માન્યાની મંઝિલ - 34
માન્યાની મંઝિલ - 34


પ્રેમ શું છે? એની ફીલિંગ કેવી હોય? તેની લાગણી અત્યાર સુધી ક્યારેય અંશુમને અનુભવી જ નહોતી. હા, તેના જીવનમાં અત્યાર સુધી કેટલીય છોકરીઓ આવીને ગઈ હતી પણ અત્યાર સુધી તેણે દરેક છોકરીને માત્ર ટાઇમપાસ તરીકે જ ટ્રીટ કરી હતી પણ આ બધી છોકરીઓમાં માન્યાની વાત અલગ હતી.
જે દિવસથી અંશુમનની લાઇફમાં પિયોની ઉર્ફ માન્યાએ એન્ટ્રી લીધી હતી ત્યારથી અંશુમનનાં સ્વભાવ, વર્તન, દૃષ્ટિકોણથી લઈને દરેક વાતમાં પરિવર્તન આવી ગયું હતું. કોઈપણ વાતને ગંભીરતાથી ના લેનારો આ છોકરો સિન્સિયર બની ગયો હતો. પ્રેમની લાગણી જ એવી હોય કે તમે જેને પ્રેમ કરતાં હોવ તે વ્યક્તિની આસપાસ કોઈ બીજાને જુઓ ત્યારે થતી એ ઈર્ષાની ફીલિંગ આજે અંશુમનને થઈ હતી અને આ બધું થયા પછી દિલમાંથી તેને એક અવાજ સંભળાયો હતો...‘ઈઝ ધિસ લવ અંશુમન?' અંશુમનને પણ નહોતું સમજાઈ રહ્યું કે તેની સાથે આ થઈ શું રહ્યું છે? ખાસ કરીને આ બનાવ બન્યા પછી તો અંશુમન પિયોની માટે વિચારવાં મજબૂર થઈ ગયો. પિયોનીને મળ્યો ત્યારથી લઈને અત્યાર સુધીનાં ફ્લેશબેકમાં તે જતો ગયો અને તેણે જોયું કે પિયોનીને પહેલી વાર જોયા બાદ પહેલીવાર તે કોઈ છોકરી તરફ આ રીતે આકર્ષાયો હતો, દરેક છોકરીની જેમ તેણે પિયોનીને ક્યારેય ખરાબ નજરથી જોઈ નહોતી, પિયોની માટે તે અચાનક કેરિંગ બની ગયો હતો, તેનાં કમ્ફર્ટ ઝોનનું ધ્યાન રાખવાં લાગ્યો હતો અને તેને જે ગમે તે કરવા માટે તે તત્પર રહેવા લાગ્યો હતો. સવાર પડે અને દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને પિયોની સાથે વાત કર્યા વગર ચાલતું નહોતું, પિયોનીની વાત આવે કે તેની દરેક વસ્તુને લઈને તે મનમાં પઝેસિવ થઈ જતો હતો અને આજે આ પઝેસિવનેસ આખી દુનિયા સામે આવી ગઈ હતી જ્યારે તેણે કોલેજ કેમ્પસમાં સામાન્ય વાત માટે એક છોકરાને લાફો મારી દીધો હતો.
પૂરી 15 મિનિટ સુધી ફાસ્ટ ફોર્વર્ડમાં ફ્લેશબેક જોયાં બાદ અંશુમન અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં આવી ગયો અને આખરે તેનાં દિલે પૂછેલો જવાબ તેને મળી ગયો...જોરથી ચિલ્લાઈને તે બોલ્યો, ‘યસ આઈ એમ ઈન લવ....અંશુમન ઈઝ ઈન લવ...' આ બોલતી વખતે અંશુમન એ પણ સુધબોધ ખોઈ બેઠો હતો કે તે અત્યારે ક્યાં છે અને કોની સાથે છે. અંશુમનની બાજુમાં તેનું આખું ગ્રુપ ટોળે વળીને બેઠું હતું. અંશુમનના આ રિએક્શનથી બધા ચોંકી ગયા. પરિમલે અંશુમનને પકડીને ઢંઢોળ્યો ત્યારે ‘બ્રો...ટુડે ઈઝ ધ બેસ્ટ ડે ઈન માય લાઇફ. આઈ એમ ઈન લવ...આઈ લવ પિયોની.' ઉત્સાહમાં આવીને બોલી પરિમલને ભેટી પડ્યો. અંશુમનનાં દિલની ખુશી તેનાં ચહેરા ઉપર છલકાઈ ગઈ અને અંશુમનનાં આ કન્ફેશનથી તેનું આખું ગ્રુપ ઉત્સાહમાં આવીને તેને ચિયરઅપ કરવા લાગ્યું. બધાંએ તો પિયોની ભાભી...પિયોની ભાભી કરીને અંશુમનને ચિડવવાનું પણ શરૂ કરી દીધું.
બીજી બાજૂ માન્યાનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેને ખબર નહોતી પડી રહી કે પેલા છોકરાનો વાંક શું હતો કે અંશુમને તેની ઉપર હાથ ઉપાડ્યો? આ ઘટનાં પછી તો માન્યાનાં દિલમાં અંશુમન માટેની નફરત વધી ગઈ. આ વાતને લઈને તે ક્યારેય અંશુમનને માફ કરવા તૈયાર ન હતી અને એટલે જ તે કોલેજ પત્યા પછી અંશુમનને મળવા પણ ના રોકાઈ અને સીધી ઘરે ચાલી ગઈ.
પિયોનીનાં આ વર્તનથી અંશુમનને અંદાજો આવી ગયો કે પિયોની તેની ઉપર કેટલી ગુસ્સે છે. ‘કોઈ બાત નહીં અપની રૂઠી હુઈ મહેબુબા કો અબ યે આશિક મનાયેગા.' અંશુમન અચાનક આશિક બનીને આશિકી કરવાનાં મૂડમાં આવી ગયો. પિયોનીનાં ગુસ્સા પર આજે તેને પ્રેમ આવી રહ્યો હતો. તેણે વિચારી લીધું કે ગમે તે થાય તે આજે ને આજે જ પિયોનીનો મૂડ ઠીક કરીને રહેશે. ઘરે પહોંચતા સુધીમાં અંશુમને પિયોની માટે એક સોરી કાર્ડ અને તેને આપવા માટે પહેલી ગિફ્ટ લઈ લીધી. ગિફ્ટમાં તેણે એક નાનું ટેડીબેઅર લીધું. જેને જોઈને અંશુમનને વિશ્વાસ હતો કે પિયોનીને ગુસ્સો પળવારમાં ઓગળી જશે.
ઘરે જઈને પહેલું કામ અંશુમને પિયોનીને મેસેજ કરવાનું કર્યું પણ સામે પિયોની તરફથી કોઈ રિપ્લાય ન આવ્યો. પિયોનીને મનાવવા અંશુમને બે..ચાર નહીં પૂરા 25 મેસેજ કરી નાંખ્યા પણ સામે માન્યા પણ અંશુમન સાથે વાત ના કરવા માટે અડગ રહી. પિયોની તરફથી કોઈ રિપ્લાય ના આવતાં અંશુમનનું દિલ બેચેન બની ગયું. તે કોઈ પણ ભોગે અત્યારે જ પિયોનીને મળવા માંગતો હતો પણ પિયોની કોઈ રિપ્લાય નહોતી કરતી તો મળવાની વાત તો બહુ દૂર હતી. આટલા સમયમાં અંશુમને પિયોનીનાં ઘરનાં પાક્કા એડ્રેસને પણ જાણવાની કોશિશ નહોતી કરી જેનો અત્યારે તેને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. બાકી અંશુમન એટલી ડેરિંગ ધરાવતો હતો કે જો તેની પાસે પિયોનીનાં ઘરનું પાક્કું એડ્રેસ હોત તો કોઈની પણ પરવાહ કર્યા વગર અત્યારે જ તેના ઘરે પહોંચી ગયો હોત. અચાનક માન્યાનાં મોબાઇલમાં પરિમલનો મેસેજ આવ્યો. ‘પિયોની અંશુમન તને મળવા આવતો હતો પણ તેનો એક્સીડન્ટ થયો છે. અમે અત્યારે તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તેની કન્ડિશન બહુ જ ક્રિટિકલ છે. તું પ્લીઝ જલ્દી આ હોસ્પિટલમાં આવી જા.' હોસ્પિટલના એડ્રેસ સાથે પરિમલે આ મેસેજ મોકલ્યો. એક્સિડન્ટનું નામ સાંભળતાની સાથે જ માન્યા કંઈપણ વિચાર્યા વગર ઘરમાં બહાનું બનાવીને એક્ટિવા લઈને હોસ્પિટલ જવા નીકળી. હોસ્પિટલનાં કેમ્પસમાં જ અંશુમન પિયોનીની રાહ જોઈ રહ્યો હતો. તેનાં દિલમાં એક અજીબ હલચલ ચાલી રહી હતી કારણ કે, તેનું દિલ કહી રહ્યું હતું કે જો પિયોનીને પણ તેના માટે ફીલિંગ્સ હશે તો તે ચોક્કસ આવશે અને જો નહીં આવે તો?? આ વિચાર સાથે અંશુમન ચિંતામાં આવી ગયો. આવશે કે નહીં આવે...આવશે કે નહીં આવે....હોસ્પિટલના કમ્પાઉન્ડનાં ગેટ પરથી અંશુમનની નજર હટી નહોતી રહી. દસ મિનિટ રહીને હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં માન્યા ઉર્ફ પિયોનીની એન્ટ્રી થઈ.
ગાડીમાં બેઠેલા અંશુમને પિયોનીને જોઈ અને હજી તો તે એક્ટિવા પાર્ક કરતી હતી કે તે તેની પાછળ આવીને ઊભો રહી ગયો. માન્યા જેવી પાછળ ફરી કે તે અંશુમન સાથે અથડાઈ અને અંશુમનને તેની સામે જોઈને તેની હાલત તો માનો કાપો લોહી ના નીકળે તેવી થઈ ગઈ. માન્યાને ખબર પડી ગઈ કે આ એક પ્લાન હતો. અંશુમનની આવી હરકત જોઈને તેને વધારે ગુસ્સો આવ્યો. કંઈ પણ બોલ્યા વગર ગુસ્સામાં આવીને તેણે એક્ટિવામાં ચાવી ભરાઈ. અંશુમને તરત ચાવી કાઢી લીધી અને તેની સામે બે કાન પકડી લીધાં. માન્યા હજી પણ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી. અંશુમને તેને શાંત પાડવાં માટે સોરી કાર્ડ આપ્યું અને તેને રોકવાં માટે જાતજાતના નખરાં કરવા લાગ્યો. અંશુમનનું આ વર્તન જોઈને તે થોડી શાંત પડી અને મોકાનો લાભ ઉઠાવીને અંશુમને ધીમે રહીને છુપાવી રાખેલું ટેડીબેઅર બહાર કાઢ્યું અને પિયોની સામે ધરી દીધું. ટેડીબેઅર જોઈને માન્યાનાં ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ અને તેણે હસતા મોઢે અંશુમનને માફ કરી દીધો. ‘થેન્ક ગોડ, તારો ગુસ્સો જોઈને મને તો લાગ્યું હતું કે આજે તો તું મારું ખૂન જ કરી નાંખીશ.' અંશુમનની મસ્તીથી માન્યા નોર્મલ મૂડમાં આવી ગઈ.
‘શું મારી આ ભૂલ માફ કરવાં બદલ મારી બેસ્ટ ફ્રેન્ડને હું એક આઈસ્ક્રિમ ટ્રીટ આપી શકું?' અંશુમન તેની ડેટને આઈસ્ક્રિમ ડેટ પર લઈ જવાં માંગતો હતો. માન્યાનું મગજ તો ના કહી રહ્યું હતું પણ તેના દિલમાંથી અવાજ આવ્યો અને માન્યાથી બોલી પડાયું યસ, લેટ્સ ગો....
(શું માન્યા પણ અંશુમન તરફ ખેંચાઈ રહી છે? શું નફરત ભૂલીને માન્યા પણ અંશુમનને પ્રેમ કરવા લાગશે? બદલો લેવાં માંગતી માન્યા અંશુમનનાં પ્રેમમાં પડી તો તેની મંઝિલ સુધી કેવી રીતે પહોંચશે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)