લોકોને પોતાના કરી લેવાની રીત
લોકોને પોતાના કરી લેવાની રીત


શ્વેતા સદાય મલકતી જ જોવા મળે. કોઈ પણ દુઃખ એને ડગાવી શકતું નહીં. એ કાયમ માટે હસતી રહેતી અને બીજાને હસતાં રાખતી. પરમનો સ્વભાવ એનાથી એકદમ વિરુદ્ધ. એને જીવન સામે, લોકો સામે, બધી જ વસ્તુઓ સામે, ઘટનાઓ સામે ફરિયાદ રહ્યા કરતી હતી.
બંને પતિ-પત્ની હોવા છતાં અલગ-અલગ બે દિશાના છેડાઓ હતાં. પરમના મા-બાપ પણ પરમ સાથે રહેવા રાજી નહોતાં. એ તો શ્વેતાના સાલસ સ્વભાવના કારણે જ ઘરમાં ટક્યા હતાં.
શ્વેતા હંમેશા લોકોને પોતાના બનાવી લેતી અને પરમ પોતાનાને પણ ગુમાવી દેતો.
આજે ઘરે આવીને પરમે શ્વેતાને અવાજ માર્યો. કોઈ પ્રતિસાદ ન મળતાં તેની બડબડ શરૂ થઈ ગઈ. " કોઈને ઘરની પડી નથી. એક પતિ થાકીને આવે તો બે મિનિટ ઘરે રહીએ એમ પણ નહીં. હવે મારે આ પૈસા ક્યાં મુકવા? બધું પોતાનાં હાથમાં રાખીને બેઠી છે. મને કંઈ જણાવતી જ નથી. એને સારા થવા સિવાય કોઈ કામ જ નથી." શ્વેતા બજારમાંથી આવી. ઘર આખુંયે વેર-વિખેર પડેલું જોઈને એ તરત જ પરિસ્થિતિનો તાગ પામી ગઈ. તે ફટાફટ બધું ઠેકાણે પાડવા લાગી. ત્યાં જ પરમ ઉપરના માળેથી આવ્યો. શ્વેતાએ એક જબરદસ્ત સ્માઈલ આપી. પરમને વધુ ગુસ્સો આવ્યો. " આવી ગયા મહારાણી ફરીને અને ગામની ચોવટ કરીને?", પરમ સીધો જ તાડુક્યો. " હા , તું રાજા છો તો હું તો રાણી હોઉં જ ને. ચાલ તને મસ્ત ચા બનાવી દઉં એટલે તારો બધો ગુસ્સો ઊતરી જાય",હસતાં-હસતાં શ્વેતા બોલી. પરમ રાડો પાડતો રહ્યો.
પરમના મમ્મી સરલાબેન આજે રહી ના શક્યા. તેઓ બહાર આવ્યાં. પરમની સામે કરડાકીભરી નજરે જોયું. " તને એમ કે તને જ રાડો પાડતા આવડે છે. તારાથી અમારા બધાના અવાજ મોટા થઈ શકે અને મારો અને તારા પપ્પાનો તો હક છે તને ખિજાઈ શકવાનો. કોઈ બોલતું નથી એનું કારણ માત્ર શ્વેતા છે. બીજી કોઈ હોય તો ક્યારનીયે ઘર છોડીને જતી રહી હોય. અમે તારા માવતર છીએ તો પણ તારાથી કંટાળી ગયા છીએ. તને ખબર જ છે કે તારે આજે કાજુ-પનીર ખાવું હતું તો એ બધી વસ્તુઓ લેવા ગઈ હતી. તને ખબર છે કે તારા આ બેજવાબદાર વર્તનના કારણે જ હજુ શ્વેતા મા બની નથી. એણે જે કહ્યું ને કે એનામાં જ ખોટ છે, હકીકતમાં તો....." શ્વેતાએ દોડીને સરલાબેનના મોઢે હાથ રાખી દીધો. " મમ્મી, પ્લીઝ." સરલાબેન રડતાં-રડતાં અંદર જતાં રહ્યાં. પરમ અવાક બનીને શ્વેતા સામે જોઈ રહ્યો અને તેને બાથમાં લઈને ચોધાર આંસુએ રડી પડ્યો.
" શ્વેતા, લોકોને પોતાનાં બનવવાની રીત મને શીખવીશ", પરમે સજળ નેત્રે પૂછ્યું. " તારા હોઠને મૂળ અવસ્થામાંથી માત્ર અર્ધો ઇંચ વિસ્તારે એટલું જ પૂરતું છે",બોલતાં શ્વેતા રડતાં-રડતાં હસી પડી. પરમના હોઠ ખસ્યા અને સ્મિતમાં પરિણમ્યા.