Megha Kapadia

Drama Fantasy Thriller

3  

Megha Kapadia

Drama Fantasy Thriller

માન્યાની મંઝિલ - 38

માન્યાની મંઝિલ - 38

6 mins
13.4K


અંશુમનની ગાડી બીજી દિશામાં આગળ વધી રહી હતી અને બીજી બાજૂ પિયોની અંશુમનનાં ફાર્મ હાઉસ તરફ એક્ટિવા દોડાવી રહી હતી. ‘વેલ, આપણે લોન્ગ ડ્રાઇવ પર ક્યાં જઈએ છીએ?' માન્યાએ અંશુમનને પૂછ્યું. ‘એ તો સરપ્રાઇઝ છે. અત્યારે નહીં કહી શકું પણ હા એક વાત કહી દઉં કે બહુ જ સુંદર જગ્યાએ જઈએ છીએ.' અંશુમનનાં મોઢે આ વાત સાંભળીને માન્યાનો શક પાક્કો થઈ ગયો કે ચોક્કસ અંશુમન તેના ફાર્મ હાઉસ પર જ લઈ જઈ રહ્યો છે. ગાડીમાં સ્લો મ્યુઝિક વાગી રહ્યું હતું અને અંશુમન પણ નોર્મલ સ્પીડ પર ગાડી ચલાવી રહ્યો હતો. જેથી માન્યા સાથે તેને વધારેમાં વધારે સમય પસાર કરવા મળે.

ગીતો ગાતા, વાતો કરતા, મસ્તી કરતા બંને રસ્તા પર આગળ વધી રહ્યા હતાં. પૂરા બે કલાક થઈ ગયાં પણ રસ્તાનો એન્ડ આવી જ નહોતો રહ્યો. અંશુમનની ગાડી પૂર ઝપાટ રસ્તા પર દોડતી રહી. જેને જોઈને માન્યાના મનમાં ફાળ પડી કારણ કે, પિયોનીએ ચોખ્ખું કીધું હતું કે અંશુમનનું ફાર્મ હાઉસ હાઇવેથી માંડ 30 કિલીમીટર જેટલું દૂર છે એટલે પહોંચતા દોઢ કલાકથી વધારે સમય ના લાગે. એમાં પણ અત્યારે તો સવારનો સમય હતો એટલે ટ્રાફિક પણ બહુ ઓછો હતો એવામાં કલાકમાં તો ફાર્મ હાઉસ પર પહોંચી જવાં જોઈએ. બીજી બાજૂ પિયોની અંશુમનનાં ફાર્મ હાઉસની બહાર આવીને ઊભી રહી ગઈ.

પિયોનીને તે દિવસની રાત યાદ આવી ગઈ જ્યારે તે અંશુમન સાથે અહીંયા આવી હતી. તે દિવસની રાત ભેંકાર લાગી રહી હતી. જ્યારે અત્યારે અહીંયાનો માહોલ કંઈક અલગ જ હતો. અહીંયા વરસાદ પડી ગયા બાદ ભીની માટીની સુગંધ ચારેબાજૂ ફેલાઇ ગઈ હતી. ઝાડ ઉપર પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો અને ચોમાસાની આ સવાર બેહદ આહલાદક લાગી રહી હતી. વધારે ટાઇમ વેસ્ટ કર્યા વગર પિયોનીએ મોઢા ઉપર વ્યવસ્થિત દુપટ્ટો બાંધી લીધો. આંખે ગોગલ્સ ચઢાવી દીધા અને વરસાદ ના હોવા છતાં ડેકીમાં પડેલો રેઇન કોટ પણ પહેરી લીધો. જેથી કરીને તેની ઉપર અંશુમનની નજર પણ પડે તો તે તેને ઓળખી ના શકે. પિયોનીને ખૂબ સાવધ રહીને આગળ વધવાનું હતું કારણ કે, તેને ખબર હતી કે તેની એક ભૂલ આખો પ્લાન ખરાબ કરી શકે છે.

તેણે એક્ટિવા ચાલુ કર્યું અને ધીમેથી અંશુમનનાં ફાર્મ હાઉસની ગલીમાં અંદર આવી અને એક્ઝેક્ટ તેનાં ફાર્મ હાઉસની સામે આવીને ઊભી રહી ગઈ. તેણે જોયું તો બહાર ક્યાંય કોઈ ગાડી નહોતી દેખાઈ રહી. ચાલુ દિવસ હતો એટલે આજુબાજુનાં ફાર્મ હાઉસમાં પણ ખાસ હલચલ નહોતી. પિયોનીને લાગ્યું કે, આટલીવાર સુધીમાં તો અંશુમન પિયોનીને લઈને અહીંયા આવી ગયો હોવો જોઈએ પણ એ હજી નથી આવ્યો તો એ બંને છે ક્યાં?

બીજી બાજૂ માન્યાનાં મનમાં ફફડાટ બેસી ગયો હતો કારણ કે, અંશુમનનું ડેસ્ટિનેશન આવી જ નહોતું રહ્યું. તે ભમભમાટ કાર દોડાવી રહ્યો હતો. એટલામાં માન્યાનો ફોન રણક્યો.

પોકેટમાંથી કાઢીને તેણે જોયું તો પિયોનીનો મેસેજ હતો, ‘હું અહીંયા પહોંચી ગઈ છું. તું ક્યાં છે? હજી તમે લોકો અહીંયા આવ્યા નથી?' મેસેજ વાંચીને માન્યાને પરસેવો છુટી ગયો. ‘પિયોની અમારા પછી નીકળી તો પણ તે પહોંચી ગઈ...અને અમે? અંશુમન મને ક્યાં લઈ જઈ રહ્યો છે?' માન્યા મનમાં બબડી. ‘શું કંઈ કીધું? કેમ આટલી ડિપ્રેસ્ડ લાગે છે?' પિયોનીને મુંઝવણમાં જોઈને અંશુમન બોલ્યો. ‘મારા ફ્રેન્ડ્સનાં મેસેજ આવ્યા છે. એ લોકો બધા ભેગા થઈ રહ્યા છે અને મને પણ બોલાવે છે.' ‘તો તેં શું કીધું?' અંશુમન પણ ટેન્શનમાં આવી ગયો કે જો પિયોની તેમની સાથે જવાની જીદ પકડશે તો આજનાં તેનાં સરપ્રાઇઝ પ્લાનનું શું થશે? ‘તું પહેલાં એમ કહે મને કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અને પાછા ક્યારે ફરીશું?' માન્યા પાસે અંશુમનનાં મોઢે વાત કઢાવવાનો બસ આ જ ચાન્સ હતો.

‘હું તને વધારે તો નહીં કહી શકું બીકોઝ ઈટ્સ અ સરપ્રાઇઝ ફોર યુ પણ હા, એટલું કહી દઉં કે મારું એક ફાર્મ હાઉસ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ.' ફાર્મ હાઉસનું નામ સાંભળીને માન્યા ચમકી. ‘જો પેલું ફાર્મ હાઉસ હોત તો ત્યાં તો ક્યારનાં પહોંચી ગયા હોત! તો શું આ અંશુમનનું કોઈ બીજું ફાર્મ હાઉસ હશે?' માન્યાનાં મનમાં જાતજાતનાં સવાલો ઊભા થઈ ગયા. તેને ટેન્શન થઈ ગયું કે શું ઓવરકોન્ફિન્સમાં આવીને તેણે કોઈ ભૂલ તો નથી કરી દીધી ને? મનોમન તેને હવે પસ્તાવો થઈ રહ્યો હતો કે અંશુમન સાથે એકલાં આવવાનું રિસ્ક લેવા જેવું જ નહોતું. પણ હવે કરે શું? માન્યાનું મગજ ગાડી કરતાં પણ વધારે ઝપડથી દોડવા લાગ્યું પણ ટેન્શનનાં મારે તે વિચારવાની શક્તિ પણ ખોઈ બેઠી. અંશુમને તરત પિયોનીનાં ચહેરાનાં હાવ ભાવ પારખી લીધા. આંચકા સાથે તેણે બ્રેક મારી અને ગાડી ઊભી રાખી. ‘જો પહેલી વાત તો એ કે હું તને આટલી ટેન્શનમાં જોઈ નથી શકતો. આઈ થિંક તું મારી કંપની એન્જોય નથી કરી રહી. સો ઈટ્સ બેટર કે આપણે બેક ટુ સિટી જતા રહીએ.' અંશુમન ખરેખર નહોતો ઈચ્છતો કે પિયોની મૂડ વગર તેની સાથે આવે. ‘ના, ના, એવું કંઈ નથી પણ તું સરપ્રાઇઝ સરપ્રાઇઝ કહીને સરખું કહી પણ નથી રહ્યો કે આપણે ક્યાં ઈ રહ્યા છીએ અને ત્યાં કેટલો ટાઇમ લાગશે? તો હું એ પ્રમાણે મારા ફ્રેન્ડ્સને કહું કે હું આવી શકીશ કે નહીં.'

માન્યાએ છેલ્લો ચાન્સ લીધો કે કદાચ અંશુમન કંઈક બોલી જાય. ‘ઓકે, ચલ કહી દઉં કે આપણે જે ફાર્મ હાઉસ પર જવાનું હતું એ તો પાછળ ગયું. મેં વિચાર્યું હતું કે આપણે પહેલાં લોન્ગ ડ્રાઇવ પર જઈએ અને રિટર્નમાં થોડીવાર ફ્રેશ થવા ત્યાં જઈશું. સરપ્રાઈઝ ત્યાં છે હવે એ શું છે પ્લીઝ એ ના પૂછતી.'

અંશુમનનો આ જવાબ સાંભળ‌ીને માન્યાનાં મનને ઠંડક પહોંચી. ‘અંશુમન પ્લીઝ એક ફેવર કરીશ?' ‘અફ કોર્સ, બંદા આપકી સેવા મેં હાઝિર હૈ.' અંશુમન બોલ્યો. ‘નાઉ આઈ કાન્ટ વેઇટ ફોર સરપ્રાઈઝ. શું તું હવે મને પહેલાં ફાર્મ હાઉસ પર લઈ જઈશ. પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ..અંશુમન.' અંશુમન સામે માન્યાએ એવો ભોળો ચહેરો બનાવ્યો કે અંશુમન ના પાડી જ ના શક્યો. તેણે ગાડી સ્ટાર્ટ કરી અને યુ-ટર્ન લીધો. બીજી જ મિનિટે માન્યાએ પિયોનીને મેસેજ કર્યો, ‘મિશન ઈઝ ઓન. અમે ત્યાં જ આવી રહ્યા છીએ. તું તૈયાર રહેજે.' માન્યાનો મેસેજ વાંચીને પિયોનીને હાંશ થઈ અને તે પ્લાન પ્રમાણે ગલીની બહાર નીકળીને એવી જગ્યાએ ઊભી રહી ગઈ જ્યાંથી તે અંશુમનની ગાડી જોઈ શકે પણ અંશુમન તેને ના જોઈ શકે.

અંશુમનની ગાડીમાં ફરી મસ્તીનો માહોલ જામ્યો. ફુલ વોલ્યુમ પર મ્યુઝિક કરીને અંશુમન અને માન્યા બંને જોરજોરથી ગીતો ગાઈ રહ્યા હતાં અને મસ્તી કરી રહ્યા હતાં. પિયોનીને આટલી ખુશ જોઈને મનમાં અંશુમન વિચારી રહ્યો, ‘હું તને જીંદગીભર આટલી જ ખુશ રાખીશ. હું હંમેશા એ વાતનું ધ્યાન રાખીશ કે તારા ચહેરા પર ક્યારેય દુ:ખની પડછાઈ પણ ના પડે. આ મારું તને પ્રોમિસ છે.' અડધો કલાક પછી ગલીમાં એક ગાડી આવી. પિયોની સાવધ થઈ ગઈ. તેણે નોંધ્યું કે ગાડીમાં અંશુમન અને પિયોની જ છે. ફાર્મ હાઉસની બહાર અંશુમને ગાડી ઊભી રાખી. બીજી બાજુ આવીને તેણે માન્યા તરફનો દરવાજો ખોલ્યો.

‘સો ધિસ ઈઝ માય વીકેન્ડ હોમ. કેવું લાગ્યું તને?' ‘બ્યુટીફુલ. ખરેખર બહુ જ સરસ જગ્યા છે.' અંશુમન આગળ વધ્યો અને પાછળ દોરાઈ. લોક ખોલીને અંશુમન અને માન્યા ઘરમાં દાખલ થયા. અંદર જતાની સાથે જ અંશુમનના મગજને એક ઝાટકો પહોંચ્યો અને તેને 3-4 મહિનાં પહેલાં માન્યા સાથે બનેલી ઘટનાં તેને યાદ આવી ગઈ. એ ઘટનાં બન્યા પછી તે પહેલીવાર અહીંયા આવ્યો હતો. ‘તારું ઘર ખરેખર બહુ જ સુંદર છે પણ હવે એ તો કહે કે મારી સરપ્રાઇઝ ક્યાં છે?' માન્યાનાં અવાજથી અંશુમનનાં વિચારો તૂટ્યા. ‘સરપ્રાઇઝ ટેરેસ પર છે. પહેલાં તું એક કામ કર. વોશરૂમમાં જઈને ફ્રેશ થઈ જા. હું ઉપર ટેરેસ પર જઉં છું. તું ફ્રેશ થઈને ઉપર આવી જજે.' એમ કહીને અંશુમને પિયોનીને ટેરેસ ઉપર જવાનો રસ્તો બતાવ્યો. પિયોની વોશરૂમમાં ફ્રેશ થવા ગઈ અને અંશુમન દાદરા ચઢીને ટેરેસ ઉપર ગયો. માન્યા તરત જ બહાર આવી અને તેણે પિયોનીને અંદર આવી જવાનો મેસેજ કરી દીધો. મેસેજ જોઈને પિયોનીએ ત્યાં જ એક્ટિવા મૂકી રાખ્યું અને દબાતાં પગલે તે ફાર્મ હાઉસમાં દાખલ થઈ. માન્યાએ પહેલેથી દરવાજો ખોલી જ રાખ્યો હતો. અંદર આવીને તે માન્યાને મળી અને માન્યાએ તેને ઉપર ટેરેસ પર જવાનો રસ્તો બતાવ્યો.

એક બાજુ રિયલ પિયોની દાદરા ચઢી રહી હતી અને બીજી બાજુ અંશુમન ફુલ તૈયારી સાથે દાદરા ચઢીને આવતી પિયોનીને પ્રપોઝ કરવા ઉંધો ફરીને હાથમાં રોઝ લઈને ઊભો હતો.

(શું થશે જ્યારે અંશુમન, માન્યા અને પિયોની ત્રણેય એકસાથે ભેગા થશે? શું અંશુમન સાથે માન્યા અને પિયોનીનો બદલો પૂરો થશે? શું માન્યાને તેની મંઝિલ મળી જશે? વાર્તાનું છેલ્લું મજેદાર ચેપ્ટર કેટલા ડ્રામા-તમાશાથી ભરેલું હશે જાણવાં માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama