Ishita Raithatha

Horror Action Thriller

4.8  

Ishita Raithatha

Horror Action Thriller

લગ્ન થઈ ગયા, પણ વિદાય ?

લગ્ન થઈ ગયા, પણ વિદાય ?

14 mins
361


  ( જિંદગી ઘણા ઉતાર - ચડાવથી ભરેલી છે. બધાને પોતાના જીવન દરમ્યાન ઘણા પાત્રો ભજવવાના હોય છે. પ્રેમ, મુશ્કેલી, હતાશા, નિરાશા, ખોટ, ખુશી, લાગણી, જેવું આખા જીવન કાળ દરમ્યાન અનુભવવું પડે છે. ભગવાન આપણા જીવનકાળમાં ઘણા સારા, તો ઘણા ખરાબ અનુભવ પણ કરાવે છે, જેમાંથી શીખ મેળવીને આપણે આગળ વધવું જોઈએ, નહીંકે નિરાશ થવું જોઈએ. બધાના જીવનમાં સારા પ્રસંગો માનો એક પ્રસંગ છે લગ્ન. હા, લગ્ન એ એક પવિત્રબંધન છે. બે પ્રેમીઓને ભેગા કરતો સંબંધ છે.

      પરંતુ આજ - કાલ આ પવિત્રબંધનને પણ લોકોએ ધંધો બનાવી દીધો છે. કોઈ લોકો દહેજ લે છે તો કોઈ લોકો દગો પણ કરે છે. આવા લોકોની વચ્ચે ઘણા સારા લોકો પણ હજુ દુનિયામાં છે. 

      અહીં આપણે કંઈક એવાજ સારા લોકો અને કંઈક અલગજ લગ્નની, આ પવિત્ર સંબંધમાં બંધાયા પછી પોતાના જીવનસાથી માટે કંઈક કરવાની ભાવના, એકબીજાથી દૂર રહીને પણ એકબીજાના જ વિચાર કરવા, આવા લોકોની વાત કરવાના છીએ. અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.)

          લગ્ન થઈ ગયા, પણ વિદાય?

        શાલિની પોતાની નોકરીમાંથી રજા લઈને ઘરે આવતી હતી, તેની સાથે તેની એક ફ્રેન્ડ પણ આવી હતી, પૂજા. શાલિની ગુજરાત રાજ્યના તાલાળા ગામડામાં રહેતા પ્રવીણભાઈની દીકરી હતી, પ્રવીણભાઈને કેરીના બગીચા હતા. પૂજા બરોડા રહેતી હતી, ક્યારેય પણ ગામડે આવી નહોતી, માટે બહુ ખુશ હતી. બંને ફ્રેન્ડ વાતો કરતા કરતા ઘર પાસે પહોંચી અને જોવે છે તો આખું ઘર અને આજુબાજુના બધા બગીચા બધું ખૂબ સુંદર સજાવેલું હતું.

         પૂજા આ બઘું જોઈને ખૂબ ખુશ થઈ, શાલિની પણ ખુશ થાય છે, એ સમજી ગઈ હતી કે આ બધી તૈયારી એના લગ્નની છે. શાલિની અને પૂજા અંદર આવ્યા. શાલિનીના દાદા એ તરત બધાને બોલાવ્યા, ઘરના બધા લોકો તરત આવી ગયા અને શાલિની અને પૂજાનું ફૂલોથી સ્વાગત કર્યું.

         શાલિનીના દાદા, શામજીભાઈ એ તરત શાલિનીને પોતાની પાસે બોલાવી અને તેના માથે હાથ મૂકીને કીધું કે બેટા હું શરત જીતી ગયો અને તું હારી ગઈ, હું સાચો જ હતો કે, દીકરી એ ઘર સંભાળવું જોઈએ, પણ તું અને તારી મમ્મી આ મનીષા બંને એ જીદ કરી અને તું ભણવા ગઈ, છેલ્લા પાંચ વર્ષથી તું નાપાસ થાય છે, માટે આપણી શરત મુજબ મે તારા લગ્ન મારી પસંદના છોકરા સાથે નક્કી કર્યા છે. તારા પપ્પાના મિત્ર ભરતભાઈનો દીકરો છે રાજ તેની સાથે કર્યા છે.

       પૂજાને કંઈ સમજાતું નહોતું કે, આ બધું શું ચાલે છે ? પૂજા કોઈને કંઈ કહે તે પહેલા શાલિની તેને ચૂપ રહેવા કહે છે. પ્રવીણભાઈ, શાલિનીના પિતા શાલિનીને એક કવર આપે છે અને કહે છે કે બેટા તારા લગ્ન જેની સાથે થવાના છે તેનો ફોટો અને તેની બધી વિગત આ કવરમાં છે, બેટા જોઈ લેજે, અને હા, જલ્દીથી ફ્રેશ થઈજા, કાલે તારી મહેંદી છે. 

        શાલિની બધાને મળીને અંદર જાય છે, પૂજા પણ તેની પાછળ પાછળ અંદર જાય છે, પૂજાના મનમાં ઘણા સવાલ હતા પણ શાલિનીની આજુબાજુ કોઈ ને કોઈ હોય છે માટે તે કંઈ પૂછી નથી શકતી. બધા ખુશ હોય છે, શાલિની પણ ખુશ હોય છે, તે તેને આપેલું કવર બંધ જ મૂકી દે છે. પૂજા તેને કહે પણ છે કે, એક વાર જોઈતો લે, શાલિની ના પાડે છે, કહે છે કે મારા દાદા એ મારા માટે દુનિયાનો સારામાં સારો વર ગોત્યો હશે, મને વિશ્વાસ છે.

         ઘરે બધા ખૂબ ખુશ હતા અને શાલિની પણ ખુશ હતી, પૂજાને આ બધું થોડું અજુગતું લાગ્યું, પણ આખી વાત જાણે તો પણ કોની પાસેથી જાણે ? માટે તે પણ ચૂપચાપ બધું જોવા લાગી. એક પછી એક લગ્નની વિધિ થવા લાગી, બધું સારી રીતે થવા લાગ્યું, અને લગ્નનો દિવસ આવ્યો, જાન આવી, જાનને પોંખવામાં આવી, લગ્નની વિધિ પણ શરૂ થઈ ગઈ, શાલિની એ હજુ સુધી રાજ ને જોયો નહતો, અને રાજ એ પણ શાલિની ને જોઈ નહોતી, આ સમયમાં આવી વાત થોડી નવી લાગે પણ હા સાચે બંને એ એકબીજાને જોયા નહોતા, અને લગ્નમાં પણ શાલિની એ ઘૂંઘટ રાખ્યો હતો માટે બંને એ ત્યારે પણ એક બીજાને જોયા નહોતા.

        વિદાયનો સમય આવ્યો, ત્યારે મનીષાબેન એ રાજ ને અંદર બોલાવ્યો, કહ્યું કે થોડું કામ છે, રાજ અંદર જાય છે, ત્યાં મનીષાબેન તેને એક પત્ર આપે છે, અને કહે છે કે મારી દીકરી એ આ પત્ર તમને આપવા કહ્યું છે, એ આ લગ્નથી ખૂબ ખુશ છે પરંતુ એને એક જરૂરી કામ છે, માટે અત્યારે તેને જાવું પડ્યું, તો તમે આ સમય સાચવી લેજો. આટલું કહીને બંને હાથ જોડીને મનીષાબેન જતા રહે છે.

           રાજ એ પત્ર વાંચે છે, તેમાં લખ્યું હતું કે, પ્રિય રાજ, મને ખાલી તમારું નામ ખબર છે, એના સિવાય હું તમારા વિષે કંઈ નથી જાણતી, પણ હા એટલી ખબર છે કે તમે મારી મજબૂરી સમજશો કે અત્યારે આટલા જરૂરી સમયે હું શા માટે તમારી સાથે જવાને બદલે એકલી જતી રહી હોઇશ. એવું નથી કે મને કોઈ બીજું ગમે છે, કે હું આ લગ્નથી ખુશ નથી, પણ મારે આના સિવાય પણ એક જવાબદારી છે, જે મારે પહેલા પૂરી કરવી પડે એમ છે. હું અમદાવાદ ની એસ.ઈ.પી. છું, મારે એક જરૂરી કામથી જવાનું છે, અને અમે અમારા કામની વાત કોઈને પણ ના કહીએ, પણ હા હું તમને વચન આપુ છું કે સાત દિવસ પછી દિવાળી છે ત્યારે હું ઘરે આવી જઈશ અને આપણા દેશને પણ બચાવી લઈશ.

          અને આશા રાખું છું, કે તમે મારા ઘરે મારા દાદાને આ વાતની જાણ નહીં થવા દો, કેમ કે દાદા એ મને ભણવાની હા પાડી પરંતુ નોકરી કરવાની ના પાડી હતી માટે હું એમજ કહેતી કે હું નાપાસ થઈ છું, હજી એક વાર ટ્રાય કરવા દેજો ને, એમ કરીને હું આજે અહીં પહોંચી છું, હું આવીને બધું દાદાને કહી દઈશ, મારા મમ્મીને પણ આ વાતની ખબર છે પણ તે ઘરના વડીલો પાસે કંઈ બોલી નહિ શકે, માટે અત્યારે તમે સમભાળી લેજો. તમારી શાલિની.

          આ પત્ર મૂકીને શાલિની તરત નીકળી ગઈ હતી અને પોરબંદર પહોંચી ગઈ હતી, ત્યાં તેને સી.એમ. સાહેબના સેક્રેટરી અનુજભાઈ મળ્યા અને જણાવ્યું કે, આપણા બે જાસૂસ પાકિસ્તાનથી દરિયામાં થઈને અહીં પોરબંદર આવવાના હતા, એ લોકો પાસે ખૂબ મહત્વની માહિતી હતી, પાકિસ્તાનમાં અલિહશન નું આતંકી સંગઠન છે, એ લોકોએ દિવાળીની રાત્રે કંઈક મોટો પ્લાન કર્યો છે જેની જાણ આ બે જાસૂસને છે, પરંતુ એ લોકોની બોટ દરિયામાં ગાયબ થઈ ગઈ છે. અને એ લોકોનો કંઈ કોન્ટેક્ટ પણ નથી થતો.

         એ લોકોનું મળવું ખૂબ જરૂરી છે, આ કામ માટે મને તું યોગ્ય લાગી, અને મને આશા પણ છે કે તું એ લોકોને દિવાળી પેલા ગોતી લઈશ. શાલિની એ તરત સેલ્યુટ કરીને યસ સર કીધું. અને અનુજભાઈ એ તેને કહ્યું કે કાલે સવારે આઠ વાગે તારી ટીમ સાથે તું તારા મીશન પર નીકળી જાજે.

         શાલિની આ બધી વાત વિચારતા વિચારતા બહાર નીકળતી હોય છે ત્યાંતો એને એક જુવાન છોકરો મળે છે, તે ખૂબ થાકેલો હોય છે, તેના કપડા પણ ખૂબ જૂના હોય છે, તેને જોઈને તે ડરી જાય છે, પણ તે છોકરો કહે છે કે, તું આ હોકાયંત્ર રાખ જે તને દરિયામાં સાચો રસ્તો દેખાડશે, અને તું જે કામ માટે જાય છે એ કામ તારું દિવાળીની આગળની રાત્રે પૂરું થશે, તું ડરતી નહીં, હિંમત રાખજે, કેમ કે આ કામ તારે જ કરવાનું છે, સો વર્ષ પેલા મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, તેના લીધે આ બધું અત્યારે થાય છે. આ બોક્સ રાખ પણ હા આને તું તે રાત્રે જ ખોલજે, એની પહેલા ખોલીશ તો ખૂબ મોટું નુકશાન થશે.

         શાલિની એ બોક્સને જોઈને વિચારતી હતી કે, આ બધું શું છે? આ છોકરો કોણ છે? એટલામાં તો એ છોકરો ત્યાંથી ગાયબ થઈ જાય છે. શાલિની ડરી જાય છે, તે તરત હોટલ પર જાય છે, ત્યાં રૂમમાં જાય છે, ખૂબ ડરેલી હોય છે, ત્યાં રૂમમાં આચનક લાઈટ પણ જતી રહે છે ને શાલિની ખૂબ ડરેલી હોય છે માટે જોરજોરથી રાડો પાડીને વેઈટેર ને બોલાવે છે, વેઈટેર આવે છે ત્યારે તરત લાઈટ પણ આવી જાય છે. 

          વેઈટેર પાછો જતો રહે છે, શાલિની ડરતા ડરતા રૂમનો દરવાજો બંધ કરીને અંદર આવે છે અને શાંતિથી બેસે છે, ત્યાં અચાનક કોઈ બોલે છે કે, તું પાછી જતી રેજે, નહીંતર તું પણ નહીં બચે. શાલિની જોવે છે તો બારી પાસે પેલો વેઈટેર ઊભો હોય છે, પણ તેને જોઈને શાલિની ધ્રુજવા લાગે છે, કેમ કે, તે એકજ જગા એ ઊભો હોય છે પણ તેનું મોઢું ગોળગોળ ફરતું હોય છે. શાલિની હિંમત ભેગી કરીને રૂમની બહાર જતી રહે છે.

           શાલિની જેવી બહાર જાય છે કે તેની સાથે બોટ પર જાવ માટેના સાથી ત્યાં પહોંચી જાય છે, તે ત્રણ જણા હોય છે, રાજીવ(એન્જિનિયર), રોહિત(ઈન્સ્પેક્ટર), ઋષિ(નેવી ઓફિસર) તે લોકો શાલિનીને કંઈ કહે તે પહેલાંજ શાલિની બેભાન થઈ જાય છે, તે લોકો તરત તેને રૂમમાં લઈ જાય છે, અને ત્યાં રાજીવ તેનું ધ્યાન રાખે છે ને રોહિત અને ઋષિ ડોક્ટરને બોલાવે છે. ડૉક્ટર આવીને શાલિની ને ચેક કરે છે અને કહે છે કે, થોડું બી.પી. લો થઈ ગયું છે, હું એક ઈન્જેક્શન આપી દવ છું, થોડીવાર માં સરખું થઈ જશે. સવાર પડતાં શાલિની ભાનમાં આવી જાય છે.

            શાલિની પોતાની ટીમના લોકોને બધી વાત કરે છે, તે લોકો વિશ્વાસ નથી કરતા કે તમે એ.સી.પી. છો અને આવી બધી વાતો કરો છો? શાલિની કહે છે કે કંઈ વાંધો નહિ, આપણે આપણા મીશન પર જઈએ, બધા રેડી થઈ જાય છે અને નીકળે છે, શાલિની રાજીવને પૂછે છે કે તમે એન્જિનિયર છો, તો આ મીશન પર કેમ? રાજીવ કહે છે કે આ બોટ મારી છે, અને તમને તમારા મીશનમાં કંઈ તકલીફ ના થાય અને આ દરિયામાં તમે ક્યાંય ભૂલા ના પડો માટે હું તમારી સાથે જ છું.

           શાલિની બોટમાં અંદર જઈને આનુજભાઈ એ આપેલું કવર ખોલીને બધાને પ્લાન શું છે તેની વાત કરતી હતી, તો તે કવરમાંથી બે ફોટો નીકળે છે, જે જશુશ ને ગોતવા માટે નીકળ્યા હોય છે તેના ફોટો અને નામ હોય છે, તે જોઈને શાલિની તરત બોલે છે કે આ વિજય નામનો છોકરો જ મને એક બોક્સ આપી ગયો હતો. પણ આ કેવીરીતે પોસીબલ થાય? રોહિત કહે છે કે, કોઈ આપણું ધ્યાન ભટકવા માંગતા હોય તેવું લાગે છે, જેથી આપણે આ વિજય અને વીર, એ બંનેને ગોતી ના શકીએ અને દિવાળીની રાત્રે આખું દેશ હેરાન થાય.

          બધા વિચારતા હોય છે, ત્યાં અચાનક બોટ બંધ થઈ ગઈ, રાજીવ તરત બધું ચેક કરે છે પણ બધું બરાબર હોય છે, છતાંપણ બોટ શરૂ નથી થતી. એટલામાં અચાનક સામેથી મોટી શાર્ક માછલી જેવી માછલી કે પછી દરિયાઈ રાક્ષસ દરિયામાંથી નીકળે છે અને બોટને ઊંઘીવાળી દે છે, અને બધા દરિયામાં પાડી જાય છે. બધા એકબીજાની મદદથી દરિયામાંથી બહાર નીકળે છેને જોવે છે તો બોટ તો સિધ્ધિ હતી અને ચાલુ પણ હતી, અને તે રાક્ષસ પણ ત્યાં નહોતો, બધા ખૂબ ડરી ગયા હોય છે, જલ્દીથી બોટ પર ચડીને બધા હિંમત કરીને આગળ વધે છે.

         રાત થઈ જાય છે, પણ વિજય અને વિરની બોટ મળતી નથી, ઋષિ બોટ ચલાવતો હોય છે ને, રોહિત સૂઈ ગયો હોય છે, પણ શાલિની તો બેઠા બેઠા દરિયાને જ જોતી હોય છે ને વિચારતી હોય ત્યાં રાજીવ તેના માટે ગરમ ગરમ કોફી લઈને આવે છે, અને શાલિનીની બાજુમાં બેસે છે, ત્યારે શાલિની કહે છે કે, તમને જયારે પણ જોવ ત્યારે એમજ લાગે કે આપણે પહેલા મળી ચૂક્યા છીએ, પણ યાદ નથી આવતું, એવું લાગે કે જાણે, એટલું બોલીને ચૂપ થઈ જાય છે, તો રાજીવ તરત પૂછે છે કે, શું લાગે ? પણ શાલિની કંઈ જવાબ નથી આપતી અને વિચારોમાં ખોવાઈ જાય છે.

          રાજીવ પૂછે છે કે, તમારા હાથમાં મહેંદી છે, લાગે છે કે તમારા લગ્ન હમણાં થોડા સમય પહેલા જ થયાં હોવા જોઈએ, શાલિની તરત જવાબ આપે છે, હા, મારા લગ્ન ગઈ કાલે જ થાય છે, બધી છોકરીઓ લગ્ન પછી સાસરે જાય છે અને હું અહીં છું. રાજીવ કહે છે, શું વાત છે ! મારા લગ્ન પણ ગઈ કાલે જ હતા. શાલિની કહે છે, મસ્તી ના કર, અત્યારે મારે ઘણું કામ છે.

           એ લોકો રોજ સવારથી સાંજ દરિયામાં અલગ અલગ દિશામાં વિજય અને વિરને ગોતવા નીકળે છે, પણ અસફળ રહે છે, દિવાળીને એકજ દિવસની વાર હોય છે, શાલિનીને વહેલી સવારે ચાર વાગે નીંદર ઊડી જાય છે, અચાનક તેના રૂમની બારીમાં બહારની બાજુ કોઈ ઊભુ હોય તેવું લાગે છે, શાલિની ઊભી થઈને ત્યાં જઈને બારી ખોલે છે તો ત્યાં કોઈ નથી હોતું, તે તરત બારી બંધ કરીદે છે, અને અંદર આવે છેને જોવે છે તો તેના બેડ પર એક ખૂબ જૂનું અને ધૂળવાળું એક બોક્સ હોય છે.

            શાલિની તરત તે બોક્સ ખોલે છે ને ખૂબ શોક થઈ જાય છે. શાલિની ત્યારેજ રોહિત, ઋષિ અને રાજીવને બોલાવે છે, તે લોકો તરત શાલીનીના રૂમમાં આવે છેને જોવે છે તો તે પણ શોક થઈ જાય છે, તેમાં એક દરિયાનો નકશો હતો, એટલામાં રૂમની લાઈટ બંધ થઈ જાય છેને ત્યાં રૂમમાં ખુરશી ઉપર કોઈ બેઠું હોય તેવું બધાને લાગે છે, રાજીવ તેની નજીક જાય છે, કે તરત અવાજ આવે છે, નજીક નહીં આવતા, તમારી પાસે જે હોકાયંત્ર છે તે હોકાયંત્ર લઈને આજે દરિયામાં જશો તો સાચો રસ્તો પણ મળશે અને નકશા મુજબ આગળ વધશોતો તમારી મંજિલ સુધી પહોંચી જશો.

            તરત લાઈટ પણ આવી જાય છેને, ત્યાં ખુરશી પર પણ કોઈ બેઠું નહોતું. એ લોકો જરાપણ સમય બગાડ્યા વિના તરત નીકળી જાય છે, દરિયામાં અચાનક તોફાન આવે છે ને મોજા બહુ ઊંચાઊંચા ઉછાળે છેને શાલીનીની બોટ અલગ દિશામાં જતી રહે છે, પણ હોકાયંત્રની મદદથી તે લોકો પાછા સાચી દિશામાં આગળ વધવા લાગ્યા.

            નકશામાં દર્શાવ્યા મુજબ તે જગ્યાએ પહોંચતા એ લોકોને સાંજ થઈ જાય છે, છતાં પણ કોઈ હિંમત નથી હરતું. સાંજનો સમય હોવાથી અંધારું પણ થવા લાગ્યું હતું, અને અચાનક પાછા દરિયામાં બહુ ઊંચાઊંચા મોજા ઉછળવા લાગ્યા, ઠંડીના સમયમાં વરસાદ વરસવા લાગ્યો, ઋષિ બોટ ચલાવતો હોય છે, પણ ત્યાં અચાનક બોટ સાથે કંઈ જોરથી ભટકાયું અને બોટનું બલેન્સ ના રહેવાના કારણે બધા દરિયામાં પડી જાય છે.

          એકબીજાની મદદથી બધા બોટ પર ચડી જાય છે, અને જોવે છે તો ત્યાં બાજુમાં જ એક બોટ હોય છે, એ બધા તે બોટ પર જાય છેને જોવે છે તો ત્યાં વિજય હોય છે પણ તેને ખુરશી સાથે બાંધેલો હોય છે ને તે ખૂબ ઘાયલ હોય છે, ને વીરને બધા ગોતે છે ત્યારે વિજય કહે છે કે, પ્લીઝ તેને ના ગોતો, તમે લોકો અહીંથી જતા રહો, નહીંતર અંજુ તમને પણ મારી નાખશે.

          અંજુ? હા, અંજુ. વિજય કંઈ વાત કરે તે પહેલાં ત્યાં વીર આવે છે, વિરનું આખું શરીર માછલીના શરીર જેવુું થઈ ગયું હતું. બધા તેને જોયને તો ખૂબ ડરી જાય છે પણ હિંમત ભેગી કરીને શાલિની સવ પ્રથમ મળેલું બોક્સ ખોલે છે તો તેમાં એક ખૂબ જૂનું મંગલસુત્ર હોય છેને ઘણી બધી ધૂળ હોય છે. એટલામાં વીર બધાને મારે છે ને કહે છે કે હું સો વર્ષથી આ દિવસની રાહ જોતી હતી, અને આજે એ દિવસ આવી ગયો છે, હું તમને કોઈને પણ વિજય ને લઈ જવા નહીં દવ.

            શાલિની કહેછે કે, આજે અમે વિજયને અહીંથી છોડાવીને લઈ જશું. અંજુને ખૂબ ગુસ્સો આવે છે, તે કહે છે કે, તારા લગ્ન પણ હમણાજ થાય છેને તો તારે તો મારી વાત સમજવી જ જોઈએ, આજથી સો વર્ષ પહેલાં મારા પણ લગ્ન થયા હતા, પણ વિદાયના થઈ. આ વિજય, તેના પાછલા જન્મમાં અંગ્રજ ઓફિસર હતો અને મારા લગ્નના દિવસે ગામના લોકોને કર ભરવા માટે બહુ હેરાન કરતો હતો, ત્યારે મારા પતિએ તેનો વિરોધ કર્યો તો તેને મારા પતિને મારી નાખ્યો.

            મને પણ બંદી બનાવીને દરિયામાં લઈ ગયો અને અચાનક એક બહુ મોટી વિશાળકાય માછલીના આવવાથી તે ડરી ગયો અને તેણે મને તે માછલીની સામે નાખી દીધી ત્યારે મારું મંગળસૂત્ર તેના હાથમાં જ રહી ગયું હતું. ત્યારથી મારી આત્મા બદલો લેવા માટે અહીં દરિયામાં જ ભટકે છે, વિજય જ્યાં સુધી દરિયામાં નહોતો આવ્યો ત્યાં સુધી સુરક્ષિત હતો, પણ આજે હું મારો બદલો પૂરો કરીશ. આટલું બોલતાની સાથેજ અચાનક દરિયામાં વમળ શરૂ થઈ જાય છે, વીરના શરીરમાં અંજુ હોયછે તેનું શરીર વધવા લાગે છે.

           આ બધું જોઈને કોઈને કંઈ સમજાતું નથી કે શું કરવું? ત્યાં રાજીવ, શાલિનીને ઈશારો કરે છે કે બોક્સ ખોલ, શાલિની તરત બોક્સ ખોલે છેને રાજીવ વીરને જોરથી પકડે છે ને તેના કાન માં જોરજોર થી હનુમાનજી નો શ્લોક બોલે છે, રોહિત વિજયને સંભાળે છે ને ઋષિ બોટને વમળ થી દુર લઈ જવાની ટ્રાય કરે છે.

          સાંજનો સમય હતો, રાજીવ જોરજોર થી શ્લોક બોલતો હતો, અને તેને લીધે અંજુની આત્મા ખૂબ તડપતી હતી. ત્યારે જ શાલિની એ તરત તે બોક્સ માં રહેલું મંગળસુત્ર તેના પર નાખ્યું અને તેમાં રહેલી ધૂળ પણ તેના ઉપર ઉડાડી કેમ કે અંજુ ની આત્મા જમીન પર આવી નહોતી શકતી માટે તેના પર જેવી ધૂળ પડી કે તરત તે વીરના શરીરમાંથી બહાર નીકળી ગઈ અને તરત શાલિની વિજયના પગ પર છરી મારી તેનું લોહી અંજુ ની આત્મા પર ઉડાડે છે ને તરત અંજુ જોરજોરથી રાડો પાડીને બહુ મોટી થવા લાગી, દરિયો પણ જાણે ગાંડો થયો હોય તેવા મોજા ઉછળવા લાગ્યા હતા.

            બધા સાથે મળીને ખૂબ જોરજોરથી હનુમાનજી ના શ્લોક બોલવા લાગ્યા,અને તરતજ અંજૂની આત્મા આકાશ તરફ જતી રહી અને વિજય અને વીર પણ અંજુની આત્માથી બચી જાય છે, અંજુ એ વિજયને બાંધી રાખ્યો હતો અને તેની આત્માને પણ પોતાના વશમાં કરી રાખી હતી, માટે વિજયનું શરીર બોટ પર હોવા છતાં પણ તેની આત્મા શાલિની પાસે મદદ માગવા ગઈ હતી.

           અચાનક બધું સરખું થઈ ગયું અને શાલિની તેની ટીમ સાથે વિજય અને વીરને લઈને આવે છે, અનુજભાઈ અને બીજા બધા તેની દરિયા કિનારે રાહ જોતા હોય છે, બધા શાલિની અને તેની ટીમનું ખૂબ સારી રીતે સ્વાગત કરે છે.

           અનુજભાઈ, વિજય અને વીરને તેની ઓફિસ પર લઈ જાય છે ને ત્યાં જઈને તે લોકો પાસે જે પણ માહિતી હતી, તે જાણીને આખા ગુજરતમાં સિક્યુરિટી વધારી આપે છે ને જે પણ જગાએ બ્લાસ્ટ થવાના હતા તે પણ રોકવી દે છે.

            શાલિની પણ તેના હોટેલના રૂમમાં જાયછે ને વિચારે છે કે, આજે દિવાળી છે, મેં રાજને વચન આપ્યું છે કે આજના દિવસમાં હું ઘરે આવી જઈશ, મેં દેશને તો બચાવી લીધો પણ ઘરે કેવીરીતે જઈશ? એ વિચારતી હોય છે, ત્યાં તેની નજર બેડ પર રાખેલા ઘરચોલા પર પડે છે. શાલિની ખુબજ ખુશ થઈ જાય છેને ત્યાં પાછળથી આવાજ આવે છે કે, આજેતો મારી સાથે આપણા ઘરે આવીશ ને?

           શાલિની પાછળ ફરે છેને જોવે છે તો ત્યાં રાજીવ ઊભો હોય છે, શાલિની સમજી જાય છે કે એ રાજીવ નહીં પણ રાજ છે, શલીનીના હરખનો પાર નથી રહેતો અને તે તરતજ રાજને ગળે મળે છે, બને ખૂબ ખુશ હોય છે, શાલિની પૂછે છે કે તમે મારાથી તમારી ઓળખ શા માટે છૂપાવી? ત્યારે પાછળ પૂજા આવે છે ને કહે છે કે મને તો યાદ કરો, આ બધામાં રાજની હેલ્પ મે જ કરી છે. અને હવે બહુ સમયના બગાડો, ઘરે વિદાયના દિવસે પછી મે શાસ્ત્રીજી પાસે કહેવડાવ્યું હતું કે વિદાઈ નું સારું ચોઘડ્યું દિવાળીના દિવસનું છે, ત્યાં સુધી શાલિનીને એકલું જ રૂમમાં રહેવાનું છે કોઈ એ પણ તેનું મોઢું નથી જોવાનું. માટે કોઈ રૂમમાં જાય તે પહેલાં તું ત્યાં પહોંચી જજે. અને રાજ પણ તારી સાથે તારું ધ્યાન રાખવા આવવા માગતો હતો માટે અનુજસર સાથે વાત કરીને તે તને બચાવવા પહોંચી ગયો.

           શાલિની પૂજાનો ખૂબ આભાર માને છે, અને રાજ અને તે બધા શાલિનીના ઘરે જાય છે, ત્યાં શાલિની તેના ઘરના બધા લોકોને  બધી વાત કરે છે અને એટલામાં રાજ અને તેના માતા પિતા, ભારતભાઈ અને પારુલબેન ત્યાં આવે છે ને બધા ખૂબ ખુશ હોય છે, શાલિની દુલ્હન બનીને આવે છે ને બધા ખુશીખુશી તેની વિદાય કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror