Prakruti Shah 'Preet'

Abstract Tragedy Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Tragedy Inspirational

ક્ષમાયાચના ન જન્મેલા સંતાનની

ક્ષમાયાચના ન જન્મેલા સંતાનની

2 mins
652


અજન્મેલ સંતાન,

તને વહાલભર્યું સંબોધન કરવાનો હક તો મેં એ જ દિવસે ગુમાવી દીધો, જ્યારે મારા ગર્ભમાં રહેલ આઠ અઠવાડિયાનાં તને મેં કારકિર્દીનાં ચક્કરમાં પીંખી નાખ્યું. લગ્નનાં આઠ મહિનામાં ઈશ્વરનાં આશીર્વાદરૂપી તારું મારા ગર્ભમાં સળવળવું હું અભાગી સમજી ના શકી. મારાં હરવા ફરવાનાં દિવસો અને કારકિર્દીમાં મને નડતરરૂપ લાગતાં, હું તને જન્મ આપવા માટે તૈયાર ન હતી. એમાં પણ મારા સાસુ - સસરાએ આવનાર સંતાનનાં ઉછેરમાં મદદ કરવાનો ભણેલો નનૈયો, મારા વિચારને મજબૂત બનાવતો ગયો. તારાં પપ્પાએ મને આ નિર્ણય બદલવા માટે કરેલ કાકલૂદી પણ મારાં બહેરાં કાનને અથડાઈને પરાવર્તિત થઈ ગઈ. ગર્ભપાત પછી તારા એ માંસનાં લોચાને જોઈને તારાં પપ્પાએ મૂકેલ પોક હૉસ્પિટલની દીવાલોને હચમચાવી ગઈ. એ સમયે હું મારા નિર્ણય માટે પસ્તાવો કરવાની ક્ષણ પણ ચૂકી ગઈ. 

તને મારી જિંદગીમાંથી દૂર કર્યાં પછી ઈશ્વરે મને સંતાનપ્રાપ્તિ માટે રાહ જોવડાવી ત્યારે મને તારી યાદ આવી. એ વખતે મેં દિલમાં એક ટીસ અનુભવી અને તારી માફી માંગી. વર્ષો રાહ જોયા પછી ઈશ્વરે એક દીકરીની ભેટ આપી, પણ મારી દીકરી જ્યારે ભાઈ કે બહેન માટે વલખે છે, ત્યારે મને ઈશ્વરે તારા રૂપે આપેલ ભેટની કરેલ અવગણના યાદ આવે છે.

આશા રાખું છું કે, અત્યારે વિશ્વનાં જે ખૂણે તું ઉછરી રહ્યું હોઈશ, તે મા-બાપ તને ભરપૂર પ્રેમ આપતાં હશે અને તું પણ એવા મા-બાપ મળવા માટે પોતાને નસીબદાર માનતું હોઈશ.

ઈશ્વરને પ્રાર્થના કે, મારા હવે પછીનાં જન્મમાં મારો તારી જોડે કોઈ સંબંધ રચાય અને હું તારી માફી માંગું. હું તારી માફી માંગવાની લાયકાત તો ગુમાવી ચૂકી છું, છતાં પણ બની શકે તો તારી આ અભાગી માને માફ કરજે. 

લિ.

 તારી હતભાગી મા


Rate this content
Log in

Similar gujarati story from Abstract