JHANVI KANABAR

Thriller

4.3  

JHANVI KANABAR

Thriller

ક્ષિતિજ સુધી

ક્ષિતિજ સુધી

7 mins
229


`દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હે ગુલ ખીલે હુયે...’

કિશોરકુમાર અને લતામંગેશકરના મનને રોમાંચિત કરી દેતું આ ગીત મુગ્ધાને થોડીવાર અલગ જ દુનિયામાં લઈ ગયું. મુક્ત આકાશમાં વિવરણ કરતાં સફેદ વાદળો, ખીલેલા લહેરાતા પુષ્પો, ઠંડી આહ્લાદક હવામાં મુગ્ધાના ઊડતા કેશ અને મયં..ક...

`મુગ્ધા.. ઓ મુગ્ધા ! ક્યાં છો ? તારા પપ્પાનો આવવાનો સમય થઈ ગયો છે...’ મમ્મીની બૂમ સાંભળતાં જ મુગ્ધા જાણે જમીન પર આવી ગઈ હતી.. એમાંય `પપ્પા’ શબ્દ કાને પડતાં જ મુગ્ધાના હ્રદયના ધબકારા વધી જાય... પપ્પા આવે એટલે ઘરને ઓર્ગનાઈઝ્ડ કરી દેવાનું, પપ્પા આવે એટલે ટીવી બંધ, મ્યુઝિક બંધ, હસવાનું બંધ, બોલવાનું બંધ.. બસ કામપૂરતી જ વાત. ઘરમાં જાણે સોંપો પડી જતો. મમ્મી અને મુગ્ધા બંને સાવધાન થઈ જતાં. મુગ્ધાના પપ્પા આવે એટલે મુગ્ધા પાણીનો ગ્લાસ લઈ રેડી હોય, મમ્મી ડાયનિંગ ટેબલ પર જમવાનું રેડી કરતી હોય. જમવાનું પતે એટલે મુગ્ધા મમ્મી જોડે રસોડું આટોપવામાં મદદ કરે અને પછી પોતાના રૂમમાં ચોપડી પકડી બેસી જાય. કોઈ-કોઈની જોડે મુક્તતાથી બોલી ન શકે, કંઈ પૂછી ન શકે અને જો ક્યારેક મુગ્ધાનો જોરથી હસવાનો અવાજ સંભળાય તો તો પતી ગયું... મુકેશભાઈ પહેલા મુગ્ધાનો અને પછી મુગ્ધાની મમ્મી વીણાબેનનો ઉધડો લે, `કંઈ શીખવાડ્યું નથી. કાલે સાસરે જઈને આવું વર્તન રાખશે ? જરા રીતભાત શીખવાડો.. છોકરીની જાત છે. મારું નાક ન કપાવે.’ વીણાબેન નીચું જોઈ સાંભળી લે. મુગ્ધાની આંખો ભીંજાઈ જાય. છેલ્લે ક્યારે મુગ્ધાને તેના પપ્પાએ બેટા કહી માથે હાથ ફેરવ્યો હતો ? એ યાદ કરવાની નિરર્થક કોશિશ કરતી મુગ્ધા.

મુગ્ધા 12માં ધોરણમાં ભણતી હતી ત્યારે મુકેશભાઈએ પહેલા જ કહી દીધું કે, `12 ધોરણ ભણી લે એટલે બસ.. બહુ થયું. ઘર સંભાળતા શીખવાડો.’ મુગ્ધાને ખૂબ દુઃખ થયું હતું. 12માં ધોરણનું રિઝલ્ટ આવ્યું. મુગ્ધાને 80% આવ્યા. વીણાબેન ખૂબ ખુશ થઈ ગયાં. મુકેશભાઈને આનાથી કંઈ ફેર ન પડ્યો. તેમના નિર્ણય મુજબ હવે અહીં જ પૂર્ણવિરામ લગાડી દેવાનું હતું. મુગ્ધા ખૂબ શોષવાયા કરતી. આખરે શાળાના કેટલાક શિક્ષકોના સમજાવાથી મુકેશભાઈએ કોલેજ કરવાની મંજૂરી આપી. એમાંય કેટલીય શરતો. માત્ર ભણવાથી જ કામ રાખવાનું. આજુબાજુ મિત્રો બનાવવા, અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવો કે પછી મનમરજીના કપડા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા. મુગ્ધાને તો ગ્રેજ્યુએશન કરવા મળશે એ વિચારથી જ સંતોષ હતો.

કોલેજ શરૂ થઈ, પહેલા જ દિવસે કોલેજમાં મુગ્ધાની નજર મયંક પર પડી, મયંકે મુગ્ધા સામે સ્માઈલ આપી પણ મુગ્ધા નીચુ જોઈ ક્લાસ તરફ ચાલવા લાગી. 12માં ધોરણમાં જોડે અભ્યાસ કરતો મયંક મનોમન મુગ્ધાને ચાહતો હતો. મુગ્ધા સુંદર તો હતી જ સાથે હોંશિયાર પણ હતી. પપ્પાને ખબર ન પડે એમ એકવાર તેણે ડિબેટમાં પણ ભાગ લીધો. તેના વાક્પ્રતિભાથી કોલેજના પ્રોફેસર અને અન્ય સ્ટુડન્ટસ પણ ખૂબ પ્રભાવિત હતાં. મુગ્ધાને તો બસ આકાશ જોઈતું હતું ને મળી ગયું.

કોલેજમાં મયંકે ઘણીવાર મુગ્ધા સાથે બોલવાનો પ્રયત્ન કર્યો પણ મુગ્ધાએ કોઈ મચક ન આપી. કોલેજનું એક વર્ષ પૂરુ થઈ ગયું. મયંકે એકવાર સામેથી જ લાગ જોતા મુગ્ધા પાસે જઈ પ્રેમનો એકરાર કર્યો, મુગ્ધા કંઈ જ બોલ્યા વગર ચાલી ગઈ. આ પછી મયંકે મુગ્ધાને ક્યારેય કંઈ જ કહ્યું નહોતું. તેને ક્યારેય હેરાન નહોતી કરી કે ક્યારેય તેનું અપમાન નહોતું કર્યું. મુગ્ધાને મયંક પ્રત્યે આદર વધી ગયો હતો. મનોમન તો હવે મુગ્ધા પણ તેને ચાહતી હતી પણ એ શક્ય નહોતું. જો પપ્પાને ખબર પડી જાય તો ભણવાનું બંધ થઈ જાય. તેના હાથમાં આ ત્રણ વર્ષ જ હતાં પછી તો પાછી જેલ જ હતી. થયું પણ એવું જ. કોલેજના ત્રણ વર્ષ ક્યાં પૂરા થઈ ગયા ખબર જ ન પડી. ટી.વાય.બી.કોમની એક્ઝામ અપાઈ કે તરત જ મુગ્ધા માટે જ્ઞાતિમાં વર શોધવાની ક્રિયા ચાલુ થઈ ગઈ. મુગ્ધા મયંકને યાદ કરી અંદર ને અંદર શોષવાતી હતી, તેનું મન બળવો પોકારતું, ક્યારેક બધું છોડીને ભાગી જવાનું મન થતું. એકલતામાં મુગ્ધા ખૂબ રડતી.

આખરે મુગ્ધાના લગ્ન જ્ઞાતિના જ યુવક રાજીવ સાથે કરી દેવામાં આવ્યા. લગ્નની પહેલી જ રાતે રાજીવે મુગ્ધાને ચેતવી દીધી કે, `તે કોલેજ ભલે કરી પણ અહીં મોં માત્ર ખાવા માટે જ ખોલવાના રહેશે. અમારા ઘરમાં વહુઓ દેખાય છે પણ સંભળાતી નથી.’ મુગ્ધાને આ વાતની નવાઈ ન લાગી. તેના સપના તો પહેલા જ રોળવાઈ ગયા હતા. હવે કોઈ જ સપના જોવાની તેનામાં હિંમત હતી નહિ. પહેલાના જમાનામાં દીકરીઓને દૂધપીતી કરવામાં આવતી અને હવે ભણતરપીતી. આજે એને લાગતું હતું કે કાશ કે તે ભણી જ ન હોત તો ? ઘરની બહાર નીકળી જ ન હોત તો ? તો સારુ થાત. આવી રીતે ઢોરની જેમ જીવવામાં વાંધો ન આવત. ભણીગણીને તો તેના વિચારો આ બધુ સહન કરવામાં વિધ્નરૂપ થતા હતા.

દિવસો વીતતા ગયા. રાજીવ ઓફિસમાં બોસનો ગુસ્સો ઘરમાં મુગ્ધા પર ઉતારતો. મુગ્ધાને તેના પતિની મારઝૂડ પણ સહન કરવી પડતી. મુગ્ધાના કપડાથી લઈ ખાવાનું બધુ જ રાજીવની પસંદનું જ રહેતું, તેને રાજીવને પૂછ્યા વગર શ્વાસ લેવાનો પણ અધિકાર નહોતો. ક્યાંય હરવાફરવાનું તો વર્ષમાં એક-બે વાર બનતું. ઘરની ચાર દિવાલોમાં મુગ્ધા દિવસમાં અડધી કલાક મેળ પડે તો ટીવી સામે બેસી પોતાના પસંદની એકાદ સિરિયલ જોઈ શકતી. એક વાર મુગ્ધાએ રાજીવને વિનંતી કરી કે, `મને નવરાત્રીમાં એક જ દિવસ આપણી શેરીમાં ગરબા ગાવા જવું છે.’ હજુ તો વાક્ય પૂરુ કરે એ પહેલાં જ એક સણસણતો હાથ મુગ્ધાના ગાલ પણ ચાર આંગળીઓનું નિશાન છાપી ગયો. મુગ્ધાનું રૂદન તેની છાતીમાં જ ગોંધાઈ ગયું.

એકવાર મુગ્ધાની પડોશવાળા ઘરમાં એક ભાડુઆત રહેવા આવ્યા. મા-દિકરો બે જ જણ. ખબર પડતાં જ રાજીવે મુગ્ધાને ચેતવી દીધી, `બહુ વધારે લપ્પનછપ્પન કરવાની જરૂર નથી એમની સાથે. આવતી-જતી વખતે સંભાળીને રે’જે. જુવાન માણસ છે એટલે પાછી...’ મુગ્ધાને આ સાંભળી રાજીવ તરફ ધૃણા છૂટી. `છી... કેટલા ગંદા અને નીચ વિચારો ? હું આની સાથે ? શું પાપ કર્યા મેં પણ ?’ મુગ્ધા અંદરને અંદર સમસમી ગઈ પણ કંઈ જ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ.

એકવાર રાજીવ ઓફિસેથી કંઈક ટેન્શનમાં ઘરે આવ્યો, એમાંય મુગ્ધાથી શાકમાં થોડું મીઠુ વધારે પડી ગયું.. બસ આવી જ બન્યુ. મુગ્ધાને ઢોર માર મારવા લાગ્યો રાજીવ. ત્યાં જ પડોશમાંથી એ મા-દીકરો અવાજ સાંભળી દોડી આવ્યા. માંડ છોડાવી મુગ્ધાને.. મુગ્ધાએ નજર ઉઠાવી જોયું તો... મયંક ? મયંક અને તેના મમ્મી જ એમના પડોશી હતા. મુગ્ધાને પોતાની પરિસ્થિતિ પર ખૂબ શરમ આવી. ઊંચી નજર કરી મયંક સામે ફરી જોઈ પણ ન શકી. મયંક પણ મુગ્ધાને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આખરે જાતને સંભાળી તે તેની મા સાથે પોતાના ઘરે ચાલ્યો ગયો. આખી રાત મયંક મુગ્ધા માટે વિચારતો રહ્યો. આવી દુર્દશા બિચારીની ? મુગ્ધાના મનમાં પણ મયંકના જ વિચારો ચાલતા હતા.

બીજે દિવસે રાજીવ ઓફિસ ગયો એટલે ઘરનો બેલ વાગ્યો. મુગ્ધાએ દરવાજો ખોલ્યો તો મયંકના મમ્મી. `આવો ને આન્ટી..’ કહી મુગ્ધાએ તેમને બેસવા કહ્યું અને પાણી લેવા ગઈ. મયંકના મમ્મીએ મુગ્ધાને ઈશારાથી પોતાની પાસે બેસવા કહ્યું. મુગ્ધા સુનમુન તેમની પાસે બેસી રહી. આન્ટી તેની સામે બે મિનિટ જોઈ જ રહ્યા અને કહ્યું, `બેટા. તારા વિશે મને મયંકે બધી વાત કરી. તમે બેવ એકબીજાને ઓળખો છો. સારૂ કહેવાય. તને એક વાત પૂછું બેટા ?’

`બોલો ને આન્ટી, શું ?’ મુગ્ધાએ નીચુ જોઈ કહ્યું.

`તારા મા-બાપને કંઈ ખબર છે ? તારી આ હાલતની ?’ મયંકના મમ્મીએ લાગણીથી પૂછ્યું.

`ખબર હોય તો પણ શું કરવાના ? એ તો મને પરણાવીને મુક્ત થઈ ગયા. તેઓ આમાં પડવા તૈયાર નથી.’ કહેતા કહેતા મુગ્ધાની આંખો ભરાઈ આવી.

`બેટા મુંઝાતી નહિ, કંઈ કામ પડે તો કહેજે.’ કહી મયંકની મમ્મી ચાલ્યા ગયા.

થોડા દિવસ પછી રાજીવે ફરી મુગ્ધાના વાળ પકડી તેને સોફા પર પટકી અને હાથ ઊગામ્યો, પણ મુગ્ધાની નજર મયંક પર પડી... રાજીવે આ જોઈ કહ્યું, `કોણ છે તારો એ ?’ આ સાંભળી મુગ્ધાએ રાજીવનો ઉગમતો હાથ રોકી લીધો અને તેને ધક્કો મારી દીધો. `તું મને, તારા ધણીને ધક્કો મારે આટલી હિંમત ?’ કહેતા રાજીવ તેના તરફ આગળ વધ્યો. મુગ્ધાએ ફરી તેને હડસેલ્યો.

મુગ્ધાએ પોતાના રૂમમાં જઈ સામાન પેક કર્યો, તેના પગલા ઝડપભેર બારણા તરફ વધ્યા. રાજીવે તેને ચેતવી, `એકવાર બહાર પગ મુકીશ પછી મારા ઘરના દરવાજા બંધ જ સમજજે.’ મુગ્ધા પાછુ વાળી જોયા વગર જ નીકળી ગઈ. કંઈ જ બોલ્યા વગર મયંકની સામે એક નજર કરી મયંકના ઘરનો દરવાજો ખખડાવ્યો. મયંકની મમ્મીએ દરવાજો ખોલ્યો. મુગ્ધાએ કહ્યું, `આન્ટી એક રાત રહેવા દેશો ? કાલે મારી રીતે કંઈક સેટિંગ કરી લઈશ.’

`આવ ને બેટા ! તારુ જ ઘર સમજ.’ મયંકના મમ્મીએ મીઠો આવકાર આપ્યો.

મુગ્ધાની એ રાત ખૂબ જ મનોમંથનમાં વીતી. મયંક પણ મુગ્ધાનું આ રૂપ જોઈ આનંદની સાથે આશ્ચર્ય પણ પામ્યો. સવાર પડી. મયંકના મમ્મીએ ચાનો કપ મુગ્ધા તરફ આગળ કરતા કહ્યું, `બેટા કાયમ માટે અહીં ન ફાવે ? અમારી જોડે ?’

મુગ્ધા એક પળ માટે સ્થિર થઈ ગઈ. આ એક પળમાં તેને સમાજ શું કહેશે ? મા-બાપની આબરૂનું શું ? એ બધા જ વિચારો આવી ગયા. આ બધું જ વિચારી તેને અત્યાર સુધી શું મળ્યું ? એ સવાલ મનમાં આવ્યો અને બીજી જ પળે બધા વિચારો ફગાવી પોતાનું માથું મયંકની મમ્મી સામે હકારમાં હલાવ્યું. આ એક `હા’ એ મુગ્ધાને નર્ક સમાન જેલમાંથી મુક્ત કરી દીધી. મયંક અને મુગ્ધાની નજર મળી, બંનેની આંખો જાણે સાથે રહેવાના વાયદા કરી રહી હતી.

આજે મુગ્ધા કોલેજમાં પ્રોફેસર છે, બાકીના સમયમાં તે એક સારી ગૃહિણી, પત્ની અને દિવ્યાની મમ્મી પણ બની ગઈ છે. તેના મોકળા આકાશમાં પંખી બની વિહરે છે. કંઈપણ કરવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. પોતાના માટે વ્યાજબી નિર્ણય પોતે જ લે છે. દીકરી દિવ્યાને પણ તેણે પાંખો આપી છે... જોરથી હસવાની, બોલવાની, પ્રશ્નો પૂછવાની, જવાબ આપવાની અને ખૂલીને જીવવાની પાંખો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller