને આભી બની ગઈ. તેને વિશ્વાસ ના આવ્યો કે અંશુમને પ્રપોઝ કરવા આટલી તૈયારી કરી છે. ઉપર ચઢતાં આવવાનો અવાજ બંધ થઈ ગયો હોઈ અંશુમનને લાગ્યું કે પિયોની ઉપર આવી ગઈ છે. બંધ આંખો સાથે તે પાછળ ફર્યો, એક પગ ઉપર બેસીને હાથમાં રહેલું ગુલાબ સામે ધરીને તે બોલ્યો, ‘આઈ લવ યુ પિયોની, વિલ યુ બી માય લાઇફ પાર્ટનર?'

અંશુમન સામે ઊભેલી પિયોની આવાક્ થઈ ગઈ. એક મિનિટ તો અંશુમનનાં મોઢે પોતાનું નામ અને આ પ્રપોઝલ સાંભળીને તે બહેકાઈ ગઈ. થોડી સેકન્ડ્સ સુધી કોઈ રિપ્લાય ના આવતાં અંશુમને આંખો ખોલી. આંખો ખોલતાંની સાથે જ સામે ઊભેલી માન્યા ઉર્ફ પિયોનીને જોઈને તે જમીન પર ફસડાઈ પડ્યો. તેની આંખોને વિશ્વાસ જ ના આવ્યો કે પિયોનીને બદલે માન્યા ક્યાંથી આવી ગઈ? આંખો ચોળીને તેણે ફરી જોયું તો ખરેખર તેની સામે માન્યા જ ઊભી હતી. ‘માન્યા...તું...તું અહીંયા ક્યાંથી?' અંશુમન તૂટક તૂટક બોલ્યો. ‘કોણ માન્યા? તું કોને શોધી રહ્યો છે?' કહીને પિયોની અંશુમન તરફ આગળ વધી. જમીન પર ફસડાયેલો અંશુમન ઊભા થવાની હાલતમાં જ નહોતો. તેથી જેમ-જેમ પિયોની તેની તરફ આગળ વધતી ગઈ તે પગ ઘસડતો-ઘસડતો પાછળ જતો ગયો. આ પરિસ્થિતિ જોઈને અંશુમન અને પિયોની બંનેને એકસાથે તે રાત યાદ આવી જ્યારે અંશુમને માન્યા ઉર્ફ પિયોની સાથે જબરદસ્તી કરી હતી. એ જ કન્ડિશનમાં આજે અંશુમન પોતાની જાતને કેદ થયેલો અનુભવી રહ્યો હતો. ‘આ બધી તૈયારી તેં મને પ્રપોઝ કરવાં કરી છે? હાઉ સ્વીટ...' પિયોની એ જ રીતે જોરજોરથી હસવા લાગી જેવી રીતે અંશુમન તે રાત્રે તેને ફસાવીને હસ્યો હતો. આ અટ્ટહાસ્ય સાંભળીને અંશુમન ગભરાઈ ગયો. ભાન ભૂલીને તે જોરજોરથી પિયોની...પિયોની ચિલ્લાયો. અચાનક સામે ઊભેલી પિયોની બાજુમાં ખસી અને તેની પાછળ આવીને ઊભેલી માન્યા આગળ આવી. તેની પિયોનીને આવેલી જોઈને અંશુમન જેવો ઊભો થવા ગયો કે માન્યાએ તેને ધક્કો દઈને પાડી નાંખ્યો અને તે ફરી જમીન ઉપર પછડાયો. અંશુમનને વિશ્વાસ ના થયો કે તેની સાથે આ શું થઈ રહ્યું છે?

‘એ જ વિચારે છે ને કે તારી સાથે આ બધું શું થઈ રહ્યું છે? અમે બંને એકસાથે અહીંયા ક્યાંથી?' માન્યાએ પૂછેલા પ્રશ્ન ઉપર અંશુમને માત્ર ડોકું હલાવ્યું કારણ કે, તે કંઈ બોલી શકવાની પરિસ્થિતિમાં જ નહોતો. ‘ઓકે તો સાંભળ, પણ હા એ પહેલાં તારું દિલ થોડું મજબૂત બનાવી દેજે. કારણ કે, તે જે રીતે પિયોનીનું દિલ તોડ્યું છે એમ આજે તારું દિલ તૂટવાનું છે.' આંગળીનાં ઈશારે પિયોની તરફ ઈશારો કરીને માન્યા બોલી. આ ઈશારો જોઈને અંશુમનનાં મનમાં સવાલ થયો કે તે માન્યાને પિયોની કેમ કહી રહી છે. ‘પહેલાં તો હું તને મારી સાચી ઓળખ આપી દઉં. હું છું સાચી માન્યા અને મારી બાજુમાં જે ઊભેલી છે તે છે મારી બેસ્ટ ફ્રેન્ડ પિયોની. જેને માન્યા માનીને 4 મહિનાં પહેલાં તેં તેનો વિશ્વાસઘાત કર્યો હતો. તેનો બદલો લેવાં હું આવી અને અત્યારે મેં તારો વિશ્વાસઘાત કર્યો. 'અંશુમનને તેના કાન પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ બધું શું સાંભળી રહ્યો છું. બંનેને એકસાથે જોઈને અંશુમનને એ ફોટો યાદ આવ્યો જે તેણે માન્યાની ફેસબુક પ્રોફાઇલમાં જોયો હતો. જમીન પર પડેલાં અંશુમનની આગળ પાછળ ફરતાં માન્યાએ વાર્તાની શરૂઆત કરી કે કેવી રીતે ફેસબુક અકાઉન્ટથી થયેલી શરૂ થયેલી પ્રેમ કહાની બદલો લેવાની નફરત સુધી કેવી રીતે પહોચી. એક-એક વાત ડિટેઇલમાં કહીને માન્યા અંશુમનને એક પછી એક શોક આપતી ગઈ. અંશુમનની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેને જેની સાથે સાચો પ્રેમ થઈ જશે ત્યારે તેને બદલામાં પ્રેમ નહીં પણ નફરત મળશે.

અંશુમનને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ એ જ માણસ છે જે હજી અડધો કલાક પહેલાં તેની સાથે ગાડીમાં બેસીને મસ્તી કરતી હતી. જેની સાથે તેણે જીંદગી જીવવાનાં સપનાં જોયાં હતાં. ‘એ જ વિચારે છે ને કે તે મને સાચો પ્રેમ કર્યો હતો તો મેં આવું કેમ કર્યું? તો હવે એ વિચાર કે અત્યાર સુધી તે જેટલી છોકરીઓનાં દિલ તોડ્યા છે એનું શું!!' માન્યાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.

અંશુમનને પોતાની ભૂલનું ભાન થયું. તેને મનમાં ખૂબ જ ગિલ્ટી ફીલ થઈ પણ હવે બાજી હાથમાંથી નીકળી ગઈ હતી.

‘આઈ હોપ કે તને તારા કર્યા પસ્તાવો થયો હશે અને રહી વાત હવે મારી તો એક વાત સમજી લે કે ભલે આપણે એક જ કોલેજમાં ભણીએ છીએ પણ કાલથી હું તને ઓળખીશ પણ નહીં. તારો ચહેરો પણ નથી જોવો મારે અને તું પણ મારી સાથે વાત કરવાનો ટ્રાય ના કરતો. ગુડબાય.' આમ કહીને માન્યા અને પિયોની ચાલવા લાગ્યા.

‘એક મિનિટ માન્યા, એકવાર મારી વાત સાંભળી લે.' અંશુમન ઊભો થયો અને તેણે હાથ લંબાઇને માન્યા અને પિયોનીને રોકવાનો પ્રયાસ કર્યો. બંનેએ પાછળ જોયું. ‘હું સમજું છું કે મેં અત્યાર સુધી બહુ છોકરીઓની જીંદગી બગાડીને મોટી ભૂલ કરી છે. પિયોની હું તારી પણ માફી માંગું છું. મેં તારી સાથે જે કંઈ પણ કર્યું તેનો મને બહુ પસ્તાવો થઈ રહ્યો છે પણ શું મારી આ ભૂલને સુધારવાનો એક ચાન્સ પણ નહીં મળે?' અંશુમન હજી પણ માન્યાને પોતાના જીવનમાં ઈચ્છતો હતો. ‘માન્યા, આઈ રિયલી લવ યુ. તને મળ્યા પછી મને અહેસાસ થયો કે ખરેખર હું તને પ્રેમ કરવાં લાગ્યો છું. હું તારા વગર નહીં રહી શકું. તું છે તો હું છું. પ્લીઝ મને એક ચાન્સ આપ, હું તને બહુ જ ખુશ રાખીશ. મારા તરફથી તને એક પણ ફરિયાદની તક નહીં મળે. હું હવે એ અંશુમન નથી રહ્યો જે પહેલાં હતો. પ્લીઝ માન્યા બિલીવ મી.' અંશુમન માન્યા સામે હાથ જોડીને કરગરતો રહ્યો પણ માન્યા હવે ના તો કંઈ સાંભળવાં તૈયાર હતી કે ના તો અંશુમનને માફ કરવાનો તેનો કોઈ ઈરાદો હતો. ફટાફટ સીડીઓ ઉતરીને તે નીચે આવી ગઈ. તેની પાછળ પિયોની પણ દોરાઈ. અંશુમન રડતો રહ્યો અને પિયોની અને માન્યા એક્ટિવા ઉપર બેસીને ત્યાંથી નીકળી ગયા. પિયોની ખુશ હતી કે માન્યાને તેની મંઝિલ મળી ગઈ. તેમનો પ્લાન સક્સેસફુલ રહ્યો પણ તેને ક્યાં ખબર હતી કે તેની પાછળ બેઠેલી માન્યા ચોધાર આંસુએ રડી રહી હતી કારણ કે, તેને પણ અંશુમન સાથે પ્રેમ થઈ ગયો હતો.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama