Prashant Subhashchandra Salunke

Thriller

5.0  

Prashant Subhashchandra Salunke

Thriller

કયા યહી પ્યાર હૈ?

કયા યહી પ્યાર હૈ?

6 mins
794


ઉત્તરાયણનો દિવસ હોવાથી આજે સહુ અગાશીઓ ધમધમી રહી હતી. સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ હતો. ડી.જે.ના તાલ પર ઝૂમતા ઝૂમતા સહુ કોઈ પતંગ ચગાવવામાં મશગુલ હતા. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. સહુ કોઈ આસમાનમાં ઉડી રહેલી જાતજાતની અને ભાતભાતની પંતગો નિહાળવામાં વ્યસ્ત હતા પરંતુ મિતુલ તેના સામેના મકાનના ધાબા પર આવેલી એક તરૂણીને જોવામાં મસ્ત હતો. આકાશના તુક્કલની જેમ તેની નજર એ તરૂણી પર સ્થિર થઇ હતી. સામે બાજુ એ તરૂણી પણ અનિમેષ નજરે મિતુલને તાકી રહી હતી. કોઈકના ધાબા પરથી વાગતું ગીત, “જબસે તેરે નૈના.. મેરે નૈનો સે...” મિતુલને રોમાંચિત કરી રહ્યું હતું. એ તરૂણી દેખાવે રૂપરૂપના અંબાર સમી હતી જયારે મિતુલ દેખાવે સામાન્ય હતો. પરંતુ અત્યારે એ વાત કોઈ મહત્વની નહોતી કારણ એ તરૂણી પણ અપલક નજરે મિતુલ તરફ જોઈ રહી હતી. એક આહ... મિતુલના હૈયામાંથી નીકળી. ઓચિંતામાં ધાબા પર આવી પહોંચેલા મિતુલના મિત્ર દેવાંગે તેને સાદ આપતા મિતુલની તંદ્રા તૂટી. ઉત્તરાયણના દિવસે મિતુલના સહુ દોસ્ત તેની અગાશીએ જ પતંગ ઉડાવવા આવતા છતાંયે આજે આમ દેવાંગનું આવી પહોંચવું મિતુલને જરાયે ગમ્યું નહીં.

દેવાંગે પૂછ્યું, “મિતુલ, તું પતંગ કેમ ચગાવતો નથી?”

આંખોના પેચ લડાવી રહેલા મિતુલને પતંગના પેચ લગાડવાનું ક્યાંથી ગમે? એણે દેવાંગની વાતને ઉડાવવા કહ્યું, “પતંગ ચગાવવા આપણે કંઇ હવે નાના કીકા નથી.”

આમ કહી મિતુલે ફરીથી સામેની અગાશી પર જોયું. એ યુવતી હજુપણ મિતુલ તરફ જ તાકી રહી હતી. દેવાંગથી આ વાત છુપી નહીં રહી. તેણે ધીમેકથી પૂછ્યું, “શું થયું મિતુલ?”

મિતુલે કહ્યું, “દોસ્ત, સામેની અગાશી પર પેલી છોકરીને જોઈ રહ્યો છે?”

દેવાંગે કહ્યું, “હા...”

મિતુલે એક આહ ભરતા કહ્યું, “તેને જોતાં જ મને પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો છે.”

કોઈકની અગાશી પર ચાલતું ગીત, “પહેલા... પહેલા.... પ્યાર હૈ.... પહેલી... પહેલી... બાર હૈ....” એ મિતુલની વાતની હામી ભરી.

દેવાંગે કહ્યું, “મિતુલ, આ ફિલ્મી ચેનચાળા આપણને ન શોભે. પ્રેમના લફરામાં પડવા જેટલા આપણે હજુ મોટા નથી થયા. વળી તું જેને પ્રેમ સમજી રહ્યો છે તે પ્રેમ નહીં પરંતુ માત્ર વિજાતીય આકર્ષણ છે. આપણે આવી બાબતોથી દુર રહેવું જોઈએ.”

મિતુલને દેવાંગની આ સલાહ જરાયે ગમી નહીં. તેણે થોડાક અણગમાથી કહ્યું, “ના... ના... દેવાંગ મારા સાચા પ્રેમને આમ બદનામ ન કર... હું ખરેખર કહું છું કે મને એ છોકરી ખૂબ ગમી ગઈ છે. વળી મને લાગે છે કે તે છોકરીને પણ હું ખૂબ ગમી ગયો છું. જોને કેવી એકીટશે મને ક્યારની જોયા કરે છે. દોસ્ત, જો એ મને નહીં મળી તો હું મરી જઈશ.”

દેવાંગે કહ્યું, “એટલે, તું શું કરવા માંગે છે?”

મિતુલે કહ્યું, “હું તેને મારા દિલની વાત કહેવા માંગું છું. મને વિશ્વાસ છે કે તે મારા પ્રેમના પ્રસ્તાવનો જરૂર સ્વીકાર કરશે.”

દેવાંગે પૂછ્યું, “પરંતુ તું તારા દિલની વાત તેને કહીશ કેવી રીતે?”

જાણે મિતુલને માર્ગ દેખાડતું હોય તેમ કોઈકના સ્પિકર પર ગીત ચાલ્યું, “કબુતર જા... જા... જા... કબુતર જા...”

મિતુલની આંખો ચમકી. એ જોઈ દેવાંગ મૂંઝાયો. તેણે મુંઝવણમાં કહ્યું, “હવે તારા સંદેશને એ છોકરી સુધી પહોંચાડી શકે તેવા કબૂતરને ક્યાં ખોળવા જઈશું?”

મિતુલ સામે પડેલી પતંગ તરફ ઈશારો કરતાં બોલ્યો, “અરે! કબુતરની શી જરૂર છે!!! આપણી પાસે તેનાથી સારો ઉપાય છે.”

દેવાંગને કશી ગતાગમ પડી નહીં. તેણે પૂછ્યું, “એટલે?”

મિતુલ બોલ્યો, “બકા, હું પતંગ પર મારા મનની વાત લખી તેને આકાશમાં ચગાવી સામેના ધાબે પેલી યુવતી પાસે મોકલીશ.”

દેવાંગ ગભરાઈને બોલ્યો, “અને એ પંતગ જો પેલી યુવતીને બદલે તેની બાજુમાં ઉભેલા પેલા કાકાના હાથમાં આવશે તો?”

“કોઈ પથ્થર સે ન મારો મેરે દીવાને કો...” આ ગીત સાથે મિતુલ આગળની પરિસ્થિતિની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠ્યો.

મિતુલના દિલની વાત જાણે પડોશીના સ્પિકરે કહી સંભળાવી, “ક્યાં કરે, ક્યાં ના કરે? યહ કૈસી મજબૂરી હાય..”

મિતુલે જોયું તો એ તરૂણી હજુપણ તેના તરફ જ જોઈ રહી હતી.

દેવાંગ બોલ્યો, “મિતુલ, થોડીવારમાં જ દીપેશ, સુમિત, હેમંત, સચિન વગરે બધા તારી અગાશી પર આવી પહોંચશે ત્યારે કૃપા કરી તેમની સામે આ વાત કરતો નહીં.”

દેવાંગની કહેલી વાતથી મિતુલના મગજમાં ઝબકાર થયો. એ હર્ષથી બોલી ઉઠ્યો, “આઈડિયા... દેવાંગ, ચાલ મારી સાથે...”

દેવાંગે અચરજથી પૂછ્યું, “પણ ક્યાં?”

મિતુલે કહ્યું, “પેલી છોકરીના બાજુનું મકાન આપણા દોસ્ત આશિષનું છે. આપણે પતંગ ચગાવવાના બહાને આશિષની અગાશી પર જઈશું. આપણે ત્યાં હોઈશું તો એ છોકરી સાથે વાતચીત કરવામાં સરળતા રહેશે. પછી લાગ જોઈ હું વાતવાતમાં એ છોકરીને મારા દિલની વાત કહી દઈશ.”

દેવાંગે કહ્યું, “તું આજે મને બરાબરનો ફસાવવાનો છે.”

કોઈકની અગાશી પર ચાલી રહેલા “હુડ... હુડ... દબંગ...”ના ગીતના તાલે મિતુલે આત્મવિશ્વાસ સાથે પોતાના ડગ આશિષની અગાશી તરફ ભર્યા. થોડીકવારમાં તેઓ આશિષની અગાશી પર જઈ પહોંચ્યા હતા. મિતુલે જોયું તો પેલા કાકા હજુપણ પેલી તરૂણીની પાસે ઉભેલા હતા. મિતુલે ધીમેકથી દેવાંગને કહ્યું, “પેલી છોકરીને ખબર જ નહીં કે હું અહિયાં આવી ગયો છું. જો કેવી બેબાકળી બની મને મારી અગાશી પર ખોળી રહી છે. દોસ્ત આગ બંને બાજુ બરાબરની લાગી છે.”

દેવાંગને મિતુલની આવી વાતોમાં કોઈ ખાસ રસ પડી રહ્યો નહોતો તેથી તે માત્ર ફિક્કું હસ્યો.

આશિષે મિતુલ અને દેવાંગને જોઇને પૂછ્યું, “અહોહોહો... શું વાત છે... આ વખતે તમે બંને મહાનુભવો મારી અગાશી પર? કેમ આ વખતે પાછળથી ખેંચ મારી પતંગ હાથમાંથી કાપવાનો લહાવો તમારે લેવો નથી?”

મિતુલે દેવાંગને ઈશારો કરતા તે આશિષના પ્રશ્નોનો જવાબ આપવા માંડ્યો. આ દરમિયાન મિતુલ એ તરૂણીને જોવામાં ખોવાઈ ગયો. એ તરૂણીને નજદીકથી જોઇને મિતુલ આભો જ બની ગયો હતો. એ તરૂણીના વાળ સોનેરી રંગના હતા અને તેનું શરીર અત્યંત સુડોળ હતું. એ તરૂણી તરફથી વાતા મંદ મંદ પવનની લહેરખીમાં તેણે લગાવેલા અત્તરની ખુશ્બૂ મિતુલના દિલોદિમાગ પર છવાઈ રહી હતી. કોઈકના સ્પિકર પર ચાલતું “ઓ ચાંદ જેસી લડકી ઇસ દિલ પે છા રહી હૈ.” દેવદાસનું આ ગીત જાણે મિતુલના દિલના હાલને વર્ણવી રહ્યું હતું. આખરે મીતુલથી ન રહેવાતા તેણે આશિષ પાસે જઈને પૂછ્યું, “આ તારી બાજુની અગાશી પર કોણ છે?”

આશિષે કહ્યું, “કોણ? પેલા ઉભા છે એ ભાઈ??? તેઓ અમારા પડોશીના મહેમાન છે. મુંબઈથી અહીં ઉત્તરાયણ કરવા આવ્યા છે. તેઓ મુંબઈમાં...”

આશિષે એ મહેમાનનો આખો ઈતિહાસ વર્ણવી રહ્યો પરંતુ મિતુલને જેના વિષે જાણવું હતું તે યુવતી વિષે તેણે એક હરફ સુદ્ધાં ઉચાર્યો નહીં.

આખરે કંટાળીને મિતુલે પૂછ્યું, “પેલી બાજુમાં ઉભી છે તે એની બહેન છે?”

પોતાની પતંગનો પેચ લાગ્યો છે તે જોઈ આશિષે વાત ટૂંકાવતા કહ્યું, “કોણ એ પ્રિયા? હા એ બિચારી તેની બહેન છે?”

દેવાંગને આશિષની વાતનો ગેડ ન મળતા એણે પૂછ્યું, “કેમ બિચારી?”

આશિષને દેવાંગની વાતનો જવાબ આપવા કરતા ખેંચ મારવામાં ધ્યાન આપવું વધુ યોગ્ય લાગ્યું.

મિતુલે અધીરાઈથી પૂછ્યું, “આશિષ, તું એ છોકરીને કેમ બિચારી કહે છે?”

આશિષે ખેંચ મારતા મારતા જ કહ્યું, “બિચારી આંધળી છે ને એટલે... જોયું નહીં કેવી એકીટશે ક્યારની એક જ દિશામાં જોઈ રહી છે.”

કલ્પનાના આસમાનમાં ઉડી રહેલી મીતુલના પ્રેમની પતંગ આ સાંભળતાની સાથે વાસ્તવિકતાની ધરતી પર આવી પછડાઈ. મિતુલે તીરછી નજરે જોયું તો એ તરૂણી હજુપણ અપલક નજરે તેની અગાશી તરફ જ જોઈ રહી હતી. અચાનક વીજળી ગુલ થતા સહુના ધાબા પર ચડાવેલા સ્પીકરો એકસાથે શાંત થઇ ગયા અને એ સાથે આશિષની પંતગ કપાતા “કાપ્યો છે...”નો સ્વર વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. આશિષની કપાયેલી પતંગ જોઈ દેવાંગે મિતુલ ભણી જોઇને ધીમેકથી કહ્યું, “ઓ... તેરી... તારી પતંગ કપાઈ ગઈ...”

આશિષે રોષથી ફીરકીને એક તરફ ફેંકતા કહ્યું, “મિતુલ, તું પણ ખરો છે... આમ ચાલુ પેચમાં વાતો કરી કોઈને ખલેલ પહોંચાડાતી હશે? હવે બોલ શું પૂછવાનું છે?”

મિતુલે અકળાઈને “કંઈ નહીં...” એમ કહી ત્યાંથી સડસડાટ નીકળી ગયો.

આશિષને આ જોઈ નવાઈ લાગી. તેણે દેવાંગને પૂછ્યું, “આને શું થયું?”

દેવાંગે પણ, “કંઈ નહીં...” એમ કહી મિતુલ પાછળ દોટ લગાવી.

મિતુલ આશિષના ઘરના પગથીયા ઉતરીને ગલીમાં આવી પહોંચ્યો હતો. દેવાંગ તેની પાછળ દોડતા દોડતા આવ્યો અને બોલ્યો, “મિતુલ... ઉભો રહે...”

મિતુલે ગુસ્સાથી કહ્યું, “દેવાંગ... આજ પછી હું તારી સાથે દોસ્તી રાખવા માંગતો નથી.”

દેવાંગે અચરજથી પૂછ્યું, “કેમ?”

મિતુલ તાડૂક્યો, “કારણ તે મારા સાચા પ્રેમની મજાક ઉડાવી છે.”

આ સાંભળી દેવાંગ ખડખડાટ હસી પડ્યો, “મેં તારા પ્રેમની નહીં પરંતુ તે સાચા પ્રેમની મજાક ઉડાવી છે. દોસ્ત, જો તું ખરેખર એ છોકરીને સાચો પ્રેમ કરતો હોતને તો એ અંધ છે એમ સાંભળી ત્યાંથી નાસી છૂટ્યો ન હોત પરંતુ એ જેવી છે તેવા હાલતમાં તેનો સ્વિકાર કર્યો હોત.”

અચાનક કોઈકની અગાશી પર મોટા સ્વરે ગીત ગુંજી ઉઠ્યું.

“કયા યહી પ્યાર હૈ?...”

મિતુલનું માથું શરમથી ઝુકી ગયું.

કદાચ વીજળી આવી ગઈ હતી.

(સમાપ્ત)  


Rate this content
Log in

Similar gujarati story from Thriller