ભયાનક ભ્રમજાળ -5
ભયાનક ભ્રમજાળ -5
"ધ્રુવ , સલોનીના મમ્મીનો ફોન હતો રિયા પર. સલોની ઘરે નથી. " મારા ફોન ઉપાડતાજ રાજે સૂચના આપી.
"તો ક્યાં ગઈ એ ? મને પણ એને કંઈ કહ્યું ન હતું. અને હું તો મારા ઘરે જ છું તો એ એકલી ક્યાં ગઈ ?" મને ફાળ પડી. આમ તો સલોની કશે પણ જાય મને તો મેસેજ કરી જ દેતી. મને અજાણ્યો ડર લાગી રહ્યો હતો. સલોની ગાયબ હતી અહીં પણ અને સપનામાં પણ.
"રાજ, હું આવું છું. તું મને સેન્ટર પોઇન્ટ પર મળ."
"હા. ઓ.કે."
હું ઉતાવળે સેન્ટર પોઇન્ટ પહોંચ્યો, રાજ પણ તરત જ આવી ગયો. રિયા પણ આવી હતી.
"ધ્રુવ, મને લાગે છે આ જતીનનું જ કામ છે. એ બદલો લેવા માટે આવું કરતો હશે." રાજ બોલ્યો.
"હા હોઈ શકે. રિયા તું પણ સાથે આવે છે ?"મેં રિયાને પૂછ્યું.
"હા વળી , મને લાગે છે કે આપણે પહેલા જતીનને જ પૂછીએ."
"ના. જતીન એમ કઈ નહીં કહે. આપણે જાતે જ એની તપાસ કરવી પડશે. હું વિચારું છું કોલેજમાં એક વાર જઈ આવીએ. તમે લોકો પણ કારમાં જ આવો." મેં રિયા અને રાજને કહ્યું.
કોલેજનો તો મેઈન-ડોર જ બંધ હતો, કારણ કે અમારી કોલેજ 8 વાગ્યે શરુ થતી અને હજી સાડા છજ થયા હતા, વોચમેને પણ ના પાડી કે ત્યાં સલોની આવી જ ન હતી. ત્યારબાદ સાડા આઠ વાગ્યા સુધીમાં તો અમે સલોનીની બધી ફ્રેન્ડ્સને પણ ફોન કરી ચુક્યા હતા, સલોનીને પણ ફોન કરવાની ઘણી કોશિશ કરી, પણ અમારા બધાં પ્રયાસ નિષ્ફળ ગયાં.
"ધ્રુવ, હવે એક જ રસ્તો છે, કોલેજમાં જ જઈને જોઈએ. જતીન આવે છે કે નહીં, અને આવે તો ચૂપચાપ એનો પીછો કરીએ, હું રવિને પણ કહી દઉં છું."
"ના , બધે વાત નહીં કર, આપણે ત્રણ જ બરાબર છે, નહીં તો સલોનીની ઇમેજ ખરાબ થશે, અને એની હરીફાઈ પણ તો છે."
"હા, રિયા ચાલો તો પછી કોલેજ જ." મને પણ રિયાની વાત સાચી લાગી હતી.
જતીન કોલેજ આવ્યો હતો અને કોલેજ પત્યા બાદ એ એના બે મિત્રો સાથે નીકળી પડયો. હું, રાજ અને રિયા પણ એની પાછળ જ હતા. જતીનની કાર એક ઘર પાસે અટકી. અમે પણ ત્યાં પહોંચી ગયા.
"હવે શું કરીએ ધ્રુવ ? મને લાગે છે કે સલોની અહીંજ હશે." રિયાની શંકા બરાબર હતી.
લપાતા-છુપાતા અમે ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં તો પહોંચી ગયા, દરવાજો ખુલ્લો હતો અને એ જ રુમમાં જતીન અને તેના મિત્રો બેઠાં હતા.
"રાજ, ધ્રુવ, ઉપર જુઓ. એક રુમની બારી ખુલ્લી છે, હોઈ શકે ત્યાં જ સલોની હોઈ."
બીજા માળ પર આવેલા એ રુમની બારી ખુલ્લી હતી એટલે સંભાવના તો હતી, તથા એ જુના ઘાટનું ઘર હતું, બીજો માળ બહુ ઊંચોન હતો, રાજે ઘોડો કર્યો અને હું ઉપર ચડી ગયો. પણ મારો પ્રયાસ નિરર્થક ગયો. સલોની ત્યાં ન હતી. હું નીચે ઉતરવા લાગ્યો પણ રાજનો પગ સરક્યો અને ધડામ અવાજ સાથે હું અને રાજ જમીન પર પડયા, જતીન અને તેના મિત્રો બહાર આવી ગયા
"તમે ત્રણ કેમ આવ્યા અહીં ?"
કોઈ કઈ સમજે એ પહેલા તો રાજે જતીનનો કોલર પકડી લીધો , "એ જત
ીનયા તારી દુશ્મની ધ્રુવ અને મારી સાથે છે. સલોનીને વચ્ચે લાવવાની શું જરુર ? એને કેમ કિડનેપ કરી ?"
"મેં કિડનેપ ? હું તો આજે સવારે જ આવ્યો છું બરોડાથી. અને હું તમારા જેટલો પાગલ નથી કે કોલેજનું જીએસ ઈલેક્શન હારી જાવ તો એવું કરુ, જેલ જાવ. આપણે સામે વાર કરવામાં માનીએ આવી રીતે નહીં."
"રાજ જવા દે. અત્યારે મારે માટે સલોનીને શોધવું મહત્વનું છે. પણ જતીન જો તારો કઈ હાથ હશે તો હું મારા જીએસના હોદ્દાનો ઉપયોગ કરીને તને કોલેજમાંથી સસ્પેન્ડ કરાવીશ." અમે લોકો ત્યારબાદ ત્યાંથી ફટાફટ નીકળી ગયા.
સૂર્ય આથમી ચુક્યો હતો, 8 વાગ્યા હતા પણ હજી સલોની મળી ન હતી. સલોનીના પપ્પા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા પણ ચોવીસ કલાક થયા ન હતા તેથી ફરિયાદ ન થઇ શકી. અમે એક એક શોપિંગ મૉલ, બાગ ફરી ચુક્યા હતા, સલોની કશેજ ન હતી. રાજ હવે પુરપાટ ઝડપે કાર દોડાવી રહ્યો હતો, ત્યાંજ અચાનક...
"ચર... ચર... ચર..."રાજે શોર્ટ બ્રેક મારી. મારું ધ્યાન તો ત્યારે મોબાઈલમાં હતું અને રિયા પાછલી સીટ પર બેઠી ભગવાનનું નામ લઇ રહી હતી. અમારી બંનેની નજર રાજ પર પડી.
"રાજ, શું થયું ?" મેં રાજને બોલાવ્યો તો એ એકદમ ચમકી ગયો.
"ધ્રુવ, મને એવું લાગ્યું કે સામે રસ્તા પર કેટલાક લોકો કોઈ સ્ત્રીને ઘસડીને લઇ જઈ રહ્યા હતા એટલે મેં બ્રેક મારી પણ અત્યારે તો જો કોઈ નથી રસ્તા પર."
"રાજ શાંત થા. ધ્રુવ મને લાગે છે કે સવારથી આપણે કઈ ખાધું નથી એટલે અશક્તિને કારણે રાજને ભ્રમ થઇ રહ્યો છે.પહેલા કઈ ખાઈ લઈએ."
રિયાની વાત તો સાચી હતી અમારા ચારેયની પાક્કી દોસ્તી હતી એટલે સવારથી અમે પાગલની જેમ સલોનીને શોધી રહ્યા હતા.
"તમે લોકો ખાઈ લો. હું સલોની મળશે પછીજ ખાઇશ."
હું કારમાં જ બેસી રહ્યો પણ મારી આંખ હવે ભારે થઇ રહી હતી.
"સુરજ...સુરજ..."મેં પાછળ વળીને જોયું નંદિનીજ હતી, મેળામાં ભીડ પણ હવે વિખેરાઈ ગઈ હતી.
"નંદિની તું ક્યાં હતી ?"
"અરે અહીં જ હતી, એ તો ભીડમાં થોડી અટવાઈ ગઈ હતી."
"સારું ચાલ." હું અને નંદિની ચાલતા થયા.
સલોની ? હા હવે આ તો સલોનીજ હતી બ્લૂ જીન્સ અને સફેદ શર્ટમાં," ધ્રુવ, હું કોલેજની ટેરેસ પર છું,જલ્દી આવ."
"સલોની...સલોની..." ફરી મારી આંખ ખુલ. ફરી એકવાર સપનું ? સૂરજને તો નંદિની મળી ગઈ તો શું સલોની પણ મળી જશે ? આટલા સંજોગ ?
"રાજ, તું અને રિયા જલ્દી આવો. મને ખબર પડી ગઈ છે કે સલોની ક્યાં છે." ખબર નહીં કેમ પણ મારું મન હવે એ સપનાઓને સાચું માની રહ્યું હતું.
"હા, ધ્રુવ ક્યાં છે સલોની ?" રાજ અને રિયાએ આવતાવેંતજ પ્રશ્ન કર્યો.
"કોલેજની ટેરેસ પર."
"તને કોણે કહ્યું ?"
"એ બધું પછી સમજાવીશ રાજ.પહેલા સલોનીને લઇ આવીએ."
અને રાજે કોલેજ તરફ કાર હંકારી, સલોની મળી પણ બેહોશ.
(ક્રમશ:)