ભયાનક ભ્રમજાળ -8
ભયાનક ભ્રમજાળ -8


ભારે જહેમત બાદ મને એક રેકી થેરાપિસ્ટનો નંબર મળ્યો જે પાસ્ટ લાઈફ રીગ્રેશન વિશે માહિતગાર હતાં. મેં નંબર જોડયો.
" હેલ્લો સુધામેમ ?"
"હા, કોણ તમે ?"
"જી કેટલાક દિવસોથી મને ખુબ જ વિચિત્ર અનુભવો થઇ રહ્યા છે, જેનો સંબંધ મને મારા પૂર્વજન્મ સાથે લાગે છે. શું તમે મને મારો પૂર્વજન્મ સંપૂર્ણપણે યાદ કરાવી શકો ?"
" હા, કાલે સવારે દસ વાગ્યે મારા ઘરે પર આવજો."
સહેજ પણ વિલંબ કાર્ય વિના હું બીજા દિવસે દસ વાગ્યે પહોંચી ગયો. કાલી સાડી પહેરેલી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. પાછળથી એક આશરે 50 વર્ષની એક સ્ત્રીએ મને આવકાર આપ્યો."તમે મિ. ધ્રુવ ? અંદર આવો."
"જી." હું અંદર ગયો. ઘર ખુબ જ સુવ્યવસ્થિત હતું, એક રેક પર અનેક પુસ્તકો હતો, મને લાગ્યું સાચે હવે મને અહીંથી રસ્તો મળી જશે. મને એક આરામદાયક ખુરશી પર તેમણે બેસાડયો.
થોડા સમય બાદ તેમને એક શાંત મ્યુઝિક શરુ કર્યું અને મને આંખ બંધ કરી તે ધ્યાનથી સાંભળવા કહ્યું, મને ધીમા અવાજે તેઓ સૂચનાઓ આપી રહ્યાં હતાં. મને એવું લાગવા લાગ્યું જાણે હું ગાઢ ઊંઘમાં સરી પડયો હોવ તેવું લાગી રહ્યું હતું. મારી આંખો સામે કેટલાક દ્રશ્યો ફ્લિમની જેમ અવિરતપણે ચાલવા લાગ્યા. કોલેજના, ઘરના, બાળપણના કઈ કેટલીય આ જન્મની યાદો મેં જોઈ ખુબ જ સારું લાગી રહ્યું હતું.
ત્યારબાદ એક દ્રશ્ય આવ્યું એ વડનું ઝાડ જ્યાં બેસી હું સલોનીને યાદ કરી રહ્યો હતો એ જ ગામઠી કપડાં મેં પહેર્યા હતાં. ત્યારબાદ વળી પાછા એ જ દ્રશ્યો દેખાયા જે મેં મને આવી રહેલા ક્રમબદ્ધ સપનાંઓમાં જોયા હતાં. અચાનક એક નવું જ દ્રશ્ય આંખ સામે આવ્યું અને અગાઉના દ્રશ્યોની હારમાળા તૂટી.
દૂરથી પેલા બાબા દેખાઈ રહ્યાં હતાં. સાથે કોઈ બીજું પણ હતું પણ તેની પીઠ મારી દિશામાં હતી એટલે ખ્યાલ આવતો ન હતો કે એ વ્યક્તિ કોણ હતું. હું લપાતો-છુપાતો તેઓથી થોડે દૂર રહેલ એક ઝાડ પાછળ સંતાઈ ગયો, આ વિસ્તાર... લગભગ ગામની બહાર હતાં અમે, મને એ લોકોની વાતચીત હવે સ્પષ્ટપણે સંભળાઈ રહી હતી.
"ધન્યવાદ ગુરુજી,તમારા કારણે મારી મસાણી સાધના સફળ રહી. પણ એ છોકરી..."
"શ...શ...શ..." ધીમે બોલ, “મને તો આ ગામ વિશે મારી પાસે આવનાર એક વ્યક્તિએ જ કહ્યું હતું, અહીં લોકોને ઠગવા ઘણા સરળ હતાં. એ છોકરી મારી પાસે એના લગ્ન વિશે પૂછવા આવી ત્યારે જ મેં તેને વશમાં કરી લીધી. એના ઘરે જ આપણી સાધના પણ સંપન્ન થઇ, એમ પણ આ ગામમાં ઘણા બાળકો હતાં એકાદ ન રહે તો શું ?"
આ સાંભળતા જ હું એ બાબા પર આક્રમણ કરવા દોડયો, પણ એ લોકો 2 હતાં તેથી મારા પર કાબુ મેળવી લીધો અને પેલી બીજી વ્યક્તિએ એક ધારદાર પથ્થર મારા માથામાં માર્યો અને...
"ઓહ માં..." મારુ ધ્યાન તૂટી ગયું હતું, માથામાં અસહ્ય પીડા થઇ રહી હતી, મારી જ ખુરશી પર સુધામેમ બેઠા હતાં, અને પેલી કાળા કપડાંવાળી સ્ત્રી પણ ત્યાં જ હતી. મને એવું જ લાગી રહ્યું હતું કે હમણાં જ કોઈએ મને માથામાં પથ્થર માર્યો હોય.
"શું મેં જે દ્રશ્યો જોયા બંધ આંખે એ મારા પૂર્વજન્મના હતાં ?" મે સુધામેમને પ્રશ્ન કર્યો.
"શું તને એવી જ પીડા અત્યારે થઇ રહી છે માથામાં?"
"હા.અસહ્ય પીડા."
"તો હોઈ શકે કે એ ઘાના કારણે ગયા જન્મે તારો જીવ ગયો હોય અને મરતા સમયે તારા મગજમાં એ બાબા સાથે પ્રતિશોધ લેવાની ભાવના હતી એટલે જો આ જન્મે એ બાબા કે એના જેવા બીજા કોઈ વ્યક્તિ જોયા હોય કે કોઈ અન્ય ઘટના બની હોય અને તને એ જન્મ યાદ આવી ગયો. આ બધી આપણા મગજની કરામત છે."
સુધામેમની જો વાત સાચી હોય તો આ બાબાના કારણે જ ગયા જન્મમાં સલોનીને આટલી પીડા પહોંચી અને એને દોષી માની ખુબ જ ખરાબ મોત આપવામાં આવી, મારુ અને સલોનીનું બંનેનું અકાળ મૃત્યુ થયું. અમારા કેટલાય સપનાં અધૂરા રહી ગયા. મને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો આ જન્મે પણ મેં એ બાબાને જોયા, એ કઈ પણ કરે એ પહેલા હવે હું એને મારીને મારો અને સલોનીનો પ્રતિશોધ પૂરો કરીશ.