Priti Bhatt

Fantasy

2  

Priti Bhatt

Fantasy

મનોવ્યથા..

મનોવ્યથા..

5 mins
1.4K


નીતિ 5માં ધોરણમાં ભણતી હતી. એને ફકત છોકરીઓ હોય તેવી શાળામાં મૂકવામાં આવી હતી. જ્યારે એના 8માં ધોરણમાં ભણતાં મોટાભાઈને શહેરની નંબર વન ગણાતી કો- એજ્યુકેશન ધરાવતી એટલે કે છોકરા- છોકરીઓ સાથે ભણતા હોય એવી શાળામાં મૂક્યો હતો. નીતિ મમ્મીને ઘણીવાર પૂછતી, ‘મમ્મી, મને ભાઇની સ્કુલમાં કેમ નથી મુકતી?’ ‘તું નાની છે. મોટી થાય પછી મુકીશું.’ એક જ જવાબ મમ્મી આપતી. નીતિ નાની એટલે વધુ સમજી શકતી નહીં. બસ એકલી બેસીને હું મોટી કયારે થઇશ એમ વિચાર્યા કરતી. એક વાર પપ્પા અને મમ્મીને વાત કરતા તે સાંભળી જાય છે.

મમ્મી ચીડાયને બોલી રહી હતી, ‘નીતિ કાયમ ભાઇની સ્કુલમાં કયારે મૂકશો  એવું પૂછે જાય છે. હવે એને શું સમજાવું કે છોકરીની જાત છે એટલે આમ કંઇ છોકરા સાથે ભણવા કે રમવા દેવાય? આ પૈસાવાળાનાં ચોચલામાં આપણાં જેવા સામાન્ય લોકોની હાલત ખરાબ થઇ ચાલી. આપણા દિકરા પર તો જવાબદારી છે ઘરની એટલે એને મૂકવો પડે આ મોટા લોકોની મોટી શાળામાં, પણ નીતિને કયાં મેમસાહેબ બનવાનું છે કે એને આવા માહોલમાં મોકલવી? હું તો કહું છું બે ચાર ચોપડી ભણાવીને ઊઠાડી લઇશું. આમ પણ એને પારકા ઘરે જઈને ચૂલો તો ફૂંકવાનો છે, તો એમાં એને પારંગત કરવી પડશે નહીં તો પારકા ઘરે જઇ આપણું નાક કાપશે.’ નીતિના પપ્પા તેમની પત્નીની વાત સાથે સહમત નહોતા, પરંતુ પત્ની સામે વધુ બોલી શકતા નહીં. તેમ છતાં દીકરીને શાળાનું ભણતર તો પુરૂં કરાવશું જ એ વાત પર ભાર આપીને તેઓ બોલ્યા, ‘શિક્ષિત હશે તો ભવિષ્યમાં આપણી દીકરી સાચા- ખોટાનો નિર્ણય વધુ સારી રીતે લઈ શકશે અને તેને કોઇથી ડરીને નહીં જીવવું પડે. ભગવાન ના કરે કે કોઇ વિકટ પરિસ્થિતિ આવે તો થોડું ગણું ભણેલી હશે તો પગભર પણ થઇ શકશે.’ પરંતુ નીતિનાં મમ્મી વધુ ભણેલાં નહોતા, એટલે, ‘તો હું ય ક્યાં ભણી છું તો ય વટ- વહેવાર અને ઘર બધું જ સંભાળું છું ને? અને નિર્ણયો પણ તમારા કરતા સાચા જ લઉં છું.’ એમ છણકો કરી ગુસ્સો કરતાં બહાર નીકળી ગયા. નીતિના પપ્પા તેને સમજાવવા પાછળ પાછળ ગયા.

હવે માસુમ નીતિને આ આખી વાત સમજાય નહીં એટલે બહાર હિંચકા પર જઇ વિચારવા લાગી કે હું દીકરી છું એટલે શું ભાઇની જેમ મારાથી ના રહેવાય? પારકા ઘરે જવાનું એટલે શું આ ઘર મારું નથી? હું છોકરી છું એટલે છોકરાઓ સાથે વાત ના થાય અને રમાય પણ નહીં? હું થોડા વર્ષમાં બીજાનાં ઘરે જતી રહીશ? મારે મમ્મી-પપ્પા અને ભાઈ વગર રહેવું પડશે? આવા સવાલોમાં ગુંચવાતી તે બેસી રહી. થોડા દિવસ પછી તેનાં મગજનાં સવાલો લઇ મમ્મી પાસે ગઇ અને ફરી સવાલો પૂછવા લાગી. મમ્મી બધા જવાબ હકારમાં આપતા બોલી, ‘હા, તારે લગ્ન કરી બીજાને ઘરે જવું પડશે જેમ હું તારા પપ્પાના ઘરે આવી તેમ. ત્યાં તારે સાસુ- સસરા, નણંદ- દિયર, જેઠ બધાનાં કામ કરવા પડશે. રસોઇ, વાસણ- કપડાં ઘરની નાની- મોટી તમામ જવાબદારી લેવી પડશે અને નવા લોકો સાથે સમજણ સાથે હળીમળીને રહેવું પડશે. ભાઈ સિવાયના છોકરા પારકા કહેવાય. એ લોકો સાથે વધુ પડતી છૂટથી ન બોલાય, રમાય પણ નહીં, નહીં તો સમાજમાં સારી છાપ ના પડે. સમજી મારી વાતને? માટે હવે ભાઈની શાળા જવાનું મને ના કહેતી. હું તો ભણવા જવાની જ ના કહું છું ,પણ તારા પપ્પા જીદ કરે છે માટે દસમી કે બારમી ચોપડી લગી ભણવા દઇશ, પછી સારો છોકરો જોઇ પરણાવી દઇશું.’

નીતિને એના મગજમાં ચાલતા સવાલોનાં જવાબ મળ્યાં તેના કરતા બીજા ઘણા સવાલો ઊભા થઇ ગયા. મારે પારકા ઘરે જવું પડશે? હું ત્યાં દીકરી બનીને ના રહી શકીશ? દીકરીમાંથી સ્ત્રી બનીશ, કોઇની વહુ બનીશ ત્યારે હું સ્વતંત્ર બની શકીશ? સમાજમાં મારું બી નામ બનશે? પારકા લોકો સાથે હું રહી શકીશ? મમ્મી ઘર ચલાવે છે તેમ ચલવી શકીશ? બસ, આમ ને આવા સવાલમાં નીતિ મોટી થવા લાગી. 12 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. થોડો સમય ઘરમાં જ પસાર કર્યો બાદ માતા પિતાએ શોધેલ પાત્ર સાથે નીતિના લગ્ન થઇ ગયા. નાનકડી પાપાની નીતિ કોઇકના ઘરની વહુ બની ચૂકી હતી. નવા ઘરમાં નવા લોકો સાથે હજારો સવાલો સાથે નવા જીવનની શરૂઆત કરી રહી હતી. મનોમન નીતિ ઘણી ડરેલી હતી પોતાના જ કાલ્પનિક સવાલોથી,પરંતુ તેની સામે નીતિના વિચારોથી સાવ વિપરીત પરિસ્થિતિનું સર્જન તેના સાસરે ઊભું થયું. પતિ ખૂબ જ પ્રેમાળ અને સમજુ હતો. સાસુ- સસરા પણ એટલા જ લાગણીશીલ હતા. દિયર તો એકદમ મજાકિયો ને નાના ભાઇ જેવો જ હતો. નીતિનું સાસરું શિક્ષિત હતું એટલે નીતિ ઘરની વહુ નહીં પણ દીકરી બની ગઇ હતી. નાનપણથી સાસરીમાં કેમ રેહવું તે સમજાવાયું હોવાથી નીતિ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઇ. ઘરમાં આવનાર મહેમાન સમજી શકતા નહીં કે નીતિ વહુ છે કે દીકરી! છતાં નીતિ એના વિચારોમાંથી મુક્ત થઇ શકતી નહોતી. નાનપણના સવાલોના જવાબો મળતા, જાણે સપનાનાં વમળોમાં વિહાર કરતી હોય તેમ અનુભવતી હતી.

હવે નવાં જીવનની સફરના સવાલોમાં નીતિ ઘેરાવા લાગી. પતિ પ્રેમાળ હતો, ભણેલો હતો, સારી નોકરી કરતો હતો. ઘરનાં લોકો પણ સારા હતા, છતાં નીતિ હવે પોતાને પતિ માટે કે સાસરીયા માટે યોગ્ય નથી એમ સમજવા લાગી. બીજીના  ઘરની વહુને કે દીકરીને ખૂબ ભણેલી, મોર્ડન જોઇને દુઃખી રહેવા લાગી. વર્તમાન સમયના જેવી મોર્ડન પોતાને ના બનાવી શકી.

નીતિ પોતે પણ સારી જ હતી, છતાં નાનપણના સવાલોનાં જે ઉત્તર મળ્યા હતા તેમાંથી બીજા સવાલો ઉપજયા,  ‘હું પતિ માટે કેવી રીતે યોગ્ય હોવ? હું સાસુ સસરા માટે કેવી રીતે સારી વહુ બની શકું? સગાવહાલા સાથે કેવી રીતે સારું વર્તન રાખું? દિયર માટે સારી ભાભી કેવી રીતે બનું? બસ આમ ને આમ સવાલો નીતિને થતા જ રહ્યા. નીતિ સાચા અર્થમાં બે કુળને તારનારી સાબિત થઇ હતી. દીકરી વ્હાલનો દરિયો એ ચરિતાર્થ કરી ગઇ હતી. કિંતું નીતિનું મન સવાલોમાંથી બહાર નીકળી જ ના શક્યું. સમય સમયનું કામ કરતો ગયો અને ઉત્તર મળતા ગયા. અને જે સવાલોને નીતિ ના સમજી શકી તે મનોવ્યથા બની અનુત્તર જ રહી ગયા.

 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy