લજ્જા
લજ્જા
ના, આ સ્થિતિ હજી વ્યવસ્થિત ન હતી. મને ના પાડી. નવો નવો અનુભવ હતો. હજુ ઘણું બધું શીખવાનું હતું. યુ ટ્યુબ ઉપર નિહાળેલ માર્ગદર્શન માટેનો વિડીયો મગજમાં ફરી ઉત્તરોત્તર ચાલવા લાગ્યો. હાથને કોણી તરફથી હજી ઉપરની દિશામાં ઉઠાવ્યો. કમરને વધુ ટટ્ટાર કરી. હા, આ સ્થિતિ આદર્શ હતી. મનમાંથી સહમતી મળી. ચહેરા ઉપર સંતોષ છવાયો. પોતાના વિશ્વમાં વ્યસ્ત એની આંખો વર્તમાન પરિસ્થિતિથી અવગત થઈ બસમાં નવા ચઢી રહેલા મુસાફરો ઉપર આવી પડી.
સ્ત્રી, પુરુષ, યુવાનો....
એ દરેકેદરેક નજર બસનાં પાછળનાં ભાગ તરફ આગળ વધતા એને વેધક દ્રષ્ટિથી વીંધી રહી.
કોઈ મોટું પાપ કરી નાખ્યું હોવાનો સંદેશો એ દરેક ફાટી આંખો એને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના આપી ગઈ. તંદ્રા તૂટી. છોભીલા હાવભાવોથી નજર નીચે ઢળી ગઈ. તરતજ ઓઢણી વડે એણે પોતાની અર્ધ ઉઘાડી છાતી ઢાંકી નાખી.
થોડા સમય પછી બસ પૂર ઝડપે હાઇવે ઉપર આગળ વધી રહી હતી. અતિ લાંબી મુસાફરી દરમ્યાન મુસાફરોનો રસ જાળવી રાખવા બસમાં સજ્જ કરાયેલ ટીવીના પરદા ઉપર સ્ત્રી, પુરુષ, યુવાનોની નજર રસપૂર્વક જડાયેલી હતી. એણે ધીમે રહી દ્રષ્ટિ ચારે દિશામાં ફેરવી. કોઈ પણ નજરમાં એને એ ઘૃણાનાં દર્શન ન થયા જે થોડા સમય પહેલા પોતાને વીંધી રહેલી નજરોમાં થયા હતા. અચરજ વડે એની નજર ટીવીનાં પરદાને તાકી રહી. દેશનાં લોકો વચ્ચે અતિ પ્રખ્યાત થયેલા એ ગીતનાં શબ્દો ઉપર નૃત્ય કરી રહેલી નૃત્યાંગનાની અર્ધ ખુલ્લી છાતી ગર્વ સભર પરદા ઉપર હાલક ડોલક કરી રહી હતી.
ગોદમાં પોતાનું બે મહિનાનું બાળક સ્તનપાન લઈ ગાઢ નિંદ્રામાં પોઢી ચૂક્યું હતું.
