લાલચ
લાલચ
પિનાકીન મારિયાને દિલથી ચાહતો હતો. બીજી તરફ તેનો જ મિત્ર વરૂણ પણ મારિયાના રૂપરંગ અને વાકછટાથી આકર્ષાયો હતો. બંને મિત્રો વચ્ચે પરોક્ષ રીતે મારિયાને પોતાની બનાવી લેવાની એક મૂક ચેલેન્જ લાગી ગઈ હતી.
મારિયાને પણ પિનાકીન અને વરૂણ બંને જ મિત્ર ભાવે પસંદ હતાં. પિનાકીનને સમાજ અલગ હતો તેથી મારિયા સામે પોતાના પ્રેમનો સ્વીકાર કરતાં થોડી મુંઝવણ રહ્યાં કરતી. એક દિવસ વરૂણ મારિયાને કોફી પીવા લઈ ગયો અને ત્યાં પોતાની તે પ્રથમ પસંદ છે અને લગ્ન કરવા માંગે છે એમ પ્રસ્તાવ મુક્યો. મારિયા વરૂણના રોમિયો ટાઈપ સ્વભાવથી પરિચિત હોવાથી પ્રસ્તાવનો તે સમયે કોઈ ઉત્તર આપ્યો નહીં.
પિનાકીન ને આ વાત જાણ થતાં થોડો વ્યથિત થઈ ઉઠયો અને મનોમન આજે મારિયાને દિલની વાત કરી લગ્ન પ્રસ્તાવ મૂકી જ દઉં, એમ વિચારી તૈયાર થયો ત્યારે આ બધી જ વાતોથી પરિચિત તેના કાકા ભાઈઓ રૂમમાં પ્રવેશ્યા. પિનાકીનને તૈયાર થયેલો જોયો અને સાથે ટેબલ ઉપર ગિફ્ટ બોક્ષ અને બુકે પર પણ નજર ગઈ. બધી વાત સમજી ગયા, કાકા ભાઈએ પિનાકીનને ઉંચા સ્વરે ધમકી આપતા હોય તેમ કહ્યું,
“પિનાકીન આપણા ઘરમાં બીજી જાતની છોકરી વહુ બનીને કોઈ પણ સંજોગોમાં આવશે નહીં. તારે મજા કરવી હોય તો કરી લે પણ લગ્ન કરવાનો કોઈ મનસુબો ઘડતો નહીં, નહીં તો મોટા કાકાને કહીં મિલકતમાંથી નામ કઢાવી દેઈશું.”
આટલું બોલી બંન્ને એકબીજા સામે ખધ્ધુ હસ્યા અને મોબાઈલમાં મારિયાનો નંબર સર્ચ કરતાં કરતાં રૂમની બહાર નીકળી ગયાં.
બીજી તરફ મારિયાએ વરૂણ ને ફોન કરી તેના પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં સારા મિત્રો કાયમ બની રહશું એમ જણાવ્યું. મારિયાના અસ્વિકારને કારણે આગ બબુલો થઈ ઉઠયો અને પિનાકીન બાજી મારી ગયો એમ સમજી મનમાં જ બબડયો,
“મારિયા તું મારી ન બને તો બીજાની પણ નહીં બનવા દઉં.” બોલતાં ગુસ્સામાં દરવાજો પછાડતો કોઈકને ફોન લગાવતાં બહાર નીકળી ગયો.
થોડીવારમાં મારિયાનો ફોન પિનાકીન ઉપર આવ્યો. મારિયા એ ધ્રુજતા અવાજે જલ્દી ચર્ચની પાછળ મળવા આવવા કહીં ફોન કટ કરી દીધો. પિનાકીન ઝડપથી ચર્ચ પાસે પહોંચ્યો પરંતુ તેના પહોંચતા પહેલા જ મારિયા જમીન ઉપર ઉંધી પડી હતી. દોડીને મારિયાને પોતાના ખોળામાં લેતાં જોયું તો મારિયાના મોં માંથી લોહી વહી રહ્યું હતું અને પોતાના છેલ્લા શ્વાસ ગણતાં તૂટક તૂટક અવાજે “બાપુ…” હજી આગળ વાક્ય પૂરું થાય તે પહેલા તેના પ્રાણ ઊંડી ગયાં. મારિયાની લાશને ખોળામાં સમેટી પિનાકીન ધુસ્કે રડી રહ્યો હતો, ત્યાં જ પોલીસ પાછળથી આવી, ને બોલી
“મી. પિનાકીન યુ આર અંડર એરેસ્ટ.” પિનાકીન કંઈક સમજે તે પહેલા જ પોલીસે બાવળામાંથી તેને પકડીને ઊભો કર્યો. પિનાકીનના કાકા ભાઈઓ અને વરૂણ પણ ત્યાં આવી પહોંચ્યા. બધાં જ પિનાકીન ઉપર ફિટકાર વરસાવાં લાગ્યા. પિનાકીને પોતાના હાથ ઉપર નજર કરી તો તેના હાથો લોહી અને માટીથી ખરડાયેલાં હતાં. પોલીસે મારિયાની સુસાઈટ નોટ બતાવતાં કહ્યું કે, મારિયાનો પિનાકીને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાથી સુસાઈટ કરી રહી છે એમ ઉલ્લેખ હોવાથી તેમના સુસાઈટ માટે પિનાકીને જવાબદાર ઠેરવાય છે જેથી કસ્ટડીમાં લઈ રહ્યાં છે. પિનાકીન પોલિસ સાથે લોહી અને માટીવાળા હાથો સાથે નિસ્તેજ શરીરે ઘસડાઈ રહ્યો હતો. તેની નજર તેના કાકા ભાઈઓ અને વરૂણ ઉપર પડી બધા જ મુછમાં જ મલકાઈ રહ્યાં હતાં.
જીપમાં બેસતાં જ પિનાકીનની નજર ચર્ચની લગોલગ જ આવેલ મારિયાના ઘરના દરવાજામાં પડી મારિયાના પિતા દારુના નશામાં ધૂત દારુની બોટલો અને રૂપિયાના બંડલો સાથે કંઈક બબડી રહ્યાં હતાં.