કોણ છે એ ? ભાગ -૧
કોણ છે એ ? ભાગ -૧
રામનગર પોલીસ સ્ટેશનમાં ફોન રણક્યો.
"હેલ્લો કોણ ?" ચાની ચુસ્કી લેતા ઇન્સ્પેક્ટર ઘોડબોલે બોલ્યા.
"સર, પ્લીઝ અમારો બાબો પ્લીઝ સર...." એક માણસ સામે છેડેથી બોલી રહ્યો હતો.
"હા બોલો. શું થયું ?"
"સર, અમારા બાબાની કોઈએ હત્યા કરી છે." એટલું બોલતા તો એ માણસ પુષ્કળ રડવા લાગ્યો.
તેની પાસેથી માંડ સરનામું લઇ, ઇન્સ્પેક્ટર ઘોડબોલે અને તેના બે વિશ્વાસુ કોન્સ્ટેબલ પાટીલ અને જ્હોન તે વ્યકતિના ઘરે પહોંચ્યા.
ઘરમાંથી ભારે રો-કકળનો અવાજ આવી રહ્યો હતો. દીવાલો પર દૂર દૂર સુધી લોહીના છાંટા ઉડયા હતા, અને સામે એક ૯-૧૦ વર્ષના છોકરાનું નિર્જીવ શરીર પડયું હતું, જેને વળગીને તેની માતા રડી રહી હતી, આડોશી-પાડોશી સહુની આંખો ભીની હતી, એટલા નાના બાળકની કોને આટલી ક્રૂર હત્યા કરી હતી એ બધાની સમજ બહારની વાત હતી.
ઈન્સ્પેક્ટર ઘોડબોલેએ તે માતાને બાળકથી અળગી કરી તપાસ આદરી. તે બાળકના ગાળામાં કાણું પડી ગયું હતું, જેમાંથી ઉડેલી લોહીની પિચકારીએ આખા ઓરડાની દીવાલો ચીતરી હતી.
"સર, લાગે છે આ બાળકની હત્યા ગોળી મારી કરાઈ છે." પાટીલે પ્રારંભિક અવલોકન કરતા કહ્યું.
" હમમમ.. મિ. અવિનાશ અમને એવું લાગે છે કે રોહનને ગોળી મરાઈ હશે. તમે કે તમારી પત્નીએ કો
ઈ બંદૂક ચાલવાનો અવાજ સાંભળ્યો હતો ?"
"ના સર, રોહન શાંતિથી આ રુમમાં તેનું હોમવર્ક કરી રહ્યો હતો. હું બહાર ટીવી જોતો હતો અને રોહનની મમ્મી રસોડામાં કામ કરી રહી હતી. કોઈ ગોળીનો અવાજ નથી સંભળાયો ."
ત્યાં તો ઘોડબોલેની નજર સામેની બારીના તૂટેલા કાચ પર પડી. પ્રારંભિક તપાસમાં તો એવું જ લાગી રહ્યું હતું કે કોઈ હત્યા કરી ભાગી ગયું હશે પણ એટલા નાના બાળકની હત્યા કોઈ શા માટે કરે તે પણ એક સવાલ હતો. રોહનના માતા-પિતાને સાંત્વના આપી, ઘોડબોલે અને તેની ટીમે બને તેટલા સબુત ભેગા કર્યા અને ફોરેન્સિકમાં ડૉ. દેસાઈ પાસે રોહનની લાશ તાપસ માટે મોકલી આપી.
હજી તો તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા જ હતા ત્યાં બીજો ફોન આવ્યો. ત્યાં તપાસ કરતા પણ માલૂમ પડયું કે આશરે ૬વર્ષની જ એક બાળકીની આવી જ રીતે ક્રૂર હત્યા થઇ હતી. ઇન્સ્પેક્ટર ઘોડબોલેને નાના બાળકો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો તેથી તેઓ ખુબ જ અકળાયા અને ગુનેગારને સખત સજા કરવાનો નિર્ણય લીધો.
પણ તેઓ એ વાતથી જ અજાણ હતા કે ગુનેગાર છે કોણ ? અને શું તે મળ્યા પછી તેને સજા કરી શકાશે? આ હત્યાઓ તો એક શરુઆત હતી કોઈના બદલાની. આ એ ઘટનાઓ હતી જે શહેરભરમાં મોતના તાંડવની આગાહી હતી.
(ક્રમશ:)