લાશનું અટપટું રહસ્ય
લાશનું અટપટું રહસ્ય
નદી કિનારે તણાતી તણાતી એક સ્ત્રીની લાશ આવી, ત્યાં કિનારે નાહવા આવેલા લોકોએ બૂમાબૂમ કરી, અને કોઈએ પોલીસને ફોન કર્યો. પોલીસ ત્યાં આવી અને તેમણે લાશને બહાર કાઢી, તેની તલાશી લેવાનું શરૂ કર્યું, પોલીસને લાશ શંકાસ્પદ લાગતાં તેમણે એક જાસૂસને પણ બોલાવ્યો.
જગ્ગા જાસુસ ત્યાં આવ્યો અને ત્યારબાદ લાશનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આજુબાજુ ટોળે વળેલા લોકોને પૂછતા કે- " લાશ કોણે પહેલા જોઈ ? આ સ્ત્રીને કોઈ ઓળખે છે ? તે કોણ છે ? "ત્યાં ઉભેલામાંથી કોઈપણ આ સ્ત્રીને ઓળખતું ન હતું. જગ્ગા જાસૂસે લાશની તલાસી લીધી, તો તેના હાથ પર " કાવ્યા" નામનું એક ટેટૂ ચીતરેલું જોયું.આથી અનુમાન બાંધ્યું કે લાશ કોઈ " કાવ્યા" નામની છોકરીની છે. આ સ્ત્રીની ઉંમર લગભગ ત્રીસ વર્ષની આજુબાજુ લાગતી હતી. શરીર પર ખાસ કોઈ નિશાન જોવામાં આવ્યા નહીં, હા ! ગળું દબાવી કોઈએ હત્યા કરી અને પાણીમાં ફેંકી દીધી હોય તેવું લાગ્યું.પોલીસે બધી કાર્યવાહી, ફોટા પાડવાની, નાની-મોટી વસ્તુઓ અને પૂછપરછ, બધાનાં સ્ટેટમેન્ટ, બધું લઈ ઓળખ માટે સ્ત્રીનાં શરીર પરનાં કપડાં, ઘરેણાં વગેરે લઈ થેલીમાં ભરી, લાશનું પોસ્ટમોર્ટમ કરી આપવાની કામગીરી પતાવી. નજીકના તમામ પોલીસ સ્ટેશન પર તપાસ કરાવી કે કોઈના ગુમ થયાની અરજી લખાવી છે ? તેમણે દરેક પોલીસ સ્ટેશન પર મૃત સ્ત્રીનો ફોટો પણ મોકલી દીધો.
જગ્ગા જાસૂસ વિચારે છે કે લાશનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આગળ કશું વિચારાય, આમ કરતા રિપોર્ટ આવ્યો, સ્ત્રીને લગભગ 7 કલાક પહેલા મારી નાંખી હતી અને પછી પાણીમાં લાશને ફેંકી હતી. જાસુસે વિચાર્યું કે સાત કલાકનો સમય થયો છે તેથી હજી કોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આવી નથી. હાથ પરના છૂંદાળાથી તે લાશ કાવ્યાની છે તેમ લાગતાં, હવે તે કાવ્યાનો કેસ એમ કહી વાત કરવા લાગ્યો હતો.
જગ્ગા જાસૂસને હજુ સુધી કોઈ પગેરું મળતું નથી. ફરી અત્યાર સુધીની ઘટનાઓ પર વિચાર કરે છે, લાશના ફોટા જોઈ છે, તેને લાશનાં હાથ પર ફરી એકવાર કાવ્યા અક્ષર સ્પષ્ટ નજરે પડે છે. જગ્ગા જાસુસને આ રહસ્યમયી મહિલાની લાશમાં રસ જાગે છે.
જગ્ગા જાસુસ વિચાર કરે છે કે જો તેને સાત કલાક પહેલાં મારી નાંખી હોય, તો તે કદાચ આ ગામથી થોડે દૂરની સ્ત્રી હોવી જોઈએ .કેમ કે પાણીમાં તેની લાશ વધુ સમય રહી નથી, ફદફદી કે માછલીઓ ખાઈ ગઈ નથી. સ્ત્રીનાં શરીર પરનાં ઘરેણાથી લાગે છે કે લૂંટનો કોઈ કિસ્સો નથી, સ્ત્રી પર બળાત્કાર પણ કરવામાં આવ્યો નથી, તો શું કારણ હશે ? તેના મૃત્યુનું ?
જગ્ગા જાસૂસ ત્યાં આજુબાજુ બધાને મળે છે, પૂછપરછ કરે છે, બીજા ગામમાં પણ જોઈ તપાસ કરે છે, કોઈ સુરાગ મળતો નથી, ત્યાં જ એક અન્ય સ્ત્રીની પણ લાશ મળે છે, તે પણ નદીમાંથી તરતી મળે છે, તેના હાથ પર પણ "કાવ્યા" નામનું છુંદણું હતું. હવે જગ્ગા જાસૂસ ખૂબ જ અસમંજસમાં પડી જાય છે, કેસનું કોઈ પગેરું મળતું નથી, અને લાશ પર લાશ મળતી જાય છે, પોલીસ પણ હેરાન ! બન્નેના હાથમાં "કાવ્યા" લખેલું હતું અને બંનેનાં ગળા દબાવીને હત્યા કરેલ હતી, આ સરખાપણું બધાંને અકળાવે છે. જગ્ગા જાસૂસે ત્યાં જેટલાં માણસો કે, તે ગામના ગુંડા તત્વો હતાં, કોઈ માથાભારે કે જેની દાદાગીરી હોય, એવી વ્યક્તિઓને પણ પકડી પૂછપરછ કરી પણ પરિણામ શૂન્ય આવ્યો, અને તેણે તપાસ ને ત્યાં જ અટકાવી.
એક દિવસ એને પેપરમાં સમાચાર વાંચવાં મળ્યાં, કે મુંબઈમાં 'કાવ્યા' નામની ફેક્ટરી ચાલી રહી છે. ત્યાં મોટેભાગે સ્ત્રીઓ કામ કરે છે, અને તેમના હાથમાં "કાવ્યા" નામનું ટેટૂ ફેક્ટરીમાં કામ કરતી તમામ સ્ત્રીઓનાં હાથમાં છાપવામાં આવે છે. જગ્ગા જાસૂસને આ વાતની ખબર ન હતી અને તેથી તેને કોઈ પગેરું મળતું નહોતું.
મુંબઈ આ ગામથી ઘણે દૂર હતું ત્યાં મારીને લાશને નદીમાં આવી નાંખી જતા હતા. કામ કરનાર કોઈ પણ સ્ત્રી કાઈ બોલી શકતી ન હતી, જો વાંધો ઉઠાવે કે કામની ના પાડે તો તેને મારી નાખવામાં આવતી હતી. આમ જગ્ગા જાસૂસને હવે આ કેસ આખો સમજમાં આવ્યો, તેને કંપનીના માલિકને પકડાવી દીધો, અને મનથી માન્યું કે તેની અટકળો ખોટી હતી.
