Khushbu Shah

Horror Fantasy Thriller

4.3  

Khushbu Shah

Horror Fantasy Thriller

ભયાનક ભ્રમજાળ -12

ભયાનક ભ્રમજાળ -12

5 mins
24K


 બાબા અને તેમના મિત્ર પણ ત્યાં જ હતાં, સાથે જ બાજુમાં એક પ્રકાશિત માનવાકૃતિ દેખાઈ રહી હતી.

"બાબા, આપણે હવે એ વડને સળગાવી દઈએ ?" મે અધીરાઈથી બાબાને પૂછ્યું.

"હા ચાલો." અમે બધા તૈયાર થઇ ચુક્યા હતાં પણ હજી તો પગથિયાં પાસે પહોંચીએ ત્યાં જ, પેલા ભૂતિયા બાળકો મંદિરના દાદરીયા ચઢી રહ્યાં હતાં, તે જોઈ અમારી તો આંખો ફાટી રહી ગઈ, કારણ કે અમને એ બાળકોનો ખુબ જ ખરાબ અનુભવ થયો હતો પણ બાબા શાંત હતાં.

"બાબા જ્યાં સુધી મને ખબર છે આવી દુષ્ટ આત્માઓ મંદિરમાં ન આવી શકે ને તો આ બાળકો અંદર કેવી રીતે આવી રહ્યાં છે ?" રીયાનો સવાલ વ્યાજબી હતો.

"આ મસાણ છે. નાના બાળકોની સાધના દ્વારા જાગૃત કરાયેલી આત્માઓ. એ લોકોમાં નકારાત્મકતા પણ છે અને બાળકો હોવાને કારણે સકારાત્મકતા પણ તેથી એ લોકો મંદિરોમાં પ્રવેશી શકે છે."

"પણ એ લોકો અમને મારવા માંગતા હતાં અને સલોનીનું શું થયું હશે?" મેં બાબાને પ્રશ્ન પૂછ્યો.

"હા એ આત્માના વશમાં છે આ લોકો, કઈ નહીં મારો આ વીર તેને પોતાના વશમાં કરી લેશે." બાબાએ પેલી પ્રકાશિત માનવાકૃતિ બતાવતા કહ્યું.

 અમે આ વાતો સાંભળી પણ ન હતી અને આજે જો આ પ્રત્યક્ષ અનુભવ ન થયા હોતે તો માનત પણ નહીં. અમે બધા વડ તરફ ચાલતા જ જઈ રહ્યાં હતાં. હવે અમારે માત્ર એ આત્માનો જ સામનો કરવાનો હતો અને બાબા પણ હતાં તેથી મને થોડી રાહત લાગતી હતી પણ સલોનીને લઈને હજી પણ મારુ મન વ્યગ્ર જ હતું. એકવાર સલોની મળી જાય, પછી મને કોઈ મારી નાખે તો પણ મને કોઈ પરવાહ ન હતી બસ સલોની બચી જવી જોઈએ. મને મનોમન રાજ અને રિયા માટે પણ માન થઇ રહ્યું હતુંં. એ લોકો એવા મિત્રો હતાં કે જેના કારણે આત્મા શું આખી દુનિયા સાથે પણ લડી શકાય.

  હજી તો મારા વિચારોની હારમાળા ચાલી જ રહી હતી અને આ શું ? બાબા, રાજ અને રિયા ક્યાં ગયા બધા? અને હું આ હાડપિંજરોની વચ્ચે કેમ ચાલી રહ્યો છું ? શું આ પણ એક ભ્રમ છે ? હું થોડો પાછળ હટી ગયો એટલે મારી બાજુમાં ચાલી રહેલા એક હાડપિંજરે મારી પાસે આવી મારો હાથ પકડયો, હું હવે વિરુદ્ધ દિશામાં ભાગવા લાગ્યો, હું ભાગતો જ હતો અને મારી પાછળ બે હાડપિંજરો પણ ભાગી રહ્યાં હતાં.

  હું એક પથ્થર સાથે અથડાયો અને રસ્તા પર પડયો, એ જ રસ્તાની જમણી તરફ એક ઝાડ નીચે સલોની દેખાઈ રહી હતી, પેલા બે હાડપિંજરો અહીં ન હતાં, હવે ભ્રમ શું હતો એ હાડપિંજરો કે સલોની. પણ, આટલી મુસીબતો બાદ સલોની મારી સામે હતી, હું તેની પાસે ગયો હજી તો હું એને પકડવા જાઉ, કોઈએ એને હાથેથી દૂર ખેંચી હોય એવું લાગ્યું, મેં ઉપર જોયું, એ આત્મા હતી. તેને સલોનીને પોતાના બાનમાં લઇ લીધી હતી.

  સલોની માત્ર કઠપૂતળી જેવી બની ગઈ હતી, તદ્દન મૂક, કાન ફાડી નાંખે તેવું અટ્ટહાસ્ય કરતી તે આત્મા મારી તરફ આગળ વધી, ચીસ પાડી મને એ ઝાડને ન સળગાવાની ધમકી આપવા લાગી. આજુબાજુ પડેલા નાના - મોટા પથ્થરો મારા પર ફેંકવા લાગી, ઘણાં પથ્થરો મને વાગી રહ્યાં હતાં.

  મેં ફરી રાખ કાઢી અને એના પર ફેંકવા જાઉ ત્યાં તો તેને સલોનીને આગળ કરી દીધી. તેનું ગળું દબાવા લાગી, મારા હાથ ત્યાં જ અટકી ગયા. હું ભગવાનનું નામ લેવા માંડયો પણ તેના પર કોઈ અસર થઈ રહી ન હતી.  

  અચાનક જ તે આત્મા આગની જવાળામાં લપેટાઈ ગઈ. તે ખુબ જ કારમી ચીસો પાડી રહી હતી. આ તરફ સલોની પણ હોશમાં આવી ગઈ, તે આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ, મેં તેની પાસે જઈ તેનો હાથ પકડી લીધો. ત્યાં જ સામેથી પેલા બે હાડપિંજરો આવતાં દેખાયા. એક અંતિમ ચીસ સાથે તે આત્મા ગાયબ થઈ ગઈ અને હાડપિંજરો અમારી એકદમ નજીક આવી ગયા હતાં. અમે બંનેએ આંખ બંધ કરી દીધી.

"ધ્રુવ, સલોની તમે લોકો બરાબર છો ને ?"

"હા રાજ, મને શું થયું હતુંં ? આપણે ક્યાં છીએ ?" એવું લાગી રહ્યું હતુંં જાણે આટલો વખત સલોની તે આત્માના વશમાં હતી.

"ધ્રુવ, તું અચાનક કેમ ભાગ્યો ?" રિયાએ મને પૂછ્યું.

"મને અચાનક એવો ભાસ થયો કે મારી આજુબાજુ હાડપિંજરો છે એટલે હું ભાગ્યો."

"અરે આપણે જ તો સાથે ચાલતા હતાં. એ અમે જ હતાં. અમે તારી પાછળ ભાગ્યા તું ક્યાં જાય છે તે જોવા અને તને બોલાવા અને બાબા પેલા વડને સળગાવવા ત્યાં જ રહ્યાં. લાગે છે બાબાએ સમયસર વડને સળગાવી દીધું. હવે ખતરો ટળી ગયો લાગે છે. રાજની વાત બરાબર હતી, એ આત્મા પણ જઈ ચૂકી હતી અને હવે અમે સલામત હતાં. મારી નજર અચાનક રિયા પર પડી તેના હાથમાં કઈ હોય એવું લાગ્યું.

"રિયા .. તારા ..."હજી તો હું કઈ પૂંછું તે પહેલા જ બીજો એક અવાજ મારા કાને અથડાયો.

"તમે બધા સલામત છો ને ?"

"હા બાબા, હવે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ ને ?" રાજે પૂછ્યું, મારી નજર હાથ પર જતી હતી વારંવાર.

" હા, એ તો ગઈ. પણ..."

"પણ, શું બાબા ?" અમને તો હવે "પણ " શબ્દથી ડર લાગી રહ્યો હતો.

" જ્યાં સુધી મને ખ્યાલ હતો, એની પાસે એ દુલર્ભ પુસ્તક હતી, જેમાં યક્ષ, કિન્નર, ભૂત- પિશાચ અને મસાણ સિદ્ધિની વિધિ હતી. અત્યારે તો એ પુસ્તક કશે મળતી નથી. પણ જો કોઈ દિવસ તે કોઈના હાથમાં આવશે અને તે એનો ખોટો ઉપયોગ કરશે તો આ બધી ઘટનાઓનું જ પુનરાવર્તન થશે...."

"તો આપણે એને શોધી એનો નાશ કરી દઈએ. ધ્રુવ તું, રિયા અને સલોનીને લઈને પહોંચતો થા. અમે આ અંતિમ કામ પતાવીને આવીએ." રાજમાં હવે ઘણી હિંમત હતી.

"ના, એની જરુર નથી. કારણ કે એ પુસ્તક રક્ષા સુત્રથી બંધાયેલ છે. જ્યાં સુધી એ રક્ષા સૂત્ર નહીં ખૂલે એ પુસ્તક નહિ ખૂલે, એ પછી હું મારા મિત્રો સાથે આવીને શોધી લઈશ." બાબાના જવાથી અમને રાહત થઇ અને અમે શહેર તરફ પાછા વળ્યાં.

"હેલ્લો ધ્રુવ, સલોનીને ઘરે મૂકી દીધી. કેવું છે એને હવે ?" આશરે બપોરે બે વાગ્યા હશે અને રાજનો ફોન આવ્યો.

"અરે રાજ, સલોનીને પણ સારું છે, આરામ કરતી હશે. તું પણ આરામ કર." મે ભારે ઊંઘમાં જવાબ આપ્યો.

"પણ મારે તને એક વાત કહેવી છે, ધ્રુવ."

"શું બોલ ? "

"રિયાની વર્તણુક થોડી અજીબ હતી. આઈ મીન આપણે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે ..."

"હા, મને પણ લાગ્યું. એના હાથમાં શું હતુંં ? મારું એકવાર ધ્યાન ગયું પણ સલોનીને સંભાળવામાં ખ્યાલ ન રહ્યો. "મને યાદ આવ્યું કે રિયા કાંઈ તો છૂપાવી રહી હતી.

"રાજ એક મિનિટ, સલોનીનો ફોન આવે છે મારા બીજા નંબર પર."

"ઓકે, ચાલ તમે લોકો વાત કરો પછી સાંજે છ વાગ્યે મળીએ."

"હા સારું ." અને મે સલોનીનો ફોન ઉચક્યો.

"હા બોલ, સલોની."

"હેલ્લો, રિયાની મમ્મીનો ફોન હતો, એ ઘરે પહોંચી જ નથી."

"શું ? પણ આપણે તો એને ઘરે મૂકી દીધી હતી ને પછી ?"

"ખબર નહીં કેમ ?"

"કઈ નહીં. ચાલ હું રાજને ફોન કરું છું તું પણ આવ. આપણે એને શોધવા જઈએ."

  મે ફટાફટ રાજને જાણ કરી અને એને મળવા બોલાવ્યો ત્યાં જ મને મારી કારની પાછલી સીટ પાસેથી એક ચીઠ્ઠી મળી.

"મને શોધતા નહીં. મારે પણ એ બધી સિદ્ધિઓ મેળવવી છે જે બાબા કહેતા હતાં. હા એ પુસ્તક મારી પાસે જ છે. બટ આઈ વોન્ટ ટૂ રુલ ધીસ વર્લ્ડ,

-રિયા. "

  તો શું રિયા હવે એ રસ્તા પર ચાલી નીકળી હતી ? એટલે ફરી આ ભયાનક ભ્રમજાળનું પુનરાવર્તન થવાનું હતુંં ? અને અમારે ફરી એકવાર એક લડાઈ લડવાની હતી એ પણ અમારી જ મિત્ર સાથે !

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Horror